બિનસાંપ્રદાયિકતા, સુપ્રીમ ટિપ્પણી
આમુખ સિવાય બંધારણમાં ક્યાં ય બિનસાંપ્રદાયિકતા અને સમાજવાદનો નામજોગ ઉલ્લેખ નથી, પણ બેઉ જુદી જુદી કલમજોગવાઈઓમાંથી ફોર્યાં કરે છે

પ્રકાશ ન. શાહ
બંધારણના આમુખમાંથી બિનસાંપ્રદાયિકતા (સેક્યુલરિઝમ) અને સમાજવાદ (સોશલિઝમ) એ બે સંજ્ઞાઓ પડતી મૂકવાની સુબ્રમણ્યમ સ્વામી અને બીજાઓની યાચિકાઓ સર્વોચ્ચ અદાલતે નકારી કાઢી છે તે ખરું જોતાં આપણે સારુ એક અચ્છો સહવિચાર અવસર લઈને આવતી બીના છે.
કંઈક વાજપેયીના શાસનકાળમાંથી, સવિશેષ અલબત્ત ન.મો. કાર્યકાળમાં બિનસાંપ્રદાયિકતા બાબતે ઊહાપોહનું વલણ, ઓછાવત્તા પ્રમાણમાં વિરોધસૂરની રીતે રહ્યું છે. હમણાં થોડા વખત પર રાજ્યપાલ રવિએ પણ તે એક ભારતીય નહીં પરંતુ પશ્ચિમી વિભાવના હોવાની તરજ પર બહસ છેડવાની કોશિશ કરી જ હતી.
રાજ્યપાલ રવિ અને સુબ્રમણ્યમ સ્વામીની એક દલીલ જો કે એ રહી છે કે આમુખમાં બેતાલીસમાં સુધારા થકી બિનસાંપ્રદાયિકતા ને સમાજવાદ સંજ્ઞાઓ દાખલ કરાઈ હતી. 1976ના કટોકટી-રાજના વારામાં આ બન્યું હતું. એ સંદર્ભ પણ લક્ષમાં રાખવો જોઈએ એવું પણ એમનું કહેવું હતું અને છે. વાત સાચી કે આમુખમાં તે જે કાળે દાખલ કરાયાં એને ઇતિહાસની રીતે એક વણછો જરૂર લાગ્યો છે. પણ બંધારણ ઘડતરની ચર્ચાઓ અને તેના એકંદર અમલનો સહેજે સાત-આઠ દાયકાનો આખો ગાળો લક્ષમાં લઈએ તો બિનસાંપ્રદાયિકતા બધો વખત એક સ્વીકાર્ય મૂલ્ય રહેલ છે, અને જનતા પક્ષમાંથી છૂટા થયા પછી ભા.જ.પે. પણ પોતાની મૂળભૂત નિષ્ઠાઓમાં હકારાત્મક (પોઝિટિવ) એ વિશેષણ ઉમેરીને બિનસાંપ્રદાયિકતાવાદનો સ્વીકાર નથી કર્યો એવું નહીં કહી શકાય.
એક રસપ્રદ ને વિચારણીય મુદ્દો કદાચ એ છે કે બંધારણમાં ક્યાં ય બિનસાંપ્રદાયિકતા ને સમાજવાદનો નામ જોગ કલમી ઉલ્લેખ નથી. પણ જે નાનાવિધ બંધારણીય જોગવાઈઓ છે, ગૃહમાંથી ઘડતરકાળની ચર્ચાઓ છે, તે બધાં વાટે નેહરુ-આંબેડકર પર્વના વારાથી બંને સંજ્ઞાઓ વણલખી પણ સતત ફોરતી રહી છે. બોમ્માઈ ચુકાદામાં હમણેની ટિપ્પણી હો, બધો વખત જ્યારે પણ બિનસાંપ્રદાયિકતાનો પ્રશ્ન ઊઠ્યો એને બંધારણના મૂળભૂત માળખાના અંગભૂત તરીકે નિર્વિવાદ સ્વીકૃતિ મળી રહી છે.
બંધારણ સભાએ આંબેડકરથી માંડી નેહરુ ને બીજાઓ સહિતની સક્રિય-સતર્ક સામેલગીરીપૂર્વક નામજોગ ઉલ્લેખ ટાળ્યો એમાં એ બુનિયાદી સમજ કામ કરી ગઈ છે કે જે અર્થમાં ને જે સંદર્ભમાં પશ્ચિમે બિનસાંપ્રદાયિકતાની વાત કરી – એમાં ય ખાસ તો ફ્રેન્ચ બંધારણના ઉજાસમાં – તે આપણી પ્રણાલિકામાં બેસતું નથી. સોવિયેત બંધારણે જેમ ધર્મવિરોધી ભૂમિકા લીધી હતી કે બ્રિટન આદિ અન્ય યુરોપીય મુલકોમાં રાજ્ય અને ધર્મતંત્ર (ચર્ચ) વચ્ચેના સંબંધનો સવાલ છે તે પ્રશ્ન આપણે ત્યાં નથી.
આપણે સ્વરાજ સુધી પહોંચતાં વિભાજનની હદે જે યંત્રણાનો ભોગ બન્યા એને કારણે ધરમમજહબ આધારિત રાષ્ટ્રની વ્યાખ્યા એક સતત ચિંતા ને નિસબતની બાબત રહી છે. બંધારણના ઘડવૈયાઓએ, કહો કે, સ્થાપક પિતાઓએ એની ખાસ કાળજી લીધી છે. હિંદુરાષ્ટ્રનો ખયાલ, આપણા આ બંધારણીય અભિગમ સાથે છત્રીસનો સંબંધ ધરાવતો અનુભવાતો રહ્યો છે. આ ખયાલને ચોક્કસ જ એક અસુખ છે જે તેને અને દેશને પજવ્યા કરે છે.
એક કાળે જેમ હિંદુ ધર્મ, અમારામાં સરકારી દખલ નહીં તે ધોરણે રૂઢિદાસ્યનું વલણ દાખવતો હતો તેમ આજે કેટલાંક ઇસ્લામી વર્તુળોમાંથીયે અનુભવાતો રહે છે. આનો ઉગાર હિંદુત્વની જોહાકીના રાજકારણમાં નથી પણ બંધારણીય ભૂમિકાને ધોરણે કામ લેવામાં છે. જોહાકી જે વમળો ને પ્રત્યાઘાત જગવે છે તે સ્વસ્થ રાષ્ટ્રવાદના હિતમાં મુદ્દલ નથી. તેમ, મજહબને નામે રૂઢિદાસ્યનો પુરસ્કાર ન તો, સ્વસ્થ ધર્મભાવનાની તરફેણમાં છે, ન તો નવયુગી નાગરિક ભાવનાની તરફેણમાં.
સર્વોચ્ચ અદાલતની ખંડપીઠે એની તાજી ટિપ્પણીમાં કહ્યું છે તેમ નવા સમાજની દિશામાં જવા સારુ બંધુત્વ અને સમાનતાલક્ષી જે જોગવાઈઓ બંધારણની કલમોમાં છે એમાંથી બિનસાંપ્રદાયિકતા અને સમાજવાદનાં મૂલ્યો સર્વે છે. વાત સાચી કે સમાજવાદની વ્યાખ્યા પરિવર્તન પામતી રહી છે. પણ સમાન અવસરો અને વિષમતા નિર્મૂલન એ બે પાયાનાં મૂલ્યો હતાં, છે અને રહેશે. લઘુમતીવાદ અને બહુમતીવાદ બેઉની આરપાર જતો આ મુદ્દો છે.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 23 ઑક્ટોબર 2024
 

