વીસમી સદીમાં વડોદરા કૉસ્મોપૉલિટન કહેતાં પચરંગી શહેર તરીકે જાણીતું હતું. હું 1980માં ત્યાં વસ્યો. તેના દાયકાઓ પહેલાં બનેલાં કોમી બહિષ્કારના એક કિસ્સા વિશે મેં વાંચ્યું હતું. પણ બે કિસ્સા તો મેં ખુદ જોયા, જે પણ મને ચોંકાવી ગયા.
મારા જમાના પહેલાંનો કિસ્સો ડૉ. બાબાસાહેબ આંબેડકરે વેઠેલા ભેદભાવનો છે, જે જાણીતો છે. કોમી બહિષ્કારનો જે કિસ્સો મેં નજીકથી જોયો છે તે વિખ્યાત નાટ્યદિગ્દર્શક હબીબ તનવીરને લગતો છે. તેઓ 1985માં એક નાટકના નિર્માણ માટે વડોદરા આવ્યા હતા અને તેના માટે તેમને એક વર્ષ અહીં રહેવાની જરૂર હતી. આંબેડકરની જેમ જ તેમને થોડાક જ સમયમાં ઉચાળા ભરવા પડ્યા, કારણ કે હબીબ મુસ્લિમ હોવાથી હિન્દુઓ તેમને ઘર આપવા તૈયાર ન હતા, અને મુસ્લિમોને એક ડાબેરી માણસ તેમની આસપાસ જોઈતો ન હતો.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે 1980ના દાયકામાં ગુજરાતને સામાજિક પ્રયોગશાળા બનાવવાનું શરૂ કરી દીધું હતું, જેનો પૂરો પ્રસ્ફોટ લોકોને પછીનાં વર્ષોમાં જોવા મળ્યો.
સામાજિક બહિષ્કારનો મેં જોયેલો ત્રીજો કિસ્સો જે.એસ. બંદૂકવાલાને લગતો છે. તેઓ ન્યુક્લિઅર ફિઝિક્સના અધ્યાપક તરીકે 1970ના દાયકામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં જોડાયા હતા. તેમને તેમના સમાજે તેઓ જે હતા એટલા માટે નહીં, પણ તેઓ જે માનતા હતા તેના માટે ન્યાત બહાર મૂક્યા.
બંદૂકવાલાએ અજાઝ અશરફને આપેલી એક મુલાકાતમાં કહ્યું હતું : ‘અમેરિકામાં અભ્યાસ પૂરો કરીને હું 1972માં વડોદરા આવ્યો. અહીં એક વખત અકસ્માતે જ મારે એક બગીચામાં વોરા સૈયદના(દાઉદી વોરા કોમનાધર્મગુરુ)ને મળવાનું થયું. એ નમાઝ પઢી રહ્યા હતા. હું એમનું અભિવાદન કરવા માટે ઊભો રહ્યો અને તેમના પરિવારની બે વ્યક્તિઓ સાથે વાતો કરવા લાગ્યો. મેં શર્ટ-પૅન્ટ પહેરેલાં હતાં. જેમની સાથે હું વાત કરી રહ્યો હતો એમને વાતવાતમાં ખબર પડી કે કે હું પણ દાઉદી વોરા છું, એટલે તેમણે ગુસ્સે થઈને પૂછ્યું કે હું જે કપડાંમાં છું તે વેશમાં સૈયદના સાહેબને મળવા ન આવી શકું. જ્યારે એક વોરા સૈયદનાને મળે ત્યારે એ માણસે પરંપરાગત વોરા ગણવેશ પહેરવાનો હોય છે અને ચોક્કસ રીતભાત સાથે સૈયદનાને મળવાનું હોય છે. તેમણે મને કહ્યું : ‘તમે અબ્દ-એ-સૈયદના એટલે કે સૈયદનાના ગુલામ છો. મેં સામે કહ્યું કે હું અલ્લાહ સિવાય કોઈનો પણ ગુલામ બની શકું નહીં. તેમણે મારી પર દબાણ કરવાની કોશિશ કરી પણ મેં મચક ન આપી.’
એંશીના દાયકામાં હું મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગમાં અધ્યાપક હતો. એ વખતે વિજ્ઞાન વિભાગના અધ્યાપક બંદૂકવાલા તરફ મને સ્વાભાવિક જ ખેંચાણ હતું. તેમની જિંદગીની તાજ્જુબીભરી સફર મેં જોઈ છે. તેમનું મૂંગું બળ અને મોતની ધમકીઓની વચ્ચે પણ નીડરતાથી બોલવાની તેમની તાકાતે મને પ્રભાવિત કર્યો અને પ્રેરણા પણ પણ આપી. આ અધ્યાપક ગયાં પચાસ વર્ષ બિલકુલ પાયાનું સત્ય સત્તાવાળાને બતાવતા રહ્યા અને તેની ભારે કિંમત પણ ચૂકવતા રહ્યા.
યુવાન બંદૂકવાલા યુનિવર્સિટીનાં છોકરાઓ માટેના છાત્રાલયના ગૃહપતિ હતા ત્યારે વિદ્યાર્થીઓએ એમના ઘરની તોડફોડ કરી હતી. તેમણે યુનિવર્સિટીની ચૂંટણીઓ લડવાનું નક્કી કર્યું ત્યારે સત્તાવાળાઓએ એમની રજાઓ મંજૂર કરવાનો ઇન્કાર કર્યો. બંદૂકવાલાએ યુનિવર્સિટી પરિસર પરના કામ માટે એમનો પગાર જતો કર્યો એ વિરલ ઐતિહાસિક કિસ્સો છે.
યુનિવર્સિટી પરિસરના ગુંડાઓએ બંદૂકવાલાના નાના ફ્લૅટમાં ભાંગફોડ કરી, એટલે યુનિવર્સિટી સત્તાવાળાઓએ તેમને પ્રોફેસરો માટે ફાળવવામાં આવતો થોડોક મોટો ફ્લૅટ આપ્યો હતો. ત્યાં થોડોક વખત રહ્યા પછી તેઓ કોઈ પણ દાવા-દલીલ કે જાહેરાત વિના સમા વિસ્તારમાં ફ્લૅટ ખરીદીને તેમાં રહેવા જતા રહ્યા. એ ઘર પર 2002ના રમખાણોમાં મોટાં ટોળાંએ હુમલો કર્યો. એમાં જે મૂલ્યવાન વસ્તુઓ એમની આંખો સમક્ષ બળી ગઈ એમાં પરિવારના ફોટાનું આલબમ અને અંગત પત્રો પણ હતા એવું બંદૂકવાલાએ મને કહ્યું હોવાનું અત્યારે સાંભરે છે. એ દિવસે બચીને ભાગવામાં એમને મિત્રોએ મદદ ન કરી હોત તો ટોળાંએ એમને મારી નાખ્યા હોત.
રમખાણો પછી બંદૂકવાલાએ સંતાનોને વડોદરાની બહાર મોકલી દીધાં અને પત્નીનાં અવસાન બાદ અણનમ એકલવીર લડવૈયા તરીકે જિંદગી વીતાવી. લોકો સાથે કામ કરવાનું ચાલુ રાખ્યું, કેટલા ય બાળકોની ફી ભરી, સામાજિક સંવાદિતાના મહત્ત્વના પાસાં પર લેખો લખ્યા, અને સૌથી મહત્ત્વની વાત તો એ કે એમણે ડરને હરાવ્યો.
આખી જિંદગી તેઓ મુસ્લિમ ધર્મગુરુઓના ફતવાઓ અને હિંદુ ધર્મઝનૂનીઓના ત્રાસનો સામનો કરતા રહ્યા. વળી,તેમની ઓળખ, તેમના વિચારો અને તેમની સામાજિક નિસબતને લઈને તેઓ સંપત્તિ અને કંઈક અંશે વિલાસને વરેલાં વડોદરાના લોકોથી દૂર રહ્યા. વડોદરાના પ્રતિષ્ઠિત લોકો ઘણાં વર્ષો એવો દેખાવ કરતા હતા કે પ્રતાપગંજના એક નાનકડા ફ્લૅટમાં રહેતો બંદૂકવાલા નામનો કોઈ માણસ જાણે છે જ નહીં. જો કે દુનિયાભરના ચિંતકો સામાજિક અગ્રણીઓ તેમને મળવા આવતા એટલે તેમને મનોમન બંદૂકવાળાની મહત્તા સ્વીકારવી તો પડતી.
માનવ ગૌરવ અને સમાનતા માટે સમાજના માહ્યલાને જાગતો રાખનારા આ લડવૈયાને વડોદરાએ ન ઓળખ્યો ને દુનિયાએ પોંખ્યો. વડોદરાના નૈતિક હાર્દમાં એ મોટો ખાલીપો અને કોમવાદની આપત્તિમાં સપડાયેલા દેશની સામૂહિક સ્મૃતિ પર એ મોટી મુદ્રા ઉપસાવીને ગયો.
(સૌજન્ય : ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’, 31 જાન્યુઆરી 2022)
31 જાન્યુઆરી 2022
-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-x-
મૂળ અંગ્રેજી લેખની લિંક :