દેશના નાણામંત્રીશ્રીએ સાવચેતી અને અગમચેતી વાપરીને પત્રકાર પરિષદમાં કહી દીધું કે કોરોનાકાળમાં નબળી પડેલી દેશની આર્થિક વ્યવસ્થા એ ‘એક્ટ ઑફ ગૉડ’ છે. મતલબ કે કુદરતી અને આકસ્મિક પરિબળોનું પરિણામ છે. માણસ આ સ્થિતિમાં લાચાર હોય છે. ટૂંકમાં, આમાં અમારો, કહો કે સરકારનો વાંક નથી.
જીવનને અસર કરનારાં પરિબળો મુખ્યત્વે બે પ્રકારનાં હોય છેઃ એક કે જે માણસોના કાબૂમાં છે અને બે કે જે માણસના કાબૂમાં નથી. ડાહ્યા, સમજુ માણસો કાબૂમાં હોય તેવાં પરિબળોથી કાબૂમાં ન હોય તેવાં પરિબળોની અસર ઓછી કરીને જીવનને સરળ બનાવે છે. કંપની મૅનેજમૅન્ટ હોય, દેશનું સંચાલન હોય કે જીવન હોય, આ મૂળભૂત નિયમ છે. લોકશાહી સરકારોનાં મૂળભૂત કામમાંનું એક પ્રજાના જાનમાલની સલામતી-સુરક્ષાનું છે. માનવીય અને કુદરતી આકસ્મિક પરિસ્થિતિઓ સામે પ્રજાને રક્ષણ આપવું, તેમને સહાય કરવી એ સરકારોની પ્રાથમિક ફરજ છે. મૂડીવાદી આર્થિક વ્યવસ્થાવાળા દેશો પણ ‘કલ્યાણ-રાજય’ની આ ભાવના માને છે અને મુશ્કેલ સ્થિતિમાં પ્રજાનું આર્થિક અને સામાજિક જીવન સુરક્ષિત રહે તેનો વિચાર કરે છે.
નાણામંત્રીશ્રીની એક વાત સાચી છે કે કોરોના સંક્રમણ સામે જગત લાચાર છે. આ આકસ્મિક આપત્તિ આવી પડી, આપણે લૉક ડાઉન કરવું પડયું. ધંધા- રોજગાર અટકી ગયા. આખો દેશ જ્યારે સામાજિક, આર્થિક રીતે થંભી જાય ત્યારે જી.ડી.પી. ઘટી જાય એ સ્વાભાવિક છે. પણ સરકારની પરીક્ષા જ ત્યાંથી શરૂ થાય છે. સવાલ જી.ડી.પી. ઘટી ગયો કે રોજગાર ઘટી ગયો તેનો છે જ નહીં, સવાલ હવે આ સ્થિતિમાંથી બહાર આવવા આપણે કયાં પગલાં લઇએ છીએ તેનો છે.
આપણે ખરેખર સંવેદનશીલ સરકાર સાબિત થવા માગીએ છીએ? ‘એક્ટ ઑફ ગૉડ’ને ‘એક્ટ ઓફ ગુડ ગવર્નન્સ’ દ્વારા હળવો કરવા માગીએ છીએ? આમ તો સરકાર પાસે વિદ્વાન આર્થિક નિષ્ણાત અધિકારીઓની ફોજ છે, પણ કેટલાક જમીનથી જોડાયેલાં સૂચનો છે, જે સરકાર સ્વીકારે તો નબળી આર્થિક સ્થિતિવાળા અર્થતંત્રને કળ વળે અને આજે નહીં તો ચાર-છ મહિને તે ફરી ધબકતું, ચેતનવંતુ બને.
સૌ પ્રથમ તો દેશનું અર્થતંત્ર જેનાથી દોડતું રહે છે અને દૂધ, શાકભાજીથી માંડીને કાચા માલસામાન કે તૈયાર વસ્તુઓની કિંમતમાં જે અસર પહોંચાડે છે તે વાહનવ્યવહાર માટેના પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને છે. તે તો ‘એક્ટ ઑફ ગૉડ’ નથી! સરકાર પેદાશો પરની એકસાઇઝ ડયુટી અને ટેક્સ અસરકારક રીતે તાત્કાલિક ઘટાડી શકે છે. તેનાથી તમામ વસ્તુના ભાવ ઘટશે, ઉત્પાદન ખર્ચ ઘટશે અને પ્રજાનું ખર્ચ ઘટતાં તેની વાસ્તવિક આવક વધશે.
આમ પણ ક્રુડ તેલના ભાવ વૈશ્વિક સ્તરે ઘટયા ત્યારે ભાવઘટાડાનો લાભ પ્રજાને મળ્યો નથી. સરકારે ભાવ ઘટ્યા ત્યારે ટેક્સ વધારીને વિકાસકામો માટે વાપરી શકાય તે હેતુથી રૂપિયા ભેગા કર્યા છે. ભલે સામાન્ય સમયમાં, ભાવ નીચા હતા ત્યારે ટેક્સ વધાર્યો, પણ હવે તે ઘટાડી શકાય — પચાસ પૈસા કે એક-બે રૂપિયા નહીં, રૂ. એંસીનું પેટ્રોલ રૂ. પાંસઠ કે રૂ. સિત્તેરમાં મળતું થાય અને ડીઝલ રૂ.સાઠ-બાસઠમાં, પછી જુઓ અસર ….
બીજું અત્યંત અગત્યનું લેવા જેવું પગલું એ છે કે ડિસેમ્બર સુધી દેશના તમામ હાઇ વે પર ટોલ ટેક્સ માફ કરી દેવો જોઈએ. તેમ કરવાથી વાહન વ્યવહાર ખર્ચમાં અસરકારક ઘટાડો થશે. સરકારે લૉક ડાઉન સમયે ટોલ ટેક્સ માફ કર્યા હતા, પણ તે વખતે વાહન વ્યવહાર અંશત: જ હતો. ટોલટેક્સ માફીની ખરી જરૂર જ હવે છે. ત્રણ મહિનાથી અટકેલો વાહન વ્યવહાર હવે શરૂ થયો છે. કાચા માલની હેરફેર, તૈયાર માલની હેરફેર જીવનજરૂરી ચીજોની હેરફેર …. આ બધાને ટોલ ટેક્સની માફીથી મોટી રાહત પહોંચશે. પેટ્રોલ-ડીઝલના ભાવઘટાડાની સાથે ટોલ ટેક્સ પણ માફ થાય તો તો પ્રત્યેક નાગરિકના ખિસ્સા પર તેની અસર પડશે અને આ ખર્ચ બચવાથી જે આવક બચશે તે બજારમાં ઠલવાશે. તેથી માગમાં વધારો થશે.
ત્રીજું, વીજબીલમાં રાહત આપવી અને રાહત ન આપી શકાય તો કમ સે કમ ફયુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જના નામે વીજગ્રાહકો પાસેથી તેણે વીજળીનાં જે યુનિટ નથી વાપર્યાં તેનું બિલ ન લેવું જોઈએ. આમ પણ ભારત સરકારે આર્થિક રાહતનું જે પૅકેજ જાહેર કર્યું છે. તેમાં રૂ. નેવું હજાર કરોડ વીજ કંપનીઓ માટે ફાળવવામાં આવ્યા છે. જો વીજકંપનીઓ ગ્રાહકો પાસેથી પૂરેપૂરા બીલ વસૂલ કરે છે, તો તેમને શા માટે કોઇ રાહત આપવાની જરૂર પડે? વીજબીલમાં રાહત લોકોના ખર્ચને ઘટાડશે અને તેમને વધુ એક વખત આવકનો સીધો લાભ દેખાશે. આવકનો સીધો લાભ આપનારું ચોથું પગલું છે શાળાકૉલેજમાં ફી-માફી કે રાહત. જૂનથી ખૂલેલા અર્થતંત્ર – સમાજતંત્રમાં પ્રજાના મોટા વર્ગની રોજગારી ન હોવાથી આવકો ઘટી ગઈ હોવાથી તેમની આર્થિક હાલત નબળી છે. અનલૉક પછી જે નાનાં-મોટાં કામ દ્વારા આવક થાય છે, તેમાંથી થયેલી આવક શાળાઓની ફી ભરવામાં વપરાઈ જાય તો બજારમાં ખરીદી કયાંથી નીકળે? જો સરકાર રાજ્યસ્તરે નીતિવિષયક નિયમ જાહેર કરે કે શાળા-કૉલેજમાં ૫૦ ટકા જ ફી લઇ શકાશે, તો દેશનાં કરોડો વાલીઓ પોતાની આવક શિક્ષણની ફી ભરવાને બદલે બજારમાં ખર્ચ પાછળ વાપરશે અને બજારમાં માગ ઊભી થશે.
અત્યારે દેશમાં અર્થતંત્રની સુધારણાના નામે જે પગલાં લેવાય છે તે પુરવઠા બાજુ લેવાય છે – ઉદ્યોગપતિઓ, મૂડીપતિઓની બાજુઓ લેવાય છે. ખરેખર પગલાં માગમાં વધારો કરે તે માટે લેવાવાં જોઇએ. દેશમાં અત્યારે મૅટ્રો પ્રોજેકટ, બુલેટ ટ્રેન પ્રોજેકટ કે સી પ્લેન પાછળ રોકાણ કરવાના બદલે ગામડાંમાં તૂટેલા રસ્તા રીપેર કરવા, શહેરોના મુખ્ય માર્ગ બનાવવા, રેલવે લાઇન દુરસ્ત કરવી — જેવાં હજારો શ્રમિકોને એક સાથે રોજી આપે તેવાં કામ શરૂ કરવાં જોઇએ. થોડા સમય માટે સરકારે રોજગારીનાં તમામ ક્ષેત્રોમાં કોન્ટ્રાકટ સિસ્ટમ સ્થગિત કરીને સીધી જ રોજગારી આપવી જોઇએ અને શ્રમિકના ખાતામાં સીધા જ રૂપિયા જમા કરાવવા જોઈએ. કેઇન્સ સહિતના અર્થશાસ્ત્રીઓ કહી ગયા છે કે ધનિકોની વપરાશવૃત્તિ ઓછી હોય છે. ધનિકોની આવકમાં વધારો થાય તો વધેલી આવકનો ઓછો ભાગ વપરાશમાં અને મોટો ભાગ બચતમાં જાય છે. પણ ગરીબોની વપરાશ વૃત્તિ ઊંચી હોય છે. એટલે ગરીબોની આવકમાં વધારો થાય તો તે સીધો વપરાશી ખર્ચમાં વધારો કરે છે.
હાલમાં અર્થતંત્રને સાદા સામાન્ય માણસને અસર કરે તેવાં આર્થિક પગલાંની જરૂર છે. સરકારે એવા અર્થશાસ્ત્રીઓની સલાહ લેવી જોઇએ, જે સમજાવી શકે કે જી.ડી.પી. ઘટી છે, તો ચોકકસ કંપનીઓની આવક કેમ વધી છે! સોનાભાવમાં અને શેરબજારમાં ઉછાળો કેમ છે? મંદી છે તો બજારમાં મકાનથી માંડીને સામાન્ય વસ્તુના ભાવ ઘટતા કેમ નથી?
e.mail : bhattkartikey@yahoo.in
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 07 સપ્ટેમ્બર 2020; પૃ. 02-03