Opinion Magazine
Number of visits: 9449647
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઍર-કન્ડિશન્ડ હિન્દુત્વ અને ઉછીના આઇકન

રમેશ ઓઝા|Opinion - Opinion|17 May 2017

દેવરિયા નજીક અમર શહીદ પ્રેમસાગરના ગામે જઈને મેક શિફ્ટ ઍર-કન્ડિશન્ડ રૂમમાં ખરખરો કરી લીધા પછી મુખ્ય પ્રધાને અહીં બીજો ખરખરો કર્યો હતો કે સેક્યુલર ઇતિહાસકારો જાણીબૂજીને હિન્દુ હીરોને અન્યાય કરી રહ્યા છે અને તેમને ઉઘાડા પાડવા જરૂરી છે. યોગી આદિત્યનાથે આવા ઇતિહાસલેખનને કાવતરા તરીકે ઓળખાવ્યું હતું. બહુ મહત્વનો મુદ્દો તેમણે ઉપસ્થિત કર્યો છે. થોડા દિવસ પહેલાં વડા પ્રધાને પણ થોડા અલગ સંદર્ભમાં ઇતિહાસલેખનનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. આ સિવાય બીજા ઘણા હિન્દુત્વવાદીઓને લાગે છે કે ભારતીય ઇતિહાસલેખનમાં તેમને અન્યાય થઈ રહ્યો છે

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના દેશપ્રેમ વિશે શંકા જ ન કરાય. તેઓ જે વિચારક પરિવારમાંથી આવે છે એની રગરગમાં દેશપ્રેમ છલકાય છે. ક્યારે ઉત્તર પ્રદેશની ગાદી ત્યજીને તેઓ સરહદે જતા રહેશે એની તેઓ પોતે પણ ખાતરી આપી શકે એમ નથી. દેશના અને ધર્મના દુશ્મનોની રણભેરી સાંભળીને યુયુત્સ્વોના પગમાં સંચાર થવા લાગે છે અને હાથ ગાંડિવને શોધવા લાગે છે.

રવિવારે એવું બન્યું કે કાશ્મીરની સરહદે બૉર્ડર સિક્યૉરિટી ફોર્સના શહીદ થયેલા જવાન પ્રેમસાગરના ઘરે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન ખરખરો કરવા ગયા હતા. પ્રેમસાગરનું ગામ ઉત્તર પ્રદેશના દેવરિયા શહેરની નજીક છે. શહીદ જવાનના પરિવારને દિલસોજી આપવા જવું એ મુખ્ય પ્રધાનની ફરજ છે અને એમાં આ તો પાછા દેશપ્રેમી મુખ્ય પ્રધાન. લખનઉથી આદેશો છૂટ્યા કે મુખ્ય પ્રધાન અમર જવાનના ગામે તેના ઘરે જવાના છે. જોતજોતાંમાં પ્રેમસાગરના ઘરે સોફાસેટ આવી ગયા,  ઍર-કન્ડિશનર ઇન્સ્ટૉલ થઈ ગયું, એક ખૂણામાં ફ્રિજ મૂકી દેવામાં આવ્યું, આખા રૂમમાં કાર્પેટ પાથરી દેવામાં આવી અને વિદ્યુતખાતાને તાકીદ કરવામાં આવી કે કોઈ પણ સંજોગોમાં શહીદ પ્રેમસાગરના ગામમાં વીજપુરવઠો ન ખોરવાવો જોઈએ. પુત્ર અને પતિ ગુમાવનાર ગમગીન પરિવારને પણ લાગ્યું કે રાષ્ટ્રવાદીઓની સરકારે અમારા પનોતા પુત્રની આટલી તો કદર કરી! નફ્ફટ સેક્યુલરિયા તો આટલું પણ નહોતા કરતા.

થોડી વારે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ આવે છે. પ્રેમસાગરનો પરિવાર દીકરો ગુમાવવાની ગમગીની વચ્ચે મુખ્ય પ્રધાનની મમતા અને તેમના ઋણ તળે ગદ્ગદ હતો. તેમણે ઋણના ભાવ સાથે જ મુખ્ય પ્રધાનનું સ્વાગત કર્યું હતું અને અનેક રીતે મુખ્ય પ્રધાને બતાવેલી સંવેદના માટે આભાર માન્યો હતો. ખાસ લાવવામાં આવેલા ફ્રિજમાંથી મુખ્ય પ્રધાનને ઠંડું પાણી આપવામાં આવે છે. ફળ કે નાસ્તો તો અપાય નહીં અને મુખ્ય પ્રધાન લે નહીં, કારણ કે મુખ્ય પ્રધાન દુખ પ્રગટ કરવા આવ્યા હતા. અડધો કલાકના રોકાણ દરમ્યાન મુખ્ય પ્રધાને પાકિસ્તાનને ખોખરું કરી નાખવાના અને શહીદ જવાનનાં બાળકોનું અને વિધવાનું સરકાર ધ્યાન રાખશે એવાં અનેક વચનો આપ્યાં હતાં. હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી, શાસન તમારી સાથે છે એમ કહીને મુખ્ય પ્રધાન પરિવારની રજા લઈને રવાના થયા હતા. 

મોટરકારોની કતાર ચાલી ગઈ. પ્રેમસાગરનો પરિવાર હજી પણ મુખ્ય પ્રધાનની લાગણી જોઈને ગદ્ગદ હતો ત્યાં ઘરના આંગણામાં એક ટ્રક આવે છે. પરિવારને પૂછ્યા પણ વિના તેઓ ઍર-કન્ડિશનર, ફ્રિજ, સોફાસેટ, કાર્પેટ બધું લઈ જાય છે. વિદ્યુત પુરવઠા અધિકારીને પણ કદાચ કહેવામાં આવ્યું હશે કે હવે પ્રેમસાગરના ગામમાં વીજળી પુરવઠો કાપવો હોય તો કાપી શકો છો. ધગધગતો દેશપ્રેમ અને શહીદ જવાન માટેની લાગણીનું નાટક પૂરું થયું.

આ દેશમાં યોગી (નામ કે વિશેષણના અર્થમાં યોગી નહીં, યોગી એટલે કે તપસ્વી) સુધ્ધાં કોઈના ખરખરે જતી વખતે થોડો વખત ગરમી સહન નથી કરી શકતા. આખો દિવસ ગુટકા ખાનારાઓ પણ કોઈને ત્યાં ખરખરે જતી વખતે સંયમ પાળે છે અને ચોખ્ખા મોઢે જાય છે. બાબા રામદેવે પતંજલિ બ્રેન્ડની કોઈ દવા શોધી કાઢવી જોઈએ કે જેથી યોગી (યોગી-તપસ્વી)ઓ ટાઢ-તડકો વેઠી શકે. જમાનો બદલાયો છે એટલે આકરા તપની જગ્યા ઔષધે લઈ લીધી છે. આવતી કાલે બાબા રામદેવ સ્થિતપ્રજ્ઞતા પ્રાપ્ïત કરવાની દવા બજારમાં મૂકે તો પણ આર્ય નહીં. યોગી એને કહેવાય જે ટાઢ-તડાકા અને સુખ-દુખથી પર હોય એ ઋષિ પતંજલિનો ભ્રમ હતો.

આ દેશમાં ધર્મસંસ્થા અને સંન્યાસસંસ્થા ભ્રક્ટ અને ખોખલી થઈ ગઈ છે. આ બન્ને સંસ્થાઓ સત્તાની અને લક્ષ્મીની ગુલામ છે.

હવે યોગી આદિત્યનાથ દેવરિયાથી નીકળીને સીધા લખનઉ જાય છે. લખનઉમાં વિશ્વ હિન્દુ પરિષદે હિન્દુ વિજયોત્સવનું આયોજન કર્યું હતું. અહેવાલ વાંચીને પ્રશ્ન થયો કે શેનો વિજયોત્સવ હશે? ૧૮૫૭થી આજ સુધીમાં હિન્દુત્વવાદીઓએ કોઈ જગ્યાએ લડત લડીને વિજય મેળવ્યો હોય એ જાણમાં નથી. લડત જ નથી આપી ત્યાં વિજય તો બહુ દૂરની વાત છે. મનમાં પ્રશ્ન થવો સ્વાભાવિક હતો કે વિશ્વ હિન્દુ પરિષદ કોના વિજયનો ઉત્સવ મનાવી રહી છે? જરૂર કોઈ પૌરાણિક વિજય હોવો જોઈએ અને અહેવાલ આગળ વાંચતાં એ જ વાત સિદ્ધ થઈ. અગિાયરમી સદીમાં શ્રાવાસ્તી રાજ્યના મહારાજા સુહેલદેવે મહમ્મદ ગઝનીના જનરલ ગાઝી સૈયદ સલાર મસૂદનો વધ કર્યો હતો. મહારાજા સુહેલદેવ વિશે અનેક કથાનકો ફરે છે. તેમના નામ અને તેમની જ્ઞાતિ વિશે પણ મતભેદ છે. કોઈ કહે છે કે તેઓ પાસી દલિત હતા. કોઈ કહે છે તેઓ રાજભર હતા. રાજભર અધર બૅકવર્ડ ક્લાસ છે અને પાસીની માફક દલિત બનવા માગે છે. રાજભર સમાજ મહારાજા સુહેલદેવને સમાજરત્ન તરીકે રજૂ કરી રહ્યો છે અને જ્ઞાતિની અસ્મિતાનું રાજકારણ પુરજોશમાં ચાલી રહ્યું છે. ૧૯૪૦ના દાયકામાં આર્ય સમાજે, રામરાજ્ય પરિષદે, હિન્દુ મહાસભાએ અને ગોરખપીઠે મહારાજા સુહેલદેવના પરાક્રમનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. અત્યારે હવે યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન બન્યા છે એટલે મહારાજા સુહેલદેવને પાછા યાદ કરવામાં આવી રહ્યા છે.

દેવરિયા નજીક અમર શહીદ પ્રેમસાગરના ગામે જઈને ઍર-કન્ડિશન્ડ રૂમમાં ખરખરો કરી લીધા પછી મુખ્ય પ્રધાને અહીં બીજો ખરખરો કર્યો હતો કે સેક્યુલર ઇતિહાસકારો જાણીબૂજીને હિન્દુ હીરોને અન્યાય કરી રહ્યા છે અને તેમને ઉઘાડા પાડવા જરૂરી છે. યોગી આદિત્યનાથે આવા ઇતિહાસલેખનને કાવતરા તરીકે ઓળખાવ્યું હતું. બહુ મહત્વનો મુદ્દો તેમણે ઉપસ્થિત કર્યો છે. થોડા દિવસ પહેલાં વડા પ્રધાને પણ થોડા અલગ સંદર્ભમાં ઇતિહાસલેખનનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. આ સિવાય બીજા ઘણા હિન્દુત્વવાદીઓને લાગે છે કે ભારતીય ઇતિહાસલેખનમાં તેમને અન્યાય થઈ રહ્યો છે.

જ્યારે આવી લાગણી વ્યાપક છે એટલે એની વિગતે વાત થવી જરૂરી છે.

– 2 –

ઇતિહાસલેખન માટે સત્તાની જરૂર પડે છે કે સ્કૉલરશિપની?

લાખ રૂપિયાનો સવાલ એ છે કે વિત્ત ક્યાંથી લાવવું? એટલે સેક્યુલર ઇતિહાસકારો પાસેથી તેઓ હિન્દુ રાષ્ટ્રવાદી ઇતિહાસ લખી આપે એવી બેહૂદી અપેક્ષા રાખે છે. તેઓ પક્ષપાતી છે એવી કાગારોળ કરે છે. આવી બેહૂદી દલીલ કોઈ નવી વાત પણ નથી. અખંડ હિન્દુસ્તાન ગાંધીજીએ અમને આપવું જોઈતું હતું; પરંતુ ગાંધીજી આપી ન શક્યા એટલે તેઓ પક્ષપાતી હતા, મુસ્લિમતરફી હતા અને વધને લાયક હતા એમ તેઓ કહે છે. એલા ભાઈ, તમે ક્યાં સંતાઈ ગયા હતા એ સમયે! અખંડ હિન્દુસ્તાન ગાંધીજી આપે. હિન્દુઓનો, તેમને ગમે એવો ભવ્ય ઇતિહાસ સેક્યુલર ઇતિહાસકારો લખી આપે. વાહ રે વાહ!

ઇતિહાસલેખન વિશે જે વાત ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કરી હતી એ જ વાત જરા સભ્ય ભાષામાં મહિના પહેલાં વડા પ્રધાને કરી હતી. ઓડિશાના રાજભવનમાં ૧૮૧૭ના અંગ્રેજો સામેના પૈકા વિદ્રોહના શહીદોના પરિવારજનોનું અભિવાદન કરતાં કહ્યું હતું કે દેશના સ્વતંત્રસંગ્રામમાં પૈકા જેવા અનેક પરિવારોએ અને સમાજે ભાગ લીધો હતો, પરંતુ આપણા ઇતિહાસમાં ગણતરીના પરિવારોના યોગદાનની જ નોંધ લેવામાં આવી છે. તેઓ જ્યારે પરિવાર કહે છે ત્યારે એક નામ તેમના મનમાં નેહરુપરિવારનું હશે અને બીજું નામ કદાચ બીજુ પટનાઈકના પરિવારનું હશે. ઓડિશાની વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે એટલે તેમણે નેહરુ-પટનાઈક પરિવારને ટોણો માર્યો હતો અને પૈકાઓને યાદ કર્યા હતા.

અહીં નરેન્દ્ર મોદીની અને યોગી આદિત્યનાથની રાજકીય ગણતરીઓને જવા દઈએ, તેમણે ઇતિહાસલેખન વિશે જે મુદ્દો ઉઠાવ્યો છે એ મહત્ત્વનો છે. વડા પ્રધાને કહ્યું હતું કે આદિવાસીઓએ મોટા પ્રમાણમાં અંગ્રેજો સામે વિદ્રોહ કર્યા હતા જેની વાત ઇતિહાસમાં કોઈ જગ્યાએ આવતી જ નથી. એ પછી તેમણે વાતવાતમાં કહ્યું હતું કે છેલ્લાં ૮૦૦ વર્ષ દરમ્યાન કેટલા બધા લોકોએ આઝાદી માટે સંઘર્ષ કર્યો છે. આમ કહીને તેઓ એમ કહેવા માગે છે કે ભારતમાં ગુલામીની શરૂઆત અંગ્રેજ શાસનથી નહીં, મુસ્લિમ શાસનથી થઈ હતી. આ હિન્દુત્વવાદીઓની જૂની થિયરી છે અને તેમનો એ અધિકાર છે. અહીં એની વાત પણ જવા દઈએ. સવાલ આવે છે ઇતિહાસલેખનનો. ઇતિહાસલેખનમાં પક્ષપાત કેમ ચલાવી લેવાય? બાય ધ વે, ૧૯૯૭માં સુભાષચંદ્ર બોઝની જન્મશતાબ્દી વખતે અટલ બિહારી વાજપેયીએ પણ ઇતિહાસમાં દરેકને ન્યાય મળવો જોઈએ એમ સુભાષબાબુની ઓથે રહીને કહ્યું હતું.

પહેલો સવાલ. ઇતિહાસલેખન માટે સત્તાની જરૂર પડે છે કે સ્કૉલરશિપની? હવે તો સત્તા પણ તેમની પાસે છે એટલે મનગમતો ઇતિહાસ સ્કૂલોમાં વિદ્યાર્થીઓના માથે તેઓ મારી શકે છે, પરંતુ મૂળભૂત સવાલ એ છે કે ઇતિહાસલેખન માટે સત્તા અનિવાર્ય છે કે સ્કૉલરશિપ? ભારતને આઝાદી પણ નહોતી મળી એ પહેલાં મહારાષ્ટ્રમાં ઇતિહાસાચાર્ય વી. કા. રજવાડેએ, અંગ્રેજીમાં જદુનાથ સરકારે, હિન્દીમાં પંડિત સુંદરલાલે અને બીજા પ્રાંતોમાં બીજા અનેક લોકોએ આધુનિક ભારતના ઇતિહાસનો અભ્યાસ કરીને ઇતિહાસલેખન કર્યું હતું એ શું વિદેશી સરકારના આશ્રયે કર્યું હતું? તેમને એમ લાગ્યું હતું કે અંગ્રેજો દ્વારા લખવામાં આવેલો ઇતિહાસ તટસ્થ નથી એટલે આપણે આપણો ઇતિહાસ લખવો જોઈએ. તેમણે લખેલો ઇતિહાસ અંગ્રેજોની ટીકા કરનારો હતો એટલે અંગ્રેજોએ તેમને ફાંસીએ નહોતા ચડાવ્યા. તો સવાલ છે અભ્યાસ કરવાની આવડત. સંશોધન કરવાની આવડત. રાતે દીવા બાળવાની અને કલાકોના કલાકો આંખો ફોડવાની તૈયારી. આ આવડત અને ખંત સંઘની શાખાઓમાં જવાથી અને અડધી (હવે આખી) ચડ્ડી પહેરી લેવાથી નથી આવતાં. આ અંદરનું વિત્ત છે અને જેમની પાસે અંદરનું વિત્ત હોય એ શાખામાં નથી જતા.

કૉન્ગ્રેસીઓ, ડાબેરીઓ, સેક્યુલરિસ્ટો કે જે કોઈ સ્કૂલના ઇતિહાસકારોના ઇતિહાસલેખન સામે તેમને વાંધો હોય તો તેમને તેમની રીતે ઇતિહાસ લખતાં કોણે રોક્યા છે? આ દેશમાં હિન્દુ કોમવાદી પ્રવૃત્તિની શરૂઆત થઈ એને સવાસો વરસ વીતી ચૂક્યાં છે અને એમાં ૯૨ વરસ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને થયાં છે. ૯૦ વરસમાં એક ચોપાનિયું સંઘે પ્રકાશિત નથી કર્યું કે જે વાંચીને સહમત ભલે ન થઈએ, પણ સ્કૉલરશિપ માટે આદર થાય. નવ દાયકા એ કોઈ ટૂંકો સમયગાળો નથી. તો પહેલી વાત એ કે ઇતિહાસલેખન માટે સત્તાની જરૂર નથી, સ્કૉલરશિપની છે.

બીજો સવાલ. કોણે કહ્યું કે આદિવાસીઓના અને બીજા દૂરદરાજ પ્રદેશોમાં વસતા લોકોના સંઘર્ષની નોંધ નથી લેવાઈ? વડા પ્રધાનને જાણ નથી લાગતી કે ૧૯૮૦ના દાયકામાં જાણીતા ઇતિહાસકાર રણજિત ગુહાના નેતૃત્વમાં ભારતના ઇતિહાસકારોએ એક જૂથ રચીને હાંસિયામાં રહેલી પ્રજાના આઝાદી પહેલાંના સંઘર્ષનો ઇતિહાસ લખવાનું શરૂ કર્યું હતું. હાંસિયામાં રહેલી પ્રજા અને તેમના વિદ્રોહમાં સ્ત્રીઓનો પણ સમાવેશ થાય છે, પછી ભલે એ સવર્ણ હોય. જે સંઘર્ષ સ્થાપિત હિતોની સામે હોય, જે સંઘર્ષનો સ્થાપિત હિતોએ વિરોધ કર્યો હોય કે જે સંઘર્ષ ન થાય એ માટે સ્થાપિત હિતોએ પોતાની વગ વાપરી હોય એ તમામ સંઘર્ષની નોંધ લેવામાં આવી છે. સ્થાપિત હિતોમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમાવેશ થાય છે, એમાં અંગ્રેજોનો સમાવેશ થાય છે, સવર્ણોનો સમાવેશ થાય છે, ધર્માધિકારીઓનો સમાવેશ થાય છે, શાહુકારોનો સમાવેશ થાય છે અને ભલે સ્થાપિત હિત તરીકે નહીં; પરંતુ સંઘર્ષને રોકનાર તરીકે મહાત્મા ગાંધીનો પણ એકાદબે જગ્યાએ સમાવેશ થાય છે.

કોઈક જગ્યાએ એ સંઘર્ષ રાજકીય આઝાદી માટેનો હતો, કોઈક સ્થળે સાંસ્કૃિતક આઝાદી માટેનો હતો તો કોઈક જગ્યાએ શોષણમુક્તિ સામેનો હતો. એ તમામ સંઘર્ષોનો ઇતિહાસ સબાલટર્ન સ્ટડીઝ ના નામે ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ પ્રકાશિત કરી રહ્યો છે અને અત્યાર સુધીમાં ૧૨ ખંડ પ્રકાશિત થઈ ચૂક્યા છે. કેવા-કેવા મેધાવી ઇતિહાસકારો સબાલટર્ન સ્ટડીઝ પ્રોજેક્ટમાં જોડાયેલા છે એના પર એક નજર કરવી જોઈએ. રણજિત ગુહા, જ્ઞાનેન્દ્ર પાંડે, પાર્થ ચૅટરજી, સુદીપ્ત કવિરાજ, એરિક સ્ટોક્સ, ડેવિડ આર્નોલ્ડ, ડેવિડ હાર્ડીમૅન જેવા ૧૫ કરતાં વધુ ઇતિહાસકારો હાંસિયામાં રહેલી પ્રજાના સંઘર્ષની દાસ્તાન રજૂ કરવાનું કામ કરી રહ્યા છે. આમાં ડેવિડ હાર્ડીમૅન ગુજરાત અને પશ્ચિમ ભારત પર કામ કરી રહ્યા છે એટલે જે કોઈને ગુજરાતના શોષિતોના સંઘર્ષની દાસ્તાનમાં રસ હોય તેમણે હાર્ડીમૅનને વાંચવા જોઈએ.

એની ના નહીં કે સબાલટર્ન સ્ટડીઝ જૂથના બધા જ ઇતિહાસકારો સેક્યુલરિસ્ટો છે. એનો અર્થ એવો નથી કે તેમણે ધાર્મિક વિદ્રોહની નોંધ નથી લીધી, પરંતુ મોટા ભાગે હાંસિયામાં રહેલી પ્રજાના સાંસ્કૃિતક આઝાદીના ભાગરૂપે ધાર્મિક વિદ્રોહની નોંધ લીધી છે. કેટલીક વાર ધર્મના નામે કરવામાં આવતા શોષણ સામે થયેલા વિદ્રોહની પણ વાત નોંધવામાં આવી છે, જે હિન્દુત્વવાદીઓને માફક ન આવે. તેમનો એ અધિકાર છે. આપણને પણ ક્યાં બધાની બધી જ વાત માફક આવે છે? સવાલ એ છે કે આપણને બીજાની કહેલી વાત માફક ન આવતી હોય, અધૂરી લાગતી હોય, એમાં અસત્ય કે પક્ષપાત નજરે પડતો હોય તો આપણે આપણી વાત કહેવી જોઈએ. જેમ કે મુખ્ય ધારાના ઇતિહાસકારોના ઇતિહાસમાં શોષિતોના સંઘર્ષની વાત જેવી રીતે આવવી જોઈતી હતી એમ નહોતી આવતી તો તેમણે અલગ જૂથ રચીને અલગ ઇતિહાસગ્રંથ લખ્યા છે અને હજી લખી રહ્યા છે.

હિન્દુત્વવાદી કે હિન્દુ રાષ્ટ્રવાદી ઇતિહાસકારોને ભારતનો ઇતિહાસ તેમને માફક આવે એમ લખવો હોય તો કોણ રોકે છે? હવે તો સત્તા પણ તેમની પાસે છે એટલે જે સવલત જોઈએ એ મળી શકે એમ છે. લાખ રૂપિયાનો સવાલ એ છે કે વિત્ત ક્યાંથી લાવવું? એટલે સેક્યુલર ઇતિહાસકારો પાસેથી તેઓ હિન્દુ રાષ્ટ્રવાદી ઇતિહાસ લખી આપે એવી બેહૂદી અપેક્ષા રાખે છે. તેઓ પક્ષપાતી છે એવી કાગારોળ કરે છે. આવી બેહૂદી દલીલ કોઈ નવી વાત પણ નથી. અખંડ હિન્દુસ્તાન ગાંધીજીએ અમને આપવું જોઈતું હતું; પરંતુ ગાંધીજી આપી ન શક્યા એટલે તેઓ પક્ષપાતી હતા, મુસ્લિમતરફી હતા અને વધને લાયક હતા એમ તેઓ કહે છે. એલા ભાઈ, તમે ક્યાં સંતાઈ ગયા હતા એ સમયે! તમારે ભારતના વિભાજનની વચ્ચે હિમાલયની માફક ઊભા રહી જવું હતું. તમે તો બહુમતીમાં હતા અને શૌર્ય તો તમારી નસનસમાં વહે છે.

હા. એ જ વાત. વિત્ત નહોતું. ત્યારે પણ નહોતું અને આજે પણ નથી. અખંડ હિન્દુસ્તાન ગાંધીજી આપે. હિન્દુઓનો, તેમને ગમે એવો ભવ્ય ઇતિહાસ સેક્યુલર ઇતિહાસકારો લખી આપે. વાહ રે વાહ!

સૌજન્ય : ‘કારણ-તારણ’, “ગુજરાતી મિડ-ડે”, 16 – 17 મે 2017

Loading

17 May 2017 admin
← વાસ્તવિક્તા
Trump and Truth →

Search by

Opinion

  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved