જેને માટે અમે સૌ ઝૂઝ્યા હતા અને શહીદોએ મરીને જીવી જાણ્યું હતું, એ આઝાદી તું જ છો? સન સુડતાલીસ પછી એવા પ્રસંગો આવતા રહ્યા, બનતા રહ્યા, કે કવિઓએ ખુદ આઝાદી બાબત ઓળખપત્રની જરૂરત જોઈ. આ પ્રશ્ન પરાકાષ્ઠાએ ત્યારે પહોંચ્યો અને પુછાયો જ્યારે દેશજનતાએ કટોકટીનો અનુભવ કીધો. સ્વાભાવિક જ, એથી સ્તો, ૧૯૭૭ના માર્ચમાં જનતા રાજ્યારોહણ સમયે આપણે ‘બીજી આઝાદી’નો સુખાનુભવ કીધો.
મુદ્દા તો ઘણા ચર્ચી શકાય કટોકટીરાજ સબબ. પણ એ મહિનાઓ (જૂન ૧૯૭૫થી માર્ચ ૧૯૭૭) દરમિયાન કોઈ બે બાબતોએ ઈંદિરાજીને અંગે રોષ અને ફરિયાદ જગવ્યાં હોય તો એ સંજય ગાંધીની હિંસ્ર ઉધામાએ અને અભિવ્યક્તિ-સ્વાતંત્ર્યની રૂંધામણે. જનતા પ્રધાનમંડળમાં મોરારજી દેસાઈના વડપણમાં સૂચના અને પ્રસાર મંત્રાલયની જવાબદારી સંભાળનાર લાલકૃષ્ણ અડવાણીના યાદગાર ઉદ્ગારોમાં, છાપાંઓને વેંત નમવાનું કહેવાયું ન કહેવાયું ત્યાં તો એમણે સાષ્ટાંગ પ્રણિપાત કરી નાખ્યા હતા.
માટે, સૂચના અને પ્રસાર મંત્રાલયને માથે એ અનિવાર્ય એવું દાયિત્વ પણ હતું કે તે ઘટતી દુરસ્તી અને સમ્યક નવરચના મારફતે આ સ્વાતંત્ર્યને સારુ સોઈ કરી આપે. આંદોલન અને ચૂંટણીપ્રચાર દરમ્યાન આ સંદર્ભમાં વ્યક્ત થતી લાગણી અને માગણી બી.બી.સી.ની જેમ સ્વતંત્ર કૉર્પોરેશનની હતી. આકાશવાણી નકરી ઈન્દિરાવાણી બનીને રહી ગયું હતું, એ વર્ષોમાં આ લખનારને સાંભરતો એક સંવાદ ઈન્દિરા ગાંધી અને ખુશવંતસિંહ વચ્ચેનો હતો. ‘ઇલસ્ટ્રેટેડ વિકલી’ના તંત્રીની હેસિયતથી ખુશવંતસિંહે વડાપ્રધાન ઈંદિરાજીની મુલાકાત લેવાનું બન્યું, ત્યારે પૂછ્યું હતું કે તમે આકાશવાણીને સ્વાયત્ત કેમ કરતાં નથી. ઈંદિરાજીએ — માંજો પાયેલ માસૂમિયત તો કોઈ એમની કને શીખે — કહ્યું હતું કે પછાત પ્રજાના હાથમાં સ્વતંત્ર રેડિયો કેવી રીતે સોંપી શકાય. (મારાં બાઈ, પ્રજા જો તમને ચૂંટવા જેટલી પછાત હોય તો સ્વતંત્ર રેડિયો તેનો હક બને છે — કોણ કહે એમને)
સોજ્જું કીધું સૂચના અને પ્રસાર મંત્રી અડવાણીએ કે વિરલ પત્રકાર વર્ઘીસની અધ્યક્ષતામાં આકાશવાણી અને હજુ વિકસું વિકસું દૂરદર્શનના નવ્ય પડાવ વિશે વિચારવા એક સમિતિનું ગઠન કીધું. (સમિતિ પર આપણા ઉમાશંકર જોશી પણ હતા) સમિતિએ ખાસ્સો પરિશ્રમ લઈ વિગતોમાં ઉતરી પ્રસારભારતી જેવી સ્વાયત્ત રચનાની ભલામણ પણ કરી. પણ અડવાણી જેનું નામ, એમણે સ્વાયત્તતાની એક નવી પરિભાષા આગળ કરી. એમણે કહ્યું કે સ્વાયત્તતા માટે આગવા કૉર્પોરેશનની જરૂર નથી … સરકારી ખાતાગત સ્વાયત્તતા પૂરતી છે. (કેન્દ્રમાં ૧૯૯૩માં હ્યુમન રાઇટ્સ કમિશન બન્યું એને પગલે ગુજરાતમાં રાજ્ય સ્તરનું કમિશન રચવા માટે અમે પીપલ્સ યુનિઅન ફોર સિવિલ લિબર્ટીઝ-PUCL તરીકે રજૂઆત કરી ત્યારે અમને એક ટૂંકા પહોંચપત્રમાં અફલાતૂન એકપંક્તિકાની નવાજેશ સરકારશ્રી તરફથી થઈ હતી કે ગૃહ ખાતા અંતર્ગત માનવ અધિકાર સેલ કાર્યરત છે જ.) વૅલ, પછી તો જનતા સરકારે ગઈ અને જેવુંતેવું બિલે રવડી પડ્યું.
કથિત રીતે અભિવ્યક્તિની આઝાદી માટે લડેલાઓએ અભિવ્યક્તિના માધ્યમના સરકારીકરણનું વલણ દાખવ્યું. તેમ છતાં તેમના પૈકી કેટલાકનો નાગરિક હિલચાલોનો આતશ જલતો હતો. એણે છેવટે પ્રસારભારતી નામની સ્વાયત્ત હોઈ શકતી સંરચના શક્ય જરૂર બનાવી. નવેમ્બર ૧૯૯૭માં પ્રસારભારતી કાર્યરત થયા પછીની તવારીખ બધો વખત સુખદ હશે એમ નથી. પણ અત્યારે એ લાંબી દાસ્તાંમાં (જરૂરી તપાસમાં) નહીં જતાં જે એક તાજો જખમ છે તેની જિકર કરવા ચહું છું. પ્રસારભારતીએ પી.ટી.આઇ. પર નોટિસ ફટકારી છે, શિક્ષાત્મક કારવાઈ કરીશું એવી ચીમકી આપી છે. એના હોદ્દેદારોના કહેવા મુજબ પી.ટી.આઇ.નો ગુનો એના ‘એન્ટિ-નેશનલ રિપોર્તાજ’નો છે. લદ્દાખ પ્રકરણ સબબ પી.ટી.આઇ.એ બે વિશેષ મુલાકાતો લીધી હતી. ચીન ખાતેના ભારતીય રાજદૂત (વિક્રમ મિસરી)ની અને ભારત ખાતેના ચીની રાજદૂતની. પ્રસારભારતીને વાંકું એ વાતે પડ્યું છે કે તમે ચીનના રાજદૂત સાથે વાત કરી જ કેમ. સામાન્યપણે ‘બીજી બાજુ’ પણ મૂકવી જોઈએ એવું એક ધોરણ પી.ટી.આઇ.એ તેની વ્યાવસાયિક પરિપાટી પ્રમાણે અપનાવ્યું હતું, પણ પ્રસારભારતીને મતે તે ‘એન્ટી-નેશનલ’ છે. વસ્તુતઃ ચીની રાજદૂતની આ મુલાકાત સાથે પહેલી જ વાર ચીનને પક્ષે એ કબૂલાત બહાર આવી હતી કે એલ.એ.સી. પર કેઝ્યુઅલ્ટીઝ (ચીની સૈનિકોને ઇજા/મૃત્યુ) થઈ છે. ચીની સૈનિકોએ પાછા ખસવું જોઈએ, એવું પણ આપણા રાજદૂતે આ મુલાકાતમાં કહ્યું હતું.
પી.ટી.આઇ.એ બે રાજદૂતોની આ જે મુલાકાત લીધી અને પ્રસારિત કરી એને કારણે (હવે જો કે વણબોલાયે પડતી મુકાયેલી) વડાપ્રધાન મોદીની એ બહુપ્રસારિત અને અનિવાર્યપણે બહુચર્ચિત ઉક્તિ બેલાશક ભોંઠી પડી હતી કે ‘ના વહાં કોઈ હમારી સીમામેં ઘૂસ આયા હૈ, ના હી હમારી કોઈ પોસ્ટ કિસીકે કબ્ઝેમેં હૈ.’ બને કે બેઉ રાજદૂતોની અધિકૃત મુલાકાત અંગે આ સંદર્ભમાં સત્તા પ્રતિષ્ઠાનને જે વાંધો પડ્યો હોય તે પ્રસારભારતીના પી.ટી.આઇ. સામેના અણછાજતા આક્ષેપો (ખરું જોતાં ધોંસ) રૂપે પ્રગટ થવા કરે છે. અઘોષિત કટોકટી જેવા ટીકાત્મક ઉદ્ગારો કેટલીક વાર સદ્ભાવી મિત્રોને પણ અતિરેકી લાગતા હોય છે. પણ કોઈ આ છેલ્લાં વર્ષોની આખી તપસીલ આપે તો માહિતી અને મંતવ્યનું સ્વાતંત્ર્ય ઉત્તરોત્તર કેવું અળપાતું ચાલ્યું છે એનો એક અંદાજ ચોક્કસ જ આવી શકે.
હમણાં ‘ટેલિગ્રાફ’માં લખતાં ગણેશ દેવીએ ‘રિપોર્ટર્સ વિધાઉટ બૉર્ડર્સ’ના તાજા હેવાલનો હવાલો આપીને સંભાર્યું છે કે ૧૮૦ દેશોમાં અખબારી સ્વાતંત્ર્યના સર્વેક્ષણમાં ભારત હાલ ૧૪૨મા ક્રમે છે. (ગયે વરસે તે ૧૪૦મે હતું.) ૨૦૧૪થી ૨૦૧૯માં પત્રકારો પર હુમલાની ૧૯૮ ઘટનાઓ નોંધાઈ છે, જેમાં દર પાંચે એકનું મૃત્યુ થયું છે. ગુનેગારોને સજા ભાગ્યે જ થઈ શકી છે. કાયદાથી અને કાયદાની બહાર પત્રકારોને ચૂપ કરવાની પ્રક્રિયા ઉત્તરોત્તર વધી રહી છે. આ પ્રક્રિયા(વસ્તુતઃ વિક્રિયા)નું તાજું ઉદાહરણ સુપ્રિયા શર્મા પર યોગી આદિત્યનાથની પોલીસે કરેલ કેસનું છે. સુપ્રિયાએ scroll.in પર અનાજના જથ્થાની તંગી અને ટળવળતા શ્રમિકોના હેવાલમાં વડાપ્રધાને દત્તક લીધેલા ગામનું ય જે વાસ્તવચિત્ર આપ્યું તે સત્તાપ્રતિષ્ઠાનથી સોરવાયું નહીં.
પ્રિન્ટ મીડિયા અને ચેનલચોવીસામાં માહિતી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અવિધિસરનો લોપ પામી રહ્યું છે ત્યારે એક આશાભરી નજર સ્વાભાવિક જ ડિજિટલ માધ્યમ — સોશિયલ મીડિયા પર મંડાય છે. કદાચ, ત્યાં હજુ સમાન્તર કહેતાં ‘દેશદ્રોહી’ અગર ‘રાજદ્રોહી’ માહિતી અને મંતવ્યને અવકાશ હોઈ શકે છે. બને કે ટ્રમ્પ-પુતિન કાળના ‘ન્યૂ નૉર્મલ’ને એ પડકારી શકે.
e.mail : prakash.nireekshak@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 06 જુલાઈ 2020; પૃ. 02-03