Opinion Magazine
Number of visits: 9446346
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એ ય હુતૂતૂતૂતૂતૂતૂતૂ જામી રમતની ઋતુ

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|25 April 2019

હૈયાને દરબાર

દેશમાં ચૂંટણીની મોસમ પૂરબહારમાં ખીલી છે. બીજી બાજુ રમતગમતની પ્રવૃત્તિઓ પૂર  જોશમાં છે. આ રમત અને રાજરમતના માહૌલમાં અવિનાશ વ્યાસનું દાવ-પેચ અને ટાંટિયાખેંચની રમતનું ગીત યાદ આવ્યા વિના રહે? હુતૂતૂતૂ જામી રમતની ઋતુ… એ આપણી પ્રજાનું મનગમતું ગીત છે. ખાસ તો એનું સ્વરાંકન એવું ચપળ છે કે ગીત સાંભળતાં જ તન-મન થનગનવા અને પગ થિરકવા લાગે. આ ગીતમાં જિંદગીની કડવી વાસ્તવિકતાઓ અથવા તો કહો કે આખું જીવનદર્શન જ પ્રતિબિંબિત થાય છે. ચડસાચડસી અને દેખાદેખીના આ જમાનામાં ‘ઉસકી સાડી મેરી સાડી સે સફેદ ક્યૂં’ અથવા "ઉસકી ગાડી મુઝસે બઢિયા ક્યૂં? જેવી મેન્ટાલિટી લગભગ દરેકમાં જોવા મળે છે. આ સરખામણીનું એવું છે કે એનો છેડો ઉપર તરફ જાય તો અહંકારની ટોચે પહોંચે નીચે તરફ જાય તો ઈર્ષાની ખાઈમાં ખદબદવા લાગે. આ દેખાદેખી એ જમાનામાં પણ હતી અને આજે ય છે એટલે જ અવિનાશ વ્યાસે જિંદગીના અટપટા અને આટાપાટાવાળા ખેલને બખૂબી આ ગીતમાં રજૂ કર્યો છે. હુતૂતૂતૂ રમતની વિશેષતાઓને જીવન સાથે સાંકળી લઈને એમણે જબરજસ્ત પંક્તિઓ રચી છે. આ ગીત એટલું લોકપ્રિય થયું છે કે સુગમ સંગીતના કાર્યક્રમમાં ન લેવાયું હોય તો શ્રોતાઓ સામેથી ફરમાઈશ કરે.

હુતૂતૂતૂ ગેમ વિશે આપણને ખબર જ છે. કબડ્ડીનું બીજું નામ હુતૂતૂતૂ છે જેમાં બે ટીમના સભ્યો વચ્ચે એકબીજાના ટાંટિયા ખેંચવાની સ્પર્ધા યોજાતી હોય છે, પરંતુ અવિનાશ વ્યાસે તો આ ગીત દ્વારા હુતૂતૂતૂની રમત જિંદગીના મેદાનમાં ક્યાં ક્યાં અને કેવી કેવી જગ્યાએ, કેવી રીતે રમાય છે એનું સરસ આલેખન કર્યું છે. તેજ ને તિમિર વચ્ચે પકડાપકડીની રમત, પાણી અને સમીર વચ્ચેનો હુંસાતુંસીનો ખેલ અને વાદળની ઓથે સંતાયેલા પ્રભુજીને પામવા માટે સંત ફકીરોની ભાગદોડ પણ ગીતમાં સમાવી દીધી છે. અરે, ભેરુનો દેખાવ કરીને સામેવાળાને કેવી રીતે પરાજિત કરવો કે પટકી દેવો એના ય ખેલ દુનિયામાં લોકો વચ્ચે ખેલાતા હોય છે. એવા લોકોને ય એમણે છોડ્યા નથી. સ્વાર્થી મનુષ્યને પોતાનો મોબાઇલ, પોતાનું કમ્પ્યુટર, પોતાનાં કપડાં, વર્ચ્યુઅલ વર્લ્ડ, ફિલ્મી જગતનાં તરંગી ખ્યાલો અને અહમ્ સિવાય બીજી કોઈ મિલકત સાથે નિસ્બત નથી. માણસ વ્યક્તિગત પરાક્રમ કરી શકતો નથી એનું વેર ટોળાંમાં રહીને લે છે. ટોળાંશાહીનાં પરિણામો કેવાં આવે એ સુજ્ઞ વાચકોને સમજાવવાની જરૂર નથી. તેઓ બધું જ સમજે છે.

રાજકારણીઓ અત્યારે આ જ ખેલ ખેલી રહ્યા છે ને! ચૂંટણી આવે ત્યારે એક જાય બીજો આવે, બીજો આવીને પહેલાં કરતાં સવાઈબહાદુર થઈને વર્તે, એ પણ લોકોને માટે જ કામ કરે છતાં લોકો સુધી એ કામ પહોંચે નહીં એ રીતે લોકશાહીની રથયાત્રા નિરંતર ચાલ્યા કરે. પક્ષીય દાવપેચમાં છેવટે લૂંટાય છે તો જનતા જનાર્દન.

સ્વાર્થી જગતની વાત બહુ સાહજિક રીતે કવિએ આ ગીતમાં વણી લીધી છે. આખેઆખી રમતને જિંદગીના દાવપેચ સાથે આવરી લીધી છે. મન્ના ડેના અવાજમાં સાંભળવાની તો મજા જ જુદી, પરંતુ ગુજરાતી સુગમ સંગીતના લગભગ દરેક કલાકારે આ ગીતને પોતાના આગવા અંદાજમાં બહેલાવ્યું છે. અલબત્ત, સંગીતકારના સ્વમુખે સાંભળવાનો લ્હાવો તો ચૂકાય નહીં. આ મજેદાર ગીતના સંગીતકાર ગૌરાંગ વ્યાસ તો ઘણીવાર જાહેરમાં કહે છે કે લોકોને તો એવું જ લાગે છે કે મેં ફક્ત સાંવરિયો અને હુુતૂતૂતૂ ગીત જ કંપોઝ કર્યાં છે. મારે કહેવું પડે કે ભાઈઓ અને બહેનો, આ બે ગીતો સિવાય પણ મારી પાસે મારાં સંગીતબદ્ધ કરેલાં ગીતોનો સમૃદ્ધ ખજાનો છે.

આ ગીતની અરેન્જમેન્ટ એવી અદ્ભુત છે કે ગીત સાંભળતાં વેંત જ તન-મન ડોલવા માંડે. ગીતના આરંભમાં જ હાર્મોનિયમ પર ગૌરાંગ વ્યાસની આંગળીઓ વીજળીની જેમ ફરે છે. એમાંથી જે સ્વર નિષ્પન્ન થાય એ કાબિલેદાદ જ હોય ને!

https://www.youtube.com/watch?v=cav55TuvEpE

રમતનાં આ ગીતનું રમતિયાળ સ્વરાંકન કરનાર સુપ્રસિદ્ધ સંગીતકાર ગૌરાંગ વ્યાસ આ ગીતની સર્જનકથા વિશે કહે છે, "ભઈએ (પિતાને તેઓ ભઈ તરીકે સંબોધે છે) ઘણા બિનગુજરાતી કલાકારો પાસે સુંદર ગુજરાતી ગીતો ગવડાવ્યાં છે. મન્ના ડે પણ એમાંના એક. રેકોર્ડિંગ વખતે એ સમયે સંગીતનો માહોલ જ અલગ રહેતો. કલાકારો, સંગીતકાર અને સાજિંદાઓ વચ્ચે જબરજસ્ત સિન્ક્રોનાઈઝેશન જોવા મળતું. હું તો ભઈના આસિસ્ટન્ટ તરીકે જ કામ કરતો હતો. ફુરસદનો સમય હોય ત્યારે મન્નાદા મને કહે કે ગૌરાંગભાઈ, કુછ નયા ગુજરાતી ગાના સુનાઓ. હું મારાં નવાં સ્વરાંકન સંભળાવું અને એ ખુશ થાય. એક વખત મને કહે કે મારે કોઈક સરસ, ફાસ્ટ રીધમનું ગુજરાતી ગીત ગાવું છે. એમણે આ સૂચન કર્યું એટલે મેં ભઈને વાત કરી. ભઈ કહે કે તું ધૂન તૈયાર કર હું એમાં શબ્દો ગોઠવવાનો પ્રયાસ કરું છું. એ વખતે આ હુતૂતૂની ધૂન મારા મગજમાં આવી અને મેં એમને તરત જ સંભળાવી. એ કહે કે વાહ, એકદમ સરસ, મન્નાદાને ગમે એવી જ ધૂન છે. હું કોઈક રમતને લગતું જ ગીત આ ધૂનમાં બેસાડું. એ પછી તરત જ એમણે પહેલી પંક્તિ લખી, હુતૂતૂતૂતૂતૂ, જામી રમતની ઋતુ! ત્યારબાદ તો હું ધૂન સંભળાવું અને ભઈ એમાં પંક્તિઓ ઉમેરતા જાય. આમ ફક્ત બે કલાકમાં તો આખું ગીત તૈયાર થઈ ગયું હતું. મન્નાદા તો સાંભળીને ઊછળી જ પડ્યા. કહે, વાહ ક્યા ગાના બનાયા હૈ! એમણે ઊલટભેર આ ગીત ગાયું અને રેડિયો પર રજૂ થતાં જ લોકપ્રિયતાના શિખરે પહોંચી ગયું હતું. એ પછી તો એક ગુજરાતી ફિલ્મમાં પણ આ ગીત લેવાયું જેમાં મહેન્દ્ર કપૂરે ગાયું હતું. જો કે મહેન્દ્ર કપૂરને ગુજરાતી ઉચ્ચારો સાથે આ ગીત ગાવામાં ઘણી તકલીફ પડી હતી.

કોલકાતામાં ૧ લી મે, ૧૯૧૯માં જન્મેલા મન્ના ડેને ક્યારે ય પરભાષાનાં ગીતો ગાવામાં સમસ્યા નડી નથી. મન્ના ડે ભારતીય સંગીતનો એ સિતારો હતો જેમણે ઢગલાબંધ હિટ સોંગ્સ આપ્યાં. ૧૯૫૦-૬૦ના દાયકામાં જ્યારે બોલીવુડની ફિલ્મોમાં રાગ આધારિત ગીત રેકોર્ડ કરવાનું હોય ત્યારે તમામ લોકોના હોઠ પર એક જ નામ રહેતું મન્ના ડે. યોગાનુયોગે આ પહેલી મેએ જ જન્મ શતાબ્દી પૂર્ણ કરનાર મન્ના ડેને આજનો લેખ સ્મરણાંજલિ રૂપે અર્પણ છે. તેમના મામા સંગીતાચાર્ય કૃષ્ણચંદ્ર ડેને જોઈને સંગીતમાં રસ જાગ્યો હતો. મૂળ બંગાળી પરિવારમાં જન્મેલા મન્ના ડેએ ગુજરાતી ભાષામાં ઘણાં ઉત્તમ ગીતો આપ્યાં છે. પન્નાલાલ પટેલની નવલકથા ‘મળેલા જીવ’ પરથી આ જ નામ ધરાવતી ગુજરાતી ફિલ્મ બની. જેમાં મન્ના ડે એ ‘ચરર ચરર મારું ચકડોળ ચાલે’ ગીત ગાયું. આ ગીતને અવિનાશ વ્યાસે જ સ્વરબદ્ધ કર્યું હતું.

નિનુ મઝુમદારની કલમે લખાયેલું પંખીઓએ કલશોર કર્યો ભાઈ … ગીત પણ મન્ના ડેના અવાજમાં રેકોર્ડ થઈ ચૂક્યુ છે. રામદેવ પીરનો હેલો સાંભળીને તો આપણને નવાઈ જ લાગે કે એક બંગાળી ગાયક ગુજરાતી લોક દુહો કેવી રીતે લલકારી શકે! મન્ના ડે બંગાળી હોવા છતાં ય તળપદા શબ્દો ધરાવતું આ ગીત સુંદર રીતે રેકોર્ડ કર્યું હતું. એટલું જ નહીં એક સમયે દૂરદર્શન બાંગ્લાને આપેલા ઈન્ટરવ્યુમાં પણ મન્ના ડેએ આ ગીત ગાઈને સંભળાવ્યું હતું. નરસિંહ મહેતાએ લખેલું અને ગાંધીજીને પ્રિય ભજન વૈષ્ણવ જન મન્ના ડેના અવાજમાં લોકપ્રિય છે. આજનું હુતૂતૂતૂ ગીત તો કમાલ છે જ!

આ ગીતમાં જીવનની વરવી વાસ્તવિકતા અહીંથી શરૂ થાય છે.

એકમેકને મથે પકડવા સારા નરસા સ્વારથ સાથે
ધમ્માચકડી પકડા પકડી, અવળે સવળે આટે પાટે

કવિ કહે છે કે ફક્ત સ્વાર્થના સંબંધોનું જોર વધ્યું છે. સ્વાર્થ સિદ્ધ કરવા માણસ કોઈ પણ કક્ષાએ જતા અટકતો નથી. આ નરી વાસ્તવિકતા છે. ક્યારેક ક્યાંક માનવતાનો ઊભરો દેખાઈ આવે પણ એ ક્ષણિક હોય છે, આ ઊભરા વાસ્તવિકતામાં બદલાતી વખતે ફરી ગણતરીઓની જાળામાં સપડાઈ જાય છે. ‘ખમીરનો ખેલ’ મંડાતો જ નથી અને ફિક્સિંગના કિસ્સાઓ છાપાઓની હેડલાઇન ચમકાવે છે.

જાત જાત ભાત ભાતના વિચારે દાવ પેચ
કયારે મળે લાગ અને ક્યારે લૂંટું?

ક્યારે તક મળે અને ક્યારે પ્રતિસ્પર્ધીને પછાડું …ની માનસિકતા જ આજના જમાનાના મહારોગો ડિપ્રેશન, એન્ઝાઈટી કે હાઈપરટેન્શન તરફ દોરી જાય છે.

બીજાને કેમ પરાજિત કરવો … બસ, જાણે દરેક માનવી આ એક જ આશથી જીવતો હોય એવી પ્રતીતિ થાય. પોતાની લીટી મોટી કરવાની બદલે બીજાની લીટી નાની કરવાનો જ પ્રયત્ન લોકો કરે છે. અન્યનું સુખ લોકોથી સાંખી શકાય નહીં અને પોતાનું દુ:ખ જીરવાતું ન હોય ત્યારે મનુષ્ય અધમ કક્ષાએ પહોંચતાં અચકાતો નથી. અવિનાશભાઈએ છેલ્લી લાઈનમાં મોટો ફટકો મારી દીધો છે.

વિધ વિધ નામ ધરી સંસારની કેડી માથે
ખાકના ખિલોના રમે સાચું અને જૂઠું

વિવિધ નામધારી ખાકના ખિલોના એટલે કે રાખનાં રમકડાંની જ વાત દોહરાવીને એ કહે છે કે જીવનના આ ખેલમાં માણસ નફ્ફટ થઈ કેટકેટલું સાચું જૂઠું રમે છે!

આખરી સત્ય એ જ બહાર આવે છે કે માણસનો અહંકાર અને ‘હું’ સર્વત્ર છવાયેલો છે. હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે …! એ માનસિકતા હોય ત્યારે શું કરી શકાય?

જ્યાં સુધી આપણે આ ‘હું’ પદમાંથી એક મેકના ‘ભેરુ’ નહીં બનીએ ત્યાં સુધી ‘સ્વાર્થ’, ‘ધમાચકડી’, ‘વિચારના દાવપેચ’, ‘સામેનાંને કેમ પરાજિત કરવો’નું ઘમસાણ યુદ્ધ ચાલતું જ રહેશે.

————————-

એ ય હુતૂતૂતૂતૂતૂતૂતૂ

જામી રમતની ઋતુ

આપો આપ એક મેકના થઈને ભેરુ સારું
જગત રમતું આવ્યું ને રમે છે હુતૂતૂતૂતૂ
તેજ ને તિમિર રમે હુતૂતૂતૂ, હુતૂતૂતૂ
પાણી ને સમીર રમે હુતૂતૂતૂ, હુતૂતૂતૂ
વાદળની ઓથે બેઠા સંતાયેલા પ્રભુજીને
પામવાને સંત ને ફકીર રમે … હુતૂતૂ

એકમેકને મથે પકડવા સારા નરસા સ્વારથ સાથે
ધમ્માચકડી પકડા પકડી અવળે સવળે આટે પાટે
ખમીરથી ખમીરનો ખેલ રે મંડાયો ભાઈ
હોય જગ જાગતું કે હોય સૂતું … હુતૂતૂ

મનડાની પાછળ મન દોડે તનડું તનને ઢૂંઢે
ધનની પાછળ ધન દોડતું પ્રપંચ ખેલી ઊંડે
જાતજાત ભાતભાતના વિચારે દાવ પેચ
કયારે મળે લાગ અને ક્યારે લૂંટું? … હુતૂતૂ

ભેરુનો દેખાવ કરીને ખેલ ખેલતા ઊંચે શ્વાસે
પરને કેમ પરાજિત કરવો અંતર પ્રગટી એક જ આશે
વિધવિધ નામ ધરી સંસારની કેડી માથે
ખાકના ખિલોના રમે સાચું અને જૂઠું … હુતૂતૂતૂ

• ગીત: અવિનાશ વ્યાસ   • સંગીત: ગૌરાંગ વ્યાસ   • સ્વર : મન્ના ડે

————————————

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 25 ઍપ્રિલ 2019

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=495261

Loading

25 April 2019 admin
← જલિયાંવાલા બાગની શતાબ્દીએ સ્મરણ નાનક સિંહ અને ઉધમ સિંહનું
‘દર્શક’નું ‘જલિયાંવાલા’ નાટક દેશભક્તિ ઉપરાંત નાગરિક અધિકાર અને કોમી એખલાસને પણ આલેખે છે →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved