કોરોના સામે લડવાના એક ભાગરૂપે વડાપ્રધાન મોદી લૉક ડાઉન લંબાયાંના સમાચાર આપી ગયા. એ પછી અમારા એક પરિચિત, વીસેક વર્ષના યુવાને ટિ્વટ કરીને પોતાને થયેલી મૂંઝવણ વ્યક્ત કરી કે બીજું બધું તો ઠીક, પણ મોદીજી, અત્યારે વાળંદની દુકાન સહિત બધું જડબેસલાક બંધ છે, ત્યારે તમારા વાળ અને દાઢી આટલા સરસ શેપમાં કઈ રીતે રાખો છો?
… પોતાની પાસે બધીયે સુખસુવિધા હોય ત્યારે બીજાંને અગવડ ભોગવી લેવાની શિખામણ આપવાનું કેટલું સહેલું છે. કહેવાનો મતલબ એ નહીં કે દરેક રાજકારણીએ લઘરવઘર વેશે ટી.વી. પર દેખાવું જોઈએ. પણ તમે જ કહો, એ લોકો જ્યારે એમને પણ અત્યારે પડી રહેલી તકલીફોની વાત કરે ત્યારે થોડી ચીડ તો ચઢે ને?
થોડા દિવસ પહેલાં કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કુમારાસ્વામીએ લૉક ડાઉનની ઐસીતૈસી કરીને અઢીસોથી ત્રણસો મહેમાનોની હાજરીમાં એમના દીકરાનાં લગ્ન કર્યાં. ઉપરથી કહ્યું કે દેશ પર આવેલા સંકટ સમયે એમણે સાદાઈથી ફંક્શન પતાવ્યું. લગ્નવિધિમાં મૂરતિયાના દાદાજી, દેશના માજી વડાપ્રધાન દેવે ગોવડાએ પણ ભાગ લીધો. વર્તમાન મુખ્ય મંત્રી ભા.જ.પ.ના યેદુરપ્પાએ એમને અભિનંદન આપતા કહ્યું કે બધું નિયમાનુસાર થયું હતું. લૉક ડાઉનનો ભંગ કરીને સહેજ પણ બહાર ડોકાતા લોકોને ડંડા ફટકારતી પોલીસ એ લગ્નસ્થળની બહાર સામાન્ય જનતાને, ખાસ કરીને મીડિયાને દૂર રાખવાની ડ્યુટી બજાવતી હતી. એમને ગુસ્સો નહિ આવ્યો હોય? નિયમો આ નેતાઓ માટે નથી?
ગુસ્સો અમારે ત્યાં બૅન્કમાં જૉબ કરતી એક સ્ત્રીને પણ સખત આવે છે, જ્યારે અત્યારના સંજોગોમાં ગરીબોને મદદ કરવા માટે નેતાઓ ભાષણ આપે છે. એ કહે છે કે મારે રોજ બેંકમાં હાજરી આપવી પડે છે. મૂકવા માટે હસબન્ડે ગાડી લઈને આવવું પડે છે. સરકારે જાહેર કરેલી કોઈ મદદ લેવા માટે ગરીબ કહેવાતા લોકોનાં ટોળાં બેન્ક પર ઉભરાય છે, શાંતિ રાખવાનું કહીએ તો ઝઘડે છે. ઘેર જઈને ઘરકામ કરવાનું, કામવાળી બાઈનો પગાર ચાલુ રાખવાનો. કોવિડ-19 સામે લડવા માટે સરકારે મદદ માગી, તો તરત એક દિવસનો પગાર પણ આપી દીધો. એક સ્વૈછિક સંસ્થા અન્ન વિતરણ માટે ફાળો પણ લઈ ગઈ. પણ ડૉક્ટર્સને દેવ ગણતા લોકો અમને તો જાણે માણસમાં પણ નથી ગણતાં. મોદીજીને અમે નથી દેખાતાં? ઉપરથી ભાષણ સાંભળવાના કે જરૂરતમંદોને મદદ કરજો. બસ, મારાથી હવે વધુ મદદ નહીં થાય.
દેશના લગભગ દરેક ઉદ્યોગપતિ, ફિલ્મ સ્ટાર્સ, ક્રિકેટર્સ… ટૂંકમાં આપણે જેમને રિચ એન્ડ ફેમસ કહીએ એ મહાનુભાવોએ ટી.વી. અને સોશિયલ મીડિયા પર આવીને જનતાને ઘરમાં રહેવાની અપીલ કરે છે. હવે એ સેલિબ્રિટીઝ ભોળાભાવે સરકારી અપીલને દોહરાવતી હોય, ત્યાં સુધી પ્રૉબ્લેમ નથી પણ પછી એ લોકો કહે કે જુઓને, હું પણ ઘરમાં બેઠો/બેઠી છું, ત્યારે મારા દિમાગની કમાન છટકે. અલ્યાઓ, તમે જે ઘરમાં બેઠાં છો, એની સાઈઝ કેવડી છે? એમાં કેટલા રૂમ છે? તમારે ત્યાં દિવસરાત કામ કરતાં નોકરોનો સ્ટાફ છે ને? લૉક ડાઉન દરમ્યાન સત્તાધારી રાજકારણીઓને બાદ કરતાં, બીજાં બધાંને તકલીફ થઇ રહી છે, એની ના નહિ. પણ મહેરબાની કરીને ફાલતુ સરખામણી કરવાનું છોડો. ’
e.mail : viji@msn.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 02 મે 2020