મને લાગે છે કે ભારત સમજ્યા વગર અમેરિકાના રાજકારણમાં પરોક્ષ રીતે દખલ કરી રહ્યું છે. હમણાં હમણાં રોજ મારા પર બેચાર ઇ-મેઇલ આવતા હોય છે અને એમાં ટ્રમ્પ કેવા ભારતતરફી છે એની વાત કરવામાં આવતી હોય છે. અહીં 'ભારત' શબ્દનો અર્થ હોય છેઃ ‘મોદીતરફી’ / ‘ભા.જ.પ.તરફી' / 'હિન્દુત્વતરફી' / 'મુસ્લિમવિરોધી' / 'પાકિસ્તાનવિરોધી' / 'કાશ્મીરતરફી'. આ સંદેશાઓમાં અમને અર્થાત્ અમેરિકામાં વસતા ભારતીયોને કહેવામાં આવતું હોય છે કે તમે ટ્ર્રમ્પને જીતાડજો. કેમ કે ડૅમોક્રેટો ભારતવિરોધી છે!
હું બાવીસેક વરસથી અમેરિકામાં છું. હજુ મેં અમેરિકાનું નાગરિકત્વ લીધું નથી, પણ, હું અમેરિકાના રાજકારણમાં ખૂબ ઊંડાણથી રસ લઉં છું. કેમ કે અમેરિકાના રાજકારણમાં જે કંઈ બને, તેનો પ્રભાવ મારા રોજબરોજના જીવન પર પડતો હોય છે.
હું એક ઇમિગ્રન્ટ છું. એથી મને બે પ્રશ્નો થાય : ડૅમોક્રેટ ઉમેદવાર હોય કે રિપબ્લિકન. ઈમિગ્રન્ટને કોણ કઈ રીતે કેવો ટેકો આપે છે? ટ્રમ્પે ઇમિગ્રન્ટની સામે લીધેલાં પગલાં બતાવે છે કે ટ્રમ્પ ઇમિગ્રન્ટ તરફી નથી. દા.ત.
(૧) ટ્રમ્પે એચ-૧ વીઝા પર કડક નિયંત્રણો મૂક્યાં છે,
(૨) ટ્રમ્પે એચ-૪ વીઝાધારકોને કામ કરવાની પરવાનગી રદ્દ કરવાનું અવારનવાર કહ્યું છે,
(૩) ટ્રમ્પશાસને જે લોકો એચ-૧ પર કામ કરતા હતા અને જેમની કોરોનાકાળ દરમિયાન નોકરી જતી રહી, તેમને નોકરી નથી એટલે પાછા મોકલવાની વાત કરી છે. એ દરમિયાન જે લોકો ભારતમાં હતા, તેમને પાછા અમેરિકામાં પ્રવેશ કરવા દેવાની ના પાડી છે,
(૪) ટ્રમ્પના સમયગાળામાં જ ગેરકાયદેસર ઇમિગ્રન્ટોને ઘણા હેરાન કરવામાં આવ્યા છે અને એમ કરતી વખતે માનવઅધિકારોનો છડેચોક ભંગ થયો છે. દા.ત. બાળકોને માબાપથી અલગ કરવામાં આવ્યાં છે અને કેટલીક સ્ત્રીઓનું એમની જાણબહાર પરિવારનિયોજન કરી નાખવામાં આવ્યું છે. તેમાં એક ભારતીય દાક્તર (ગુજરાતી) સામેલ હતાં. હું સમજું છું કે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ અસ્વીકાર્ય છે, પણ એમની સાથેનો વ્યવહાર આવો ન હોઈ શકે. અમેરિકા હંમેશાં માનવતાને મહત્ત્વ આપતું આવ્યું છે. ટ્રમ્પના આવ્યા પછી એમાં તિરાડ પડી છે.
(૫) કોરોનાના પાપે જો કોઈ યુનિવર્સિટી ડિસ્ટન્ટ એજ્યુકેશન (distant education) આપે તો વીઝા પર આવેલા વિદ્યાર્થીઓના વીઝા આપમેળે જ રદ્દ થાય, એવી વ્યવસ્થા કરવામાં આવી છે,
(૬) ઈમિગ્રન્ટ સિટિઝન્સ પર એમનાં કુટુંબીઓને બોલાવવા અંગે આકરા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. એમાંના એક પ્રતિબંધ પ્રમાણે, જો ઇમિગ્રન્ટ માબાપને અહીં બોલાવે અને જો એ માબાપ સિનિયર સિટિઝન હોય, તો એમની મેડીકેઈડ સેવાની એટલે કે આરોગ્યની સેવાની જવાબદારી બોલાવનાર ઇમિગ્રન્ટની. એનો અર્થ એ થયો કે ઇમિગ્રન્ટનાં માબાપ નાગરિક બન્યાં પછી પણ અમેરિકામાં જન્મને આધારે નાગરિકતા ધરાવતા લોકો કરતાં ઓછા લાભ મેળવે!
(૭) ટ્રમ્પે ઓબામા કેર (સરકારી વીમાયોજના) રદ્દ કરવાના ઘણા પ્રયાસો કર્યા છે. જ્યારે મારી નોકરી ગયેલી ત્યારે મેં આખા કુટુંબનો ઓબામા કેર મહિને પાંત્રીસ ડૉલરમાં લીધેલો. જો કે, એ જ વરસે પાછળથી મને સારી નોકરી મળી, ત્યારે મારે આખા વરસનું વધારે પ્રિમિયમ ભરવું પડેલું. પણ, એ જુદી વાત છે. ઓબામા કેર આવક પ્રમાણે પ્રિમિયમ નક્કી કરે છે. ઓબામા કેરમાં ઘણી મુશ્કેલીઓ છે, પણ એ મુશ્કેલીઓ દૂર કરવાને બદલે ટ્રમ્પ ઓબામા કેર જ દૂર કરવાની વાત કરે છે. કોરોનાકાળમાં નોકરી જતાં વીમો પણ ગયો. એ બધાંને કોબ્રા વીમો મળે. પણ એનું પ્રિમિયમ ખૂબ હોય.
(૮) ટ્રમ્પને ધોળા લોકોની સર્વોપરિતામાં માનતાં – વ્હાઇટ સુપ્રિમસિસ્ટ જૂથો માટે સહાનુભૂતિ છે. એનો અર્થ એ થયો કે જો ભારતીય પ્રજા, મોદીસાહેબની ટ્રમ્પ સાથેની મૈત્રીની તરફેણમાં, ટ્રમ્પને મત આપે તો એ લોકો વ્હાઇટ સુપ્રિમસિસ્ટ ફિલસૂફીની તરફેણ કરી રહ્યા છે. હું એવું ન કરું. કેમ કે વ્હાઇટ સુપ્રિમસિસ્ટ જૂથો માને છે કે કેવળ શ્વેત પ્રજા જ બુદ્ધિશાળી છે, કેવળ શ્વેત પ્રજા જ રાજ્ય કરી શકે, અમેરિકા કેવળ શ્વેત પ્રજાનું જ છે, બીજા બધાને અમેરિકાના કોઈ લાભ ન મળવા જોઈએ. આવાં જૂથો ગલીઓમાં આવી જાય તો એ લોકો ભારતીયોને મારતી વખતે એમ નથી પૂછવાના કે તમે મોદીતરફી છો કે નહીં? એ લોકો પણ ટ્રમ્પની જેમ એવું માને છે કે અમારી નોકરીઓ વિદેશીઓએ લઈ લીધી છે.
(૯) એ હકીકત છે કે ટ્રમ્પના શાસનકાળ દરમિયાન બેરોજગારી ઘટી ગયેલી, અર્થતંત્ર પણ ઊંચું આવેલું. પણ, હું માનું છું કે ટ્રમ્પને બદલે બીજું કોઈક અમેરિકાનું પ્રમુખ હોત તો પણ આમ જ થતું. કેમ કે અમેરિકાનું અર્થતંત્ર કદી પણ બહુ લાંબા ગાળા સુધી નબળું રહેતું નથી.
(૧૦) અમેરિકામાં વસતા ભારતીયો અમેરિકન પ્રજા કરતાં પૈસેટકે વધારે સુખી છે. એ લોકો સરેરાશ વરસે એક લાખ ડૉલર કમાય છે. એની સામે શ્વેત અમેરિકનો લગભગ ૬૫,૦૦૦ ડૉલર કમાય છે. જેમ ભારતમાં મધ્યમ વર્ગ એમ માને છે કે એ લોકો મોદીના કારણે શ્રીમંત બન્યા છે, એમ અમેરિકામાં વસતો ભારતીય મધ્યમ વર્ગ પણ એમ માને છે કે જો ટ્રમ્પ ન હોત તો તે આટલો શ્રીમંત ન બન્યા હોત. રામ જાણે કેમ, બન્નેમાંથી એકેયને પોતાની આવડત પર કેમ ભરોસો નહીં હોય?
(૧૧) પહેલાં ભણેલાગણેલા ભારતીયો અમેરિકા આવતા હતા. પછી એમનાં કુટુંબીઓને પણ અમેરિકા બોલાવવાની વ્યવસ્થા શરૂ થઈ. એ સાથે અનેક ભારતીયોનાં કુટુંબો અમેરિકા આવ્યાં. એમાંનાં મોટા ભાગનાં વ્યવસાયમાં ગયાં. એથી અમેરિકાને ફાયદો થયો એમાં બે મત નથી. પછી આઇ.ટી.ના કારણે અનેક ભારતીઓ અમેરિકા આવ્યા. એમનાં કુટુંબો પણ અમેરિકા આવવા લાગ્યાં. એ આઇ.ટી.વાળાઓમાંના મોટા ભાગના મધ્યમ વર્ગના હતા. સમગ્ર જગતમાં એવું બનતું આવ્યું છે: મધ્યમ વર્ગ મોટા ભાગે સંસ્કૃતિની અને રાષ્ટ્રની તરફેણ કરે. અમેરિકામાં વસતા, ખાસ કરીને આઇ.ટી. ક્રાંતિ પછી અમેરિકા આવેલા મોટા ભાગના ભારતીયો ભલે અમેરિકામાં રહેતા હોય, એમને દહીંમાં ને દૂધમાં બન્નેમાં પગ રાખવો છે. મધ્યમ વર્ગની આ મનોદશા છે. શાસકો આ મનોદશાનો લાભ લેવા માગે છે.
(૧૨) જો કોઈ રાષ્ટ્ર ભારતના નાગરિકોને એમ કહે કે તમે મોદીને કે ભા.જ.પ.ને મત ન આપતા, તો આપણે એ રાષ્ટ્રને કહી દેતા : ‘અમારી આંતરિક બાબતોમાં દખલ ન કરો.’ મને લાગે છે કે ભારતે પરિપક્વ લોકશાહી દેશ તરીકે બહાર આવવું હશે તો એણે પણ અમેરિકામાં કે બીજા દેશોમાં અપરોક્ષ દખલગીરી કરવાનું બંધ કરી દેવું જોઈએ.
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 19 ઑક્ટોબર 2020; પૃ. 13-14