જીવવાની ભૂખ માણસને પોતાના શત્રુનો ખાત્મો બોલાવવાના રસ્તા શોધવા માટે સતત દોડતો રાખે છે, જેને કારણે ભવિષ્યમાં કોઇ ઘાતકી વાઇરસ કે બેક્ટેરિયા આટલા વિશાળ સ્તરે કદાચ નહીં ત્રાટકી શકે
આ લેખ વંચાઈ રહ્યો હશે ત્યારે તમે જનતા કરફ્યુના દિવસનો અનુભવ કરી રહ્યા હશો. સાંજે પાંચ વાગે ત્યારે તાળી વગાડવી કે થાળી તેનો નિર્ણય તમે હજી નહી લીધો હોય. કાં તો કોણ તાળી વગાડે છે અને કોણ થાળી વગાડે છે એ જોવા માટે તમે સાંજે કઈ બારીમાં જવું તે અંગે વિચારતા હશો. કોરોનાવાઇરસ વિષે આપણે એટલી બધી વાતો, વિચારણા, ચર્ચાઓ સાંભળી, જોઇ અને ફોનમાં રિસીવ કરી છે કે એવું લાગે કે કોરોના સાથે આપણે એક-બે મહિનાનો નહીં પણ સદીઓનો નાતો હશે. ક્યાંક એવો વિચાર પણ ફરતો હશે કે માળું આ ક્યારે જશે? હૉલીવુડની ફિલ્મોમાં જ્યારે પણ કોઇ વૈશ્વિક આફત આવી પડે ત્યારે મોટે ભાગે તો તે અમેરિકા પર જ આવી હોય અને પછી આખી દુનિયામાં પહોંચી જાય અને અંતે અમેરિકન હિરો તેને બચાવી લે. જો કે વાસ્તવિકતામાં જ્યારે વિનાશી વાઇરસ પેદા થયો ત્યારે તે થયો ચીનમાંથી, જે અમેરિકાનો સૌથી પહેલો સ્પર્ધક દેશ છે. ઇતિહાસમાં ઘણીવાર રોગચાળાઓ ફાટી નીકળ્યા છે જેમાં ભારે તારાજી સર્જાઇ હોય અને હજ્જારો, લાખો લોકો મોતનો કોળિયો થઇ ગયા હોય. દિવસે દિવસે આધુનિકીકરણનો આશરો લઇને ઝડપી બની રહેલી દુનિયા ક્યાં સુધી આવા રોગચાળાઓ કે વિચિત્ર વાઇરસો સામે લડ્યા કરશે, તેવો સવાલ પણ આપણને થાય તે સ્વાભાવિક છે. વળી એક તરફ કર્ફ્યુનો માહોલ ખડો કરવામાં નાગરિકોને અપીલ કરાતી હોય ત્યારે એમ કહેવું કે બની શકે કે આપણું વિશ્વ જે પ્રકારની મહામારી કે રોગચાળામાંથી પસાર થઇ રહ્યું છે તેવો વિનાશી વાઇરસ કે રોગચાળો કદાચ ફરી ક્યારે ય આપણે વેઠવો નહીં પડે. આટલા વિશાળ કદમાં વિસ્તરે તેવા રોગચાળાઓ ફરી ક્યારે ય નહીં ત્રાટકે.
માણસ જાતને ‘સર્વાઇવલ’નો મોહ હોય છે. કુદરતે ઘડેલાં બધાં જ પ્રાણીઓમાં સૌથી વધુ વિચક્ષણ માણસ જાતને પોતે કોઇપણ ચીજ પર જીત મેળવી શકે છે એ આખી ય બાબતનું એક જુદું જ ગુરુર હોય છે. ડાર્વિનનાં ઉત્ક્રાંતિ વાદ ‘સર્વાઇવલ ઑફ ધી ફિટેસ્ટ’ની વ્યાખ્યામાં માણસ જાત પરફેક્ટ્લી બંધબેસે છે. કમ્પ્યુટર ટૅક્નોલોજીમાં જે રીતે વિકાસ થઇ રહ્યો છે તે ઘણીબધી અપેક્ષા વધારે તે સ્વાભાવિક છે. વળી સિન્થેટિક બાયોલૉજીનાંનાં ક્ષેત્રમાં આગામી દોઢ દાયકામાં ક્રાંતિકારી સંશોધનો થશે. બાયોટેક્નોલૉજીને કારણે વાઇરસ પ્રકારનાં પાથોજીન્સનું નિદાન અને પરખ ઘણાં ઝડપી થયાં છે. તમે જ કલ્પના કરો કે આ વાઇરસને પારખવામાં આજથી વીસ વર્ષ પહેલાં આપણને કેટલી વાર લાગી હોત? અહીં આપણે એટલે કે વિશ્વએ અત્યારનાં તબક્કે એટલી પ્રગતિ તો કરી જ છે કે વાઇરસને પારખી તેને માટે શું થઇ શકે તે સમજવામાં આપણને સમય નથી લાગી રહ્યો. હા, એન્ટિવાઇરસ વેક્સિન શોધવાની દિશામાં હવે સંશોધકોની ગતિ વૈશ્વિક સ્તરે ઝડપી બનશે. વાઇરસ મ્યુટેટ થશે અને માણસ તેની સામે કોઇને કોઇ રસ્તો શોધી જ કાઢશે અને ત્યાં સુધી આવી ઊંદર બિલ્લીની રમત ચાલ્યા કરશે. આપણે ગયા અઠવાડિયે પણ વાત કરી કે છેલ્લા પંદર વર્ષમાં આપણે H1N1, ઇબોલા, સાર્સ, ઝિકા, નિપા અને હવે કોવિડ-19 જેવા અનેક વાઇરસિઝનો સામનો કર્યો છે. વૈશ્વિક સ્તરે સંશોધકો બમણા જોરથી બાયોલોજિકલ અને રોગચાળો ફેલાવતી બાબતોને રોકવા માટે જરૂરી વેક્સિન, દવાઓ શોધવા મંડી પડ્યા છે અને તેઓ ત્યારે જ જંપશે જ્યારે તેમને કોઇ સંતોષકારક ઉકેલ મળી શકશે. કારણ કે ડાર્વિનના ઉતક્રાંતિવાદનાં સૌથી અગત્યનાં નિયમને ટેકો આપવામાં માણસજાત ક્યારે ય પાછી નથી પડતી.
કોરોનાને કારણે બીજું બધું કોરાણે
કોરોના સિવાય આપણે ભાગ્યે જ કોઇ બીજી વાત કરીએ છીએ કે કોઇ બીજા સમાચાર કે ચર્ચા આપણી દિનચર્યાનો ભાગ બનશે. આજથી વીસ વર્ષ પછીની પેઢી કોરોનાને યાદ કરીને એમ કહેશે કે ત્યારે તો એક મહિના પછી દવા શોધવાની વાતો ચાલી હતી હવે તો બધું ઘડીના છઠ્ઠા ભાગમાં થઇ જાય છે. કોરોનાને જરા કોરે મુકીએ તો તમને યાદ કરાવું કે જે બધી ચર્ચાઓ મહિના પહેલા આપણા બધાં જ પ્રકારના કોમ્યુનિકેશનનો ભાગ હતી તે કોણ જાણે ક્યાં ઊડી ગઇ. ભંગાર બજેટ, સી.એ.એ., એન.સી.આર., કાશ્મીર, ખાડે ગયેલી રાષ્ટ્રીયકૃત બેંક્સની વાતો કરતા આપણે થાકતા નહોતા. દેશની ચિંતા અને દેશનું હિત તરફેણ કરનારા અને વિરોધ કરનારાઓની વાતોનો વિષય હતો, અને હવે? કોણ છીંક ખાય છે અને કોને ખાંસી આવી રહી છેની ચિંતાથી માંડીને કોણે ક્યારે હાથ ધોયા હશેનો પ્રશ્ન જ આપણને સતાવી રહ્યો છે. આને કહેવાય કરિશ્મા કુદરત કા, બીજું તો શું વળી.
અત્યારે જે રીતે ૨૧મી સદીમાં આખું વિશ્વ રોગચાળાના સંકજામાં સપડાયું છે તેને પગલે એકેએક સરકાર, બધી જ રિસર્ચ લેબ્ઝ, જિનેટિક સાયન્સ પર કામ કરનારા વૈજ્ઞાનિકોથી માંડીને ફાઉન્ડેશન્સ પણ જાહેર સ્વાસ્થ્યનાં ક્ષેત્રમાં પોતાનાથી બનતું બધું જ જોર લગાડીને કામ કરશે એ નક્કી છે. પરિણામે ભવિષ્યની પેઢી એક એવું વિશ્વ મેળવશે જ્યાં રોગચાળા, ચેપી રોગો કે વાઇરલ બિમારીઓનું પ્રમાણ, પ્રભાવ અને વિસ્તારનું કદ ઘણું નાનું હશે.
વાઇરસિઝ ઘાતક હોઈ શકે છે, પણ તે કેટલાક પ્રોટીન અને ખૂબ જ થોડા પ્રમાણમાં હાજર જિનેટિક મટીરિયલથી બનેલા હોય છે. વાઇરસની હાજરી એકવાર વર્તાય પછી તેનું બંધારણ તેના લક્ષણ વગેરે ઘણી સરળતાથી નાણી શકાય છે. જ્યારે સાર્સ વાઇરસે ભરડો લીધો ત્યારે વૈજ્ઞાનિકોને તેનું બંધારણ કેટલા ન્યુક્લેઓટાઇડ્ઝનું છે અને કઇ શ્રેણીમાં તે બંધારણ છે તે જાણવામાં એકથી વધારે મહિનાનો સમય લીધો હતો. તેની સરખામણીએ ચાઇનિઝ વૈજ્ઞાનિકોને સાર્સ-કોવ-૨ વિષે એ જ માહિતી મેળવવામાં એક મહિનાનો સમય લાગ્યો જેનું જીનોમ બંધારણ પણ સાર્સ વાઇરસના કદને મળતું જ છે. સાર્સ વાઇરસનાં જીનોમનાં બંધારણમાં ૨૯,૨૭૨ ન્યુક્લેઓટાઇઝ્ડ હતા. વૈજ્ઞાનિકો આ ઝડપથી કરી શક્યા કારણ કે તેમની પાસે પહેલા કરતાં બહેતર ટેક્નોલૉજી છે, જીનોમની શૃંખલા સમજવા માટે વપરાતું કમ્પ્યુટિંગ આજથી વીસ વર્ષ પહેલાં હતું તેના કરતાં ઝડપી છે અને મશિનરીની ક્ષમતા પણ કંઇક ગણી વધારે છે.
સાર્સ-કોવ-૨નાં જીનોમ વિષે ખ્યાલ આવ્યો તેનાં ૪૨ દિવસમાં જ મોડેર્ના થેરાપ્યુટિક્સ નામની મેસેચ્યુએટ્સની બાયોટેક કંપનીએ યુ.એસ.એ.નાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એલર્જી એન્ડ ઇન્ફેક્શિયસ ડિસીઝમાં ક્લિનિકલ ટ્રાયલ્સ માટે વેક્સિન્સ મોકલી આપ્યા જેની ટ્રાયલ્સ એપ્રિલમાં શરૂ થઇ શકશે. વાઇરસે પોત પ્રકાશ્યું તેના અઠવાડિયામાં જ કંપનીએ વેક્સિન ડિઝાઇન કરી લીધા હતા. તમે કલ્પી શકો છો કે આ ગતિની સરખામણી આજથી પંદર વર્ષ પહેલાનાં સંજોગોમાં કરીએ તો ત્યારે હજી સંજોગો ઘણાં અલગ હતા. આટલી ઝડપથી સંશોધન કે ટ્રાયલ થાય એ ત્યારે કલ્પના બહારની વાત હતી. બદલાયેલા પરિમાણોને કારણે વેક્સિનનાં સંશોધન અને બજારમાં તેની ઉપલબ્ધિ વચ્ચેનો સમયગાળો ઉત્તરોઉત્તર ઘટી રહ્યો છે અને આવનારા વર્ષોમાં તે હજી ઘટશે.
ઘણાં સાદા વાઇરસિઝની દવાઓ હજી નથી શોધાઇ પણ તેનો અર્થ એમ નથી કે તે નહીં શોધાય કારણ કે વાઇરસિઝ અને વેક્સિનનાં સશોધનકર્તાઓએ હવે મંઝિલે જ પહોંચવાની વાર છે, ત્યાં સુધી પહોંચવાની એક કરતા વધુ કેડીઓ કપ્યુટિંગ, સોફ્ટવેર, મશિનરી, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ તથા બાયોઇન્ફોર્મેટિક્સમાં થયેલા વિકાસને પગલે કંડારાઇ ચૂકી છે.
માણસજાત અને સંસ્કૃતિઓનાં ઇતિહાસમાં આવા રોગચાળાઓ એક ઊંડો ઘા બનીને રહી જાય છે એ પણ એક હકીકત છે. પોલિયો, સ્મૉલપૉક્સ, ટાઇફસ, પ્લેગ વગેરેને આપણે કોઇને કોઇ રીતે નાથ્યા છે. પણ ફ્લુ જેવી સામાન્ય બિમારી ઘાતક બની શકે છે અને તે પણ સંકુલ બની રહી છે. ૧૯૧૮માં સ્પેનિશ ફ્લુમાં ૫૦ મિલિયન લોકો મૃત્યુ પામ્યા હતા. આધુનિક યુગમાં હજારો લોકો મુસાફરી કરે છે, એક બીજાનાં સંપર્કમાં આવે છે ત્યારે આવો ચેપી વાઇરસ પણ આધુનિકતાની ગતિથી ફેલાઇ શકે છે. અંગ્રેજી ફિલ્મ કંન્ટેજિયનમાં આવા જ વાઇરસનાં હુમલાની વાત છે જે આજની પરિસ્થિતિ સાથે મેળ ખાય છે. ધી ન્યુ યોર્કરનાં સ્ટાફ રાઇટર લોરેન્સ રાઇટે લખેલા પુસ્તક ‘ધી એન્ડ ઑફ ઑક્ટોબર’માં પણ આવા જ ફ્લુની વાત છે જેમાં લોકો પર તવાઇ આવે છે. વાસ્તવિકતાએ કલ્પના કરતા વિચિત્ર હોય છે એ કંઇ અમસ્તા જ નથી કહેવાયું. આપણે પોતપોતાને સલામત લાગતા સ્થળોએ બંધ છીએ અને ચાહીએ છીએ કે આ જે છે તે ચાલ્યું જાય પણ શું માણસ તરીકે આપણે ક્યાં ‘વીક લિંક’ બન્યા તે વિચારવાની તસ્દી આપણે લઈ શકીશું?
બાય ધી વેઃ
વાઇરસિઝ, પેથોજીન્સ અને બેક્ટેરિયા આમ તો માણસ જાતની બધા જ પ્રકારની યોજનાઓને ઊંઘી વાળવા પોતાની રીતે પ્રયાસ કર્યા કરશે. વળી આપણે એ પણ સ્વીકારવું રહ્યું કે જંગલોનાં ઘટવાથી, પર્યાવરણમાં સતત અસંતુલન આવવાથી આ સંકટોમાં વધારો થયો છે. અહીં હાથના કર્યા હૈયે વાગ્યા છેનો જ મામલો છે પણ જીવવાની ભૂખ માણસજાતને આવા કંઇક વાઇરસો સામે લડવા તૈયાર કરશે. સાથે એટલી જ ઇચ્છા કે વાઇરસને નાથવાની સફળતાની સાથે સાથે માણસને એ સમજણ પણ મળે કે કુદરતનાં સંતુલનને જાળવવું કેટલું અનિવાર્ય છે. આખી દુનિયા સંશોધનો કરે ત્યારે આપણે ગૌમુત્ર અને ગો કોરોનાનાં મંત્રોથી કામ ન ચલાવીએ તો સારું, બાકી વિદેશ જઇને સ્થિત થયેલા ભારતીયો સફળ થશે ત્યારે પોલાં સાંબેલાથી ફિફાં ખાંડવા સિવાય આપણે બીજું કંઇ નહીં કરી શકીએ તો એક રાષ્ટ્ર તરીકે અફસોસની વાત રહેશે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 22 માર્ચ 2020