
બાપુ સાથે મહાદેવભાઈ અને નારાયણભાઈ
બાપુની લડાઈ કરવાની રીતનો મને નાનપણમાં જ જાતઅનુભવ થઈ ગયો. પ્રસંગ આવો હતો:
મુંબઈથી એક વાર શેઠ શાંતિકુમાર નરોત્તમ મોરારજીએ મારે માટે કોઈની સાથે થોડાં રમકડાં મોકલાવ્યાં. કાકા જ્યાં જતા ત્યાં એમને મિત્રો થઈ જ જતા. પણ એ પૈકી કેટલાકની મૈત્રી ઘનિષ્ઠ થતી. જેમની સાથે કાકાને ઘનિષ્ઠ મૈત્રી હોય તે બધા સાથે અમારે પણ ઘર જેવો સંબંધ થઈ જાય.
શાંતિકુમારભાઈને બાપુની જેમ કાકા જોડે પણ ઘનિષ્ઠ સંબંધ હતો. તેથી તેમણે આ રમકડાં મારે સારુ મોકલાવ્યાં.
સાબરમતી આશ્રમમાં રમવાનું તો પુષ્કળ મળી રહેતું, પણ રમકડાં હંમેશાં મળતાં નહોતાં. અમારે કમનસીબે શાંતિકુમારભાઈનાં મોકલાવેલાં રમકડાં વિદેશી હતાં, તેથી તે અમારા હાથમાં પહોંચે તે પહેલાં જ બાપુએ એનો કબજો લઈ લીધો. પોતાના ઓરડામાં એક અભરાઈ ઉપર તેમણે તે મુકાવી દીધાં. અમારી ‘છૂપી પોલીસ’ એ ખબર લાવી કે બાબલા માટે મુંબઈથી રમકડાં આવ્યાં છે અને બાપુએ એને સંતાડી રાખ્યાં છે. અમારી તરફે આ હડહડતા અન્યાયનો સામનો કરવા સારુ યુદ્ધની તૈયારીઓ શરૂ થઈ ગઈ! કાઁગ્રેસયુગના પહેલા તબક્કાની માફક લડાઈની શરૂઆત પ્રતિનિધિ મોકલીને કરવાનું ઠરાવ્યું. રમકડાં મારે નામે આવ્યાં હતાં, એટલે અમારા બાળપ્રતિનિધિમંડળે મને જ પોતાનો પ્રવક્તા નીમ્યો.
તે વખતે બાપુ મગનકુટીમાં રહેતા હતા. મારા પિતાશ્રી એમના નિયમ મુજબ, પડખે બેસીને કશુંક લખતા હતા. બીજા પણ કેટલાક અંતેવાસીઓ બાપુની અડખેપડખે હતા. મોટીબા (કસ્તૂરબા) પણ ત્યાં જ હતાં. આ અમારું પ્રતિનિધિમંડળ એ ઠેકાણે જઈ પહોંચ્યું.
પહેલો વાર મેં જ કર્યો : ‘મારે સારુ મુંબઈથી રમકડાં આવ્યાં છે. એ વાત સાચી?’
યુદ્ધના આરંભ પહેલાં જ પ્રતિપક્ષી પાસે સત્યની કબૂલાત કરાવી લેવી ઉપયોગી હોય છે !
બાપુ પણ તે વખતે કાંઈક લખવામાં મશગૂલ હતા. પણ એમણે લખવામાંથી મોં ઊંચું કરીને કહ્યું, ‘કોણ, બાબલો ? હા, રમકડાં વિશે તેં જે સાંભળ્યું છે તે હકીકત સાચી છે.’
‘મારાં એ રમકડાં ક્યાં છે ?’ બીજા વારમાં મુદ્દામાલની તપાસ હતી ! અમારી પાસે માહિતી હતી કે બાપુએ રમકડાં ક્યાંક છુપાવી રાખ્યાં હતાં.
‘એ રહ્યાં રમકડાં, ઉપર અભરાઈએ.’ બાપુએ આંગળી ચીંધી કહ્યું. મુદ્દામાલ કોઈ છૂપો રાખવામાં આવ્યો નહોતો. ખારસો કરંડિયો ભરાય એટલાં રમકડાં હતાં, જોઈને મોંમાં પાણી આવી જાય તેવાં !
‘એ રમકડાં અમને સોંપી દો.’
જ્યાં ન્યાય સાથે હોય ત્યાં આડીઅવળી વાત કરવાની જરૂર શી ? સીધી ન્યાયની માગણી જ શા સારુ ન કરવી ?
ઠેઠ ત્યારે બાપુએ પોતાનો મુદ્દો સામે ધર્યો: ‘તને ખબર તો છે ને, કે એ રમકડાં વિદેશી છે ?’
સ્વદેશી આંદોલનની પીઠ સમા આશ્રમમાં બાળકો વિદેશી રમકડાં શી રીતે રમે ? બાપુનો એ મુદ્દો હતો. પણ એ મુદ્દો સમજવા અમે તૈયાર હોઈએ તો ને!
‘વિદેશી—સ્વદેશીની વાત હું કાંઈ ન જાણું. મને એટલી ખબર છે કે એ રમકડાં મારાં છે, મારે સારુ એ આવ્યાં છે, એટલે એ મને મળવાં જોઈએ.’
મેં મારો અધિકાર સામો ધર્યો. મને ખાતરી હતી કે મારા અધિકારનો બાપુ ઇન્કાર કરી શકશે નહિ.
પણ ત્યાં તો બાપુએ વાતને એવો વળાંક આપ્યો કે જેની મેં કલ્પના સુધ્ધાં પણ નહોતી કરી.
‘વિદેશી રમકડાં વડે કંઈ આપણાથી રમાય?’
‘આપણે’ શબ્દ ગુજરાતીનો આગવો જ છે. હિન્દીનાં ‘હમ’માં હુંનું બહુવચન પણ આવે અને ‘તું અને હું’ પણ આવી જાય પણ ગુજરાતીના ‘આપણે’ શબ્દમાં માત્ર હું ને તું જુગલજોડી સાથે સાથે જ આવે. ‘હું’ના બહુવચન સારુ તો ‘અમે’ શબ્દ નોખો પડ્યો જ છે.
અને આ ‘આપણે’ શબ્દમાં જાણે બાપુનું બ્રહ્માસ્ત્ર હતું. એક જ વાક્યમાં એમણે એમની જાતને અને મને એક પક્ષમાં મૂકી દીધાં. ક્યાં ગઈ અમારી કમ્મરબંધી? ક્યાં ગયું અમારું પ્રતિનિધિમંડળ? ક્યાં ગઈ અમારી સામસામી વાગ્યુદ્ધ ખેલવાની તૈયારી? જ્યાં દુશ્મન પોતે જ મિત્રના પક્ષમાં ભળી જાય, ત્યાં યુદ્ધની તુલા જ ડગમગી જાય તો નવાઈ શી?
રમવાનો અધિકાર જેમ હું ગુમાવતો હતો, તેમ એ જ રમકડાં વડે રમવાનો હક બાપુ પણ ગુમાવતા હતા ને ? તેથીસ્તો એ કહેતા હતા કે ‘આપણાથી કાંઈ રમાય ?
અને એક વાર અધિકાર માત્ર પોતાનો જ નહિ પણ પ્રતિપક્ષીનો પણ છે, એ હકીકત સમજાઈ એટલે તરત અધિકારને ઠેકાણે કર્તવ્યનો ઉદય થાય છે.
‘વિદેશી ચીજો સામે તો આપણું આંદોલન ચાલે છે અને આપણે જ જો ઘરે વિદેશી રમકડાંથી રમીએ…’
બાપુને આગળ દલીલ કરવાની કે સમજાવવાની જરૂર જ નહોતી. પ્રતિનિધિમંડળના પ્રવક્તાને જ ઢીલો પડેલો જોઈને બાકીના સભ્યોએ ત્યાંથી સરવા માંડયું હતું!
[‘સંત સેવતાં સુકૃત વાધે’]
25 જૂન 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 344