Opinion Magazine
Number of visits: 9446990
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અજંપ અને એકલવીર સનત મહેતા

હસમુખ પટેલ|Opinion - Opinion|18 April 2017

સનત મહેતા એ ગુજરાતના જાહેરજીવનનું નોખું અને અનોખું નામ છે. ડંકેશભાઈએ સાચું જ કહ્યું છે કે તેમનું રાજકારણ એ વિકાસનું રાજકારણ હતું. રાજકારણમાં નિહિત ખટપટ અને કોઠાકબાડાથી તેઓ આજીવન જોજનો છેટા રહ્યા. ‘પોલિટિક્સ ઑફ ડેવલપમૅન્ટ’ અને ‘ઇકોનૉમિક્સ ઑફ પ્રોપર્ટી’ નામનું તેમના જીવનમંત્રનું માદળિયું આજીવન તેમણે ડોકમાં વળગાવેલું રાખ્યું.

‘અજંપ અને એકલવીર સનત મહેતા’ (ડંકેશ ઓઝા, રંગદ્વાર પ્રકાશન) પુસ્તકમાં, તેમનાં જીવનકાર્યોમાં વિવિધ આયામો અને તબક્કાઓમાં જે એક ધાગો અક્ષુણ્ણ વરતાય છે, તે એક સનત મહેતાનું વ્યક્તિત્વ નિત્ય વિકાસશીલ હતું. નવું નવું જાણવાની હંમેશની તાલાવેલી અને લગનીને કારણે ગુજરાતના વંચિતો અને સર્વહારાઓની વિવિધ જમાતોને કોઈ ને કોઈ નિમિત્તે તેમના તાજગીસભર ઉધામાઓએ શીળી છાયા આપી છે.

હા, માત્ર તેમના બાહ્યરૂપથી જ તેમની મુલવણી કરવા જઈએ, તો અચૂક જ ગોથું ખાઈ જવાય. આ લખનારનો તેમની સાથે અઢી દાયકાનો સંબંધ રહ્યો. ખાસ્સા લડ્યા, ઝગડ્યા, રિસાયા, તો પણ અમારા સ્નેહની ભીનાશની બાદબાકી ક્યારે ય ન થઈ.

ગરીબો માટેની મમતા તો એવી ને એવી આજીવન લીલીછમ રહી. એમાં કશી ય ઓટ ક્યારે ય ન વરતાઈ. આઝાદી આંદોલને યુવા અને તેજતર્રાર લડવૈયા તરીકે તેમને ઘાટ આપ્યો. સ્વાતંત્ર્યોતર કામમાં લગભગ અઢી દાયકાના રાજકીય અને જાહેરજીવનમાં સીધા સંઘર્ષનાં વરસો બાદ કૉંગ્રેસના સોળે કળાએ તપતા સૂરજ વચ્ચે કૉંગ્રેસવાસી થવા છતાં એમના લમણે તો સંઘર્ષ આજીવન લખાયેલો રહ્યો. સંઘર્ષની તાવણીએ એક અર્થમાં તેમના વ્યક્તિત્વને માંજ્યું છે.

તેમની સંઘર્ષમય જીવનયાત્રામાં અનેક પડાવોમાં તેમણે અભ્યાસ અને રચનાકાર્યોનો તંતુ છેક સુધી જાળવી રાખ્યો. કાં તો રાજકારણીઓ નકરા રાજકારણમાં રચ્યાપચ્યા રહે છે અને રચનાત્મક કાર્યકરો રાજકારણથી નિરપેક્ષપણે પોતાનાં કામોમાં ગળાડૂબ રહે છે. આ બંનેનો સમન્વય બહુ ઓછામાં જોવા મળે. સનતભાઈ આમાં અપવાદ હતા અને એટલે જ તે નોખા રાજપુરુષ હતા. સામાજિક બદલાવ માટે રાજકારણ એ બળવાન હથિયાર છે, એવું સચોટપણે માનતા સનત મહેતાએ ચીલાચાલુ રચનાત્મક પ્રવૃત્તિઓ કરતાં જુદા પ્રકારનાં રચનાકાર્યોમાં નવી ભોં ભાંગીને આ હથિયારને ધાર આપવાનું કામ બખૂબી નિભાવ્યું છે, એ વાત ડંકેશભાઈએ સરસ રીતે ઉપસાવી છે.

આ પુસ્તકમાં વંચિતો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલાઓના જીવનમાં અજવાશ આણવા સનતભાઈની મથામણનો સળંગ ચિતાર છે.

તેમની જીવનયાત્રાના ઉત્તરાર્ધનાં વરસોમાં ક્યાં ય ક્યાંક મારે પણ તેમની સાથે સહભાગી થવાનું બન્યું છે.

મારા તેમની સાથેના સંબંધની શરૂઆત તો થઈ નર્મદા નિગમના અધ્યક્ષ સનત મહેતાના સલાહકાર તરીકે, પણ આ સંબંધ છેવટે તો મૈત્રીમાં પરિણમ્યો – ઉંમરના બાધ વિના. નર્મદાયોજના માટેના તેમના અજંપાનો હું સાક્ષી છું. યોજના પૂરી થાય, ગુજરાતના ખેડૂતો બે પાંદડે થાય, તેની સાથોસાથ યોજનામાં જમીન ગુમાવનારાઓ પણ સ્વમાનભેર મોજથી જીવી શકે તેવી તેમની આરતને તેમણે આકાર આપી દુનિયાની બેનમૂન પુનર્વસનયોજનાનું દૃષ્ટાંત ઊભું કરી આપ્યું. નર્મદા નિગમના નિયામકમંડળની એક બેઠકમાં હોદ્દાની રૂએ નિયામક બનેલા એક વરિષ્ઠ સનદી નાણાંસચિવે કોઈ બાબતે આડીતેડી વાત કરતાં તેમનો જે રીતે ઊધડો લઈ નાંખેલો તેનો હું સાક્ષી છું. નર્મદા નિગમની તેમની કચેરી યોજનાના દરેક વિસ્થાપિત માટે પિયર ગણાતી. તેઓ ઇચ્છે એ અધિકારીને પોતાની કચેરીમાં બોલાવી શકે તેમ છતાં કહેવાતા પ્રોટોકોલની એસી તેસી કરી વિસ્થાપિત અરજદારના પ્રશ્નોને લઈને તેમની સાથે નીચેના નિગમના અધિકારીઓની કચેરીમાં ધસી જવામાં તેમને કશી ય નાનમ નહોતી. તેમની આવી ચેષ્ટાઓને લીધે વિસ્થાપિતોના પ્રશ્ન ઝડપથી ઉકેલવામાં અધિકારીઓ પણ મંડેલા રહેતા.

સનત મહેતાનો નર્મદા નિગમનો ગાળો કપરો હતો. મેધા પાટકરનું તીવ્ર આંદોલન, યોજના માટેનાં નાણાં ઊભાં કરવા માટેનો પડકાર, જડભરત નોકરશાહીની વચ્ચે યોજનાને સડસડાટ દોડતી કરવામાં સનતભાઈની પાયાની ભૂમિકાની નોંધ ન લેવાય તો ગુજરાત નગુણું ગણાય. સનતભાઈને આ યોજના પ્રત્યે રોમૅન્ટિક લગાવ હતો. એક વાર તેમની સાથે વિરમગામથી સુરેન્દ્રનગરના રસ્તે લીલાપુર ગામ પાસે અર્ધખોદાયેલી કેનાલના નિરીક્ષણ કામે જવાનું થયું. ત્યાં એક ગાંડા બાવળના ઝાડ નીચે ચીંથરાં થઈ ગયેલી કાંણાંવાળી સાડીઓ ભેગી કરી એક ડોસો આઠ ફૂટનો જાજરમાન મંડપ રોપી તેની નીચે સનત મહેતાના માનમાં ખરા બપોરે એક ફૂટેલું ઢોલ વગાડતો હતો. નર્મદા અને સનત મહેતા માટેનો અપાર પ્રેમ આ ડોસાની આંખોમાં છલોછલ નીતરતો હતો. આ દૃશ્ય જોઈ સનતભાઈ પણ રાજાપાઠમાં આવી ગયા. વંચિતોના પ્રતિનિધિ અને શાસકોના પ્રતિનિધિની આ જુગલબંદી જોતાં એવું લાગે કે જાણે પાસેની કેનાલમાં નર્મદાનાં પાણી વરસોથી છલોછલ વહી રહ્યાં છે! આ રોમૅન્ટિસિઝમ નહીં તો બીજું શું?

નર્મદા યોજનામાં મંત્રી તરીકે બાબુભાઈ જ. પટેલ અને નિગમના ચૅરમેન તરીકે સનત મહેતાની સહિયારી ભૂમિકા વિશે ડંકેશભાઈએ આ પુસ્તકમાં વાત કરી જ છે, એટલે એનું પુનરાવર્તન ટાળું છું. નર્મદાના સંદર્ભે એક વાત કહેવી જરૂરી લાગે છે. સનત મહેતાએ નર્મદા છોડ્યા પછી નર્મદા બોન્ડના મુદ્દે તેમને તત્કાલીન શાસકોએ માત્ર અને માત્ર રાજકીય રાગદ્વેષથી કાનૂની રાહે સંકટમાં મૂક્યા. તેમને આ કાનૂની લડાઈ લાંબે સુધી લડવી પડી અને છેવટે એમાંથી હેમખેમ નરવા થઈને બહાર પણ આવ્યા. સનતભાઈને ધ્રૂસકે-ધ્રૂસકે રડતાં મેં આ  લડાઈ દરમિયાન એક વાર જોયા છે. તેમની નર્મદાની કર્મઠ કામગીરીના જેને અંગ્રેજીમાં ‘બીલો ધ બેલ્ટ’ પ્રકારનો કહી શકાય, તેવા આ હીનકક્ષાના શિરપાવે તેમને હલબલાવી મૂકેલા.

નર્મદા નિગમ છોડ્યા પછી પણ ઘણાં કામો સનતભાઈની સાથે રહીને કર્યાં. શ્રમિક વિકાસ સંસ્થાનું અમદાવાદમાં તેમણે એક કેન્દ્ર ઊભું કરી આપ્યું અને તેના માધ્યમથી પંદર હજાર લાઠીબદ્ધ છતાં શિસ્તબદ્ધ અગરિયાઓની અમદાવાદ ખાતેની શાનદાર રેલીના આયોજનમાં, ભૂતપૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરના અધ્યક્ષપદે પરિવર્તન માટે ઉત્સુક એવા દસ હજાર ગ્રામીણ યુવકોના સંમેલનનો માંડવો રોપવામાં, ભૂતપૂર્વ વડાપ્રધાન અને તે વખતના ભૂતપૂર્વ નાણાપ્રધાન મનમોહનસિંહના સાંનિધ્યમાં ગુજરાતની ગ્રામીણ શ્રમજીવી મહિલાઓના સંમેલનના સંયોજનમાં અને ઉદારીકરણ સામેના ગુજરાત સ્તરના વિશાળ ખેડૂતસંમેલનના આયોજનમાં તેમની સાથે રહી આનંદદાયક સક્રિય કામગીરી બજાવવાની તક મળી, તેને મારું સૌભાગ્ય ગણું છું.

રઝળતી માલધારી જમાત અને ઉત્તર ગુજરાતની આંજણા કોમ માટે  તેમની અનેરી પ્રીત હતી. સુરેન્દ્રનગરની એક સભામાં એમણે જાહેર રીતે કહેલું કે તેમનું ચાલ્યું હોત, તો માલધારી કન્યા સાથે જીવન માંડ્યું હોત, જેથી આ રઝળપાટ કરતી આ ખડતલ કોમની મહિલાઓની પીડાનો ખુદને પણ અહેસાસ થઈ શકે.

ગ્રામીણ અને શહેરી શ્રમજીવી મહિલાઓના ઉત્કર્ષ માટે તેમણે જે ઉધામા કર્યા છે, તેની કમનસીબે સમાજે પૂરતી નોંધ લીધી નથી. મહિલા અંત્યોદય બૅંક તરફથી તેમણે ઉત્તર ગુજરાતની ગ્રામીણ શ્રમજીવી મહિલાઓને સરળ ધિરાણ આપવા મારા હવાલે રૂપિયા સાત લાખ મૂકેલા. ૭૦ જેટલી શ્રમજીવી બહેનોનાં જીવનમાં આમૂલ પરિવર્તન આ સરળ ધિરાણ દ્વારા આવ્યું.

આ અંગેનાં બે ઉદાહરણો ટાંકવાનું મન થાય છે : ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલા વાવ પ્રદેશમાં કંતાનના છાપરા હેઠળ નાની-નાની ભંગારની ચીજો એકઠી કરી પેટિયું રળતાં મુસ્લિમ ગરીબ શ્રમજીવી મહિલા કમુબહેન લાલમહંમદ શેખ માટે દસ હજાર રૂપિયાનું ધિરાણ એ તે દિવસોમાં આખી રિઝર્વ બૅંક તેમના હવાલે મૂકવા સમાન હતું. સનત મહેતાના આ દસ હજારે તો કમુબહેનનું આખું જીવન પલટી નાખ્યું. આજે કમુબહેન આ વિસ્તારનાં મોટામાં મોટા ભંગારનાં વેપારી છે. મોટા- મોટા વાડામાં દુનિયાભરની ભંગારની ચીજો એકઠી કરી ખટારામાં ભરી તે શહેરોમાં વેચે છે. મોટું ઘરનું ઘર અને અનેક વાહનોના માલિત છે. એવો જ કિસ્સો દલિત કન્યા ગીતાનો છે. વાવ થરાદના પ્રખ્યાત આરીભરતના કામમાં ગીતાની હથોટી. પણ મૂડીના અભાવે ઘેરબેઠાં થોડુંક ભરતકામ કરી કુટુંબનું ગુજરાન ચલાવે. સનતભાઈના રૂપિયા દસ હજારના ધિરાણ થકી તો આજે ગીતા ભરતકામની પોતાની મોટી દુકાન ચલાવે છે અને પોતા ઉપરાંત સંખ્યાબંધ ગરીબ મહિલાઓને ભરતકામ દ્વારા સ્વમાનપૂર્વકની રોજી આપે છે. સનત મહેતાના અતિપ્રિય મિત્ર તુષાર ભટ્ટ તેમનાં આ કામો માટે એક અંગ્રેજી વાક્ય પ્રયોજતા : Micro intervention with macro perspective. આ બંને કિસ્સામાં તુષારભાઈ સાચા પુરવાર થયા છે.

આદિવાસી, ખેડૂત, કપાસ-ડુંગળી ઉત્પાદક, મજૂર, ગરીબ મહિલા, અગરિયો એ સનત મહેતાના જીવતરનો અવિભાજ્ય અંશ હતાં અને તે બે પાંદડે થાય તે માટે અનેક ઉપક્રમો પ્રયોજવામાં સનતભાઈએ કોઈ કચાશ છોડી નથી. તેમના જીવનના ઉત્તરાર્ધમાં મહુવાના નીરમા-આંદોલનમાં તેમની ભૂમિકા ઢંકાઈ જવી ન જોઈએ. આયુના સાડા આઠ દાયકા વટાવ્યા પછી આ આંદોલનને તમામ પ્રકારનો સધિયારો આપવા સનતભાઈ સૌથી મોખરે રહ્યા હતા. એ વાત સાચી કે ગૂજરાત વિદ્યાપીઠના તત્કાલીન કુલનાયક ડૉ. સુદર્શન આયંગારે આણંદ ખાતેના ઇરમાના કોઈ કાર્યક્રમમાં રાહુલ ગાંધીની મહુવા આંદોલન અંગેની પૃચ્છાના સંદર્ભે તેમને આ આંદોલનમાં ટેકો આપવા ઉદ્યુક્ત કર્યા, પણ તે પછીનો દોર સનતભાઈએ સંભાળી લીધો. રાષ્ટ્રીય ગ્રીન ટ્રિબ્યૂનલ સહિતના કાનૂની કોઠાઓ વટાવવામાં સનતભાઈની અહમ્‌ [મહત્ત્વની] ભૂમિકા રહી. નીરમા-આંદોલનના સંદર્ભે ભારત સરકારનાં સંબંધિત મંત્રાલયોને ઢંઢોળવામાં રાહુલ ગાંધીની પહેલથી અહમદભાઈ પટેલ અને સનત મહેતાએ અગ્રિમ ભાગ ભજવ્યો અને સ્વચ્છ પ્રતિભા ધરાવતાં અને તે વખતે ભાજપના ધારાસભ્ય હોવા છતાં તેઓ આંદોલનના નેતા ડૉ. કનુભાઈ કળસરિયાની પડખે મજબૂતપણે રહ્યા. આંદોલન લગભગ સફળ થયું અને ડૉ. કળસરિયાને એક લોકનેતા તરીકે ઉપસાવવામાં સનત મહેતા અને ચુનીભાઈ વૈદ્યનું મહત્ત્વનું યોગદાન રહ્યું. આનાથી રાહુલ ગાંધી પણ ખાસ્સા પ્રભાવિત થયા અને કૉંગ્રેસી રાજકારણમાં એક સ્વચ્છ પ્રતિભા રૂપે ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ થવાનું નોતરું સામે ચાલીને ડૉ. કળસરિયાને આપ્યું. આ નોતરું રાહુલ ગાંધી વતી આપવા સનતભાઈએ મને અને ભાઈ સાગર રબારીને ૨૫ ડિસેમ્બર, ૨૦૧૩ના રોજ અડધી રાત્રે મહુવા મોકલ્યા, કમનસીબે ડૉ. કળસરિયાને આ વાત ન જામી અને વળતે અઠવાડિયે તોએ ‘આપ’વાસી થયા. રાહુલ ગાંધીની દરખાસ્તનો જો સ્વીકાર થયો હોત, તો ત્રણ દાયકાથી ઘસાઈ ગયેલી અને હિતોની પકડમાં ફસાયેલી ગુજરાત કૉંગ્રેસમાં કમ સે કમ નવી તાજગી તો આવી જ હોત.

સનત મહેતાએ એક દાયકા પહેલાં કૉંગ્રેસને વિધિવત્‌ રામરામ કરી દીધા હતા, પરંતુ પાછલાં વરસોમાં કૉંગ્રેસને ચેતનવંતી કરવા તેઓ ઠીકઠીક મથતા રહ્યા. તે વખતે કૉંગ્રેસના વડપણ હેઠળ યુ.પી.એ. સરકાર હતી, ત્યારે તેનો લાભ આદિવાસી ગરીબોના હિતમાં લઈ શકાય તે હેતુથી તેમની પહેલથી મેં ૨૦૧૩ના ડિસેમ્બરમાં જ જંગલ જમીનના અધિકારો માટે અહમદ પટેલ અને શંકરસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં આવા આદિવાસી ક્ષેત્રમાં ૩૫,૦૦૦ આદિવાસીઓનું ભવ્ય સંમેલન બોલાવ્યું. ત્યારે સનતભાઈ એટલા બધા ભાવવિભોર થઈ ગયા કે મને મોટેથી લગભગ ચીસ પાડીને કહેવા લાગ્યા કે “હસમુખ પટેલ, તમે આજે મારા જીવનમાં પાંચ વર્ષ વધારી આપ્યાં”.

ચર્ચામાં કે વાતચીતમાં તેઓ નરેન્દ્ર મોદીના નામનો ભાગ્યે જ ઉલ્લેખ કરતા. હા, તેમના શાસન અને શાસનપ્રણાલી અંગે જાહેર રૂપે અનેક વાર જોશભેર વિરોધ કરતા. સરકારી યોજનાઓના અમલની ડિલિવરી સિસ્ટમમાં છેવાડે સરકારી કર્મચારી જ ન હોવો જોઈએ, એવી સનત મહેતાની માન્યતા મને પણ ગમે, એટલે એકવાર અમારા કેન્દ્ર પાસેના કીડોતર ગામે પ્રવેશોત્સવના જાહેર કાર્યક્રમમાં મોદી આવ્યા, ત્યારે મેં પણ સનતભાઈની આ જ વાત તેમને આગ્રહભેર જણાવી હતી. મુખ્યમંત્રીએ આ વાતનો અસ્વીકાર તો ન કર્યો, પણ ડિલિવરી સિસ્ટમ સુધારવા તેઓ પોતાની રીતે કેવી મથામણ કરે છે, તેનો ચિતાર આપ્યો. નરેન્દ્ર મોદી અને સનતભાઈ એકબીજાને નામથી ઓળખે, એ સિવાય બંને વચ્ચે ક્યારે ય મુલાકાત થઈ હોવાનો ખ્યાલ નથી.

અકડુ લાગતા સનત મહેતા માટે કલા, ગીત-સંગીત એ આત્માનો ખોરાક હતો, તેની બહુ ઓછા લોકાને જાણ હશે. ત્રણ દાયકા પહેલાં રાજ્યના નાણામંત્રી હોવા છતાં વહાલી દીકરી શ્યામલીના લગ્નપ્રસંગે માટીના ઘડા ચીતરતા સનતભાઈનો ફોટો ઘણાએ જોયો હશે. મહેંદી હસન, ગુલામઅલી અને જગજીતસિંહની ગાયકીના તેઓ ભારે ચાહક. પ્રવાસમાં સતત આ ગાયકી કારના ટેપરેકૉર્ડર પર વાગ્યા કરે અને તેઓ એની લુફ્‌ત માણે એવી ઘટનાઓનો હું અનેક વાર સાક્ષી છું. ગાયક જગજીતસિંહને ખાસ વડોદરા તેડાવીને એક વાર તેમણે મિત્રો અને રસિકોની ખાનગી મહેફિલ યોજ્યાનું પણ સ્મરણ છે. અચરજ થાય એવી એક વાત તે છે કે તેઓ મણિરાજ બારોટની દેહાતી ગાયકીના પણ ચાહક હતા અને કહેતાં કે તેમનું ચાલે તો મણિરાજને કન્ટ્રીસિંગર બનાવી દે.

વાંચવા-લખવાના તો સનતભાઈ શોખીન. પણ પ્રજાના વંચિત સમૂહોની વેદના અને પીડાને વાચા આપવા પરમ મિત્રો દિલીપ રાણપુરા અને અરવિંદભાઈ આચાર્ય પાસે લખાવીને પુસ્તિકા પણ પ્રકાશિત કરે. એમનાં અંતરંગ વર્તુળોમાં તુષાર ભટ્ટ, જયંતી દવે, જયનારાયણ વ્યાસ, દિગંત ઓઝા, વિદ્યુત જોશી જેવા વિચારવંત લહિયા પણ ખરા. તેમાં પછીથી પ્રકાશ ન. શાહ અને ડંકેશ ઓઝા પણ ઉમેરાયા. ઇન્દુકુમાર જાની માટે એમને અનેરો ભાવ. આ સૌને નવા-નવા વિવિધ વિષયો ચીંધે અને લખાવે પણ ખરા. બૌદ્ધિક ચિંતનની ભૂમિકાએ વિવિધ ઘટનાઓ અને વિષયો પર અવારનવાર નિખાલસ આદાનપ્રદાન પણ આ મિત્રો સાથે કરવાનું તેમને ખૂબ જ ગમે. સનત મહેતાના રાજકીય મિત્રો ઘણા, પણ અંતરંગ કહી શકાય, તેમાં દાદાબાપુ (મનોહરસિંહજી જાડેજા) સિવાય કોઈ નહીં. પાછલાં વરસોમાં દાદાબાપુ સાથે સંપર્ક ઓછો થવા છતાં તેમની સાથેની જૂની મૈત્રીને અવારનવાર ચગળવાનું તેમને ગમતું. માધવસિંહ સોલંકી અને સનત મહેતાના રસના વિષયોમાં ઘણું સામ્ય હોવા છતાં બંને વચ્ચે ખાસ જામ્યું નહીં. જો કે પાછળનાં વરસોમાં માધવસિંહભાઈ માટે તેઓ ઘણા કૂણા થયેલા. બીમાર માધવસિંહભાઈની ખબર કાઢવા ગયા, ત્યારે સનતભાઈએ માધવસિંહભાઈને નિખાલસભાવે કહેલું પણ ખરું કે “આપણે બે ઝગડ્યા, તેમાં ગુજરાતનું કેટલું બધું અહિત થયું?” માધવસિંહે પણ એટલી જ નિખાલસતા અને નમ્રતાથી પીડાપૂર્વક જવાબ આપેલો કે, “સનતભાઈ, તમારી વાત સાચી છે, પણ હવે તો એટલું બગડી ચૂક્યું છે કે આપણે ભેગા થઈએ તો પણ કંઈ ફેર ન પડે.”

ડંકેશભાઈના પુસ્તકમાં તેમનો માતા-પિતા પ્રત્યેનો સ્નેહાદર છલકાતો દેખાય છે. અંગત વાતચીતમાં તેઓ કહેતા પણ ખરા કે મને નાણામંત્રી તરીકે જો મારા બાપા જોઈ શક્યા હોત, તો તેમની (ભાવનગર રાજ્યના એક માસ્તરની) છાતી હરખથી ફાટી ગઈ હોત. આ પુસ્તકમાં તેમનાં સંતાનો અને પોતરાં સાથેના સંબંધોની વિગતો હોત, તો સનતભાઈનું કૌટુંબિક જીવન વધારે સારી રીતે ઉજાગર થઈ શક્યું હોત. અલબત્ત, બંને સંતાનો શીતલ-શ્યામલી અને તેમનાં પોતરાં વિશે તેઓ અંગત વાતચીતમાં ખાસ્સા ભાવપૂર્ણ થઈ જતા.

કટોકટીમાં સનત મહેતાની ભૂમિકા વિશે ડંકેશભાઈએ વિગતે લખ્યું છે. જયપ્રકાશજી માટે અપાર સ્નેહ છતાં કટોકટીના એ કાળમુખા દિવસો અંગે સનતભાઈએ સેવેલી ચૂપકીદીનો જવાબ તેમણે અમારા જેવાઓની અનેક ખણખોતર પછી પણ આપવાનું મુનાસીબ ન માન્યું તેનો વસવસો છે. બને કે ઇન્દિરા ગાંધીની ગરીબો અને ગરીબી અંગેની નિસબતથી અંજાઈને લોકશાહીના હનનને તેમણે નજરઅંદાજ કર્યું હોય. જે હોય તે, સનતભાઈને શોભે તેવી ભૂમિકા તો આ નહોતી જ નહોતી. શરદ પવાર અને તેમની નેશનાલિસ્ટ કૉંગ્રેસ સાથેનું થોડાક સમય માટેનું જોડાણ પણ ગળે ઉતરે તેવું નહોતું જ નહોતું. આ બંને રાજકીય વ્યક્તિત્વ બે છેડાના હોવા છતાં, ટૂંકા તો ટૂંકા પણ બંને વચ્ચેના જોડાણનો કોઈ તર્ક સમજાય  તેવો નથી. સનતભાઈ નખશિખ રચના જણ હોવા છતાં જમીની સમાજવાદીઓ કે ગાંધી-સર્વોદયના સેવકોની સાદગી સાથે તેમનો કોઈ મેળ નહોતો. તમામ પ્રકારની ઉત્તમ ચીજોની તેમની ચાહના તેમના વ્યક્તિત્વમાં ખાસ્સી એવી બોલકી હતી.

ડંકેશભાઈએ સનત મહેતાની આસ્તિકતા-નાસ્તિકતાની ચર્ચા પણ પુસ્તકમાં ક્યાંક છેડી છે. દેખીતી રીતે રોજબરોજના વ્યવહારોમાં તે નાસ્તિક જ લાગે પણ ચોટીલા પાસેના કાઠીઓના ધર્મસ્થાન સૂરજદેવળમાં મિત્ર રામકુભાઈ ખાચરે સનતભાઈના કોઈ એક જન્મદિને પ્રયોજેલી એક પૂજાવિધિમાં તેમણે હોંશભેર ભાગ લીધેલો તેના તુષાર ભટ્ટ સહિત અમે સૌ સાક્ષી હતા. આને શું કહેવાય? આસ્તિક કે નાસ્તિક સનત મહેતા?

ગઈ સદીના છેલ્લા દાયકામાં સ્વાધ્યાય પરિવારની સમાજલક્ષી પ્રાયોજનાઓથી સનતભાઈ ખાસ્સા આકર્ષાયેલા અને કહેતા પણ ખરા કે “આ પ્રવૃત્તિઓ જોઈ તેમાં જોડાઈ જવાનું મન થાય છે.” જો કે ન જોડાયા તે સારું જ થયું. એવું જ ખેંચાણ મોરારિબાપુ માટે પણ થયું. એમાં  બને કે કંડેશભાઈની ભૂમિકા હોય. જે હોય તે, એકાદ વાર મોરારિબાપુના અસ્મિતા પર્વમાં ભાગ લીધા પછી તેઓ મોરારિબાપુના પણ ચાહક બનેલા. રૂઢ અર્થમાં સનતભાઈને ધાર્મિક કે આધ્યાત્મિક ન ગણી શકાય. પરંતુ ચેતનાના સ્તરે રૂમી, જિબ્રાન, ટાગોર કે રજનીશ માટે તેમને અપાર ચાહ હતી. તેઓ તેમની બૌદ્ધિક ભૂખ ભાંગવા ગાંધી, ટૉલ્સ્ટોય, લેનિન, માઓ, ટોફલર જેવાઓના દરવાજે વારંવાર દસ્તક દઈ આવતા.

ગુજરાતનું જાહેર જીવન એ વાતે રળિયાત છે કે સનત મહેતા જેવા બહુઆયામી દિગ્ગજ આગેવાનની સેવાઓ એ પામી શક્યું છે, અને રુગ્ણ પણ એટલું જ છે કે એમના વ્યક્તિત્વનો થવો જોઈએ તો ઉપયોગ તે કરી શક્યું નથી. અધિકારી છતાં તેમનાં જીવનકવનનાં પૂરતાં ઓવારણાં લઈ શકાયાં નથી તેનો મારા જેવાને ખટકો પણ છે. આની એકંદરે ખોટ તો ગુજરાતની ગરીબ પ્રજાના ચોપડે જ ઉધરશે.

છેલ્લે એટલું કહી શકાય કે Mehta was an island in the ocean of mediocrity. આ પુસ્તક દ્વારા સનતભાઈની છબીને ડંકેશ ઓઝાએ સાંગોપાંગ કંડારી આપી તે બદલ હૃદયાત્‌ રાજીપો.

તા. ૪ એપ્રિલ, ૨૦૧૭

સંવેદના-સર્વોદય પરિસર, વીરમપુર

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૅપ્રિલ 2017; પૃ. 10-12 

Loading

18 April 2017 admin
← ચંપારણ એક સદી પછી – સ્મારકોની દુર્દશા, ખેડૂતોની અવદશા
The Saffron Beacon →

Search by

Opinion

  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?
  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved