આ શ્રેણીમાં આપણે ભારતીય સંસ્કૃતિનો ઘાટ કઈ માટીમાંથી ઘડાયો એની ચર્ચા કરી રહ્યા છીએ. ભારત વર્ષમાં સંસ્કૃતિના ઘડતરની શરૂઆત વેદોથી થઈ હતી અને વેદો માનવજાતને શું શીખ આપે છે તે આપણે અગાઉ જોયું. વેદોમાં એવી કોઈ નાની વાત કહેવાઈ નથી જે હિંદુને નાનો, સંકુચિત અને ઝેરીલો બનાવે. ચારે ય વેદોનાં સૂક્તો ઉમદા મોતીની માળા સમાન છે.
વેદો પછી આવે છે ઉપનિષદો જેને વેદાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. વેદાંત એટલા માટે કે એ વેદોના અંત ભાગમાં આવે છે. બંને અર્થમાં અંત ભાગમાં. ક્રમમાં પણ અને પરિપક્વતામાં પણ. વેદાંત અર્થાત્ ઉપનિષદ એ વેદોનું પરિપક્વ ફ્ળ છે. એ વૈચારિક ઉત્ક્રાંતિનું પરિણામ છે. એમાં યાચનાઓ કે પ્રાર્થનાઓ નથી; પરંતુ પ્રશ્નો અને ચિંતન છે. રૂઢ અર્થમાં ઈશ્વરનું ચિંતન પણ નહીં, પરંતુ પરમ તત્ત્વનું ચિંતન. એમાં તત્ત્વચિંતનના મૂળભૂત પદાર્થોનું ચિંતવન છે. ઉપનિષદ વિશે ઉપનિષદમાં જ શું કહેવામાં આવ્યું છે એ જોઈએ એટલે તમને ઉપનિષદ શું છે એની જાણ થઈ જશે. છાંદોગ્ય ઉપનિષદના ૬૯માં સૂત્રમાં કહેવામાં આવ્યું છેઃ
यद्यप्येनत् शुष्काय स्थाणवे ब्रूयात,
जायेरन्नेवास्मिन् शाखा:, प्रयोहेयु: पलाशानीति
આ (ઉપનિષદમાં કહેવામાં આવેલું) જ્ઞાન કોઈ સૂકા ઠૂંઠાને પણ આપવામાં આવે તો તે નવપલ્લવિત થઈ જાય.
ઝાડને સુકાવા ન દેવું હોય તો તેનું સિંચન કરતા રહેવું પડે. ખાતર નાખવું પડે, માવજત કરવી પડે, સૂર્યનો પ્રકાશ તેને બરાબર મળે એ જોવું પડે. ઉપનિષદોએ આ કામ કર્યું છે. યાચનાઓથી આગળ પરમ તત્ત્વની ખોજ અને જીવનસાફ્લ્યની સાધના. જમીન પરથી સીધી આકાશની ઊંચાઈ.
ઉપનિષદોમાં પીરસવામાં આવેલું જ્ઞાન સૂકાયેલા ઠૂંઠાને પણ નવપલ્લવિત કરી શકે છે એમ ઉપનિષદ પોતે કહે છે અને તેની પાછળ હેતુ છે. અભિપ્રાય એવો છે કે વેદોની સંહિતાઓને અનુસરી વેદકાલીન ભારતમાં જ્યારે પ્રાર્થના અને યાચનાઓ અને તેની સાથે મનોકામના સાકાર થાય એ માટેના યજ્ઞાયાગાદિ વગેરે કર્મકાંડો વધવાં માંડયાં ત્યારે ઉપનિષદોના ઋષિઓને સમાજ કુંઠિત થતો જોવા મળ્યો. વેદની સંહિતાઓ સ્થૂળ સુખ પામવા માટે નથી. બ્રાહ્મણો જ્યારે કોણ શું કરી શકે અને કોણ શું ન કરી શકે એના અધિકાર-અનધિકારની વ્યાખ્યામાં પડયા અને કેટલાક લોકોને બહાર રાખતા થયા ત્યારે ઉપનિષદના ઋષિઓને એમ લાગ્યું હતું કે આ તો સમાજને જોડવાની જગ્યાએ અંતર વધારવાનું કામ કરી રહ્યા છે. આત્મા અને પરમાત્મા અને વ્યષ્ટિ અને સમષ્ટિ વચ્ચે એકત્વ વિકસાવવાની જગ્યાએ સમાજમાં તિરાડો પાડવામાં આવી રહી છે.
આમ જ્યારે ઉપનિષદના મંત્રો આપનારા દ્રષ્ટા ઋષિઓને એમ લાગ્યું કે ઝાડ ઠૂંઠું બની રહ્યું છે ત્યારે તેઓ પરમ ઉપકારક જ્ઞાન લઈને આવ્યા હતા. આધુનિક ભાષામાં કહીએ તો ઉપનિષદના ઋષિઓ સમાજસુધારક હતા અને ધર્મસુધાર માટે પ્રોટેસ્ટંટો (પ્રોટેસ્ટ-વિરોધ કરનારા) હતા. પ્રવાહ અટકી ગયો છે તો તેમાં સુધારો કરો. બીજા કાન આમળે કે નીચા દેખાડે એ પહેલાં જ સામે ચાલીને સંશોધન કરવું અને મર્યાદાઓની દુરુસ્તી કરવી એ બહુ મોટો સામાજિક ગુણ છે અને પ્રાચીન ભારતમાં એ ગુણ નજરે પડતો હતો.
બીજી બાજુ મહાવીર, બુદ્ધ અને બીજા અનેક અત્યારે વિસ્મૃત થઈ ગયેલા વિચારકોએ પણ સુધારાના પ્રયાસ કર્યા હતા. સમાજને યાચનામુક્ત, કર્મકાંડમુક્ત, અધિકાર-અનધિકારના ભેદમુક્ત કરવા માટે પ્રયાસ કર્યા હતા. એ પુરુષાર્થી વિચારધારા હતી જેને આપણે શ્રમણદર્શન તરીકે ઓળખીએ છીએ. ઈશ્વરકૃપાની, ગુરુકૃપાની કે ગ્રંથપ્રમાણની જરૂર નથી; માણસ પોતે જ ભગવત્ સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. આમ તો શ્રમણગ્રંથોમાં ભગવાન શબ્દ સાધક માટે વપરાયો છે, પરંતુ બુદ્ધ અને મહાવીર જેવા સાધકોની ઈશ્વરને આંબતી ઊંચાઈને જોઇને ઈશ્વર માટે ભગવાન શબ્દ વપરાવા લાગ્યો હતો. કેવો એ લોકોનો પુરુષાર્થ હશે એની કલ્પના કરી જુઓ!
આમ ઉપનિષદોના ઋષિઓએ વેદોના દર્શનને અમુક રીતે પરિષ્કૃત કરીને નવી ઊંચાઈ આપી હતી અને શ્રમણદર્શનના દાર્શનિકોએ માણસને અવલંબનમુક્ત કર્યો હતો. વેદોની સંહિતાઓના નામે જો આદર્શ સમાજને શોભે નહીં એવી ઓછી વાત કહેવાતી હોય, કામનાઓ પાછળ દોટ મૂકવામાં આવતી હોય અને અધિકારભેદ પેદા કરવામાં આવતા હોય તો એક વખત વેદવચનને નકારવું પડે તો નકારવાની હિંમત રાખવી જોઈએ. એ ઋષિઓ વેદવિરોધી નહોતા, પરંતુ વેદોનું વચન નખશીખ માણસાઈમાં અવરોધરૂપ બનતું હોય તો વચનપ્રમાણને પણ નકારવું જોઈએ એમ માનનારા હતા.
આ રીતે જુઓ તો ઉપનિષદોના ઋષિઓ અને શ્રમણદર્શનના અર્હંતો એક જ દિશાના પ્રવાસી હતા. માણસને માણસ બનાવવો. એ એક સામાજિક-ધાર્મિક આંદોલન હતું. એટલે મેં આગળ કહ્યું છે એમ ઋષિઓ અને અર્હંતો એક જ સમયે સમાજસુધારકો પણ હતા અને પ્રોટેસ્ટંટો પણ હતા. બતાવો જગતનો કયો પ્રદેશ છે જેને આવો અવસર મળ્યો હોય! શું તમને નથી લાગતું કે આપણી પાસે બીજાને ઈર્ષ્યા થાય એવો અમૂલ્ય વારસો છે? એ વારસાની કિંમત આપણે નહીં કરીએ તો શું બીજા કરશે?
હા, બીજાએ પણ કરી છે. બીજાઓમાં સૌથી પહેલાં જેમણે હિંદુ સંસ્કૃતિ અને જ્ઞાનની કદર કરી તેમાં દારા શિકોહ અને તેની બહેન ફતિમા ઉફ્રે જહાનઆરા નોંધપાત્ર હતાં. આ બંને કોણ હતાં? મુઘલ બાદશાહ શાહજહાંનાં સંતાનો અને ઔરંગઝેબનાં ભાઈ-બહેન. જેવી રીતે વિદ્યારણ્ય સ્વામીએ ઇ. સ. ૧૩૫૦માં સર્વ વર્ણના લાભાર્થે ઉપનિષદોનાં વિવરણોનો સંગ્રહ કર્યો, તેવો જ ઉપકાર ઉત્તર મોગલ રાજ્યના સમયમાં ઈ. સ. ૧૬૩૭માં શાહજહાં બાદશાહના પુત્ર દારા શિકોહે ઉપનિષદોના ફારસી ભાષાંતર વડે કર્યો, એમ ભારતીય દર્શનના પ્રકાંડ વિદ્વાન દીવાન બહાદુર નર્મદાશંકર દેવશંકર મહેતા તેમના ‘ઉપનિષદ વિચારણા’ નામના ગ્રંથમાં કહે છે. દારા શિકોહને એમ લાગ્યું હતું કે ઉપનિષદોમાં કહેવાયેલું જ્ઞાન સકળ જગતના લાભાર્થે ઉપલબ્ધ કરી આપવું જોઈએ, કારણ કે સૂકા ઠૂંઠાને નવપલ્લવિત કરવાની તે ક્ષમતા રાખે છે.
દારા ઉપનિષદોના ભાષાંતરની પ્રસ્તાવનામાં લખે છેઃ “હું હીજરી ૧૦૬૭(ઈ.સ. ૧૬૨૦)માં ફ્કીરરૂપે કાશ્મીર દેશમાં ગયો ત્યાં મને વિદ્યામાં નિપુણ હજરત મુલ્લાશાહનાં દર્શન થયાં. તે સંત ખુદાના વિચારક હતા. તેમણે ઘણાં ધર્મોનાં ગ્રંથ જોયાં જાણ્યાં છે, અને તેના ઉપદેશકોની મુલાકાત લીધી છે. તેમના અભિપ્રાય પ્રમાણે કુરાનના કેટલાક પ્રશ્નો એવા છે જે સાધારણ માણસો સમજી શકે તેમ નથી. તે સમજવા સારું તેણે ઘણાં પુસ્તકો વાંચ્યા હતાં, પણ તેને એકેશ્વરવાદનો ખુલાસો થયો નહીં. તેમને દિલગીરી થઈ કે એક ધર્મના એકેશ્વરવાદીઓ બીજા ધર્મના એકેશ્વરવાદીઓ સાથે એવી ખરાબ રીતે વર્તે છે કે તેઓ પોતાના ધર્મસિદ્ધાંતને લાંછન લગાડે છે. તેવા મનુષ્યો ખુદાના ધોરી રસ્તાના લૂંટારા છે. હજરત મુલ્લાશાહ જણાવે છે કે હિંદુઓના જૂના ધર્મમાં ચાર વેદ છે. આ ચાર વેદ પેગંબરી ધર્મ(ઇસ્લામ)ના ઉદય પહેલાનાં છે. વેદવાદીઓ મોટામાં મોટા તત્ત્વને બ્રહ્મ કહે છે. આ તત્ત્વમાંથી દુનિયાની સઘળી ચીજો પેદા થઈ છે. આ વિદ્યા વેદમાં સમાયેલી છે. પણ આ વેદના સારભૂત એક લાખ મંત્રોવાળા ઉપનિષદો છે. તેના ઉપર વિદ્વાનોએ ટીકા અને નિબંધો લખ્યા છે. આ લોકો એમ માને છે કે ધર્મનો (વેદોનો) સાર તેમાં છે.”
એ પછી દારા શિકોહે ઉપનિષદોનો અનુવાદ પર્શિયનમાં કર્યો હતો અને કરાવ્યો હતો જે ‘સિરે અકબર’(મોટી ગુપ્ત વિદ્યા)ના નામથી પ્રકાશિત કરવામાં આવ્યો હતો. એ અનુવાદો પછી ઈરાન ગયા અને ત્યાંથી જગતમાં ગયા.
એ ભાષાંતર વિશ્વપ્રસિદ્ધ જર્મન ફ્લિસૂફ શોપેનહોરના હાથમાં આવ્યું. શોપેનહોર ઉપનિષદ વિશે શું લખે છે એ જુઓઃ “આ ઉપનિષદોની પ્રત્યેક પંક્તિ કેવા ચોક્કસ સ્પષ્ટ અને મધુર અર્થને વ્યક્ત કરે છે! પ્રત્યેક વાક્યમાં કેવા ઊંડા અપૂર્વ અને ભવ્ય વિચારો પ્રગટ થાય છે,
અને સમગ્ર ગ્રંથમાં ઋષિઓના ઉદાર, પવિત્ર અને ઉત્સાહવાળા આશયો કેવા ઝળકે છે! આખા વિશ્વમાં મૂળગ્રંથ વિના ભાષાંતરના રૂપમાં પણ કોઈ અભ્યાસ લાભદાયક અને આપણા મનને ઊંચી દિશામાં લઈ જનારા હોય તો તે આ ઉપનિષદો જ છે. તે ગ્રંથોમાં મારા જીવનનો વિષય છે અને પ્રાણપર્યંત તે વડે મને શાંતિ મળતી રહેશે.”
આમ મુલ્લાશાહ, દારા શિકોહ, જહાનઆરા અને ઊંચા ગજાનો જર્મન ફ્લિસૂફ શોપનહોર કહે છે કે ઉપનિષદો ઉદારતા શીખવાડનારા અને આપણા મનને ઊંચી દિશામાં લઈ જનારાં છે. આવાં સર્ટિફ્કિેટ વિધર્મીઓ અને વિદેશીઓ આપે છે. સવાલ એ છે કે તેમને ઉપનિષદો જે રીતે અને જેટલાં સ્પર્શ્યાં તે રીતે અને તેટલાં આપણને સ્પર્શે છે ખરાં? આપણી દ્રષ્ટિ વિકસવાને બદલે જો સંકુચિત બની હોય તો તેના માટે જેમ વેદો કારણભૂત નથી એમ ઉપનિષદો પણ નથી. ઉપનિષદો તો માનવીને હજુ વધુ પરિષ્કૃત મુમુક્ષુ બનાવવાનો પ્રયાસ કરે છે.
જો તમારી અંદર સો ટચના સોના જેવો હિંદુ બેઠો હોય તો તેણે વેદોને, ઉપનિષદોને, તેના રચયિતા ઋષિઓને તથા તેનો પ્રસાર કરનારા દારા શિકોહ અને શોપનહોર જેવા ચાહકોને પ્રણામ કરવા જોઈએ.
e.mail : ozaramesh@gmail.com
સૌજન્ય : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 07 ઍપ્રિલ 2019
http://sandesh.com/priceless-cultural-heritage/