Opinion Magazine
Number of visits: 9647853
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘આર યા પાર’: વિધાનસભાની ચૂંટણીમાં ભા.જ.પા.ના અભિગમની આકરી કસોટી

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|21 July 2024

એક કરતાં વધુ પરિબળો જાળવશે નહીં તો ભા.જ.પા. અને સાથીઓ માટે હવેલી લેતાં ગુજરાત ખોઇ વાળો ઘાટ થશે

ચિરંતના ભટ્ટ

હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર સાથે જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. 2025 પહેલાં દિલ્હી અને બિહારમાં પણ ચૂંટણી થશે. તાજેતરમાં જ ચૂંટણી પંચે મતદાતાઓની યાદી અપડેટ કરવાની જાહેરાત કરી. હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણી એક સાથે ઑક્ટોબરમાં જ જાહેર કરાય એવી પૂરી શક્યતા છે. અગાઉ ઝારખંડની ચૂંટણી આ બે રાજ્યોથી અલગ યોજાતી. આ રાજ્યોની ચૂંટણીનું મહત્ત્વ તો હંમેશાં રહ્યું જ છે પણ 4થી જૂને જે પરિણામ આપ્યા તેના પછી ભા.જ.પા. અને કાઁગ્રેસ બન્ને પક્ષો માટે આ ચૂંટણીની અગત્યતા વધી છે. આમ પણ 4થી જૂન પછી આમ કંઇ નથી બદલાયું પણ એક રીતે જોઇએ તો બહુ બધું બદલાઇ ગયું. 400 પારના દેકારા શાંત પડી ગયા છે કારણ કે એવું કંઇ થઇ ન શક્યું. જો કે ગઠબંધનની મદદથી સરકાર બનાવનારી ભા.જ.પા.નો આત્મવિશ્વાસ ડગ્યો નથી એવું બતાડવાની બધી જ કોશિશ કરાઇ રહી છે. વિરોધ પક્ષ પણ એ જ છે જે 4 જૂનના પરિણામ પહેલાં હતો, બસ ફેર એટલો છે કે તેમની પાસે લોકસભામાં બેઠકો પહેલાં કરતાં વધારે છે. ભા.જ.પા. હવે રાહુલ ગાંધી વિશે એલફેલ બોલતાં અચકાય છે કારણ કે ભલે દેખાડે નહીં પણ હકીકત તો એ જ છે કે 400 પારના દાવાનું સુરસુરિયું થયું હોવાથી ભા.જ.પા. જરા શાંત છે. વળી થપ્પડ મારીને ગાલ લાલ તો રાખવો પડે. આ સંજોગોમાં વિધાનસભાની ચૂંટણીમાં કંઇ કાચું ન કપાય એ ભા.જ.પા. માટે જરૂરી છે. જમ્મુ કાશ્મીરમાં સંજોગો જુદાં છે પણ ત્યાં પણ લેન્ડમાઇન પર ચાલવા જેવી હાલત તો ખરી જ.

ગૃહ મંત્રી અમીત શાહે મહારાષ્ટ્ર, ઝારખંડ અને હરિયાણામાં બેઠકો શરૂ કરી દીધી છે. હરિયાણામાં ભા.જ.પા. કોઇપણ ગઠબંધન, કોઇના ય ટેકા વગર ચૂંટણી લડશે એવી જાહેરાત પણ કરી છે.

ભા.જ.પા. માટે મહારાષ્ટ્રમાં સંતુલન જાળવવું એટલે લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. ભા.જ.પા. પાસે મહારાષ્ટ્રમાં બે સાથીઓ છે – એકનાથ શિંદે જૂથની શિવસેના અને અજીત પવારવાળી NCP. આ બે પ્રાદેશિક પક્ષો સાથે મળીને ભા.જ.પા. મહારાષ્ટ્રમાં પગદંડો જમાવવાની જહેમત કરે છે. જો કે લોકસભાની ચૂંટણીમાં ભા.જ.પા. અને સાથીઓની કારી ફાવી નહીં. આમ પણ મહારાષ્ટ્ર પહેલેથી જ ભા.જ.પા. માટે અઘરું રહ્યું છે.

INDIA અલાયન્સની વાત કરીએ તો આખું સંગઠન આવનારી ચૂંટણીમાં સાથે છે પણ હરિયાણામાં કાઁગ્રેસ અને આપ એક થાય એવી કોઇ શક્યતા નથી એવું કાઁગ્રેસના જયરામ રમેશે કહ્યું છે. આ તરફ મહારાષ્ટ્રમાં NCP (SP)ના શરદ પવારે પક્ષના કાર્યકરોને એમ કહીને પાવર બતાડ્યો છે કે મહારાષ્ટ્રમાં તો સત્તા આપણા હાથમાં જ રહેવાની છે.

મહારાષ્ટ્રમાં INDIA સંગઠનને મહા વિકાસ અઘાડીને નામે પણ ઓળખવામાં આવે છે અને તેમને અત્યારે ભા.જ.પા. પોતાના મહારાષ્ટ્રનાં સાથીઓ સાથે જોડાઇને પણ 2024ની લોકસભાની ચૂંટણીમાં ધુંઆધાર પ્રદર્શન ન કરી શકી તેનો નશો છે અને માટે એ પણ જોરમાં છે. પણ શું ઉદ્ધવ ઠાકરે જે મહારાષ્ટ્રમાં INDIA સંગઠનની ઓળખ બની રહેશે કે કેમ તે અંગે હજી સુધી કોઇ નક્કર જાહેરાત કરાઇ નથી. મહા વિકાસ અઘાડી હાલમાં એકમત અને યોગ્ય રીતે બેઠકોની વહેંચણી થાય તેની યોજનાની તડામાર તૈયારીમાં પડ્યા છે. નાના પક્ષોને સાથે વણી લેવાની તજવીજ પણ ચાલે છે.

2025નું વર્ષ આવી પહોંચશે પણ તે પહેલાં હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડ, દિલ્હી અને બિહારમાં વિધાનસભાની ચૂંટણી થશે. હા જેને કેન્દ્રમાં સત્તા પર બેસવું હોય અને ટકી રહેવું હોય એને માટે ઉત્તર પ્રદેશ સૌથી વધારે અગત્યનું રાજ્ય છે પણ રામ મંદિર પછી પણ જો ભા.જ.પા.ને અને યોગીને લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશ ફળ્યું ન હોય તો આ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં બધું સચવાઇ જાય એની પૂરી તકેદારી રાખવી પડે.

ભા.જ.પા.એ જો પોતાનું સિંહાસન જરા ય ડોલે નહીં એમ રાખવું હોય તો મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડ – આ ત્રણમાંથી કમ સે કમ બે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી જીતવી પડે. જો એમ નહીં થાય તો પછી NDAમાં અંદરોઅંદર બબાલ થવાની પૂરી શક્યતા છે. નરેન્દ્ર મોદી સરકારની ત્રીજી ટર્મની સ્થિરતાનો આધાર NDAના સભ્યો વિધાનસભાની ચૂંટણીમાં કેવો દેખાવ કરે છે તેની પર જ રહેલો છે. TDP અને JD (U) આ પરિણામો પર અને NDAનું અંતે શું થાય છે તેની પર ચાંપતી નજર રાખશે એ નક્કી.

આમ પણ મહારાષ્ટ્ર અને હરિયાણામાં ભા.જ.પા.ની સરકાર સાથીઓના સહકારથી બનેલી છે, ઝારખંડ મુક્તિ મોરચા અને સાથીઓની સરકાર ઝારખંડમાં છે. આ વર્ષે લોકસભાના પરિણામોમાં ઝારખંડમાં NDA કરતાં INDIA ગઠબંધનને સારો દેખાવ કર્યો છે. ઝારખંડમાંમાં JMM, કાઁગ્રેસ, RJD અને CPI (ML) અત્યારે તો પ્રચારના પ્લાનિંગમાં છે. હેમંત સોરેન યુવાનો અને મહિલાઓને લક્ષ્યમાં રાખીને કલ્યાણ યોજનાઓને અગ્રિમતા આપાય તેની પર કામ કરી રહ્યા છે.

લોકસભાની ચૂંટણીમાં જે પરિણામો આવ્યા છે તેને આધારે વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોની અટકળ બાંધવી કે નહીં એ મોટો પ્રશ્ન છે. INDIA સંગઠનના નેતાઓનું માનવું છે કે લોકસભાના પરિણામોનો પ્રભાવ વિધાનસભાની ચૂંટણી પર પણ દેખાશે. બીજી તરફ 2014 અને 2019નું દૃષ્ટાંત આપીને ભા.જ.પ.ના નેતાઓ એમ કહે છે કે દિલ્હી અને ઝારખંડમાં ત્યારે લોકસભાની ચૂંટણીમાં પક્ષનું પરિણામ સારું હોવા છતાં પણ 2015 અને 2020માં વિધાનસભાની ચૂંટણીમાં તો AAPની જીત થઇ હતી.

વિધાનસભાની ચૂંટણી સ્થાનિક મુદ્દાઓ પર લડાતી હોય છે એટલે લોકસભાના પરિણામોને આધારે કંઇપણ નક્કી કરવું યોગ્ય ન ગણાય. વળી લોકસભાની ચૂંટણી પહેલાં ભા.જ.પા.એ જે રીતે વિરોધપક્ષોને દબાવવા માટે પગલાં લીધાં છે તેને કારણે વિરોધપક્ષો પ્રત્યે મતદાતાઓ કુમળાં પડ્યા છે. જેમ કે ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને હેમંત સોરેન જેવા નેતાઓ પ્રત્યે લોકોમાં સહાનુભૂતિ છે. આ સંજોગોમાં ભા.જ.પા. માટે આવનારા કેટલાક મહિનાઓ બહુ અગત્યના છે. મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડમાં ભા.જ.પા. તરફી જે પણ નકારાત્મક લાગણી હશે તેને દૂર કરવા ભા.જ.પા.એ મથવું પડશે. ટેકેદારોને હાથમાં રાખવા પડશે, ગ્રામીણ વિસ્તારોમાં પહોંચવું પડશે અને ખેડૂતોના પ્રશ્નો સહિત બેરોજગારીથી માંડીને અગ્નિવીર, પેપર લીક્સ જેવા પ્રશ્નોનો તાર્કિક અને નક્કર ઉકેલ લાવવો પડશે.

હરિયાણાની વાત કરીએ તો જ્યાં 2019માં ભા.જ.પા.ને દસ બેઠક મળી હતી ત્યાં આ વખતે લોકસભાની ચૂંટણીમાં માત્ર પાંચ બેઠક મળી અને કાઁગ્રેસને દસ બેઠક મળી. મહારાષ્ટ્રમાં સત્તા પર મહાયુતિની સરકાર હોવા છતાં ભા.જ.પા. – NDAના હાથમાં 17 બેઠકો જ આવી, જ્યારે મહા વિકાસ અઘાડીને 3૦ બેઠકો પર જીત મળી. મહારાષ્ટ્ર વિધાનસભામાં 288 સભ્યો છે અને હરિયાણમાં 90 સભ્યો છે.

હરિયાણામાં કાઁગ્રેસને કળ વળી છે અને પાર્ટી ફરી બેઠી થઇ છે. લોકસભાની ચૂંટણી પહેલાં ભા.જ.પા.ના સરકારના મુખ્ય મંત્રી નાયાબ સિંઘ સૈનીની હાલત કફોડી થઇ ગઇ હતી જ્યારે ત્રણ સ્વતંત્ર સાંસદોએ ભા.જ.પા.ને આપેલો પોતાનો ટેકો પાછો ખેંચી લીધો હતો. 2019 કરતાં 2024 સાવ અલગ છે કારણ કે 2019માં તો ભા.જ.પા. હરિયાણામાં એક માત્ર સૌથી મોટા પક્ષ તરીકે સ્થાપિત થઇ હતી પણ હવે સમીકરણો બદલાઇ ગયાં છે કારણ કે મનોહરલાલ ખટ્ટર અને દુષ્યંત ચૌટાલા જેવા નેતાઓએ ભા.જ.પા.નો સાથ છોડી દીધો છે.

મહારાષ્ટ્રમાં NCP અને ભા.જ.પા. વચ્ચેના ખટરાગમાં વડા પ્રધાનની શપથ વિધિના કલાકો પહેલાં પણ તણખા ઝર્યા જ્યારે ભા.જ.પા.ના પ્રફુલ્લ પટેલને સમાવી લેવાના પ્રસ્તાવને NCPએ નકાર્યો. પ્રફુલ્લ પટેલ અજીત પવાર જૂથના છે. તેમણે મિનિસ્ટર ઑફ સ્ટેટનું પદનો અસ્વીકાર કરતાં એમ કારણ આપ્યું કે પોતે પહેલાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા હોય તે જો રાજ્ય સ્તરે મંત્રી પદ સ્વીકારે તો તે પોતાની પ્રતિષ્ઠાને છાજે નહીં. આ બધી ભાંજગડ એ વાતની સાબિતી આપે છે કે મહારાષ્ટ્રની મહાયુતિમાં ઘણી ગરબડ અને ઉચાટ છે. શરદ પવારનું કહેવું છે કે ભા.જ.પા.એ અજિત પવાર જૂથને સંગઠનમાંથી નીકળી જવા કહ્યું છે. NCP અને ભા.જ.પા.નું જોડાણ ભા.જ.પા.ને નુકસાન કરે છે એવું વર્તાય છે અને માટે ભા.જ.પા. હવે જુદી ગોઠવણ કરવાની મથામણમાં છે.

બિહારમાં ચૂંટણીને હજી વાર છે પણ ત્યાં પણ માળખાકીય સુવિધાઓને નામે જે ગોટાળા થયા છે તે અંગે સરકાર કંઇ જવાબ આપી શકે તેમ નથી. તૂટી પડેલા પુલોના કાટમાળ નીચે સરકારના ઢાંસુ દાવાઓ કણસી રહ્યા છે. ત્યાં વિધાનસભાની ચૂંટણી થાય એ પહેલાં ભા.જ.પા.એ ઘણું બધું સાચવવાનું રહેશે નહીંતર ‘હવેલી લેતાં ગુજરાત ખોઇ’ જેવો ઘાટ થઇ શકે છે. ઉત્તર પ્રદેશની પેટા ચૂંટણીમાં ધોયેલા મૂળા જેવા હાલ ન થાય એ માટ પણ ભા.જ.પા. એડીચોટીનું જોર લગાડી રહી છે. ટૂંકમાં ભા.જ.પા.એ કમર કસવાની જરૂર છે નહીંતર દાવાઓને શોર પછી હાથમાં આવેલો અડધો રોટલો ગળે નહીં ઉતરે એ ચોક્કસ.

બાય ધી વેઃ 

ભા.જ.પા. માટે આ રાજ્યોની ચૂંટણી સુંરગ બિછાવેલા મેદાન પર ચાલવા જેવી રહેશે. થપ્પડ મારી ગાલ લાલ રાખવાની લ્હાયમાં સાથી ટેકેદારોનું મનદુઃખ કરવાનું ભા.જ.પા.ને પોસાય એમ નથી. રાહુલ ગાંધીને વખોડવામાં સમય બગાડાય એમ નથી. દર વખતે ‘સાહેબ’નો પ્રભાવ કામ નથી કરતો અને એ પ્રકારના મતદાતાઓ પણ જે પ્રભાવમાં આવીને મત આપી દેતાં હોય છે તે પણ એક સમય પછી તો નક્કર પરિણામની માગ કરતા હોય છે. મતદાતાઓની માગ, ટેકેદારોના અહમ અને નક્કર કામગીરી સચવાશે તો ભા.જ.પા.ને ફાયદો થશે બાકી તો પછી કંઇ કહેવા જેવું નહીં રહે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 21 જુલાઈ 2024

Loading

21 July 2024 Vipool Kalyani
← ચલ મન મુંબઈ નગરી—257
ગુજરાતમાં અર્વાચીનતાના સૂરજના છડીદાર : ફાર્બસ (15) →

Search by

Opinion

  • સેનાપ્રમુખની નિર્ણય -કટોકટી : રાષ્ટ્રીય નેતૃત્વની આઘાપાછી?
  • આજ સુધી અજાણ્યા રહેલા બે અંગ્રેજી અનુવાદ
  • મહાશ્વેતાદેવી: વંચિતોની કલમ, શતાબ્દી નમન
  • મૂન આઈલેન્ડ
  • બજેટ : પહેલાં અને પછી : આશા અને નિરાશા –

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved