સ્વાભાવિક રીતે જ સર્વત્ર ચર્ચા પ્રશાંત ભૂષણની છે, ત્યારે તાજેતરના અરરિયા અદાલતી અવમાનના કેસને પણ યાદ કરવા જેવો છે. એક સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી યુવતી અને તેને ન્યાય અપાવવામાં મદદગાર બે સામાજિક કાર્યકરોને અદાલતી અવમાનના કેસમાં જેલમાં મોકલી આપનાર ન્યાયાધીશે ખુદ ન્યાયને જ સૂળીએ ચઢાવી દીધો છે. નીચલી કોર્ટને અદાલતી અવમાનનાનો કેસ ચલાવવાની સત્તા ન હોવા છતાં આ કિસ્સામાં અદાલતે તમામ નિયમકાનૂનને બાજુ પર મૂકીને સજા કરી છે. અરરિયા અદાલતના જજની આ કાર્યવાહીને સર્વોચ્ચ અદાલતે અનુચિત ગણાવી છે.
સામૂહિક બળાત્કાર પછીની તપાસની પીડા
‘સુશાસનબાબુ’ના બિહારમાં ૨૦૨૦ના વરસના પહેલા ચાર મહિનામાં બળાત્કારના ૪૦૪ બનાવો એટલે કે મહિને સરેરાશ ૧૦૧ અને રોજના ત્રણ બનાવો સરકારી ચોપડે નોંધાયા છે. બિહારના સીમાંચલ અરરિયા જિલ્લામાં ગઈ તારીખ છઠ્ઠી જુલાઈની સાંજે ૨૨ વર્ષીય યુવતીને તેનો એક પરિચિત યુવક નામે ઈરફાન મોટર સાઈકલ શીખવતો હતો. એક શાળાના મેદાનમાં મોટર સાઈકલ શીખતાં અંધારું થવા આવ્યું એટલે તેને યુવતીએ ઘરે જવાનું કહ્યું. એટલે પેલો યુવક તેને લઈને નીકળ્યો પણ થોડી જુદી અને સૂમસામ જગ્યાએ લઈ ગયો. ત્યાં મોટર સાઈકલ પર અગાઉથી ઊભેલા ત્રણ-ચાર લોકોએ આ યુવતીને પોતાની નજીક ખેંચી, યુવતીએ છૂટવા પ્રયત્ન કર્યો. જે પરિચિત યુવક તેને મોટર સાઈકલ શીખવતો હતો, તેને આજીજી કરી પણ તે ભાગી ગયો. ચાર લોકોએ પછી તે યુવતી પર બળાત્કાર કર્યો અને રાતે સાડાદસેક વાગે તેને થોડે દૂર મૂકી આવ્યા. આ યુવતી ‘જન જાગરણ શક્તિ સંગઠન’ નામક સામાજિક સંગઠનના સામાજિક કાર્યકર કલ્યાણી બડોલાના ઘરે રસોઈ અને ઘરકામ કરતી હતી. એટલે તેણે પોતાની વીતક કલ્યાણીને જણાવી અને પોતાને લઈ જવા વિનંતી કરી. ગેંગરેપનો ભોગ બનેલી અને પોતાના ઘરની સભ્ય એવી યુવતીને કલ્યાણી પોતાના ઘરે લઈ આવી. યુવતી તેના ઘરે જઈ શકે તેવી શારીરિક-માનસિક સ્થિતિમાં નહોતી અને ઘરે જવા રાજી પણ નહોતી. એટલે એ રાતે કલ્યાણીએ તેને પોતાની સાથે જ રાખી અને સવારે અરરિયાના મહિલા પોલીસ થાણે સામૂહિક બળાત્કારની ફરિયાદ નોંધાવી.
એ પછી શરૂ થઈ પોલીસ તપાસ અને તેમાં માનસિક રીતે ભાંગી નાંખે તેમ બળાત્કારપીડિતાને વારંવાર ઘટનાની રજેરજ વાત કરવી પડતી હતી. પોલીસના ઊલટસૂલટ અને તે જ દોષિત હોય તેવા સવાલોના જવાબો અને તબીબી પરીક્ષણ પણ થયાં. આ બધા જ કાર્યોમાં કલ્યાણી અને એક અન્ય સામાજિક કાર્યકર તન્વી નાયર(તન્મય નિવેદિતા) તેની સાથે હતાં. ઘટનાના ચોથા દિવસે તેમણે કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ સી.આર.પી.સી.ની કલમ ૧૬૪ હેઠળ નિવેદન નોંધાવવા જવાનું હતું. જ્યારે તેઓ બપોરે એક વાગે અરરિયા સિવિલ કોર્ટ પહોંચ્યાં ત્યારે ત્યાં યુવતીને બળાત્કારીઓના હવાલે કરનાર તેનો પરિચિત યુવક અને તેની મા પણ આવેલા હતાં. યુવતી ખૂબ જ દુ:ખી અને પરેશાન હતી. તેને પેલી ઘટના વારંવાર યાદ આવ્યા કરતી હતી. આ દિવસોમાં તેના પર બળાત્કારની ફરિયાદ પાછી ખેંચી લેવાનું અને પરિચિત યુવક ઈરફાન સાથે લગ્ન કરી લેવાનું પણ દબાણ હતું. વળી કોર્ટમાં લાંબો સમય બેસી રહેવાનું હતું. ત્રણેક કલાકે તેને જજ સમક્ષ લઈ જવામાં આવી.
ન્યાયનો નહીં ન્યાયાધીશનો મિજાજ
અરરિયા જિલ્લા કોર્ટના જજ મુસ્તફા શાહી સમક્ષ તેણે એકલા જ હાજર રહી નિવેદન અપવાનું હતું. તેણે કલ્યાણીદીદીને સાથે રાખવા વિનંતી કરી, પણ તે શક્ય ના બન્યું. ફરી તેને ઘટના યાદ કરવાની થઈ એટલે વધુ એકવાર પીડામાંથી પસાર થવાનું થયું. જજે તેને નિવેદન નોંધ્યા પછી નીચે સહી કરવા જણાવ્યું તો યુવતીએ, ‘કલ્યાણીદીદીને બોલાવો તમે શું કહો છે, વાંચો છો મને કંઈ ખબર પડતી નથી.’ એવું કંઈક ગુસ્સામાં અને માનસિક વ્યગ્રતાથી કહ્યું . એટલે જજસાહેબ ખીજાયા. યુવતીનો અવાજ પણ ગુસ્સામાં ઊંચો થયો. જજે બહાર ઊભેલા સામાજિક કાર્યકરોને બોલાવ્યા. અને ‘કોણ છે કલ્યાણી ? જેને મારા કરતાં તેના પર વધુ વિશ્વાસ છે ?’ એમ પૂછ્યું. જજ સમક્ષ હાજર કલ્યાણી અને તન્મયે જજસાહેબને યુવતી વતીના સંતોષ માટે એકવાર નિવેદન વાંચી જવા વિનંતી કરતાં જજ મુસ્તફા શાહીનો પિત્તો ગયો. બોલાચાલી થઈ એટલે જજે પોલીસ બોલાવી અને અદાલતની અવમાનના અને અદાલતી કામમાં હસ્તક્ષેપ સહિતની ધારાઓ હેઠળ ફરિયાદ કરી. એ જ સમયે આ ત્રણેયની ધરપકડ થઈ અને અરરિયાથી ૨૨૫ કિલોમીટર દૂરની દલસિંહસરાય જેલમાં લઈ ગયાં.
બળાત્કારની ફરિયાદી યુવતી અદાલતી અવમાનનાની આરોપી બની ગઈ. એટલે બળાત્કારપીડિતાનાં નામ સરનામા સાથે તેની ઓળખ માધ્યમોમાં ખુદ કોર્ટ સ્ટાફ દ્વારા છતી કરવામાં આવી. અરરિયા અદાલતના આ અમાનવીય અને અસંવેદનશીલ પગલાંની દેશભરમાં ભારે ટીકા થઈ. ઇન્દિરા જયસિંહ, પ્રશાંત ભૂષણ, વૃંદા ગ્રોવર સહિતના દેશનાં ૩૫૬ નામી વકીલોએ પટણાની વડી અદાલતના ચીફ જસ્ટિસને આ કેસમાં હસ્તક્ષેપ કરવા અને ત્રણેયને જેલમાંથી મુક્ત કરવા અપીલ કરી. જો કે મહામારીને કારણે કોર્ટોમાં બહુ ઓછું કામ ચાલતું હતું. તેથી દસ દિવસ બાદ બળાત્કારપીડિતાને તો જામીન મળ્યા પણ બે સામાજિક કાર્યકરોને ન મળ્યા. એટલે તેમણે સર્વોચ્ચ અદાલતમાં ધા નાંખવી પડી. નાંખી. બંધારણના અનુચ્છેદ ૩૨નો સહારો લઈને સુપ્રીમ કોર્ટમાં આ કેસ અંગે ન્યાય માંગવામાં આવ્યો. જસ્ટિસ અરુણ મિશ્રાની બેન્ચે ત્રીજી ઓગસ્ટના ચુકાદામાં અરરિયા સિવિલ કોર્ટની કાર્યવાહીને અનુચિત ગણાવી બંને સામાજિક કાર્યકરોને જામીન પર મુક્ત કરતાં પચીસેક દિવસે તેમનો છૂટકારો થયો. એ રીતે હાલ તરત આ કેસમાંથી મુક્તિ મળી છે, પરંતુ ન્યાયતંત્ર કઈ હદે નિરંકુશ અને અન્યાયી બની શકે તે જોવા મળ્યું છે.
અપમાનના પ્રકાર
અદાલતની અવમાનના બે પ્રકારના કેસો હોય છે. કોર્ટ કોઈ ચુકાદો આપે પણ તેનો અમલ જ ના થાય એટલે અરજદાર ફરી કોર્ટ સમક્ષ ચુકાદાના અમલ માટે કોર્ટના અપમાનની (કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ) ફરિયાદ કરે. તે સિવિલ કન્ટેમ્પ્ટ કેસ કહેવાય. આ પ્રકારના સિવિલ કન્ટેમ્પ્ટના ૯૬,૩૧૦ કેસો જૂન ૨૦૧૭ની સ્થિતિએ દેશની વિવિધ અદાલતોમાં પડતર છે. તેમાં ૮૦ ટકા કરતાં વધુ કેસો સરકાર કે સરકારી અધિકારીઓએ સામે છે. અદાલતની ગરિમાને હાનિ થઈ હોય તેવા અદાલતી અપમાનના કેસો ક્રિમિનલ કન્ટેમ્પ્ટ ગણાય છે. આવા ક્રિમિનલ કન્ટેમ્પ્ટના પણ ૫૮૬ કેસો પેન્ડિંગ છે. ૧૯૯૨માં બાબરી મસ્જિદનાં રક્ષણની બાંહેધરી ઉત્તર પ્રદેશની તત્કાલીન બી.જે.પી. સરકારના મુખ્યમંત્રી કલ્યાણસિંઘે એફિડેવિટ કરીને સુપ્રીમકોર્ટમાં આપી હતી (આવી જ બાંહેધરી લોકસભામાં બી.જે.પી. નેતા અટલબિહારી વાજપાઈએ આપી હતી.). પરંતુ તેમ છતાં સરકાર મસ્જિદનું રક્ષણ કરી શકી નહીં. તેથી ૨૮ વરસોથી કલ્યાણસિંઘ સામે અદાલતી અવમાનનાનો કેસ સુનાવણીની રાહ જોતો પડ્યો છે અને પ્રશાંત ભૂષણની બે ટ્વીટની મહામારીમાં પણ તાબડતોબ સુનાવણી થઈ તેમને દોષિત ઠેરવાયા છે. અરરિયામાં તો જજ સત્તાની ઉપરવટ જઈને અદાલતી અવમાનના કેસમાં એક બળાત્કારપીડિતાને જ જેલ હવાલે કરી દે છે. આ ભારતીય ન્યાયતંત્રની બલિહારી જ છેને ?
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ માંહેની સંવર્ધિત આવૃત્તિ; 24 ઑગસ્ટ 2020; પૃ. 11-12