Opinion Magazine
Number of visits: 9482552
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આપણા સહુના પ્રકાશભાઈ : એક પરિચયઝલક

———, ———, રાજેન્દ્ર શુક્લ|Opinion - Opinion|19 September 2020

સુજ્ઞશ્રી,

આપણે જાણીએ છીએ કે ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ રણજિતરામ વાવાભાઈ મહેતાએ સ્થાપી, ત્યારે એમના મનમાંનો ગુજરાતી સાક્ષર ગોવર્ધનરામના 'સાક્ષરજીવન'ના નાયક સમો હતો, જેના દિલમાં દેશહિત હોય, પરિષદદર્શનની આ વ્યાપકતાનો ખ્યાલ એના પરથી આવે છે કે અહીં થયેલા પ્રમુખો મોટા સર્જકોની સાથે મોટા ચિંતકો પણ રહ્યા છે. ગાંધીજીનું પરિષદપ્રમુખ હોવું એ આ પરંપરાનું ગૌરવ હતું. આર્નોલ્ડે સાહિત્યને જીવનની સમીક્ષા ગણાવ્યું છે. એ અર્થમાં સાહિત્યકાર એટલે જીવનનો સમીક્ષક. જીવન એટલે મેઘાણી કહે છે તેમ મુંબઈના કોઈ નળમાંથી ટપકતી દદૂડી નહીં, પણ સાગરવેળ જે આપણા અણુએ અણુને પ્લાવિત કરે. પરિષદદર્શનના પાયામાં આ ભાવના રહેલી છે. પરિષદદર્શનના આ પાયાના એક પથ્થર પ્રકાશ ન. શાહ છે, આપણે ત્યાં રસિક હોય એ ઘણીવાર પૂરો નાગરિક નથી હોતો, નાગરિક હોય એ પૂરો રસિક નથી હોતો. રસિક નાગરિકની કેળવણી પ્રકાશભાઈની મથામણ રહી છે.

ગુજરાતી સાહિત્ય પરિષદમાં અગાઉ મધ્યસ્થ અને કારોબારી સભ્યથી માંડી ઉપ-પ્રમુખ અને મહામંત્રી તરીકે એમણે સેવા આપી છે. ઉચ્ચ મૂલ્યો સાથે પ્રગાઢ નિસબતભેર કર્તૃત્વ-નેતૃત્વના કારણે એમનું નામ ગુજરાતભરમાં જાણીતું છે.

યુવાવયથી જ સામાજિક, સાંસ્કૃતિક, નાગરિકપ્રવૃત્તિઓમાં સક્રિય પ્રકાશભાઈએ સાહિત્યપ્રવૃત્તિ પણ એટલી જ કરી છે. 'વિશ્વમાનવ' કે જે સામયિકે ગુજરાતની આધુનિક પેઢીને ઘડી તેના સંપાદનમાં તરુણવયે તેઓ જોડાયા હતા. ઉમાશંકરે જેને હોમ યુનિવર્સિટી લાયબ્રેરી સમી કહી તે ‘જ્ઞાનગંગોત્રી’ શ્રેણી અને એના સમૃદ્ધ મણકાઓમાં પ્રકાશભાઈની સહભાગિતા રહી છે. અધ્યાપકની નોકરીને તિલાંજલિ આપી એમણે પ્રજામતની કેળવણીને – કહો કે લોકશિક્ષણને અગ્રતા આપી. ‘દર્શક’ના શબ્દમાં કહીએ તો શિંગડા માંડતા શીખવાડ્યું! જયંતિ દલાલ આપણા એવા જ સર્જક. એમના નિધનથી શતાબ્દી વર્ષના પૂરા ત્રણ દાયકા લગી એમના ગ્રંથપ્રકાશન અને સ્મૃતિસંમાર્જનમાં પ્રકાશભાઈએ દાયિત્વ નભાવ્યું.

આ સર્જકોની સર્વતોમુખી પ્રવૃત્તિ પ્રકાશભાઈમાં પણ આપણને જોવા મળે છે. રાજનીતિ, પત્રકારત્વ, શિક્ષણ અને સાહિત્યમાં પ્રગતિશીલ અભિગમથી સતત કામ કર્યું. સાહિત્યની સ્વાયત્તતા અને સંસ્થા પ્રત્યેની નિસબતના સંયોગનું એ વિરલ ઉદાહરણ છે. ભોગીલાલ ગાંધી, જયંતિ દલાલ, ‘દર્શક’, ઉમાશંકર જોશી, સાથે તો જયપ્રકાશના આંદોલનમાં અને આચાર્ય કૃપાલાણી સાથે અંતેવાસી કહી શકાય એ રીતે કામ કર્યું. કટોકટી વખતે જેલવાસ પણ વેઠ્યો. આમ, પ્રકાશ ન. શાહ એક વ્યક્તિ નહીં પણ એક મિજાજ, એક આબોહવાનું પ્રતિનિધિત્વ કરે છે. એમના લેખન અને વક્તવ્યમાં સંદર્ભો અવનવાં પુષ્પોની જેમ પ્રગટ થઈ, વિષયને વ્યાપક ફલક પર લઈ જાય છે. નિર્ભય લેખક કેવો હોય એનું પ્રકાશ ન. શાહ જીવતુંજાગતું ઉદાહરણ છે. પ્રકાશભાઈ પ્રજાલક્ષી રાજનીતિમાં સતત સક્રિય રહ્યા છતાં એમની છાપ કોઈ પણ પક્ષ કે વાદમાં બંધાવાને બદલે મૂલ્યબદ્ધ વ્યક્તિ તરીકે જ સમાજમાં વિસ્તરતી રહી. આ કારણે જ એમની લોકપ્રિયતા કે સ્વીકૃતિને પક્ષવાદ કે જૂથની સીમાઓ અડી પણ નહિ અને નડી પણ નહીં.

ગાંધી, ટોલ્સટોય, મુન્શી, ‘દર્શક’ પરનાં એમનાં લખાણોમાંથી પસાર થનારને એમની રસજ્ઞ વિદ્વતાનો પરિચય થશે. ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના વિભાગીય અધ્યક્ષ તરીકે એમણે આપેલાં વ્યાખ્યાનો – 'ગુજરાતી નવલકથામાં સ્વરાજચેતના' કે 'સાહિત્ય અને રાષ્ટ્ર' પણ અહીં યાદ કરી શકાય. એમનાં 'ટોલ્સટોયથી ગાંધી’ વ્યાખ્યાનો અનન્ય છે. ઈન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઑફ ઍડ્વાન્સ સ્ટડી, શિમલામાં ગેસ્ટફેલો તરીકે આપેલ સેમિનાર ('ગાંધીઝ રિલિજિયસ ક્વેસ્ટ : અ સિવિલ સોસાયટી પરસ્પેક્ટિવ') ખાસો જાણીતો થયેલો. આ જ પરંપરામાં મુંબઈ યુનિવર્સિટીનાં ઠક્કર વસનજી વ્યાખ્યાનમાળાનાં વ્યાખ્યાનો તેમ જ બત્રીસ વ્યાખ્યાનોમાં પ્રસરેલી ત્રણ કૃપાલાણી વ્યાખ્યાનમાળાઓ ('ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો', 'સ્વર્ગમાં બાકી કશી વારો છે નવજવાં' અને 'ભારતવર્ષની સ્વરાજસાધના') વિશ્વસ્તરની સાંસ્કૃતિક – સાહિત્યિક – રાજનૈતિક વિચારયાત્રા અને પરિવર્તનલીલાને સમજવાની મથામણ શી છે.

પ્રકાશ ન. શાહના વ્યક્તિત્વનું બીજું પાસું નાગરિકસમાજના ઘડતરનું રહ્યું છે. 'ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન'માં તેઓ ૧૯૭૦માં મંત્રી હતા. ત્યારબાદ ગુજરાત લોકસંઘર્ષ સમિતિ, લોકસમિતિ, લોકસ્વરાજમંચ, ઑલ ઇન્ડિયા સેવ એજ્યુકેશન કમિટી, મુવમેન્ટ ફૉર સેક્યુલર ડેમોક્રેસી જેવી એકાધિક સંસ્થાઓમાં તેમણે અગ્રભૂમિકા અદા કરી છે. રામનાથ ગોયન્કાના આમંત્રણ અને સુપ્રતિષ્ઠ પત્રકાર પ્રભાસ જોશીના મૈત્રીપૂર્ણ આગ્રહથી એક્સપ્રેસ જૂથના ગુજરાતી પત્રોમાં તંત્રીસ્તરની કામગીરી બજાવી. 'દિવ્યભાસ્કર'ના આરંભકાળે સંપાદકીય સલાહકાર તરીકે તેમ 'અખંડ આનંદ' દ્વિજ અવતારમાં પણ એમની ભૂમિકા રહી. એમણે શબ્દને સાબૂત રાખ્યો છે. શબ્દસેવી નમાલો ન હોય, રાજસત્તા-ધર્મસત્તાના શરણે ન હોય એ ઝંખ્યું છે. તેથી આવા અવાજોને 1992થી 'નિરીક્ષક'માં સતત અવકાશ આપતા રહ્યા છે.

છેલ્લે, ગુજરાતના પ્રતિષ્ઠિત સાહિત્યકારોની મથામણથી ઊભી થયેલી, ભારતની એકમાત્ર લેખકીય મતદાર મંડળ અને ચુંટાયેલ પ્રતિનિધિત્વ ધરાવતી સ્વાયત્ત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા મળે, ટકે અને જળવાય, એની સક્રિય ખેવના એમણે કરી. 'નિરીક્ષક'એ આ સ્વાયત્તતાવિમર્શને જીવંત રાખ્યો. ઉમાશંકર જોશી, ‘દર્શક’, નારાયણ દેસાઈ અને નિરંજન ભગતની રવાયત્તતાની વહે પ્રકાશભાઈની ઉમેદવારી વાટે પ્રગટ થઈ રહી છે. ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ની સ્વાયત્તતાનું છિનવાઈ જવું ગુજરાતી સાહિત્ય સાથે જોડાયેલ તમામ માટે આઘાતજનક ઘટના છે. એ માટે પ્રકાશભાઈએ ચલાવેલ ઝુંબેશમાં એમના સમગ્ર જીવનમાં કચવેલાં રસિકનાગરિક કામોનું જ એક સાતત્ય છે.

આજે, ૨૧મી સદીમાં પરિષદપ્રમુખ આવા બહુઆયામી હોવા જોઈએ એમ અમે સ્પષ્ટપણે માનીએ છીએ. પરિષદની સુદીર્ધ સમય સુધી કરેલી સેવા, ઉચ્ચ અને મૂલ્યનિષ્ઠ પ્રવૃત્તિ માટે દાખવેલી નિસબતના સંદર્ભે આપણો મત એમને આપી સાહિત્ય અને સમાજને માનવસંવેદનાની રાહે સાંકળવાની પરિષદ-પરંપરાને આગળ વધારવામાં આપણું યોગદાન આપીએ.

લિ.

અચ્યુત યાજ્ઞિક, અજિત પારેખ, અતુલ પાઠકજી, અનંતા પરીખ, અનિલ જોશી, અભિજિત વ્યાસ, અમિતા શ્રોફ, અમૃત ખત્રી, અમૃત પરમાર, અરુણા બક્ષી, અરુણિકા દરૂ, અશોક ચાવડા, અશ્વિન ચંદારાણા, અંજની સુ. મહેતા, અશ્વિન ચૌહાણ, આનંદ વસાવા, આશા વીરેન્દ્ર, આશિષ કક્કડ, ઈંદુ જોશી, ઈલ્યાસ રેલ્વવાળા, ઉત્તમ પરમાર, ઉમેશ સોલંકી, ઉર્વીશ કોઠારી, ઋચા બ્રહ્મભટ્ટ, ઋષિ દવે, એ.ટી. સિંધી, ઐલેશકુમાર શુક્લ, કનુ આચાર્ય, કનુ ખડદિયા, કમલ વોરા, કમલેશ યાજ્ઞિક, કલ્પેશ પટેલ, કશ્યપ મહેતા, કાંતિ માલસતર, કિરણ દેસાઈ, કિરણસિંહ ચૌહાણ, કિરીટ ડુમાસિયા, કુસુમ ડાભી, ક્રિષ્ણા જિગોદરા, ખગેનરાય જયંતભાઈ ચૌહાણ, ગણપત વણકર, ગિરીશ ધોળાભાઈ, ગુણવંત ઠક્કર, ગુરુદેવ પ્રજાપતિ, ગુલાબચંદ પટેલ, ગોવિંદ મારુ, ચંદુ મહેરિયા, ચંદ્રકાન્ત ટોપીવાળા, ચંદ્રાબહેન શ્રીમાળી, ચેતન ફ્રેમવાલા, જગદીશ ત્રિવેદી, જાગૃત ગાડીત, જાસ્મિન શાહ, જિતેન્દ્ર મૅકવાન, ઝૈતુન લાકડાવાલા, ડાંકેશ સુરતવાલા, તન્મય તિમિર, થોભણ પરમાર, દર્શિત પિનાકીન ઠાકોર, દિનુ ભદ્રેસરિયા, દિલીપ ચાવડા, દીપક ભટ્ટ, ધર્મેશ ભટ્ટ, ધીમંત પુરોહિત, ધ્રુવકુમાર જોશી, નંદિતા મુનિ, નગીન ડોડિયા, નટુભાઈ પરમાર, નયન હ. દેસાઈ, નરેન્દ્ર વેગડા, નલિની માડગાંવકર, પરીક્ષિત જોશી, પરેશ નાયક, પીયૂષ ઠક્કર, પીયૂષ પટેલ, પ્રતિષ્ઠા પંડ્યા, પ્રદીપ આઝાદ, પ્રદ્યુમ્ન જોશી, પ્રફુલ્લ દવે, પ્રફુલ્લ ભારતીય, પ્રબોધ પરીખ, પ્રવીણ ખાંટ, પ્રવીણ ગઢવી, પ્રવીણ પંડ્યા, પ્રેમજી પટેલ, ફાધર વર્ગીસ પૉલ, ફિલીપ ક્લાર્ક, બંકિમ તરુણ દવે, બંકેન ચૌહાણ, બાબુભાઈ નાયક, બારીન મહેતા, બિનીત મોદી, ભદ્રેશ શાહ, ભરત મહેતા, ભાનુપ્રસાદ પુરાણી, ભાવના હેમંત વકીલ, ભીખુ વેગડા, મધુ રાય, મનહર ઓઝા, મનીષી જાની, મનોજ દરુ, મહેશ વકીલ, માલતી ભરત પરીખ, માસુંગ ચૌધરી, મિતા દીક્ષિત, મીનાક્ષી ચંદારાણા, મીનાક્ષી દીક્ષિત, મીરા દેસાઈ. મુનિ દવે, મેહુલ ત્રિવેદી, મેહુલ દેવકલા, મોહન મઢીકર, યશવંત વાઘેલા, યામિની વ્યાસ, યૉસેફ મેકવાન, યોગિની ચૌહાણ, યોગેન્દ્ર ચૌહાણ, રતિલાલ રોહિત, રમણ વાઘેલા, રમેશ કોઠારી, રમેશ ત્રિવેદી, રમેશ રસમંજન, રમેશ સંઘવી, રવિકુમાર વસાવા, રાજન ભટ્ટ, રાજુલ દવે, રાજેન્દ્ર કર્ણિક, રાજેશ મકવાણા, રાધિકા ટીક્કુ, રામચંદ્ર પંચોલી, રૂમા ગાંધી, રોહિત રાઠોડ, લલિત સેલારકા, લીલાબેન કૃષ્ણકાંત વખારિયા, વસંત જોશી, વિજય સેવક, વિપુલ કલ્યાણી, વિનુ બામણિયા, વિસ્મય શાહ, વીણાબેન એમ. ચૌહાણ, વૃંદાવન સોલંકી, વૈભવ કોઠારી, શરદ દેસાઈ, શ્રેણિક વિદાની, સંજય અમરાણી, સંજય છેલ, સંધ્યા દવે, સરૂપ ધ્રુવ, સાહિલ પરમાર, સુધા પંડ્યા, સુનિતા ઈઝ્જકુમાર, સુવર્ણા, સુરેશ વિરાણી, સુહાસબહેન ડાભી, સુષ્મા ઐયર, સેજલ શાહ, સોહન દવે, સ્મિતા શુક્લ, સ્વાતિ જોશી, સ્વાતિ મહેતા, સ્વાતિ મેઢ, હરીશ મંગલમ્, હર્ષદ પરમાર, હરમુખ પટેલ, હસિત મહેતા, હિતેશ ગાંધી, હિદાયત પરમાર, હિમાંશી શેલત, હિરેન પંડ્યા, હેતલ બારોટ, હેમન્ત દવે, હેમન્ત પરીખ, હેમન્ત વણકર, હેમન્ત શાહ, હેમરાજ આર. પટેલ, હેમાંગ રાવલ.

… અને, આ ‘ગોવર્ધન ઊંચકવા’ ઈચ્છુક પ્રકાશ ન. શાહને ‘પોતીકી ડાંગ’ વડે ટેકો કરનારાં મિત્રોની વિચારવાણી :-

૧.

વ્યાપક સમાજના હિતને સામે રાખીને જે લેખન સર્જન થાય, જે બોલાય, જે ગવાય તે સાહિત્ય. માત્ર મનના કેટલાક તરંગો આવેગોને હવા આપે તેમાં જ સાહિત્યની ક્ષિતિજોને બાંધી લેવી તે સમજની અધૂરપ કહેવાય. પ્રકાશભાઈ તેમના કૃત્યને લંબાઈ, પહોળાઈમાં ફેલાવતા નથી. સમાજના પાયાના મૂલ્યો પર થતા ઘાની સામે બરોબર પ્રહાર કરે છે. તેમના શબ્દો ગુંજારવ ગહન હોય છે. તેમના વાક્યોની તરંગ લંબાઈ અમાપ ભેદન શક્તિ ધરાવે છે. સદા પ્રજાના પડખે રહેવાવાળા પ્રકાશભાઈ જે બોલે છે, તેને સમજવા મિત્રો અલગ શબ્દકોશ રચવાનું કહેતા હોય છે. પ્રકાશભાઈને સમજવા માટે કદાચ સાહિત્યકાર માટે જોડણી કોશમાં યથાર્થ ફેરફાર કરવો પડે તો ભાઈ જરૂર કરો.

— રજની દવે, અમદાવાદ

૨.

ખુશ આમદીદ, પ્રકાશભાઈ

૧૯૮૫-૮૭ દરમ્યાન અમારા વિદ્યાર્થી જૂથમાં એક સૂત્ર લોકપ્રિય બન્યું હતું : "પઢો લડાઈ કરને કો, લડો પઢાઈ કરને કો !" આજે પણ આ સૂત્ર કેટલું બધું પ્રસ્તુત લાગે છે ! આપણા સૌના આદરણીય અને પ્રિય પ્રકાશભાઈ ઘણાં વર્ષોથી આ સૂત્રને ચરિતાર્થ કરી રહ્યા છે. જરા બદલીને કહીએ તો "લિખો લડાઈ લડને કો, લડો લેખન કરને કો !" નરવી હવામાં શ્વાસ લેવાની આશા સાથેસ્તો ! ગુજરાતી ભાષામાં લખતા લેખકોએ આ સૂત્રને આત્મસાત્ કરીને અમલમાં મૂકવાનો વખત તો ક્યારનો પાકી ગયો છે.

'નિરીક્ષક' અને તેના તંત્રી સંપાદક સંવાહક પ્રકાશભાઇએ સતત ગુજરાતી લેખકો-વાંચકો અને એથીએ આગળ કહીએ તો ગુજરાતી ભાષા માત્રને સાબદા રાખવાનું, ટટ્ટાર બનીને જીવવાનું અને સ્વતંત્રતાનું મૂલ્ય સમજવા-સમજાવવાનું જાણે કે જીવનકાર્ય (મિશન) ગણ્યું છે. રાજકારણ-સમાજકારણ અને લેખનને એકસૂત્રે પરોવીને સુપેરે બાંધી રાખવાની નેમ લીધી છે. પ્રગતિશીલતા, પ્રતિરોધ અને 'નો સર' કહેવાની ખુમારી ધરાવતા લેખકો-કર્મશીલોને માથું મેલવાને-કલમ ચલાવવાની ખમતીધર ખોળાધરી આપી છે.

એમના પ્રમુખપદેથી ગુજરાતી સર્જન સાચા અર્થમાં 'પુખ્ત' બનશે એવી આપણી અપેક્ષા જરૂર પૂરી થશે. સાહિત્ય અકાદમી કે કોઈપણ અન્ય સંસ્થાઓ-સંકુલો-સંશોધન કેન્દ્રોની માત્ર માળખાગત સ્વાયત્તતા જ નહિ પણ પ્રજાતંત્રના પ્રાણસમી અભિવ્યક્તિની સ્વતંત્રતાની સત્તા આલેબેલ પોકારનારા પ્રકાશભાઈ શાહને આવો, સાથે મળીને કહીએ … ખુશ આમદીદ ! ભલે પધાર્યા !


— સરુપ ધ્રુવ, અમદાવાદ

૩.

"પ્રકાશભાઈની હળવાશ અને તેમના ખડખડાટ હાસ્ય પાછળ સાહિત્ય, ઇતિહાસ, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, ગાંધીપરંપરા જેવાં અનેકવિધ ક્ષેત્રોના વાચન-સમજણનો અખૂટ ખજાનો છે.

દેશના જાહેર જીવનનાં મહત્ત્વનાં પાત્રો સાથેની નિકટતાનો ભાર તે સામેવાળાને લાગવા નથી દેતા ને પોતે પણ રાખતા નથી. ગુજરાતી સાહિત્ય-લેખન-જાહેર જીવનમાં સમજનો તેમના જેટલો વ્યાપ ધરાવનાર હવે બીજું કોઈ ભાગ્યે જ હોય. તેમના કેટલાક સમવયસ્કોને એવું આશ્ચર્ય થતું રહ્યું છે કે ‘જુવાનિયા પ્રકાશભાઈને મળવા કેમ દોડે છે? એમનામાં એવું તે શું છે?’ ટૂંકો જવાબ છે : તેમની સાથે પ્રેમથી અસંમત થઈ શકાય છે અને જનરેશન ગૅપના અહેસાસ વિના મૈત્રી બાંધી શકાય છે.

જીવનભર તેમણે કદી ફાયદાની ગણતરી માંડી નથી. એટલે તેમને અવગણવામાં નુકસાન તેમનું નહીં, આપણું – ગુજરાતનું ગુજરાતના જાહેર અને સાંસ્કૃતિક જીવનનું છે. સાહિત્ય પરિષદને સાંસ્કૃતિક જીવનનો સક્રિય ભાગ બનાવવામાં તેના પ્રમુખ તરીકે પ્રકાશભાઈ ચાવીરૂપ ભૂમિકા ભજવી શકે છે. તમે સાહિત્ય પરિષદના સભ્ય હો તો તમારો મત પ્રકાશભાઈને આપવા ભારપૂર્વક અનુરોધ છે, અને તમે મારી જેમ અ-સભ્ય હો, તો આ વાત તમારા સભ્ય-મિત્રો સુધી પહોંચાડો એવી વિનંતી."


— ઉર્વીશ કોઠારી


(પત્રકારત્વ જગતમાં જે સાંપ્રત કટોકટી પ્રર્વતે છે, તેમાં કેટલાંક યુવાન પત્રકારો "ઘીના દીવાનો પ્રકાશ" પાથરીને ચોથી જાગીરનું રખોપું કરી રહ્યા છે, તેમાં અગ્રસ્થાને ઉર્વીશ કોઠારી છે. − ઉત્તમ પરમાર)

૪.

'અંધકાર માં એક પ્રકાશ ..!'
"દેશ-દુનિયામાં ચારે દિશાઓમાંથી ઊભરતા શુભાશયી વિચારોનું મંથન ચાલ્યા કરે અને નવી હવા ઊભી થાય, નવી દિશાઓ ઊઘડતી જાય એ આજના સમયની તાતી જરૂરિયાત છે.
આ નવી હવા, નવી દિશાઓ લેખકો, કલાકારો, સર્જકો માટે ઉત્પ્રેરક બની રહે એ ય આજે એટલું જરૂરી.
આ મંથન માટે ‘ગુજરાતી સાહિત્ય પરિષ’દ જેવી સ્વતંત્ર અને સ્વાયત્ત સંસ્થાઓ જ મંચ માટેની ભૂમિકા ભજવી શકે અને પરિષદની આ ભૂમિકાની આગેવાની યુવા લેખકો, પત્રકારો, કર્મશીલોની વચ્ચે જ સતત વસતા પ્રકાશભાઈ જ કરી શકે.
આ વાતને બીજા શબ્દોમાં દોહરાવતા બુલંદ અવાજે હું કહીશ : 'અંધકારમાં એક પ્રકાશ ..!"

— મનીષી જાની, અમદાવાદ.

[ગુજરાત અને દેશના રાજકીય સામાજિક જીવનમાં પરિવર્તનકારી બનેલું નવનિર્માણ આંદોલનના પ્રણેતા મનીષી જાની ‘ગુજરાતી પ્રગતિશીલ લેખક મંડળ’ના કર્તાહર્તા છે, લેખકોના અધિકાર માટે સતત સંઘર્ષ કરતા રહ્યા છે. તેમ જ જનવાદી લોકતાંત્રિક અધિકારો માટે તથા સાહિત્ય અકાદમી અને સાહિત્ય પરિષદ ની સ્વતંત્રતા અને સ્વાતંત્ર્ય માટે સતત સંઘર્ષ રત છે. − ઉત્તમ પરમાર]

૫.

"પ્રકાશભાઈ એટલે ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત અને સામાજિક નિસબતનો અનેરો સંગમ. ૬૦થી વધુ વર્ષોનો મારો પરિચય અને એમ કહું તો અતિશયોક્તિ નહીં ગણાય કે મારા જેવા સંખ્યાબંધ નાગરિકોના ઘડતરમાં તેમનો અમૂલ્ય ફાળો છે.

શ્રીમંત કુટુંબના નબીરા પરંતુ આરંભથી જ વિચારણાના માર્ગે પ્રસ્થાન કરવા માટે તથા સામાજિક અને રાજકીય નિસબત સાથે કદમ માંડવાની પ્રેરણા આપવા માટે તેમનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો પડે.

ગુજરાતી સાહિત્યને તથા પત્રકારત્વને પ્રજાજનો સાથે જોડવા માટે, સાંકળવા માટે તેઓએ અથાગ પ્રયત્નો કરીને નવી પેઢીને ઉમદા દૃષ્ટાંત પૂરું પાડ્યું છે. આશા છે કે તેઓ ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ને ફરીથી લોકાભિમુખ બનાવીને નવા અધ્યાયનો શુભારંભ કરશે".

— અચ્યુત યાજ્ઞિક, અમદાવાદ.

સુપ્રસિદ્ધ સમાજ વિજ્ઞાની અને સામાજિક કર્મશીલ

૬.

"છેલ્લા કેટલાક સમયથી આપણી ગુજરાતની અને દેશની સાહિત્ય, શિક્ષણ, સંસ્કાર, વિજ્ઞાન, સમાજ વિજ્ઞાન અને સહકારની સ્વતંત્ર અને સ્વાયત્ત સંસ્થાઓમાં રાજ્યસત્તા, ધર્મસત્તા અને અર્થસત્તા પોતાનું આધિપત્ય સ્થાપવા માટે યુદ્ધના ધોરણે પ્રવૃત્ત થઈ હોય, ત્યારે આપણી ગુજરાતની ૧૧૫ વર્ષ જૂની ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ પોતાની સ્વતંત્રતા અને સ્વાયત્તા સાથે સાહિત્યિક મૂલ્યોની સુરક્ષા અને સંવર્ધન સુપેરે કરી શકે તે માટે પ્રકાશભાઈ શાહ જેવું નેતૃત્વ ગુજરાતભરમાં અનન્ય અને અપ્રતિમ છે. જેની સમજણ સાથે આપણે સૌએ પ્રકાશભાઈને ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના પ્રમુખપદે આરૂઢ કરાવવા માટે સક્રિય પ્રયત્નો કરવા જોઈએ. હું મારું સમર્થન પ્રકાશભાઈને પાઠવું છું."

— ઘનશ્યામ સનાઢય

સુરતની એમ.ટી.બી. કોલેજના ભૂતપૂર્વ આચાર્ય અને પ્રબુદ્ધ કર્મશીલ

૭.

"વ્યક્તિ સ્વાતંત્ર્ય એ સર્જક સાહિત્યનો પ્રાણવાયુ છે. આ પ્રાણવાયુ પૂરો પાડવાની જવાબદારી સાહિત્ય સંસ્થાઓની છે. સાહિત્ય સંસ્થાઓની સ્વતંત્રતા અને સ્વાયત્તા સાહિત્યકારોની મોકળાશ અને સર્જનશક્તિને સિંચે છે.

સાહિત્ય સંસ્થાઓની સ્વતંત્રતા અને સ્વાયત્તતા માટે ગુજરાતી સાહિત્યના અને ગુજરાતના જાહેર જીવનમાં એક પહેરેગીર સાતત્યપૂર્વક પ્રવૃત્ત રહેતા આવ્યા છે, અને તે છે પ્રકાશ ન. શાહ.

ચાલો, આપણે ગુજરાતી સાહિત્ય, ગુજરાતી સાહિત્યકાર અને ‘ગુજરાતી સાહિત્ય પરિષદ'ની સ્વતંત્રતા અને સ્વાયત્તાની રખેવાળી પ્રકાશ ન. શાહને પરિષદ પ્રમુખ તરીકે વિજયી બનાવીને આપણી જવાબદારી અદા કરીએ".

— ઘનશ્યામ શાહ

(ઘનશ્યામભાઈ શાહ સુરતની" સેન્ટર ફોર સોશ્યલ સ્ટડીઝ"ના ભૂતપૂર્વ નિયામક તેમ જ વર્તમાન ટ્રસ્ટી તથા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સમાજ વિજ્ઞાની છે)

૮.

"આપણું સાહિત્ય આજે સમાજ વિમુખ થઈ ગયું છે. આપણી સાહિત્ય વિશેની સમજ ખૂબ જ સંકુચિત છે. એને સીમિત અને બંધિયાર અસ્તિત્વમાંથી નીકળીને બહારની મુક્ત હવા અને દેશ-વિદેશના સમયરંગથી ભીંજાવાની, એના સંપર્કમાં આવવાની તાતી જરૂર છે.

પ્રકાશભાઈનાં લખાણો અને વિચારોમાં એક વિશાળ વૈશ્વિક પરિપ્રેક્શ્યનુ દર્શન થાય છે જે ગુજરાતી લેખકોમાં આજે ભાગ્યે જ જોવા મળે છે. ઉપરાંત, સાહિત્ય એ ધર્મસત્તા અને રાજ્યસત્તાથી સ્વતંત્ર છે અને હોવું જોઇએ. આજે જ્યારે ગુજરાતમાં સાહિત્ય આ બંને પરિબળોની અસર નીચે ભીંસાઈ રહ્યું છે, જે ચિંતાનો વિષય છે, ત્યારે પ્રકાશભાઈએ 'નિરીક્ષક'ના તંત્રી તરીકે લેખક અને વિચારોની સ્વતંત્રતા ટકાવી રાખવાની ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવી છે.

ગુજરાતી સાહિત્ય ખુલ્લા, સ્વતંત્ર અને બહોળા વાતાવરણમાં શ્વાસ લે તેમ જ આસપાસના જગત અને સમય સાથે નાતો બાંધે એમ ઇચ્છતા સૌ કોઈ પ્રકાશભાઈને જ સાહિત્ય પરિષદની રખેવાળી માટે પસંદ કરે એમ મારું દ્રઢપણે માનવું છે. એ વિશે બે મત હોઇ જ ના શકે."

— સ્વાતિ જોશી, અમદાવાદ.

(દિલ્હી યુનિવર્સિટીના અંગ્રેજી ભાષા સાહિત્યના પ્રગતિશીલ પ્રાધ્યાપિકા સ્વાતિ જોશી હાલ અમદાવાદમાં નિવૃત્તિ પછી માનવવાદી પ્રગતિશીલ સાહિત્ય અને લોકઆંદોલન સાથે સક્રિય ભૂમિકા અદા કરી રહ્યાં છે. આપણા મૂર્ધન્ય સાહિત્યકાર સ્વ. ઉમાશંકરભાઈ સ્વાતિબહેનના પિતાજી થાય એ માત્ર પૂરક જાણકારી. − ઉત્તમ પરમાર)

૯.

"વિનોબાજીએ સાહિત્યની સરસ વ્યાખ્યા આપી છે. સહિત લઈને ચાલે તે સાહિત્ય. સાહિત્ય પરિષદની પ્રમુખ પદ માટેની ચૂંટણીમાં પ્રકાશ ન શાહ શ્રેષ્ઠ ઉમેદવાર છે !

કારણ કે પ્રકાશ ન શાહ કોઈ જૂથના ઉમેદવાર નથી. એવો સૌને સહિત લઈને ચાલ્યા છે.

ઉમાશંકરભાઈનો વારસો પ્રકાશ શાહ પાસે આજ દિન સુધી સલામત રહ્યો છે, એનો હું નિરીક્ષક રહ્યો છું. પ્રકાશ શાહ જાગૃત લેખક છે.

ગાંધીજી સાહિત્યકાર નહોતા પણ એમની સામાજિક નિસબતને કારણે આખો ગાંધીયુગ સર્જાયો હતો.

પ્રકાશ શાહની ચેતના અને મૂલ્યો સાથેની એમની નિસબતને કારણે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે સર્વથા ઉચિત ઉમેદવાર છે. હું મારું હૃદયપૂર્વકનું સમર્થન પ્રકાશભાઈને પાઠવું છું"

— અનિલ જોશી, મુંબઈ

૧૦.

હું પ્રકાશભાઇથી ૧૧/૧૨ વષઁ નાનો પણ એમનો વહેવાર મિત્ર જેવો.

એમના જેવા ખમીરવંત અને સત્તા સામે બોલી બે ટૂંક વાત કરનાર જ્યારે ઘટતા જાય છે, ત્યારે પરિષદને એમના જેવાના નેતૃત્વથી અકાદમી સાથેના સંધર્ષમાં નવું બળ મળશે.

ગુજરાતી ભાષામાં અન્ય ભાષાના અટપટા અર્થચ્છાયા ધરાવતાં કોઇપણ જ્ઞાનશાખાના શબ્દનો ગુજરાતી ભાષાનો પર્યાયવાચી શબ્દ ઘડવામાં એમની તોલે કોઇ ના આવે. ગુજરાતી ભાષાને એમને ૧,૦૦૦થી વધુ શબ્દ આપી માતબર કરી હશે.

એમના “નિરીક્ષક” સામાયિકના તંત્રી લેખ અને કોઇ પણ વિષયની તલસ્પશીઁ છણાવટ વાંચવાની હંમેશાં પ્રતિક્ષા રહે.

એમને ખેડેલા વિવિધ ક્ષેત્રમાંના સાહસોથી અભિભૂત થયા વિના આપણે ના રહી શકીએ.

કેટકેટલાં ક્ષેત્રમાં એમનો બહોળો મિત્રવર્ગ ફેલાયેલો! એમનું ખડખડાટ નિર્દોષ હાસ્ય તો જે માણે તે જ જાણે.

એમના પ્રમુખ નિયુક્ત થવાથી પરિષદની જ ગરિમા વધશે તે નક્કી જ.

હું અને બીજાં અનેક મિત્ર એમને જ મત આપવાના ; બીજાં પણ આપે તેવી અભ્યથઁના.

— હેમન્ત એચ. શાહ, મુંબઈ

(આ દશ સમર્થનો ઉત્તમભાઈ પરમારની ફેઈસબૂક દિવાલેથી સ-સાદર અને સાભાર)

Loading

19 September 2020 admin
← સુરેશ જોષીકૃત ૩ ટૂંકીવાર્તાઓ —એક ટૂંકી નૉંધ
સર્વોચ્ચ અદાલતનો સરેરાશ 90 ટકા સમય સ્પેશિયલ લીવ પિટીશન સાંભળવામાં ખર્ચાય છે →

Search by

Opinion

  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૮ (સાહિત્યવિશેષ : જૉય્યસ)
  • અર્થપૂર્ણ જીવનનું દર્શન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved