
રવીન્દ્ર પારેખ
એક કાળે સુરત આગ અને રેલથી બરબાદ થતું હતું. 2006માં સુરતે અભૂતપૂર્વ રેલ જોઈ, હવે અભૂતપૂર્વ આગ જુએ છે. બાઈકમાં, બસમાં, મકાનોમાં ભડકા ઊઠવાની નવાઈ નથી. વેસુ વિસ્તારમાં થોડા વખત પર ફાસ્ટફૂડ સેન્ટરમાં આગ ફાટી નીકળી હતી. થોડા મહિનાઓ પર અમરોલીમાં દોડતી બાઈકમાં આગ ભભૂકી ઊઠી હતી તો એ જ દિવસે ડિંડોલીમાં ચાર્જિંગમાં મૂકેલી બેટરીમાં આગે દેખા દીધી હતી. સુરતના વરાછા મીની બજાર પાસે શ્રી લક્ષ્મીબા સોસાયટીના એક મકાનમાં ત્રણેક અઠવાડિયા પર આગ લાગી હતી. સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી. 20 ફેબ્રુઆરીએ અશ્વનિકુમાર રોડ પરની એક શાળાની લાઇબ્રેરીમાં એ.સી. ચાલુ કરવા જતાં ધડાકા સાથે આગ લાગી હતી. 24 મે, 2019ને રોજ સુરતના તક્ષશિલા આર્કેડમાં એક સાથે 22 બાળકોને આગ એવી લપેટાઈ હતી કે અગ્નિસંસ્કારની ય ગરજ ન રહે.
25 ફેબ્રુઆરી, 2025ની બપોરે સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ એવી ભડકી કે 38 કલાકમાં 80 લાખ લિટર પાણી પણ તેને પૂરી હોલવી ન શક્યું. આટલા સમયમાં આટલું પાણી કદાચ પહેલી વાર વપરાયું હશે. 25મીએ લાગેલી આગ હોલવાઈ તો ખરી, પણ 26મીની સવારે કોઈક કારણસર સવારે ફરી ભડકો થયો ને જોતજોતામાં એવી ફેલાઈ કે મ.ન.પા.ની 22 સ્ટેશનની 35 ગાડી, હજીરા સહિતની કંપનીની 7 ગાડી, 150થી વધુ ફાયર લાશ્કરો, 25 જેટલા ફાયર ઓફિસરોની ભારે જહેમત પછી માંડ પરિસ્થિતિ થાળે પડી. કેટલાક ફાયર જવાનો તો ઑક્સિજન માસ્ક લગાવીને જીવને જોખમે ફરજ બજાવતા હતા. તેમાં એક જવાનને તો હાથમાં ઇજા થતાં હોસ્પિટલે ખસેડવા પડ્યા. કેટલાકને તો ધુમાડાની અસર પણ થઈ.
5 માળની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં 843 દુકાનો છે ને તેમાંથી 700 દુકાનો આગની લપેટમાં આવી છે, જેણે 850 કરોડનાં નુક્સાનનો આંકડો પાડ્યો છે. આ દુકાનોમાં સાડીઓ, કાપડ ને તેને લગતો માલસામાન હતો. તેને તો નુકસાન થયું જ છે, પણ આગની પ્રચંડ ગરમીને કારણે કૉલમ ફાટી ગયાં ને ચોથા, પાંચમાં માળના આર.સી.સી.ના સ્લેબના પોપડા પણ ખરી પડ્યા. આગ એ હદે ફેલાઈ કે ફાયર વિભાગના 25થી 30 લાખનાં સાધનો પણ એમાં ફૂંકાઈ ગયાં. કૂલિંગની કામગીરી પણ ચાલી, પણ પ્રશ્ન હવે સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો છે, એટલે બિલ્ડિંગને સીલ કરી દેવાયું છે. એકવાર સ્ટ્રક્ચર સ્ટેબિલિટી કન્ફર્મ થાય પછી જ માર્કેટમાં પ્રવેશ અપાશે.
આગ કયાં કારણે લાગી એનો જવાબ કોઇની પાસે નથી. તંત્રો તો પોલ ખૂલવા માટે જ હોય છે, તે અહીં પણ છે. રંગીન કાપડ રાખમાં ફેરવાયું છે, એટલું જ નહીં, એક વેપારીના રોકડા 20 કરોડની રાખ પડી ગઈ હોવાની દહેશત છે. એ રૂપિયા પાછા બીજા વેપારીઓના છે, એ કેવી બરબાદી નોતરશે તે તો એ જ જાણે ! માર્કેટના લગભગ તમામ વેપારીઓને માથે હાથ દેવાનો વારો આવ્યો છે. ફોસ્ટા-ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન-મદદમાં છે, પણ કેટલાક વેપારીઓને માલ તો ઠીક, પણ હિસાબકિતાબની વિગતો ને ચૂકવણી કે ઉઘરાણીના કોઈ પુરાવા પણ બચ્યા નથી. એથી માર્કેટમાં ફરતાં નાણાં પર પણ બ્રેક લાગી છે. સંજોગો એવા છે કે કોઈ આપી શકે એમ નથી ને કોઈ માંગી શકે એમ નથી. વેપારીઓ દુકાનોમાં જઈને માલસામાનની ને નુકસાનની વિગતો જાણવા ઈચ્છે છે, પણ પોલીસ અધિકારીઓ તેમને એ જોખમ ખેડવાની ના પાડે છે. વિચારવાનું તો એ પણ છે કે ઠરી ગયેલી આગ ફરી કેમ ભડકી?
થોડો વખત ફાયર એન.ઓ.સી.ના, ઇમ્પેક્ટ ફીના, ગેરકાયદે દુકાનોના એ જ ચવાયેલા, ચૂંથાયેલા પ્રશ્નો પુછાશે ને ફરી ભડકો ન થાય ત્યાં સુધી બધું અભરાઈએ ચડી જશે ને ફરી આગ લાગશે તો એ જ ચૂંથાચૂંથ ! ચામડી એટલી જાડી થઈ ગઈ છે કે ગેંડાની ચામડી પાતળી લાગે. શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની જ વાત કરીએ તો 2001માં ઇમ્પેક્ટ ફીના કાયદા હેઠળ 1.55 કરોડ રૂપિયા ભરીને ગેરકાયદે બાંધકામ કાયદેસર કરવામાં આવ્યું. માર્કેટના સંચાલકોએ કાયદાનો લાભ લઈને બેઝમેન્ટમાં એ.સી. પ્લાન્ટ અને ટેરેસ પર હૉલ મંજૂર કર્યા. એ પછી બેઝમેન્ટમાં 130 અને ટેરેસ પર 26 દુકાનો બની ગઈ. પાલિકાનું પણ કહેવું છે કે 1998થી 2001 વચ્ચે ગેરકાયદે બાંધકામ થયું હશે. એ સાચું હોય તો 2001થી 2025 સુધીમાં મ.ન.પા., સુરતને એ તરફ નીકળવાનું જ નહીં થયું હોય ને હમણાં જ આગનો સામનો કરવાનો આવ્યો હશે, એવું?
ઘણીવાર ગેરકાયદે બાંધકામો ઘણી મુશ્કેલીઓ ઊભી કરે છે. શિવશક્તિ સુધી પહોંચવાનું ફાયર વેહિકલ્સને એવું મુશ્કેલ થયું કે બે જે.સી.બી.નો ઉપયોગ કરીને અવરોધો દૂર કરવા પડ્યા. માર્કેટમાં વેન્ટિલેશનની બારીઓ ઈંટથી કવર કરવામાં આવી હોય ને ત્યાં પણ કાપડ કે સાડીઓ ઠૂંસવામાં આવી હોય કે માર્કેટનું વાયરિંગ પણ પચીસથી વધુ વર્ષનું જૂનું હોય, તો નથી લાગતું કે જોખમો સામે ચાલીને ઊભાં કરવામાં આવ્યાં છે? સવાલ તો એવો પણ છે કે મંગળવારે પાવર બંધ કરાયો હતો તો બુધવારે શોર્ટ સર્કિટ થઈ કેવી રીતે?
દુર્ઘટનાને ચોથે દિવસે FSL અને SVNITની ટીમ આગ લાગવાનું કારણ જાણવા સ્થળ પર પહોંચી એ દરમિયાન પોલીસ અને ટ્રાફિક રાબેતા મુજબ વર્તતાં જોવાં મળ્યાં. આગ લાગવાનું કારણ જાણવા નથી મળ્યું, પણ આગ લાગવાની દહેશત હજી હોય તેમ ફાયરની એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. વેપારીઓ એ આશામાં ભેગા થાય છે કે દુકાનમાં કેટલી નુકસાની થઈ તે જોવા પરનું પોલીસનું નિયંત્રણ દૂર થાય. વધારે નુકસાન એ કારણે પણ થયું છે કે રમજાન માસ સામે હતો, એટલે વેપારીઓએ સ્ટોક ફુલ કરી દીધો હતો. એક દુકાનમાં તો 20,000 સાડીઓ સ્ટોક કરી રાખી હતી. એ જ રીતે એક વેપારીની દુકાનમાં જુદા જુદા વેપારીઓના 20 કરોડ પડ્યા હતા તે લેવા જવા દેવાની વાત વેપારીએ તંત્રને એમ કહીને કરી કે રૂપિયાને કૈં થયું તો પોતે બરબાદ થઈ જશે, પણ તેવી છૂટ આપવામાં ન આવી. એક ધારાસભ્યે મુખ્ય મંત્રીને વેપારીઓને સહાય માટે પત્ર પણ લખ્યો છે.
રાબેતા મુજબ મદદ તો મળશે, પણ સવાલ એ છે કે ગેરકાયદેસર બાંધકામને ઇમ્પેક્ટ ફી ભરીને કાયદેસર કોણ કરે છે? ને ઇમ્પેક્ટ ફી ભરવાથી ગેરકાયદેસર, કાયદેસર કેવી રીતે થઈ જાય છે? બેઝમેન્ટમાં ને ટેરેસ પર દુકાનો કયા જોર પર કમાણી કરવા લાગે છે? પતરાંના શેડમાં કઈ રીતે ને કોને જોખમે દુકાનો શરૂ થાય છે? સિન્થેટિક કાપડ પેટ્રોલની ગરજ સારે છે, છતાં જરૂર કરતાં સિન્થેટિક કાપડ ઠેર ઠેર ઠાંસવામાં આવે ને વેન્ટિલેશન જ વેન્ટિલેટર પર મુકાય એવી ગીચતા જોખમમાં કેવી રીતે ઉપકારક નીવડે તે નથી સમજાતું. ફાયર એન.ઓ.સી. તેની ગંભીરતા ગુમાવીને કમાણીનું સાધન બની ગયું છે. કમાણીની લહાયમાં જાત પરનું જોખમ વધે ને તેની ખબર જ ન પડે, એટલું ભોળપણ તો બાળકમાં ય નથી બચ્યું, તો, આ તો વેપારીઓ છે, તે આવું જોખમ અગાઉથી ઓળખી ન શકે એ શક્ય છે?
કોઈ પણ કમાણી કરે ને વિકાસ કરે એનો તો આનંદ જ હોય, પણ સવાલોનો સવાલ એ છે કે અમર્યાદ કમાણીની લહાયમાં કમાણી જ રાખ થવા પર આવે તો તેટલું જોખમ ઉઠાવવા જેવું ખરું? રાખ થવા સુધી લોભ જ ન ઘટે એ હદે કમાણી કરવાનો કોઈ અર્થ ખરો? ઢગલો કમાયા પછી પણ રાખ જ હાથમાં આવે તો એવા રૂપિયાનો કોઈ મતલબ ખરો? આપણા લોભને તો થોભ જ નથી, એટલે આપણી જ બેવકૂફીનો ઉપયોગ કરીને કુદરત પાઠ ભણાવે છે, પણ આટલું વીતવા છતાં આપણે શીખતા નથી, નહિતર આટલી ઠોકર વાગ્યા પછી તો ફેર પડેને !
જોખમ વખતે જે બચાવી શકે એ ફાયરની ગાડીઓ આગ સુધી પહોંચી જ ન શકે, એટલા સાંકડા રસ્તાઓ ને આડેધડ પાર્ક કરેલાં વાહનો એ કુદરતે કરેલી વ્યવસ્થા છે? તો, આનો વર્ષો પછી પણ વેપારીઓને કે ફોસ્ટાને વિચાર જ ન આવે એ કેવું? ગેરકાયદે દુકાનો, જૂનું વાયરિંગ વગેરે વાતો ફોસ્ટાને ખબર જ નથી કે એ જોવાની તેની જવાબદારી જ નથી? 850 કરોડનું રાખોડી નુકસાન થયું હોય ત્યારે સૌ વેપારીઓ માટે સહાનુભૂતિ જ હોય ને એવે વખતે પડતાં પર પાટુ ન જ મરાય, પણ ધમધોકાર કમાણી વખતે આવી વાતોનો કોઈ વિચાર જ નથી કરતું એ પણ હકીકત છે. ફાયર એન.ઓ.સી. આપે કે ગેરકાયદેસરને કાયદેસર કરી આપે તે પછી ક્યારે ય એના પર નજર નાખવાની તંત્રોની ફરજ હોય છે કે ‘નજર બગાડવા’માં જ બધું પૂરું થઈ જાય છે?
કોણ જાણે કેમ પણ, પ્રજા તરીકેની આપણી અપ્રમાણિકતા અને તંત્રોની ભ્રષ્ટતા ઉત્તરોત્તર વધતી જ આવે છે ને તંત્રો તો એનાથી તગડાં જ થાય છે, પણ પ્રજાના હાથમાં છેવટે તો રાખ જ આવતી હોય છે ….
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 03 માર્ચ 2025