આયુર્વેદ અને એલોપથી – બન્ને પોતપોતાની ક્ષમતામાં ઉત્તમ ઉપચાર કે વિજ્ઞાન છે. તે બન્નેની મર્યાદાઓ પણ છે અને અસરકારકતા પણ છે.
રોગચાળાની વરવી અસરો રોજેરોજ આપણે માથે ઝીંકાય છે. કલાકો પી.પી.ઇ. કિટ પહેરીની કામ કરતાં ડૉક્ટર્સ, મેડિકલ પ્રોફેશન સાથે જોડાયેલાં અન્ય લોકોની આપવીતી, તેમને પડતી હાલાકી પણ આપણે સતત સાંભળીએ છીએ. આ બધાંની વચ્ચે દેશના મોખરાના કહી શકાય તેવા એક માણસે જે યોગાચાર્ય, બિઝનેસમેન અને રાજકારણી બધાના વેશ ધરે છે, તેવા રામદેવ બાબાએ વિવાદિત નિવેદન કર્યું. તેમણે એવું કહ્યું કે એલોપથી મૂર્ખતા ભર્યું અને દેવાળિયું વિજ્ઞાન છે, પહેલાં ક્લોરક્વિન ફેઇલ થઇ, પછી રેમડેસિવિર ફેઇલ થઇ પછી એન્ટિબાયોટિક ફેઇલ થઇ, સ્ટૅરોઇડ ફેઇલ થઇ અને પ્લાઝ્મા થેરેપી પણ ફેઇલ થઇ. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને રામદેવ સામે રાજદ્રોહની કાર્યવાહી કરવી જોઇએ. આઇ.એમ.એ. ઉત્તરાખંડે તો રામદેવને ૧,૦૦૦ કરોડ રૂપિયાની માનહાનિની નોટિસ ફટકારી છે. રામદેવે ‘માફી માગી’ પણ આ નિવેદનથી સ્વાભાવિક છે કે બહુ બધી લાગણીઓને ઠેસ પહોંચી છે. સ્વાસ્થ્ય મંત્રીએ પણ રામદેવને આવો બબડાટ કરવા બદલ ટોક્યા. અહીં રામદેવની, તેના રાજકીય કનેક્શન્સની, તેની જિંદગીમાં થયેલી કેટલીક એવી ઘટનાઓ જેની કોઇ સ્પષ્ટતા હજી સુધી થઇ નથી અથવા તો કેસ દબાવી દેવાયો છે, તેની કે પછી યોગગુરુનો ‘આયુર્વદિક’ ઉત્પાદનો વેચવાનો તોતિંગ બિઝનેસ વગેરેની વાત નથી કરવાની.
પરંતુ સદીઓ જૂના શાસ્ત્ર આયુર્વેદ અને આધુનિક એલોપથી વચ્ચે ચાલતા વિવાદ, વિરોધ, પ્રશ્નો પર એક નજર નાખવાનો પ્રશ્ન છે. અહીં બેમાંથી એકેય ને રદિયો આપવાની, તેની ટીકા કરવાની કે સરખામણી કરીને વત્તા ઓછા માર્ક્સ આપવાની પહેલ પણ નથી. બન્નેનું આપણા દેશમાં એક આગવું સ્થાન છે, તેને લગતી માન્યતાઓ છે, તેની આગવી સફળતા-નિષ્ફળતાઓ અને તેને લગતા પ્રશ્નો પણ છે.
સાહિત્ય અકાદમીનો પુરસ્કાર જીતનારું તારાશંકર બંદોપાધ્યાયની નવલકથા આરોગ્ય નિકેતન એલોપથીના આગમનથી વિચલિત થયેલા આયુર્વેદાચાર્યના મંથનની વાત બહુ સરસ રીતે કરે છે, તેમાં મૃત્યુની વાત પણ કેન્દ્ર સ્થાને છે. આયુર્વેદનું પોતાનું આગવું સત છે જે નકારી શકાય તેમ નથી. નાડ પારખીને વ્યક્તિની પ્રકૃતિ કહી તેને આધારે દેશી ઔષધીઓ આપી લોકોને સાજા કરનારા વૈદરાજના અસ્તિત્વથી આપણે અજાણ નથી. આયુર્વેદથી થતા ઉપચારમાં સામે ધીરજ જોઇએ કારણ કે ધીરજનો ગુણ હશે તો જ ચૂરણ, ઉકાળા, લેપ વગેરેને પોતાની અસર દેખાડવાનો મોકો મળશે. પરંતુ અત્યારની દોડતી ભાગતી જિંદગીમાં દસમાંથી નવ લોકો પાસે સમયની આ લક્ઝરી નહીં હોય. બદલાતી ઋતુ સાથે થતી અને પંદર દિવસ ચાલતી સળેખમ કે શરદી મટાડવા માટે કાં તો યાદ રાખીને મહિના પહેલાં જ આયુર્વેદાચાર્ચ પાસે જવું પડે કાં તો પછી એલોપથીની રામબાણ એન્ટી એલર્જી દવા લઇને બેઠા થઇ જવાનું હોય કારણ કે નોકરી, ઘર, ટ્રાફિક, રોગચાળો, વર્ક ફ્રોમ હોમ, ન આવતી કામવાળી બાઇઓ જેવું ઘણું બધું મેનેજ કરવાનું હોય છે.
આયુર્વેદ અસરકારક જ છે, અને આ જાણવા માટે આપણને કોઇ ધૂતારાઓની જરૂર નથી કારણ કે આપણે દાદીમાનું વૈદું તો બાબાઓ અને સ્વામીઓ પ્રગટ થયાં તે પહેલેથી સાંભળતા આવ્યાં છીએ. રામદેવે એવો સવાલ કર્યો કે આર્થરાઇટીસ, થાયરોઇડ, માઇગ્રેન, કોલેસ્ટરોલ, કોલાઇટીસ, બ્લડપ્રેશર, અસ્થમા જેવા નોન કોમ્યુનિકેબલ ડિસીઝને કાયમ માટે દૂર કરી શકાય તેવી કોઇ દવા એલોપથી પાસે છે? એલોપથીએ એવો દાવો કર્યો જ નથી કે તે બધું જ ધરમૂળથી દૂર કરી શકે છે, હા પણ એલોપથી પાસે દવાઓ છે, જરૂર પડ્યે સર્જરી કરી શકવાની સવલત-સમજણ-આવડત પણ છે. એલોપથી પર આપણે જે રીતે આધાર રાખીએ છીએ તે તેની અસરકારકતા, વિશ્વસનિયતા સિદ્ધ કરવા માટે પૂરતું છે. સ્વાસ્થયની સ્થિતિને નાણવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે ત્યારે અમુક પ્રકારની શારીરિક સમસ્યાઓ ખડી જ ન થાય તે જ શોધવાનો ઇરાદો હોય છે. પરંતુ વિજ્ઞાન સરળ નથી, તેમાં પણ વર્ષોનો રિસર્ચ જાય છે. આજે લીવર કે હાર્ટ કે કિડની ટ્રાન્સપ્લાન્ટ કોઇ આયુર્વેદાચાર્ય તો નહીં જ કરી શકે. હા પહેલેથી શરીરની કાળજી રાખનારા કે આયુર્વેદિક પદ્ધતિથી જીવન જીવનારાને કદાચ એવી નોબત ન આવે એવું બની શકે છે પણ ફરી એ જ પ્રશ્ન કે અત્યારે જે રીતે લાઇફસ્ટાઇલ – વ્યવસાયી જવાબદારીઓ, જીવનની સામાન્ય ગતિ, સામાન્ય જીવનની તાણ વગેરે જે રીતે વધ્યું છે તેમાં કેટલા લોકો પાસે આયુર્વેદ આધારીત જીવન જીવવા માટે જરૂરી એવું સમયનું ધન ઢગલે ઢગલાં પડ્યું હશે?
એલોપથીએ શું ઉકાળ્યું એવું પૂછનારાઓને કોરોનાવાઇરસથી પિડાતા દરદીઓનો વોર્ડમાં મોકલવા જોઇએ? વાઇરસે તો ડૉક્ટરોને પણ નથી છોડ્યા અને આયુર્વેદિક પદ્ધતિથી જીવનારાઓને પણ નથી છોડ્યા. આમાં રાત દિવસ ધમધમતી હૉસ્પિટલ્સમાં જીવ જોખમમાં મૂકીને કામ કરનારાઓ પર સવાલ ઉઠાવવો યોગ્ય છે?
એલોપેથીના પ્રશ્નો નથી એવું ય નથી. આપણને તોતિંગ બિલ, હૉસ્પિટલ્સમાં થતા કૌભાંડ, જરૂર ન હોય તો પણ સ્ટેન્ટ મૂકાવીને બિલનો આંકડો વધારનારા ડૉક્ટર્સની ખોટી પ્રેક્ટિસ, અંગોની દાણચોરી જેવું ઘણું બધું ખબર છે. સ્પેનિશ ફ્લૂ આજથી ૧૦૩ વર્ષ પહેલાં થયો હતો, તે સમયે જે સંજોગો હતા તેનાં કરતાં આજે તો આધુનિકીકરણ ઘણાં આયામો પાર કરી ચૂક્યું છે પણ છતાં ય આખી દુનિયાના ડૉક્ટર્સ હજી પણ વાઇરસ સામે ઝઝૂમી રહ્યા છે. તેની સામે મક્કમતાથી લડી શકે તેવી દવાઓની રિસર્ચ પર બમણાં જોરથી કામ શરૂ થઇ ગયું. એવી બૂમો પણ સાંભળવા મળે છે કે ડૉક્ટરોને જ નથી ખબર કે શું સારવાર કરવી અથવા તો તે અંગે હજી કોઇ સ્પષ્ટતા એલોપથી પાસે છે જ નહીં. પણ છતાં ય ૧૦૦ વર્ષનાં દરદીઓ પણ બેઠાં થયાં છે તો ૩૫ વર્ષનાં માણસે પણ વાઇરસને કારણે જીવ ગુમાવ્યો છે. એલોપથી પાસે બધી જ બિમારીઓના રામબાણ ઇલાજ છે એવું ય નથી કારણ કે એ સતત ઇવોલ્વ થતું વિજ્ઞાન છે, તેમાં સંશોધનો ચાલુ રહે છે. બીજી તરફ આયુર્વેદમાં અમુક બાબતો સદીઓથી ચાલતી આવી છે, તે બદલાઇ જ નથી પણ છતાં ય કટોકટીને સમયે તો આપણે ડૉક્ટર પાસે જવાનું પસંદ કરીએ, ત્યારે જડીબુટ્ટી કૂટવાનું ન પોસાય તે સ્વાભાવિક છે.
બાય ધી વેઃ
વિજ્ઞાન, માણસનું શરીર અને જીવન જીવવામાં આવેલા પરિવર્તનો બધું આપણે ધારી શકીએ કે નાણી શકીએ તેના કરતાં કંઇક ગણું સંકૂલ છે. આયુર્વેદ અને એલોપથી – બન્ને પોતપોતાની ક્ષમતામાં ઉત્તમ ઉપચાર કે વિજ્ઞાન છે. તે બન્નેની મર્યાદાઓ પણ છે અને અસરકારકતા પણ છે. રામદેવ જે પતાંજલીના ધંધાને નામે ઠેકડા મારે છે તે પતાંજલી જે ૨જી કે ૫મી સદીમાં થઇ ગયા હતા, તેમને આયુર્વેદ સાથે કંઇ લેવાદેવા નહોતી, તે ચાર ભાગમાં લખાયેલ યોગ સૂત્ર અને મહાભાષ્યના જ ભાષા અને વ્યાકરણનું પુસ્તક હતું તેના રચયિતા હતા. બીજું તો એ કે આપણા દેશમાં રિસર્ચ ક્ષેત્રે વધુ રિસોર્સિઝ કામે લગાડાય તે જરૂરી છે. બાકી શાસ્ત્ર, વિજ્ઞાન બધું પોતાની રીતે બરાબર છે, સમયની માગ પ્રમાણે અનુસરવું રહ્યું અને બાવા-સ્વામી-બાબાઓથી દૂર રહેવામાં સ્વાસ્થ્યની સાચી ચાવી રહેલી છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 30 મે 2021