ભારતીય તળાવોના તત્ત્વજ્ઞાનના ભાષ્યકાર ગાંધીવાદી પર્યાવરણવિદ્દ્ અનુપમ મિશ્રની ચિરવિદાય
ભારતના તળાવોના તત્ત્વજ્ઞાનને સામાન્ય માણસ સુધી પહોંચાડનારા ગાંધીવાદી પર્યાવરણવિદ અનુપમ મિશ્રનું ઓગણીસ ડિસેમ્બરના સોમવારે અડસઠ વર્ષની ઉંમરે કૅન્સરની બીમારીથી દિલ્હીની ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સેસમાં અવસાન થયું.
પર્યાવરણવાદી અનુપમજીએ ભારતની પરંપરાગત જળ સંવર્ધન અને જળવ્યવસ્થાપન પદ્ધતિઓનો સેંકડો ગામડાં ખૂંદીને અભ્યાસ કર્યો હતો. ‘આજ ભી ખરે હૈં તાલાબ’ નામનું તેમનું પુસ્તક જળવ્યવસ્થાપનની હાથપોથી સમું છે. લોકજીવનની કોઠાસૂઝ પર આધારિત પાણીની સાચવણીની વ્યવસ્થાનું વર્ણન અને માટીની મહેક ધરાવતી ભાષા વાચકના મનને ભરી દે છે. તેના એકેક વાક્યમાં ભારતીય સમાજમાં તળાવ નામની ઘટના વિશેનાં જ્ઞાન, આદર અને લાગણી સમાયેલાં છે. હમણાં વીતેલાં વર્ષોમાં દેશના અનેક વિસ્તારના લોકોએ આ પુસ્તકમાંથી પ્રેરણા લઈને પાંચ હજાર જેટલા તળાવ-કૂવા ફરીથી જીવતાં કર્યાં છે. ગાંધી શાંતિ પ્રતિષ્ઠાને બહાર પાડેલાં આ પુસ્તકની અઢી લાખ નકલો લોકોએ વસાવી છે. તે ફ્રી ડાઉનલોડ થાય છે. તેનો ગુજરાતી સહિત અનેક ભારતીય ભાષાઓમાં, તેમ જ અંગ્રેજી અને ફ્રેન્ચમાં અનુવાદ થયો છે. તે પ્રજ્ઞચક્ષુઓ માટેની બ્રેઇલમાં પણ છપાયું છે. તેના પર કોઈ કૉપીરાઇટ નથી એટલે અનેક વ્યક્તિઓએ અને સંસ્થાઓએ તે છપાવી છે. આવા સીમાચિહ્નસમા પુસ્તકમાં લેખકે પોતનું નામ બહુ ઝીણા અક્ષરે, ભાગ્યે જ ધ્યાન પડે તેવી જગ્યાએ મૂક્યું છે. કામ કરીને નામનિરાળા રહેવાની અનુપમજીની આ લાક્ષણિકતા તેમના વિશે બહુ ભાવથી લખનાર પત્રકાર પ્રભાષ જોશી અને રવીશ કુમાર બંનેએ નોંધી છે. પુસ્તકનું છેલ્લું વાક્ય છે : ‘અચ્છે અચ્છે કામ કરતે જાના’ .
અનુપમ મિશ્રના અચ્છા કામમાં ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનમાંની કર્મશીલતાનો સમાવેશ થાય છે. અનુપમજીનો જન્મ વર્ધામાં. તેમના પિતા ભવાની પ્રસાદ મિશ્ર ગાંધીજી પર પાંચસો કરતાં વધુ કવિતા લખનારા કવિ. દિલ્હી યુનિવર્સિટીમાંથી સંસ્કૃત સાથે એમ.એ. કર્યા પછી અનુપમ સમાજવાદી યુવાજન સભામાં અને પછી ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનમાં જોડાયા. ચંબલમાં ડાકુઓએ 1972 ના મે મહિનામાં છત્તરપુરમાં કરેલા આત્મસમર્પણ વખતે અનુપમજી જયપ્રકાશ નારાયણની સાથે હતા. તેમણે આ બનાવ પર પુસ્તક પણ લખ્યું. સર્વોદય સાહિત્યના લેખન-પ્રચાર-પ્રસારનું કામ અનુપમ રસથી કરતા રહ્યા. તેના માટે તેમને ઉત્તરાખંડમાં પણ જવાનું થતું. ત્યાં તેઓ ચંડીપ્રસાદ ભટ્ટ અને ગૌરા દેવીએ વૃક્ષો અને જંગલ બચાવવા માટે ચલાવેલા ચિપકો લોક આંદોલન સાથે જોડાયા અને તેના વિશે પહેલવહેલા અહેવાલો લખ્યા. આ ઉપરાંત તેમની પાસેથી આ ચળવળ વિશેનું એક મહત્ત્વનું પુસ્તક ‘ચિપકો મૂવમેન્ટ : ઉત્તરાખંડ વિમેન્સ બીડ ટુ સેવ ફૉરેસ્ટ વેલ્થ’(1978) મળ્યું. અનુપમ કેટલોક સમય ‘ ઇન્ડિયન એક્સપ્રેસ’માં પત્રકાર પણ હતા. પછી તેમણે ફ્રિલાન્સ લેખન અને ફોટોગ્રાફી કર્યાં. કટોકટી વિરુદ્ધ સક્રિય હતા તે દરમિયાન પણ મુખ્ય પ્રવૃત્તિ ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનની રહી. સાથે પર્યાવરણ પણ તેમની નિસ્બતનો વિષય હતો. ‘દેશ કા પર્યાવરણ’ નામનું સંપાદન તેમણે બહાર પાડ્યું. તેના આગોતરા ગ્રાહક નોંધીને અનુપમે બે લાખ રૂપિયાનો નફો પ્રતિષ્ઠાનને આપી દીધો. મૌલિક પુસ્તક ‘હમારા પર્યાવરણ’ લખ્યું, છાપ્યું, વેચ્યું અને પ્રતિષ્ઠાનને નવ લાખ કમાઈ આપ્યા. આ હકીકતો નોંધીને પ્રભાષ લખે છે : ‘આ પુસ્તકો હવે મળતાં નથી, પણ ગયા દસ વર્ષમાં હિંદીમાં પર્યાવરણ પર આવાં પુસ્તકો આખા દેશમાં લખાયાં નથી.’ અનુપમજી 1980ના દાયકાથી જળસંવર્ધન વિષયના સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પાણીની આપણા દેશમાં થઈ રહેલી અવહેલનાથી તે ખૂબ વ્યથિત હતા. તે જાણતા હતા કે પાણીનો બગાડ, તેની અસમાન વહેંચણી અને અછત-અભાવ અટકાવવાનો રસ્તો આ દેશની પાણી સાચવણીની પદ્ધતિ અને તેના માટેનાં જુદા જુદાં પ્રકારનાં બાંધકામોમાં રહેલો છે. એમને એ ખબર હતી કે તે પદ્ધતિઓ સ્થાનિક પરિવેશની પાકી સમજ અને લોકોની સામેલગીરીથી રચાઈ છે. એમણે એ સિસ્ટમ્સ વિશે લખવાની, તેમનું દસ્તાવેજીકરણ કરવાની શરૂઆત કરી. સહુથી અસરકારક નમૂના તો અલબત્ત શુષ્ક અને વરસાદ વિનાના રાજસ્થાનમાં હતા. છતાં તેમણે મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રને પણ પોતાના અભ્યાસમાં સમાવ્યાં. આ રાજ્યોનાં સેંકડો ગામડાં ખૂંદીને તેમણે ત્યાંનાં અનેક જળસંગ્રહોનો અભ્યાસ કર્યો. તેના પરિણામે બે પુસ્તકો મળ્યાં : ‘રાજસ્થાન કી રજત બુંદે’ (1993) અને ‘આજ ભી ખરે હૈ તાલાબ’ (1995). આ ઉપરાંત અનુપમજીએ પત્રિકાઓ અને લેખો પણ લખ્યાં છે. તેનો સંચય ‘સાફ માથે કા સમાજ’ નામે બહાર પડ્યો છે. એમનું લગભગ બધું લખાણ હિંદીમાં છે. તેનું કારણ એ કે લેખક તેમના પિતાનો ભાષા વારસો જાળવી રાખવા માગતા હતા. વળી તેઓ જે વિસ્તૃત જનપદમાં ફર્યા તેમાં હિન્દી ભાષાની અનેક બોલીઓ હતી. હિન્દીમાં લખવાનું શરૂ કર્યા પછી તે એના જ આનંદમાં રમમાણ થઈ ગયા. જો કે અંગ્રેજી ભાષાના નહીંવત ઉપયોગને કારણે તેઓ પર્યાવરણના અભ્યાસીઓમાં પણ થોડા ઓછા જાણીતા રહ્યા.
વિકેન્દ્રિત જળવ્યવસ્થાપનના અગ્રણી સમર્થક એવા અનુપમજી ઉત્તરપ્રદેશ અને મધ્ય પ્રદેશના કેન-બેટવા પ્રકલ્પ સહિત રિવર લિન્કિન્ગ પ્રોજેક્ટના વિરોધી હતા. તેઓ કહેતા કે આવા પ્રોજેક્ટો માટેના સરકારનાં લગાવ અને તેની લાગતનો એક અંશ પણ બુંદેલખંડ માટે ફાળવવામાં આવે તો તેનો દુષ્કાળનો પ્રશ્ન હલ થઈ જાય. તેમનું છેલ્લું જાહેર વ્યાખ્યાન અઠ્ઠ્યાવીસ નવેમ્બરે ‘સાઉથ એશિયા નેટવર્ક ઑન ડૅમ્સ, રિવર્સ અૅન્ડ પીપલ’ સંગઠને યોજેલા સરિતા સપ્તાહના ઉદ્દ્ઘાટને થયું હતું. થાક અને અશક્તિ છતાં તેમણે પૂરા સરોકારથી વાત કરી. તેમણે કહ્યું, ‘સરકાર ગંગાને નવજીવન આપવાનું કામ તેના ઘાટ પરના પથ્થર કે વીજળીના થાંભલા બદલીને નહીં કરી શકે. શુદ્ધ પાણી ક્યાંથી આવે છે અને પ્રદૂષિત પાણી ક્યાંથી આવે છે એ આપણે સમજીશું નહીં ત્યાં સુધી બધું નિરર્થક છે.’
અનુપમજીને કેન્દ્ર સરકારનો ઇન્દિરા ગાંધી પર્યાવરણ પુરસ્કાર (1996) અને મધ્ય પ્રદેશ સરકારનો અમર શહીદ ચન્દ્રશેખર આઝાદ રાષ્ટ્રીય પુરસ્કાર (2006) મળ્યા હતા. તદુપરાંત તેમને જમનાલાલ બજાજ સન્માન (2011) પણ આપવામાં આવ્યું હતું. જો કે અનુપમ મિશ્રાજીનું સહુથી મોટું સન્માન એ તેમના પુસ્તક ‘અભી ભી ખરે હૈં તાલાબ’ને મળેલો આવકાર છે. રોમાંચિત કરી દેનારા નવ પ્રકરણોનું આ ધન્ય પુસ્તક આમ તો શબ્દશ: વાંચવાં જેવું છે. તેમાં લેખકે આસ્થાભરી શૈલીમાં આવરી લીધેલી કેટલીક બાબતો આ મુજબ છે : તળાવોનો ઇતિહાસ, તેમના બાંધકામ, તેમને બનાવનાર ભારતભરના લોકસમૂહો, તળાવોનાં અંગ-પ્રત્યંગ, તેમની જાળવણી, તેમનાં ‘સહસ્રનામ’, પાણી પૂરી પાડવાની તેમની ક્ષમતા, તળાવ અનુસાર ‘લોક ધરમ સુભાવ’ અને તળાવોની આજની સ્થિતિ તેમ જ પ્રસ્તુતતા. પુસ્તકમાં એક દોહો છે :
‘સિમટ સિમટ જલ ભરહિં તલાવા
જિમી સદગુણ સજ્જન પહિં આવા.’
ભારતીય માણસ પાસેથી અનુપમજીએ રાખેલી આ આશા ફળશે ખરી?
22 ડિસેમ્બર 2016
++++++
e.mail : sanjaysbhave@yahoo.com