હૈયાને દરબાર
આપી આપીને તમે પીંછું આપો
સજન ! પાંખો આપો તો અમે આવીએ …
ચાંદો નીચોવી અમે વાટકા ભર્યા
ને એને મોગરાની કળીએ હલાવ્યા,
આટલા ઉઝરડાને શમણું ઓઢાડી
અમે ઊંબરની કોર લગી લાવ્યાં
આપી આપી ને તમે ટેકો આપો
સજન ! નાતો આપો તો અમે આવીએ…
કાગળમાં કાળઝાળ રેતી વિંઝાય
અને લેખણમાં છોડી છે લૂ;
આંગળિયું ઓગળીને અટકળ થઈ જાય
અમે લખીએ તો લખીએ પણ શું ?
આપી આપીને તમે આંસું આપો
સજન ! આંખો આપો તો અમે આવીએ ….
• કવિ : વિનોદ જોશી • સંગીતકાર : હરિશ્ચંદ્ર જોશી, રિષભ મહેતા • ગાયક કલાકાર : રેખા ત્રિવેદી, ગાયત્રી મહેતા – રિષભ મહેતા
————————-
કેવી સરસ કલ્પના છે પ્રથમ પંક્તિમાં જ! આવો જાદુ કવિ વિનોદ જોશી જ કરી શકે. આ ગીતમાં કવિની નાયિકા વટનો કટકો છે. એને કશું જ ઓછું ખપે નહીં. એટલે જ કહે છે કે, આપી આપીને તમે પીંછું આપો સજન, પાંખો આપો તો અમે આવીએ. ફક્ત પીંછાને શું કરવાનું? અમને તો જોઈએ છે પાંખો. પછી પહેલાં અંતરામાં જ કેવી અદ્ભુત વાત કવિએ કરી છે :
ચાંદો નીચોવી અમે વાટકા ભર્યા
ને એને મોગરાની કળીએ હલાવ્યા …
આહાહા! ચાંદનીના વાટકા ભરી મોગરાની કળીએ હલાવ્યા પછી, હોગા યૂં નશા જો તૈયાર, વો ક્યા હૈ, હમ સબ જાનતે હૈ! પ્રેમિકાને ક્ષણભર અપાતો ટેકો સ્વીકાર્ય નથી, એને તો જીવનભરનો નાતો જોઈએ છે.
થોડું દૂરનું વિચારીએ તો આ ‘સજન’ પેલો અંતરમાં બેઠેલો સર્જનહાર, આપણો પોતાનો સ્વજન નથી લાગતો? એ જીવનભર સપનાં અને આશાઓનાં ઝાંઝવાં અને અજ્ઞાનને કારણે ઊપજતી વ્યથાઓનાં આંસુ જ આપતો રહ્યો છે. કવિ તો માંગે છે આંખ – જીવવાની એક નવી જ દૃષ્ટિ, એક નવું જ પરિમાણ. કવિ ઝંખે છે ચિરંતન પ્રેમ સંબંધ, જાત સાથેની ન ખૂટે તેવી ગોઠડી. ફક્ત કહેવા પૂરતો, દેખાવનો, સાંત્વનાનો, અલ્પજીવી ટેકો એમને નથી ખપતો. હાથમાં રાખીને માત્ર હલાવી જ શકીએ તેવું પીંછું નહીં પણ અનંત આકાશમાં ઊડી શકીએ તેવી પાંખોની ઝંખના છે કવિને.
સર્જનહારની ભક્તિમાં આપણે માત્ર કહેવા પૂરતી જ સચ્ચિદાનંદની વાતો કરીએ છીએ. સત્ અને ચિત્ તો જવા દો આપણને તો એ આનંદ લેતાં પણ નથી આવડતો. આપણે પીંછાંથી જ સંતુષ્ટ છીએ. જિંદગીમાં વૈભવ, સમૃદ્ધિ, માન, મરતબો, સત્તા, પદ જેવાં બે-પાંચ પીંછાં મળી જાય એટલે ભયો ભયો. એકાદ નાનકડી સિદ્ધિને ય આપણે ‘ફેધર ઈન માય ક્રાઉન’ કહીને કેવડી મોટી બનાવી દઈએ છીએ!
કવિને એ પીંછાનો કોઇ ખપ નથી. તેમને તો જોઇએ છે, પાંખો – અને તે પણ કેવી? ગરુડરાજની પાંખો. જોનાથન લિવિંગ્સ્ટન સીગલના જેવી પાંખો, જે તેમને મુક્ત ગગનના પ્રવાસી બનાવે, આનંદ, ચૈતન્ય અને સત્યના પ્રદેશોની પાર લઈ જાય તેવી પાંખો.
આવાં સર્જનો વાંચીએ, એનાં ઉત્તમ સ્વરાંકનો સાંભળીએ ત્યારે થાય છે કે આપણી માતૃભાષા, ગુજરાતી ભાષા કેટલી સબળ છે? આવું વાંચીએ અને પીંછાની લોલુપતા છોડી એવી પાંખોની ખેવના કરીએ કે, જે આપણને કમસે કમ સાચા આનંદની અનુભૂતિ કરાવે!
આપણે કવિતા પાસે શા માટે જઈએ છે? કારણ કે એમાં આસ્વાદ છે, આહ્લાદ છે, રસ છે, રસનિષ્પત્તિ છે. જે શબ્દ અને અર્થથી પર છે. બેશક, એ રસ અને માધુર્ય, શબ્દ અને અર્થના માધ્યમ દ્વારા જ પ્રગટ થાય છે. એ પ્રગટ થાય ત્યારે ખરો પ્રકાશ થાય. વિનોદ જોશીની કવિતામાં ચાલાકી કે ચબરાકી નથી એટલે જ એ શુદ્ધ કવિ છે. સાચી કવિતાની શોધ આદરે છે, આંસુને શણગારી શકે છે અને એ આંસુ સારી પણ શકે છે. વિનોદ જોશી હંમેશાં કહે છે કે, "કવિતા ખુદ બહુ મોટી ચેલેન્જ છે. ભાષાના માધ્યમથી આવે છે. હું જન્મ્યો ત્યારે કવિ નહોતો પણ ભાષાને સેવતો ગયો અને કશુક સર્જાતું ગયું. તેથી જ ભાષા આહ્વાન છે. કવિની મજબૂરી છે કે એણે ભાષામાં જ કામ કરવું પડે છે. એટલે કે સર્જનમાં સર્જન કરવું એ કવિતા. કવિતામાં કુદરતના રંગો કે ધ્વનિ નથી પણ એ રંગો અને ધ્વનિ અનુભવી શકાય એવી માણસે બનાવેલી શબ્દાવલિ છે. મને ચિત્રકારીનો ખૂબ શોખ હતો, પરંતુ એમાં ધીરજ જોઈએ. છેલ્લો સ્ટ્રોક લાગે ત્યાં સુધી મારી ધીરજશક્તિ નહોતી ટકતી. જ્યારે, શબ્દો તો જેમ જેમ ઊતરતા જાય તેમ તેમ હળવા થતાં જવાય. એટલે કવિતા કોઠે પડી. લય ગળથૂથીમાં મળ્યો હતો. હું ગામડાનો માણસ તેથી ગીતોને તળપદો સ્પર્શ પણ મળતો ગયો. શબ્દ કાને પડે ત્યારે એના સત્ય સુધી હું પહોંચતો. ભાષાના રહસ્ય જાણવા મથતો. મારાં દરેક ગીતો, કાવ્યો કે સોનેટ જુદી ભાષા લઈને આવે છે.
વિનોદ જોશી ભાવનગર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર રહી ચૂક્યા છે. ગુજરાતી કવિતાને તળપદી, ગામડાના લોકજીવનની મીઠાશનો અનુભવ કરાવનાર, ઉત્તમ ગીતો આપનાર કવિનું આ એક મીઠું ગીત હરિશ્ચંદ્ર જોશીના ‘સંગત’ સંગીત સંપૂટમાં લેવાયું છે. રેખા ત્રિવેદીએ એની મધુર પ્રસ્તુતિ કરી છે. ઉત્કૃષ્ટ કવિઓ તથા હરિશ્ચંદ્ર જોશીનાં ઉત્તમ સ્વરાંકનો ‘સંગત’માં તમને સાંભળવા મળી શકે છે.
મોરારિબાપુ સાથે સતત પ્રવાસમાં રહેતા સંગીતકાર હરિશ્ચંદ્ર જોશી આ ગીતના સંદર્ભમાં કહે છે, "ગીતના શબ્દો એટલા સુંદર અને સચોટ છે કે એ ભાવ સ્વરાંકનમાં ઉતારવો ખૂબ જરૂરી છે. એટલે જ મેં દરેક શબ્દના ભાવનેે ધ્યાનમાં રાખીને એક એક પંક્તિ સ્વરબદ્ધ કરી છે. વિનોદ જોશીની કવિતામાં નારી સંવેદના અત્યંત નાજુક રીતે પ્રગટ થાય છે તેથી એમનાં ગીતો કંપોઝ કરતી વખતે ભાવ પ્રાબલ્ય અનિવાર્ય બની રહે છે. ગાયક કલાકાર એ જ ભાવ સાથે રજૂ કરે ત્યારે એ ગીત લોકચાહના પામે છે.
સુંદર કવિતા નજરે ચડે એટલે સ્વરકાર તરત એને ઝીલી લે. વિનોદ જોશીના આ ગીતનું સ્વરાંકન પરેશ નાયક, નયનેશ જાની, કલ્પક ગાંધી સહિત અનેક સંગીતકારોએ કર્યું છે. પરંતુ, ગુજરાતમાં વસતા હરિશ્ચંદ્ર જોશી તથા રિષભ મહેતાનાં સ્વરાંકન મેં સાંભળ્યાં છે અને બન્ને પોતપોતાની રીતે અનોખાં છે. ગુજરાતમાં પણ કેટકેટલા સંગીતકારો સરસ કામ કરી રહ્યા છે! ગોધરામાં રહેતા આવા જ એક સંગીતકાર છે રિષભ મહેતા. એમનાં પત્ની ગાયત્રી મહેતા સાથે મળીને અનેક સંગીત કાર્યક્રમો કરે છે. એમનો દીકરો રાગ મહેતા પણ સરસ ગાયક કલાકાર છે અને અમદાવાદમાં રહી સંગીત ક્ષેત્રે અવનવા પ્રયોગો કરે છે. વ્યવસાયે આ દંપતી અધ્યાપક પરંતુ, સંગીતની લગની એવી કે સમય મળે ત્યારે સંગીતને શરણે. રિષભ મહેતા આ ગીત વિશે કહે છે, "૧૯૯૨ની આસપાસ મેં આ ગીત સંગીતબદ્ધ કર્યું હતું. એ વખતે એક ફેસ્ટિવલમાં મેં કેટલાક યુવાનોને લોકગીત ગાતા સાંભળ્યા ત્યારે વિચાર આવ્યો કે અવિનાશ વ્યાસે પણ લોકસંગીતને કેન્દ્રમાં રાખીને ગીતો રચ્યાં અને ખૂબ લોકપ્રિય થયાં. એ સમય દરમ્યાન સૌથી પહેલી આ રચના મારા હાથમાં આવી. લોકસંગીતનો બેઝ બનાવીને જ મેં સ્વરબદ્ધ કરી. અલબત્ત એમાં શાસ્ત્રીય રાગોની છાંટ પણ છે છતાં, જાહેર કાર્યક્રમોમાં આ ગીત ઘણું જ ઊપડે છે. આ ગીતનો મુખડો રાગ ચારુકેશી ઉપર આધારિત છે અને બંને અંતરાઓમાં જુદા જુદા રાગોની છાયા છે. પ્રથમ અંતરામાં રાગ ભીમપલાસ / પીલુ અને ચંદ્રકૌસની છાયા છે તો બીજા અંતરામાં જયજયવંતીની અસર છે. ‘સા’નું સ્થાન અલગ રાખવાથી રાગમાં ફેરબદલ થાય છે એવું મારા અન્ય સ્વરાંકનો સાથે થયું છે તેમ આમાં પણ થઈ શકે. મૂળભૂત રીતે હું કવિ છું તેથી કોઈ કવિતા મારા હૃદયને જે રીતે સ્પર્શે તે રીતનું સ્વરાંકન મારી પાસે આવે છે. એટલે કે મારાં સ્વરાંકનો ઓછાં અને સ્વયં કવિતાએ મારી પાસે બનાવડાવેલાં સ્વરાંકન વધારે છે. એટલે તેઓ કોઈ ચોક્કસ રાગ પર આધારિત ન પણ હોય પણ કવિતાના ભાવ પ્રમાણે અંદરથી આવેલી કોઈ મેલડી પર સવિશેષ આધારિત હોય એ વધુ શક્ય છે.
આ મજાનું ગીત યુટ્યુબ ઉપર તમને સાંભળવા મળશે. જરૂર સાંભળજો.
માલિની પંડિતને કંઠે :
https://www.youtube.com/watch?v=Z9wfHhTWgjA
કલ્પક ગાંધીને કંઠે :
https://www.youtube.com/watch?v=S7mAfTktAiI
———————————
સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 01 ઑગસ્ટ 2019
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=554107