ચીનને મામલે ભારતને સાથે રાખવું અને અફઘાન-પાકિસ્તાનને મામલે ભારતને છેટું રાખવાની યુ.એસ.એ.ની નીતિ જોખમી સાબિત થઇ શકે છે
ગરજવાન પોતાનો સ્વાર્થ સાધવા કોઇ પણ સ્તરે જઇ શકે અને તેનું મોટામાં મોટું ઉદાહરણ છે અમેરિકા. યુનાઇટે સ્ટેટ્સ ઑફ અમેરિકા, વિશ્વની મહાસત્તા, લોકશાહી રાષ્ટ્રના ઇન્ટેલિજન્સ અધિકારીઓએ દિલ્હીના આંટા ફેરા શરૂ કરી દીધા છે. અફઘાનિસ્તાનમાંથી બિસ્તરાં પોટલાં ઉપાડીને નિકળી ગયેલા યુ.એસ.એ.એ અત્યાર સુધી પોતાના સ્વાર્થ ખાતર મિડલ ઇસ્ટર્ન દેશોનો કચ્ચરઘાણ વાળ્યો. હવે અફઘાનિસ્તાન સાથે બદલેલા સમીકરણમાં તેમને ભારતની સોબત કરવી છે. યુ.એસ.એ.એ બહુ સિફતથી, હળવાશથી એવા સંકેત આપ્યા છે કે તેમને ભારતના એર ફિલ્ડ્ઝની જરૂર છે જેથી તે અફઘાનિસ્તાન અને તેની આસપાસના પ્રદેશોમાં આતંકીઓ પર એરિયલ સર્વેઇલન્સ રાખી શકે અને જરૂર પડે તો હુમલા પણ કરી શકે. વિશ્વની મહાસત્તા ગણાતા આ રાષ્ટ્રને જાતની રક્ષા કરવી છે અને એ માટે તે કોઇ પણ હદે કોઇનો પણ ઉપયોગ કરી શકે છે.
વિજ્ઞાનમાં ભણાવાતું કે અમુક પ્રકારની વેલમાં ક્લોરોફિલ ન હોય એટલે તે ઝાડને વિંટળાય અને આ પ્રકારના સજીવોને પેરાસાઇટ અથવા તો પરાવલંબી કહેવાય. યુ.એસ.એ. પાસે કંઇ ન હોય એવી શક્યતા તો નથી પણ અફઘાનિસ્તાન પર નજર રાખવા માટે તેમને ભારતના આકાશનો ટુકડો જોઇએ છે. આમ કરવામાં તેમણે પાકિસ્તાન સાથેના પોતાના સંબંધોનું પુનઃઅવલોકન કરવું પડશે. 24મી સપ્ટેમ્બરે વડા પ્રધાન મોદીની અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડન સાથે ક્વૉડ સમિટમાં મુલાકાત થાય તે પહેલાં જ યુ.એ.સ સેક્રેટરી ઑફ સ્ટેટ એન્ટોની બ્લિન્કને આ સંકેતો આપ્યા. આ અંગે હજી કોઇ ચોખવટ નથી થઇ, કોઇ પણ જાહેરાત વિસ્તૃત રીતે નથી કરાઇ.
યુ.એસ.એ.ના ઇરાદા કંઇ પણ હોઇ શકે પણ એક રીતે તો અફઘાનિસ્તાનને કારણે અમેરિકા અને ભારત વચ્ચેની વ્યૂહાત્મક ખાઇ છતી થઇ ગઇ છે. જો બાઇડને જ્યારે અફઘાનિસ્તાન સાથેનું યુદ્ધ હવે પૂરું થયું છે-ની જાહેરાત કરી, ત્યારે તેમણે આ પગલાં પાછળની ચોખવટ કરતાં એમ કહ્યું હતું કે તેઓ ચીન સાથે રસાકસીની સ્પર્ધામાં છે તો બીજી તરફ રશિયા સાથેના તેમના પડકારો પણ બહુસ્તરીય છે. આ સંજોગોમાં યુ.એસ.એ. હજી એકાદ દાયકા સુધી જો અફઘાનિસ્તાનમાં રહે તો ચીન અને રશિયાને તો ભાવતું મળે પણ હવે એવું થવાનું નથી. તાલિબાનના તાબામાં રહેલા અફઘાનિસ્તાનને કારણે યુ.એસ.એ. પર આતંકી હુમલાઓની તલવાર તો તોળાવાની જ અને એવામાં અફઘાનિસ્તાનમાંથી નીકળી જઇ રશિયા અને ચીન સાથેના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની આ અમેરિકન વ્યૂહરચના કેટલી નક્કર છે તે કહેવું આસાન નથી. આવામાં જો રશિયા અને ચીન ચાલાકીથી પાકિસ્તાનની મદદ લઇને અફઘાનિસ્તાનમાં સ્થિરતા લાવશે તો આ આખી ત્રિરાશીમાંથી અમેરિકાનો છેદ જ ઊડી જાય, જે ભૌગોલિક વ્યૂહરચનાની દ્રષ્ટિએ એશિયાના મોટા હિસ્સામાંથી અમેરિકાની બાદબાકી સાબિત થાય. અમેરિકા માટે એ પચાવવું સ્વાભાવિક રીતે જ અઘરું હોય. બીજી બાજુ જો અમેરિકા કોઇ પણ ભોગે અફઘાનિસ્તાનમાં સ્થિરતા લાવવામાં નિષ્ફળ જાય તો આતંકવાદનો પડકાર તેઓ કલ્પી ન શકે તે હદે વિસ્તરી જશે.
યુ.એસ.એ.ની ઇન્ડો-પેસિફિક વ્યૂહ રચનામાં ભારતનો અગત્યનો ફાળો છે અને ભારત જાણે છે કે યુ.એસ.એ.નું અફઘાનિસ્તાનમાંથી નીકળવું તેને માટે પણ સંજોગો પેચિદા બનાવશે. અત્યાર સુધી તો યુ.એસ. અને અમેરિકાએ ભારતની પૂર્વને મામલે ૯૫ ટકા જેટલા એક કેન્દ્રમાં હતા અને પાકિસ્તાન-અફઘાનિસ્તાન એટલે કે ભારતની પશ્ચિમે ૫ ટકા જેટલા એકમત હતા. પાકિસ્તાનીઓને ખુશ રાખવા માટે અમેરિકન્સે ભારતને અફઘાનિસ્તાનને મામલે કોઇ મોટા પગલાં લેવા નથી દીધાં. સુરક્ષાની માલમે તો ભારત માટે જાણે ‘નો એન્ટ્રી’ જ હતી. અત્યાર સુધી જરૂર પડે ભારત પાસેથી અમેરિકન અધિકારીઓએ અફઘાનિસ્તાન માટે ચેક પર સહીં કરાવી છે પણ તે સિવાય અફઘાનિસ્તાનમાં ભારતનો કોઇ પણ પ્રકારનો પ્રભાવ નથી પડવા દીધો. કારણ કે જો એમ થાય તો પાકિસ્તાનીઓને વાંકુ પડે અને એ અમેરિકાને પોસાય તેમ નથી. ભારતીય સરકારોએ આ ખેલ જેમ હતો એમ ચાલવા દીધો કારણ કે અફઘાનિસ્તાનમાં અમેરિકાની હાજરી હતી, જેને કારણે આતંકવાદનું તાંડવ ખાસું એવું કાબૂમાં હતું પણ હવે સંજોગો સાવ બદલાઇ ગયા છે. હવે ભારત અને યુ.એસ.એ. ભૌગોલિક રીતે ભારતની પૂર્વ દિશામાં જેટલા ઓવરલૅપ થાય છે તેટલો જ સમાવેશ યુ.એસ.એ. અને ભારતનો પશ્ચિમ દિશામાં થાય તે પણ જરૂરી છે. અફઘાનિસ્તાનને મામલે ભારત શાહમૃગ નીતિ નહીં અપનાવી શકે, જે દેશ સાવ બાજુમાં છે તે નથી, અથવા તો ત્યાંના સંજોગોથી આપણને ફેર નથી પડતો અને યુ.એસ.એ. જોઇ લેશે-વાળો અભિગમ આપણને હવે નહીં પોસાય. વીસ વર્ષના યુદ્ધ પછી સ્વાર્થી યુ.એસ.એ. તો જાણે અફઘાનિસ્તાન તેમને માટે કોઇ મહત્ત્વ જ નથી ધરાવતું એવી અવગણના કરીને ત્યાંથી પોતાની જાતને અલગ કરી લીધી. કલ્પના કરો કે ચીન, પાકિસ્તાન અને તાલિબાનના તાબા હેઠળનું અફઘાનિસ્તાન ભારત માટે કેટલું જોખમી સાબિત થઇ શકે છે. વળી, તાલિબાનના શાસનમાં તો ભારતે થર્ડ ફ્રંટની ચિંતા પણ કરવાની. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનને પૈસા આપીને છૂટી જવાની અમેરિકાની આદત ભારતને ભારે પડશે. યુ.એસ.એ.નું ક્લાઉટ, તેનો પ્રભાવ ભારતના ફાયદા માટે પણ વપરાય તે જરૂરી છે.
યુ.એસ.એ.નો ઇતિહાસ એટલો પૂરાણો નથી કે તે પોતાના ભૂતકાળમાંથી શીખીને સમજીને આગળ વધે. યુ.એસ.એ. જે છે તે એટલા માટે છે કે તેને માટે પોતાનાથી ઉપર કશું નથી હોતું, આ સ્વાર્થ સાધવામાં યુ.એસ.એ. મોટે ભાગે સફળ રહ્યું છે પણ તેમની રોટલી શેકવામાં આપણું ઘર બળે નહીં તેની તકેદારી આપણે રાખવી જ રહી. ઇઝરાયલ, ઇરાક, અફઘાનિસ્તાન જેવા કેટલા ય મિડલ-ઇસ્ટર્ન દેશો યુ.એસ.એ.ની સત્તા ભૂખમાં બેહાલ થયા છે. યુ.એસ.એ.ની નીતિ તેને પોતાને માટે તો ખરાબ નથી જ પણ તેમનો આ સલામત રહેવાનો અને સશક્તિ રહેવાનો સ્વાર્થ બીજા રાષ્ટ્રોને પાંગળા કરી ગયો છે તે પણ એક વાસ્તવિકતા છે.
બાય ધી વેઃ
યુ.એસ.એ.ની ચકાચોંધમાં આપણે કુંડાળામાં પગ ન મૂકી દઇએ તે જરૂરી છે કારણ કે નહીંતર આપણી સુરક્ષા એવી જોખમાશે કે સંભાળવાનું મુશ્કેલ થઇ શકે છે. યુ.એસ.એ.નો જે અભિગમ રહ્યો છે કે કાં તો તમે અમારી સાથે છો અથવા તો સામે છો – એવો જ અભિગમ ભારતે યુ.એસ.એ. સાથે અપનાવવો પડે એવી નોબત પણ આવી શકે છે. પૂર્વમાં યુ.એસ.એ. ભારત તરફી કામ કરે અને પશ્ચિમમાં ભારત વિરોધી અને એ સમાધાન આપણે એક રાષ્ટ્ર તરીકે ચલાવીએ તો એ તો આપણે કુહાડી પર જઇને કૂદકો માર્યો એમ કહેવાય.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 19 સપ્ટેમ્બર 2021