‘કડક, રાષ્ટૃવાદી’ એનડીએ સરકારની તૈયારીમાં પણ યુપીએ સરકાર જેવી જ ઊણપ દેખાઈ છે
જ્યારે ટ્વિટર નહોતું, ત્યારે ભારતના રાજ્યોની આંતરિક સુરક્ષામાં આવતા આંચકાની પ્રતિક્રિયા કેવી આવતી? અેવી જ, જેવી અત્યારે ટ્વિટરના જમાનામાં આવે છે. વાસ્તવિકતા તો એ છે કે અત્યારે એન.ડી.એ.નું જમા-ઉધારખાતુ બરાબર એવું જ છે, જેવું યુ.પી.એ.નું હતું. ફરક માત્ર એટલો છે કે હવે પ્રતિક્રિયા અમુક જાણીતી મૌખિક મિસાઇલોથી શરૂ થાય છે: ‘કાયરતાપૂર્ણ’, ‘વિશ્વાસઘાતી’, ‘રાષ્ટ્રવિરોધી’ અને ડૉ. મનમોહન સિંઘે કુખ્યાત બનાવેલો સૌથી મોટો પ્રહાર એટલે કે ‘નીચતાપૂર્ણ હરકત’. ટ્વિટરમાં આક્રોશ પ્રગટ કર્યા પછી ઉચ્ચ કક્ષાની બેઠકો યોજાય છે અને વાયદા કરવામાં આવે છે કે સૈનિકોનાં બલિદાન એળે નહીં જાય. ઘટના વધારે પડતી શરમજનક હોય, જેવું બસ્તરમાં બન્યું, તો અંતિમ સંસ્કારમાં સામેલ થવાનું. ત્યાર પછી આગામી 48 કલાકમાં એવું કંઈક બને કે જે દિવસની સૌથી મોટી (ખરાબ) ઘટના હોય, એટલે થયું. સૈનિકોવાળા સમાચાર ભુલાવી દેવામાં આવશે, જેમ કુપવાડા પછી બસ્તરની ઘટનામાં થયું અને બનાવ પણ વિનોદ ખન્નાના અવસાનના સમાચાર તળે દટાઈ ગયો.
ઉરી હુમલા પછી સર્જિકલ સ્ટ્રાઇકને બાદ કરીએ, તો આ સરકારી પ્રતિક્રિયા એકદમ યુ.પી.એ. સરકાર જેવી જ છે, જેની ભા.જ.પ.ના નેતાઓ સખત ટીકા કરતા હતા. બંગડીઓ મોકલવાનો સ્મૃિત ઇરાનીનો કટાક્ષ (જો કે સ્વાભિમાની, સ્વનિર્ભર અને અસરકારક મહિલા માટે આ રૂપક કંઈ સારું નથી લાગતું) અમુક ટીકાકારોએ શોધી કાઢ્યો છે. જ્યારે મુંબઈ હુમલા વખતે એન.એસ.જી. ત્રાસવાદીઓની સામે લડી રહ્યું હતું, ત્યારે નરેન્દ્ર મોદી પોતે ઓબેરોય હોટેલ પહોંચી ગયા હતા. કોઈ પાડોશી રાજ્યના મુખ્યમંત્રી માટે આવું કરવું અસાહજિક હતું. ત્યારે મનમોહન સિંઘ, શિવરાજ પાટિલ અને સુશીલ કુમાર શિંદે તેમની નિષ્ક્રિયતાના કારણે હાંસીને પાત્ર બની ગયા હતા. ખોટાં પગલાં અને મૂર્ખામીના સિલસિલાના કારણે એવો લોકમત ઘડાઈ ગયો હતો કે આંતરિક સુરક્ષાની બાબતમાં યુ.પી.એ. નબળો છે અને તેના નેતાઓ કરોડરજ્જુ વગરના કે તેથી પણ ઉતરતી કક્ષાના છે. સ્થાનિક જેહાદીઓ અને માઓવાદીઓ, બંનેની સાથે તેમનું મેળાપીપણું દર્શાવાયું હતું. મુસ્લિમ જૂથો પર કોંગ્રેસનાં બેવડાં ધોરણોને કારણે દિલ્હીમાં બટલાહાઉસની ઘટના પછીથી આ આશંકાઓને ટેકો મળ્યો કે પાર્ટી મતબૅંકનું રાજકારણ રમી રહી છે. પક્ષે શહીદ ઇન્સ્પેક્ટરને શાંતિકાળમાં સર્વોચ્ચ શૌર્યચંદ્રક અશોકચક્રથી મરણોત્તર સન્માન્યા, એ તો વળી ઓર ખરાબ થયું.
માઓવાદીઓ સામે બે બાબતોમાં આ છબિનો પુરાવો મળ્યો. એક, માઓવાદીઓની સામે પી. ચિદંબરમના અભિયાન સામે રાજકીય વીટો વાપરીને તેનો વીંટો વાળી દેવાયો, જેમાં પોલિટ બ્યુરોના બે સભ્ય મરાયા હતા અને અમુકની ધરપકડ થઈ હતી. બીજું, રાજદ્રોહના આરોપમાં દોષિત (અને પછીથી રાહત મેળવનારા) ડૉ. વિનાયક સેનને આયોજન પંચની મહત્ત્વની સમિતિમાં સામેલ કરાયા. 2014માં ભા.જ.પ.ના એકતરફી વિજય પછી જેટલું પણ વિશ્લેષણ કરાયું, તે યુ.પી.એ.-2ની નૈતિક નબળાઈ-પંગુતા પર જ કેન્દ્રિત હતું, પરંતુ આંતરિક સુરક્ષા પડકારો બાબતે કાયરતા દર્શાવનારાઓની છબિએ પણ મોહભંગને સરકારના વિરોધમાં ફેરવી નાખ્યો. સત્તાનાં ત્રણ વર્ષ પછી વડાપ્રધાન આંતરિક સુરક્ષાના જમા-ઉધારને કેવી રીતે મૂલવશે? 2014માં કાશ્મીર ઘણે અંશે શાંત હતું, આજે તે સળગી રહ્યું છે.
હરીફ પક્ષ પી.ડી.પી. સાથે ગઠબંધન કરવાનું સરકારનું સાહસિક પગલું પડી ભાંગ્યું છે. મહદંશે એટલા માટે કે ટોચના નેતાઓ વિરોધાભાસી વિચારધારાઓમાં મેળ ન કરાવી શક્યા. આ અપ્રાકૃતિક જેવા જોડાણ પાસે નૈતિક, રણનીતિક અને રાજકીય ઔચિત્ય હતું, પરંતુ છેલ્લી ચૂંટણી પછી કોઈ પણ રાજકીય વ્યવસ્થા ‘મુસ્લિમ’ ખીણ અને ‘હિન્દુ’ જમ્મુની વહેંચણી દ્વારા દ્વિરાષ્ટ્રવાદનો સિદ્ધાંત દોહરાવતી હોય એવું જ લાગ્યું હોત. ગઠબંધન ચલાવવા માટે ભા.જપે. વધારે ધીરજ દર્શાવવાની જરૂર હતી. તેણે ગોમાંસ પર પ્રતિબંધ અને મસરત આલમના છુટકારા મુદ્દે બેધ્યાન થવાની જરૂર નહોતી. માઓવાદી વિસ્તારોમાં રસ્તા તૈયાર કરવાનું સરકારનું અભિયાન પૂરતી ગુપ્તતા અને અર્ધસૈનિક દળોની તૈયારી વિના ચાલી રહ્યું હતું. એ મુદ્દે સરકાર આગળ વધતી હોય તેમ જણાતું હતું. પરંતુ છેલ્લા બે આંચકાએ સરકારના સાહસિક માર્ગનિર્માણ અભિયાનની પોલ ખોલી નાખી. એક મોટા માઓવાદી શિબિર પર મારવામાં આવેલા છાપા પછી અમુક મુખ્ય નેતાઓ સહિત મોટી સંખ્યામાં માઓવાદીઓ મૃત્યુ પામ્યા. તેનાથી એવું લાગ્યું હતું કે સરકાર આ ખતરાને ખતમ કરી રહી છે.
જો કે, બે ઘટનાઓએ સુરક્ષાદળોની નબળી કાર્યવાહી, કમાન્ડની અપમાનજનક નિષ્ફળતા અને બહુમૂલ્ય હથિયારોનું નુકસાન જ છતું કર્યું છે. છેલ્લા બે મહિનામાં જંગલમાં ગેરિલા યુદ્ધ માટે આખી એક બટાલિયન જેટલાં આધુનિક હથિયાર લૂંટી લેવાયાં. બુલેટપ્રૂફ જૅકેટ પણ. તેમની પાસે એટલો સમય પણ હતો કે જવાનોના મૃતદેહોને વિકૃત કરી શકે. સી.આર.પી.એફ.ના ટોચના અધિકારીઓએ આ વાત અંગે નનૈયો ભણી દીધો, જેથી શરમ અને જવાનોના રોષથી બચી શકાય. ભલે જવાબદાર અખબારોએ આ ન છાપ્યું હોય, પરંતુ આ તસવીરો જવાનો સુધી પહોંચી જ ગઈ છે. મોદીએ 2014માં આ માટેનું વચન નહોતું આપ્યું. યાદ રહે કે હુમલો ઉનાળાની સવારે 11-30 વાગ્યે થયો અને એટલું અજવાળું કે વિદેશની ભૂમિ પરથી ખૂની આતંકીઓનો પીછો કરીને પકડી લાવાની વાતો કરતી ‘કડક’ સરકાર માઓવાદીઓની વિરુદ્ધ અભિયાન ચલાવી શકતી હતી. હેલિકોપ્ટરોનો ઉપયોગ કરીને નવી અને બહેતર તાલીમબદ્ધ ટુકડીઓને સામેલ કરી શકાત.
આવું ન કરવાનું એક માત્ર કારણ એ છે કે દળો પાસે આવું કંઈ છે જ નહીં. ‘કડક, રાષ્ટ્રવાદી’ એન.ડી.એ. સરકારનાં ત્રણ વર્ષ પછી પણ તૈયારીમાં આવી ઊણપ છે, જેના માટે ભા.જ.પ. યુ.પી.એ.ની નિંદા કરતો હતો. નાગાલૅન્ડ હવે ખાસ્સા ઘેરા સંકટમાં છે અને મણિપુરના સરહદી જિલ્લામાં ફરીથી વિદ્રોહી ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે. નગા શાંતિમંત્રણાા ભટકી ગઈ છે અને પહેલી વખત એન.એસ.સી.એન. જૂથોએ નાગાલૅન્ડમાંથી જિલ્લાઓમાં છાપામાર કાર્યવાહીઓ કરી છે. મોદી અને તેમનો પક્ષ કાશ્મીરના નુકસાનને યોગ્ય રાજકીય સંદેશ આપીને સંભાળવામાં સફળ રહ્યા છે. આનાથી મતદારોના ધ્રુવીકરણમાં પણ મદદ મળશે, પણ આ પદ્ધતિ ખતરનાક છે. વધારે પડતી તાણમાંથી પસાર થતાં સૈન્યદળો પોતાની શિસ્ત પણ ભૂલી શકે છે. 27 વર્ષ પહેલાં ગાવકડાલનો હત્યાકાંડ આજે પણ એક કલંક છે. ચૂંટણીઓનો ઇતિહાસ દર્શાવે છે કે જ્યારે લોકો આ પ્રકારની નિષ્ફળતાઓથી નારાજ થાય છે, તો તેઓ બંગડીઓ મોકલવાની તસ્દી નથી લેતા, પણ મત ન આપવાનો નિર્ણય કરી લે છે.
સૌજન્ય : ‘દાવા અને હકીકત’, “દિવ્ય ભાસ્કર”, 10 મે 2017