Opinion Magazine
Number of visits: 9482309
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અંજલિ : સદગત જશીબહેન નાયક

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|10 September 2023

જશીબહેન નાયક

અમદાવાદના સરસપુર વિસ્તારના સરસ્વતી સમાં શિક્ષિકા જશીબહેન નાયકનું 105 વર્ષની વયે 9 સપ્ટેમ્બરે શનિવારે સવારે નવના સુમારે ઇંગ્લેન્ડના લિવરપૂલ શહેરમાં અવસાન થયું. તેઓ તેમના તબીબ ચિરંજીવી પ્રશાન્તને ઘરે રહેતાં હતાં.

ભાવનગરમાં 18 નવેમ્બર 1918ના રોજ જન્મેલાં જશીબહેન નાયક વાત્સલ્યમય શિક્ષક, ઉત્તમ શાળા સંચાલક અને ગદ્યલેખક હતાં. તેઓ અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલાં સરસ્વતી વિદ્યાલયનો જાણે એક સદી સુધી પર્યાય હતાં.

સરસપુરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર સભાગૃહની નજીક આવેલી ‘જશીબહેનની શાળા’ના સંકુલમાં અત્યારે બાળમંદિરથી બારમા ધોરણ સુધીની છ શાળાઓમાં પાંચેક હજાર બાળકો ભણે છે. આ શાળાઓનું સંચાલન સરસ્વતી વિદ્યામંડળ નામનું  ટ્રસ્ટ કરે છે.

જશીબહેન 18 નવેમ્બર 2018 ના રોજ જ્યારે એકસો એકમા વર્ષમાં પ્રવેશ્યાં ત્યારે સંસ્થાએ સરસ ઉજવણી કરી હતી. એ અવસર સંસ્થાની મૂળ શાળાના અમૃતપર્વનો  પણ હતો.

મૂળ શાળા તે ‘પતરાંની શાળા’, જે શિક્ષણવિદ્દ રઘુભાઈ નાયકે સ્થાપી હતી. રઘુભાઈ (1907-2003) વીસમી સદીના ગુજરાતના આદ્ય આધુનિક કેળવણીકાર. તેઓ 1976માં પદ્મશ્રીથી સન્માનિત થયા. રઘુભાઈએ આઝાદીની ચળવળમાં જેલ વેઠી હતી, રવીન્દ્રનાથ પાસે શાંતિનિકેતનમાં શિક્ષણ મેળવ્યું હતું, જર્મનીની ફ્યૂબર્ગ યુનિવર્સિટીમાંથી ડૉકટરેટ પ્રાપ્ત કરી હતી, સારી નોકરી માટેના પ્રસ્તાવ સ્વીકાર્યા ન હતા.

ગામડાંમાં શિક્ષણનું કામ કરવાના ઉદ્દેશ્યથી ભાવનગરની અનોખી શાળા ‘ઘરશાળા’માં નજીવા પગારે આચાર્ય બન્યા. સંસ્થાના સ્થાપક અને કેળવણીકાર હરભાઈ ત્રિવેદીનાં દીકરી એવાં શિક્ષિકા જશીબહેન સાથે લગ્ન કર્યાં.

રઘુભાઈ દેશનાં પાટનગરમાં ગુજરાતી બાળકોને ભણાવવા માટે શરૂ કરવામાં આવેલી સરદાર પટેલ વિદ્યાલયમાં પહેલાં આચાર્ય બન્યાં, કારણ કે એ વખતના દૂરંદેશી અર્થમંત્રી અને ગૃહમંત્રી રાજપુરુષ એચ.એમ. પટેલ રઘુભાઈની કેળવણીકાર તરીકેની ક્ષમતાને બરાબર પારખી ગયા હતા. રઘુભાઈએ અનેક સિદ્ધિઓ  મેળવી અને શિક્ષણક્ષેત્રે દેશભરમાં ખ્યાતિ પામ્યા.

રઘુભાઈએ સ્થાપેલી પહેલી શાળા તે સરસ્વતી વિદ્યાલય. આદર્શવાદી રઘુભાઈનું ધ્યેય અમદાવાદનાં અભાવગ્રસ્ત બાળકોને ભણાવવાનું હતું. વાત એમ હતી કે કાળુપુર સ્ટેશનની પાછળના વિસ્તારમાં, બંધ પડી ગયેલી માધુભાઈ મિલનાં કમ્પાઉન્ડનાં કેટલાંક મકાનો અને ગોડાઉનોમાં પતરાંના શેડમાં કારખાનાં ચાલતાં.

તેમાંથી બે-ત્રણ શેડમાં એક શાળા ચાલતી હતી. સગવડો અને સંખ્યાને અભાવે બંધ પડવા આવેલી એ શાળા રઘુભાઈએ તેના સંચાલક પસેથી લઈ લીધી. તેના માટે તેમણે પોતાના અને મિત્રો પાસેથી ઉછીના લીધેલા પચીસ હજાર રૂપિયા ચૂકવ્યા.

નવરચનાનું રઘુભાઈએ કામ શરૂ કર્યું એટલે સરસપુરમાં ડઝનેક મિલોનાં સાયરનો, ધૂળ, ધૂમાડા અને કોલસાની રજ વચ્ચે આવેલાં બિસ્માર મિલ કમ્પાઉન્ડમાં જ ઘર માંડ્યું. દમની બીમારી ધરાવતાં જશીબહેન આઠ મહિનાના દીકરા પ્રશાન્તને લઈને પતિને સાથ આપવા લાગ્યાં.

ભાવેણાની આનંદદાયી ‘ઘરશાળા’, સુખી ગૃહજીવન, વ્યાવસાયિક કારકિર્દી અને સ્નેહીઓને છોડી દીધાં. પાણી, અનાજ, જાજરૂ-બાથરૂમ, વીજળી, આવકનાં અભાવો સહિતની અનેક મુશ્કેલીઓ વેઠીને ઘરસંસાર ચલાવ્યો, સાથે શાળા પણ વિકસાવી.

નાયક દંપતીએ સરસ્વતી શાળાને વિષય શિક્ષણ ઉપરાંત બાળકના સર્વાંગીણ રુચિસંપન્ન  વિકાસ સાધવા માટેની ‘નૂતન શિક્ષણ’ની વિભાવના મુજબ આકાર આપ્યો. શાળાની જમીન રેલવેએ સ્ટેશનના વિસ્તરણ માટે સંપાદિત કરી. એટલે ખૂબ મહેનતથી 1959માં નવી જમીન મેળવી જ્યાં શાળાની બે મોટી ઇમારતો અત્યારે ઊભી છે.

શાળામાં ઉત્તમ શિક્ષકો તો રોક્યા જ. ઉપરાંત તેને સંગીત, નૃત્ય, નાટ્ય, સામયિક, ભીંતપત્ર, રમતગમત, સમાજકકાર્ય, વિદ્યાર્થીમંડળ જેવી પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનાવી. તેની માહિતી શિક્ષણક્ષેત્ર પરનાં પીઢ લેખક  હરિત પંડ્યાએ આલેખેલાં રઘુભાઈનાં વાચનીય ચરિત્ર ‘સપનાં થયાં સાકાર’માં મળે છે. આ પુસ્તક ઑસ્ટ્રેલિયાના અગ્રણી શિક્ષણવિદ ફ્રેડા વિટલૅમે (1920-2018) લખેલાં રઘુભાઈના ‘લાઇટ ઇન ધ ઇસ્ટ’ (1996) નામના જીવનચરિત્ર પર આધારિત છે.

જશીબહેનનાં સંસ્મરણો ‘સ્મરણયાત્રા’ (2001) પુસ્તક તરીકે વાંચવા મળે છે.તેમાં તેમણે શાળાની શરૂઆતનાં કપરાં વર્ષોનાં પ્રસંગો વિશે સહજભાવે અને શાળાને મદદરૂપ થનાર અનેક નાની-મોટી વ્યક્તિઓ વિશે કૃતજ્ઞતાથી લખ્યું છે.

ઉપેક્ષા કે ગેરસમજનો ભોગ બનેલાં વિદ્યાર્થીઓની કથાઓ ‘કાળી વાદળી ઉજળી કોર’(1987) સંચયની વાર્તાઓમાં મળે છે. આ પુસ્તક તેમણે ‘વિશાળ વડલા સમા વિદ્યાર્થીભક્ત ગુરુદેવ, કુટુંબવત્સલ પિતાશ્રી’ને અર્પણ કર્યું છે.

સરસ્વતી વિદ્યાલયની સુવાસ પ્રસરતાં અસારવા વિસ્તારના લોકોની માગણીને પગલે ત્યાં શરૂ થયેલી શાળામાં 1958 સુધી છ વર્ષ માટે આચાર્યપદે રહ્યાં. તે પછી અઢાર વર્ષ  દિલ્હીમાં સરદાર પટેલ વિદ્યાલયમાં રઘુભાઈ સાથે સહઆચાર્ય તરીકે 1976 સુધી રહ્યાં.

જશીબહેન અને રઘુભાઈ નાયક

મુંબઈથી વર્ષો પહેલાં બી.એ. થઈ ચૂકેલાં તેમણે ભણાવવાની સાથે ભણવાનું ફરીથી શરૂ કર્યું. મૉન્ટેસરી ટ્ર્રેઇનિન્ગ કોર્સ કરીને પછી એમ.એડ. સુધી ભણ્યાં. ચાલીઓ-ખોલીઓમાં વસતાં વિદ્યાર્થીઓ તેમ જ  પોતાનાં સંતાનો પ્રશાન્ત અને ઇરા વચ્ચે ભેદ ન રાખ્યો.

રઘુભાઈને 1952માં ફુલબ્રાઇટ સ્કૉલરશીપ હેઠળ અમેરિકા જવાનું થયું ત્યારે એક વર્ષ આખી શાળાનું સંચાલન કર્યું. જશીબહેન પોતે ભાષા, સમાજવિદ્યા અને સંગીતના શિક્ષિકા હતાં.

નવેમ્બર 2018માં જશીબહેનની અમદાવાદના પોલિટેકનિક વિસ્તારમાં આવેલી મૈત્રી સોસાયટી ઘરે મુલાકાત લીધી. તેમણે ખુરશીમાં સીધાં બેસીને મીઠા અને ધીમા અવાજે કહેલી સરસ  સાંભરણો સાંભળવા મળી.

જશીબહેન એકસોએકમાં વર્ષે પણ વિદ્યામંડળનાં પ્રમુખ તરીકે સંસ્થાની બેઠકોમાં હાજરી આપતાં. શાળાનાં બાળકોની નૃત્યનાટિકામાં માર્ગદર્શન આપતાં. એ જ્યાં હોય ત્યાંથી સંસ્થાના માસિક ‘ઘરશાળા’ માટે લેખો લખાવી મોકલતાં. લાંબો પ્રવાસ ખેડી શકતાં. એ લગભગ 2008થી દર વર્ષે છ-આઠ મહિના લિવરપૂલમાં તેમનાં તબીબ ચિરંજીવી પ્રશાંતભાઈને ત્યાં રહેતાં. તેમણે પુત્રને તેના સાઠમા જાન્મ દિવસે ‘સ્મૃતિના અસવાર’ પુસ્તક અર્પણ કર્યું છે. આ પુસ્તકમાં ‘શ્રમજીવનમાં છૂપાયેલ રત્નોનું આલેખન’ છે.

જશીબહેનની યાદોમાં વારંવાર આવતા તે શાળામાં કરાવેલાં ગીત-સંગીતનાં કાર્યક્રમો. શાળાની પ્રાર્થના સહિત અનેક વાર રવીન્દ્રસંગીત ચાલતું. તદુપરાંત પ્રહ્લાદ પારેખની ‘વર્ષામંગલ’ની રચનાઓ હતી. એ બધું દિલ્હીમાં ચાલુ રહ્યું, અને તેમાં ઉમેરાઈ ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ પરની નૃત્યનાટિકાઓ.

તેની સ્ક્રિપ્ટ્સ્ લખવા માટે બહેન ખૂબ મહેનત લેતાં. કાર્યક્રમોની પદ્યરચનાઓ જાણીતા કવિઓ પાસે પોતાના માર્ગદર્શન હેઠળ કરવાતાં. તેમાંની એકની પંક્તિઓ જશીબહેન બોલી બતાવે છે :‘ભારતમેં જન્મા થા ઐસા પુરુષ મહાન, લોગ ઉસે કહતે થે લોહે કા ઇન્સાન’.

મુલાકાત દરમિયાન કેટલીય યાદો ઉઘડી હતી : રઘુભાઈએ ઇન્દિરા ગાંધીને પુનાની ‘પીપલ્સ સ્કૂલ’માં કેટલોક સમય ભણાવેલાં, દિલ્હીની સ્કૂલમાં રાજેન્દ્રપ્રસાદ આવેલાં, સરદાર પરની સ્ક્રિપ્ટ માટે પાર્લામેન્ટની લાઇબ્રેરીમાં જતાં, અસારવા વિદ્યાલયની શાળામાં જશીબહેન સાઇકલ પર જતાં-આવતાં.

જશીબહેનનું એક સ્મરણ છે : ‘એક વખત રઘુભાઈ રસોડામાં ચમચીઓ ગણતા હતા. કોઈએ અંચબો વ્યક્ત કર્યો. એટલે તેમણે કહ્યું કે ‘એ સ્કૂલમાં ધ્યાન આપે તો મારે ઘરમાં થોડુંક ન આપવું જોઈએ’. જશીબહેન-રઘુભાઈના લગ્નની પચીસમી વર્ષગાંઠે સ્નેહરશ્મિએ હાઇકુ કર્યું : 

‘વીતી વસન્ત –

રૂસણે તારે તો-

હજી તે તાજી !’ 

‘પતરાંવાળી સ્કૂલ’ના કમ્પાઉન્ડમાં રહેતો, મદદ કરતો, જશીબહેનનાં બાળકોને વહાલ કરતો ‘કાબુલીવાલા જેવો’ ગફૂર પઠાન યાદ છે. અમદાવાદનાં અનેક તોફાનોમાં ‘કોણજાણે કેમ’ પણ શાળા સલામત રહી.

ભાગલા વખતે સિંધી હિજરતીઓનાં ધાડાં આવતાં. તેમને માટેનાં રાહતકામમાં રઘુભાઈએ શાળાને સામેલ કરી. તે વિશે જશીબહેને ‘સ્મરણયાત્રા’માં તો લખ્યું છે. પણ તે દિવસો એમને વારંવાર બધાને ખાસ કહેવા જેવા લાગે છે.

તેમાં રઘુભાઈએ એક સાવ બેસહારા હિજરતી ભાઈને  ચા બનાવીને શાળામાં કાયમ આપી જવાનું સોંપ્યું હતું તે પણ જશીબહેનને સાંભરે છે. જશીબહેનને યાદ છે તે ‘પતરાંની શાળા’માં ભણતાં મહેનતકશોનાં બાળકોનું અમદાવાદ. શ્રમજીવીઓ માટે શિક્ષણની સરસ્વતી જ્યાં વહે છે, વસે છે તે જશીબહેન નાયકનું અમદાવાદ. શ્રમજીવી વર્ગના સંતાનો માટે આજે સારું શિક્ષણ મુશ્કેલ બની ગયું છે ત્યારે જશીબહેન – રઘુભાઈ જેવા ભેખધારીઓ ખાસ યાદ આવે છે. 

__________________________________

સૌજન્ય : ડૉ.અશ્વિનકુમાર, પ્રા.જિતેન મૅકવાન, મનીષ પટેલ (ZCAD Group) અને સરસ્વતી વિદ્યામંડળ
આધાર : ‘નવગુજરાત સમય’ દૈનિકમાં નવેમ્બર 2018 માં પ્રસિદ્ધ થયેલો મારો લેખ
 લેખકે આધારરૂપ દર્સાવેલા આ લેખની લિંક :
https://opinionmagazine.co.uk/shahernaan-saraspurnaan-saraswati-samaam-shikshikaa-jasibahen-nayak-ekaso-ekmaam-varshmaam-praveshee-rahyaan-chhe/
e.mail : sanjaysbhave@yahoo.com

Loading

10 September 2023 Vipool Kalyani
← ચૂંટણી માત્ર સત્તા સુધી પહોંચવા માટેની નિસરણી નથી; પણ જે તે પ્રદેશની પ્રજાની વિશિષ્ટ અપેક્ષા, ફરિયાદ, અસંતોષ, ઊહાપોહ અને ડૉ રામ મનોહર લોહિયા કહેતા એમ નાગરિક શિક્ષણનું સાધન છે
દેવીદેવતાઓ દર્શન માટે છે, દેખાડા માટે નથી … →

Search by

Opinion

  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૮ (સાહિત્યવિશેષ : જૉય્યસ)
  • અર્થપૂર્ણ જીવનનું દર્શન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved