સ્વરાજ સંક્રાન્તિની કીમિયાગરી
ગુજરાતને સામાન્યપણે ગાંધી ને (કેટલીક વાર જો કે માપબહારના જોસ્સાથી) સરદારનું કહેવાનો ચાલ છે; અને બંને નિઃશંક એવી પ્રતિભાઓ છે જેનાથી ઓળખાવું ગમે. એમનાથી ગુજરાત અને ગુજરાતથી એ, પરસ્પર શોભે છે એમ તમે કહી શકો. વીસમી સદીમાં જે વિશ્વપુરુષો મહોર્યા, ગાંધી તે માંહેલા હતા. એમના જીવનકાર્યે એક એવો માહોલ બનાવ્યો કે સાધારણ માણસમાં રહેલી અસાધારણતા પ્રગટ થવા લાગી – અથવા તો, આપણે જેને સાધારણ અને સર્વસાધારણ કહીએ છીએ તે અકેકું જણ આગવી ઓળખ ધરાવતું અસાધારણ જણ છે, તે આપણને સમજાયું. જરા ઝડપથી, કંઈક ઉતાવળે, કદાચ જાડું પણ લાગે એ રીતે કહીએ તો આપણો સમય રાજારજવાડાં અને મહાસૈન્યો તેમ જ સેનાપતિઓ કે પછી કેવળ માંધાતાઓ અને મહાસત્તાઓનો સમય નથી; પણ જમાનો જનસાધારણનો છે, આમ આદમીનો છે એવી જે એક લોકશાહી સમજ ખીલવા લાગી એમાં ગાંધી કંઈક નિમિત્ત તો કંઈક અગ્રયાયી પૈકી છે.
તમે જુઓ કે ગોવર્ધનરામ બુદ્ધિધન જેવા અમાત્ય અને વિશિષ્ટ જનો રજવાડી દુનિયામાંથી લઈ આવ્યા, પણ એમનું અર્પણ નવા સમયના નાયક સરસ્વતીચંદ્રને વાલકેશ્વર – સુંદરગિરિની સધ્ધર અધ્ધર દુનિયાથી દૂર હટી, નીચે ઊતરી એટલે કે ઊંચે ઊઠી, કલ્યાણગ્રામ વસાવતો બનાવવાનું છે. મુનશી આવ્યા અને પ્રતાપી મનુષ્યોની સાતમી દુનિયા એના અસબાબ આખા સાથે લેતા આવ્યા. પણ લખતા તો હતા વીસમી સદીમાં એટલે કીર્તિદેવ જેવા વાટે નવયુગી ભાવના પ્રગટ કર્યા વિના કદાચ છૂટકો નહોતો. ગોવર્ધનરામના મણિમહાલય અને કલ્યાણગ્રામ, મુનશીનું પાટણ, આ બધાંથી સેવાગ્રામ કે સાબરમતી આશ્રમ લગીની સંક્રાન્તિ બની આવી એમાં વચગાળાનો મોરચો ર.વ. દેસાઈનાં ભાવનાશાળી મધ્યમવર્ગી પાત્રોએ સંભાળ્યો અને ગાંધીની આબોહવામાં કંઈક નવું બની આવે એની ભોંય કેળવી. પનાલાલે ઈશાનિયા મલક અને લોકની વાત માંડી તો દર્શકે ગોપાળબાપાની વાડીમાં વિશ્વગ્રામ સર્જ્યું. પણ સ્વરાજ એ કંઈ મહાનગરો કે જનપદોમાં જ સીમિત રહી શકતું નથી. છેવાડાનાં ગામોમાં પણ નહીં, એવી જેની વિધિવત બાંધી આંકણી નથી એવો સુવિશાળ આદિવાસી સમુદાય કે ગામછેડે વાસમાં વસતા અને વસ્તીમાં કદાચ નયે ગણાતા લોકને પણ એનો સહભાગી સુખાનુભવ તો થવો રહે છે.
આ પિછવાઈ પર ગુજરાતની કલાઘટના જોઈએ તો સ્વાભાવિક જ રવિશંકર રાવળથી આરંભાયેલી નવયાત્રાનું સ્મરણ થાય. અત્યારના દાયકાઓના મોટા ચિત્રકાર ગુલામ મોહમ્મદ શેખ (જેમણે ક્યારેક રવિભાઈ સાથે વિવાદ પણ વહોર્યો હશે), રવિશંકર રાવળ વ્યાખ્યાન પ્રકારનાં વિશેષ આયોજન પ્રતિવર્ષ કરતા માલૂમ પડે છે એમાં એમનો ઇતિહાસવિવેક અને કૃતજ્ઞતા વરતાય છે. મુંબઈની જે.જે. આટ્ર્સ અને વડોદરાની ફાઈન આટ્ર્સ સ્કૂલોનુંયે ઇતિહાસક્રમમાં સ્થાન છે. તમે જુઓ, કોલકાતા – શાંતિનિકેતનની અવનીન્દ્રનાથથી નંદલાલ બોઝની પરંપરા, એને પોતીકી રીતે સેવનારા કે.જી. સુબ્રમણ્યન (મણિ સર) કે શંખો ચૌધરી, બેન્દ્રે ને બીજા; અને એ જ સ્કૂલના છાત્ર હકુ શાહ : કેવી રીતે આ સૌ એક પરંપરામાં છતાં નવ્યનિરાળા વરતાય છે ! નંદબાબુએ હરિપુરા કૉંગ્રેસમાં ભારતીય પરંપરામાં સ્થાનીય સંસાધનો અને પ્રતીકોને યોજીને એક પ્રતિમાન સ્થાપ્યું એને આઠ દાયકા વીતી ગયા, પણ અઢી દાયકા પર ગાંધી સવાસો વખતે સાવરકુંડલામાં અખિલ હિંદ સંમેલન ટાંકણે ઝાડુથી માંડી ટોપલાટોપલી સહિતની લોકસામગ્રી યોજીસંયોજી હકુ શાહે જે સુશોભન કીધું હશે એ તો બિલકુલ તળપદને પ્રગટ કરતું હતું.
વાત એમ છે કે એકલવ્યના પ્રાયશ્ચિત્તરૂપ વેડછી પ્રયોગભૂમિના માહોલમાં ઉછરી વડોદરાની ફાઈન આટ્ર્સ સ્કૂલના નવ્ય સંસ્કારો સહ પેલા અંતઃસત્ત્વને અંકુરિત કરતા ચાલેલા હકુ શાહે ભેદની ભીંતો કંઈ અજબ જેવી રીતે ભાંગી જાણી. કલા એ કોઈ ખાસ એક વર્ગની બપૌતી કે બાંદી નથી, પણ ક્યાંયથી કેમે કરીને તે ફૂટી શકે છે, જે પેલું લોક – જનપદને ય વટી જતું આદિવાસી લોક – એના જીવનમાં જુઓને કલા કેવીક પ્રગટ થાય છે, હું અને તમે એના સંસ્કારો કેમ ન ઝીલીએ?
હકુ શાહની ચિત્રકારીમાં તો એની નવોન્મેષશાલી પ્રતિભા ઝળકી – અને એ પોતે કરીને ખસૂસ મોટી વાત હતી. પરંતુ એથી મોટું કામ તો એ બની આવ્યું કે આપણે જેમ શ્રમિક-બૌદ્ધિક જુવારાં હટાવવાની બલકે પારસ્પર્યની વાત કરતા હોઈએ છીએ તેમ એમણે દેખીતા સામાન્ય લોકમાં રહેલ કલાકારને પ્રીછ્યો અને પ્રગટ કર્યો તેમ પોંખ્યો. કેનવાસ પરની પીંછી કે કાંસ્ય કામનું સાધન, કલાની કેટલી સીમિત વ્યાખ્યા છે એ.
કોણે કહ્યું, આર્ટિઝન અને આર્ટિસ્ટ જુદા છે? તમે ગુજરાત-મહારાષ્ટ્ર સરહદે વસાવા પરિવારોને જુઓ. તે ‘સેવિયા’ બનાવી સેવ પાડે છે. આ સેવિયાને વળી શણગારાય અને ગીતો પણ ગવાય. વળી એનો આકાર પ્રકાર કોઈ ચોરસસપાટ નિર્જીવ જેવો નહીં પણ બળદનો – આખી વાત એ આદિવાસીઓને સારુ સમગ્ર જીવનના ઉત્સવની છે. બીજો એક દાખલો એ જવારિયા તરીકે ઓળખાતા કાપડનો આપતા. સ્કુટરસવાર કન્યકાઓ તરેહવાર ડ્રેસમાં સોહે છે એ પૈકી ઘણામાં આ જવારિયાનો ઉપયોગ થયેલો છે. આદિવાસીઓ તે કાપડ પર પોતાના રોજિંદા જીવનના ભાગરૂપ જવારદાણાની ટીપકી ભાત પાડે છે – તેથી એ જવારિયું કહેવાય છે – અને એમાંથી જિવાતા જીવનની એક સુવાસ ફોરે છે.
આ ધાટીએ હકુભાઈએ સ્ટેલા ક્રેમરિશ સાથે રહી ફિલાડેલ્ફિયામાં મ્યુઝિયમ સર્જ્યું, ગૂજરાત વિદ્યાપીઠમાં આદિવાસી મ્યુઝિયમ વિકસાવ્યું, ઉદયપુર કને શિલ્પગ્રામની સંકલ્પના સાકાર કરી. શુભા મુદ્ગલનું ગાન ચાલતું હોય અને હકુ શાહની ચિત્રકારી તેની જાણે કે જુગલબંધી હોય એવું ‘હમન હૈ ઈશ્ક’ પ્રકારનુંયે કામ કર્યું તો ‘નિત્ય ગાંધી’નીયે એક સૃષ્ટિ વિકસાવી.
ઘણું બધું સંભારી શકીએ. પણ મુદ્દાની વાત એ છે કે સ્વરાજસંસ્કારે જેમ નીચે લગી ઝમવાનું છે તેમ નીચેથી ઉપર ભણીયે પૂગવાનું છે. જનસાધારણનો આ જે જગન, હકુ શાહ એના જોગી હતા. ક્ષેત્રે ક્ષેત્રે, આવા લોકો હશે ત્યારે સ્વરાજની સાર્થકતા અનુભવાશે.
ચૂંટણીશોર વચ્ચે, એમની વિદાય નિમિત્તે, આ થોડીક વાત કરી, હવે સમેટતી વેળાએ જરી જુદું કહેવું રહે છે – અને તે એ કે આ તરેહની સમસંવેદિત સર્જકતા ઝિલતા મેનિફેસ્ટો ક્યાં છે, કોઈક તો કહો.
E-mail : prakash.nireekshak@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2019; પૃ. 16 તેમ જ 12