વાઇરસ?
ના, ના, એ તો આયનો
હા અરીસો, તકતો, ચાટલું જ વળી!
આપણા સૌનો સાચો ચહેરો બતાવી દે એવો
બેનકાબ ચહેરો!
આપણી અસલિયત,
કલંકિત કરવાની અસલિયત
દેખાઈ ગઈ આયનામાં
રાતોરાત
દર્દીઓ બની ગયા વિદેશી
અને નાગરિકો બની ગયા દેશદ્રોહી
છાણા થપાયા એ બધાંને માથે
સટાસટ
એમાં તો આપણી કાબેલિયત!
કોરોનાને પાછો રંગ પણ હોય
આપણે જ રંગ્યોને એને
પછી રંગાયેલો નજરે ચડ્યો
ટી.વી.ના પડદે
છાપાની છત પર
ચૌરે ને ચૌટે
એક લીલો ને બીજો ભગવો
એ રંગાતો ગયો
અને
ત્રિરંગો લજવાતો ગયો
છોને રંગાતો, છોને લજવાતો
કોને પડી છે?
ભૂલાતો ગયો સંવિધાનનો ય ઓછાયો
શું કરીએ?
આયનો પણ સાચું પ્રતિબિંબ ક્યાં આપે છે?
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 25 ઍપ્રિલ 2020