Opinion Magazine
Number of visits: 9507338
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આછરતે અટલ અહોધ્વનિએ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|2 September 2018

અંજલિઓ અને સંસ્મરણોનો સહજ દોર આછરી રહ્યો છે, અને કળશયાત્રાઓના પ્રચારમાહોલ પછી કંઈક પોરો ખાવાની શક્યતા વરતાઈ રહી છે, ત્યારે અટલ ઘટનાને પૂરા આદર અને પૂરી અદબ સાથે ૨૦૧૮માં ઊભીને ૨૦૧૯ના સંદર્ભમાં તળેઉપર તપાસી શકીએ તો, બને કે, અંજલિઓનો આવકાર્ય પણ અહોધ્વનિ કંઈક લેખે લાગે.

ભારતીય જનસંઘના સ્થાપક પ્રમુખ શ્યામાપ્રસાદ મુખર્જીના નિધન વખતે સોપાને અંજલિનોંધમાં એક મુદ્દો એ કીધો હતો કે સદ્‌ગત નેતાની પ્રતિમા રાષ્ટ્રવાદીઓ વચ્ચે કોમવાદી જેવી તો કોમવાદીઓ વચ્ચે રાષ્ટ્રવાદી જેવી વરતાતી હતી. અહીં આપણે મુખર્જીની ચર્ચા અલબત્ત નથી કરતા, પણ ભારતીય જનતા પક્ષના પૂર્વાવતાર જનસંઘના પ્રમુખ એવા મુખર્જી વિશે જેમ સામસામા વિરોધ અને આંતરવિરોધની રીતે ટીકાટિપ્પણને અવકાશ હતો તેમ ભાવિ અનુગામી અટલબિહારી વાજપેયી વિશે પણ ‘રાઈટ મેન ઇન અ રૉંગ પાર્ટી’ (‘ખોટા પક્ષમાં સાચો માણસ’) એવા અવલોકનને સારુ સતત અવકાશ રહેતો આવ્યો છે, એ મુદ્દો વ્યાપક તપાસના આરંભે કરવાનો ખયાલ ચોક્કસ જ છે.

પાકિસ્તાનના સર્જનની કૃષ્ણછાયામાં અને ગાંધીહત્યા પછીના રાજકીય માહોલમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એકલો પડી ગયાની વાસ્તવિકતામાંથી જનસંઘ અસ્તિત્વમાં આવ્યો. ગાંધીનેહરુપટેલ એકંદરમતીને અભિમત ભારત અને સંઘના દર્શન વચ્ચે (પટેલને પોતાના કરવાના અને એમ અલગ તારવવાના પ્રયાસ છતાં) છત્રીસનો સંબંધ રહ્યો છે તે સુવિદિત છે. છતે ભાગલે બિનસાંપ્રદાયિક અભિગમની દૂરંદેશી જે ત્યારના રાષ્ટ્રીય નેતૃત્વે દાખવી એનાથી હિંદુત્વ બળોનું વલણ સ્વાભાવિક જ સામા છેડાનું હતું. બલકે, દેશભરમાં કૉંગ્રેસ સહિતની રાજકીય છાવણીઓમાં પણ ભાગલાના જખમને કારણે બિનસાંપ્રદાયિક રાષ્ટ્રવાદના ખયાલ અંગે જે અસુખ હોઈ શકે તે સંઘ અને હિંદુ મહાસભા આદિ માટે અસુખનો અસ્થાયી અનુભવ નહીં પણ હાડોહાડ વિચારધારાનો સ્થાયી મામલો હતો. સામ્યવાદી પક્ષ સાથે સંલગ્ન સ્ટુડન્ટ્‌સ ફેડરેશન ઑફ ઇન્ડિયા અને ૧૯૪૨ના આંદોલન સાથે કિંચિત્‌ સંપર્ક અને સંસ્પર્શ પછી કિશોર અટલબિહારી સંઘ શાખામાં ઠર્યા હશે તે આ ગાળો હતો. આ ગાળામાં હરિવંશરાય બચ્ચનની ઘાટીએ ‘રગ રગ હિંદુ મેરા પરિચય’ જેવી રચના એક પૌગંડ (એડોલેસન્ટ) કવિને સારુ સહજ હતી. અલબત્ત, એમાં ‘કોઈ બતાયે કાબુલ જા મૈંને કિતની મસ્જિદે તોડી?’ જેવા કેવિયટનુમા અંદાજનીયે સગવડ હતી. ૧૯૯૨ના ડિસેમ્બરની છઠ્ઠીએ જે બન્યું તે પછી હિંદુત્વ રાજનીતિના આ ઉદ્રેક અને ઉત્પાતની ટીકા કરતાં મહીપસિંહે દૂરદર્શન પર વાજપેયીની આ પંક્તિ સચોટ ટાંકી હતી. આમે ય, વાજપેયીનું વલણ અયોધ્યા આંદોલનથી સલામત અંતરનું હતું તે સુવિદિત છે. કારસેવકો અયોધ્યા જાય છે કે લંકા એવી હળવીગંભીર નુકતેચીની પણ એમને નામે જમે બોલે છે.

… પણ રાઈટ મેન – રૉંગ પાર્ટીનું ઉખાણું છોડાવતે છોડાવતે વચલો ટપ્પો કુદાવીને આપણે એકદમ ૧૯૯૨ પર પહોંચી ગયા! વસ્તુતઃ ૧૯૭૪-૧૯૭૯નો જેપી જનતા તબક્કો નોંધ્યા વગર વાજપેયીની વિશેષતા(અને મર્યાદા)નો ખરો ને પૂરો તાગ શક્ય નથી. આ ગાળો જેપી આંદોલનને કારણે સ્વાતંત્ર્યસંગ્રામ સાથેના સંધાનપૂર્વક વ્યાપક વૈકલ્પિક પ્રવાહમાં જનસંઘની સ્વીકૃતિનો અને ખુદ જનસંઘ માટે શોધનની શક્યતાનો હતો. સંઘ-જનસંઘના સરેરાશ કાર્યકર (સ્વયંસેવક)ની મર્યાદા, વાજપેયીએ ત્યારે આ મતલબના શબ્દોમાં મૂકી આપી હતીઃ અમારા/ આપણા કાર્યકરો મોટેભાગે મધ્યમવર્ગમાંથી આવે છે, પણ આ રીતે જ્યારે આમ જનતામાં આંદોલનમાં જોડાઈએ છીએ ત્યારે વાસ્તવિક સુખદુઃખના સઘન સામાજિક સંસ્પર્શ અને સંસ્કારથી જાહેર જીવનના સંદર્ભમાં અમારું / આપણું ચારિત્ર્ય બદલાય છે. ૧૯૭૫ના માર્ચમાં નવી દિલ્હીના જનસંઘ અધિવેશનમાં, ‘સિંહાસન ખાલી કરો કિ જનતા આતી હૈ’ એ બિહાર આંદેલનમાં ગાજેલી દિનકરપંક્તિની પિછવાઈએ શોભતા મંચ પરથી બોલતાં વાજપેયીનું, સંઘી કવાયતી ઉછેરને લગીરે ઓછો આંક્યા વગર પણ એની મર્યાદાની પૂરી સભાનતા સાથેનું આ જેપી આકલન હતું.

આર.એસ.એસ. અને જનતા પાર્ટી એમ બેવડા સભ્યપદને અને બેવડી વફાદારીના મુદ્દે જ્યારે જનતા પક્ષમાં ભંગાણની સ્થિતિ સર્જાઈ ત્યારે મધુ લિમયેએ એક વાત માર્કાની કહી હતી કે સેક્યુલિરિઝમ અને લોકશાહી સમાજવાદ માટે આખા જનસંઘ ધાડિયામાંથી એકમાત્ર અટલબિહારી વાજપેયીની જ નિષ્ઠા સાફ હતી. તમે જુઓ, જનસંઘે જનતાઅવતાર પછી છૂટા પડવાનો પ્રસંગ આવ્યો, ૧૯૭૯માં, ત્યારે વાજપેયીએ, પાછો જનસંઘ જગાડવાને બદલે ભાજપ રૂપે નવા પક્ષની દિશામાં નાળચું વાળ્યું. સંઘી મર્યાદાઓને લાંધીને જનતા પ્રયોગની વિશેષતાઓ જાળવી લેવાની મંછા એની પૂંઠે હતી તે હતી. સંઘ શ્રેષ્ઠીઓ એમાં એક હદ સુધી સાથે હશે, પણ હિંદુત્વના નિંભાડા અને અખાડા સામે ખુલ્લી દુનિયામાં એમને કદાચ સોરવાતું નહીં હોય કે ગમે તેમ પણ ૧૯૭૭માં મળ્યું હતું એવું મતદાનીય ડિવિડંડ ૧૯૮૪-૮૫માં નહીં મળતાં વાજપેયીને ઇષ્ટ જનતા લબ્ધિને બદલે અડવાણીના હિંદુત્વ અભિગમને અગ્રતા અપાઈ. રથયાત્રાથી બાબરીધ્વસં લગીના ઘટનાક્રમે હિંદુત્વ રાજનીતિને જેપી આંદોલન કરતાં જુદી રીતે પણ મધ્યપ્રવાહ જેવી સ્થિતિમાં મૂકી આપી, અને અડવાણીને એના કેન્દ્રમાં.

આ પ્રક્રિયામાં (ખરું જોતાં વિક્રિયામાં) એ પ્રશ્નો અનુત્તર રહી ગયા જે વાજપેયીએ ઑગસ્ટ ૧૯૭૯માં જનતા ભંગાણ સંદર્ભે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં એક સાઈન્ડ આર્ટિકલમાં ઉપસ્થિત કર્યા હતાઃ

“આર.એસ.એસ. એક દેશભક્ત અને શિસ્તબદ્ધ તરુણોનું રાષ્ટ્રવ્યાપી સંગઠન હોઈ ઘણાની અદેખાઈને પાત્ર બન્યું છે. પણ આર.એસ.એસ.ની એકંદર તાસીર જોતાં અને સમાજના જે સ્તરમાંથી તે આવે છે એ જોતાં તે સત્તા કબજે કરી શકે તેમ નથી. ભારત જેવા બહુધર્મી, બહુભાષી, ભાતીગળ દેશમાં એ મોટા પાયા પર લોકોને સંચારિત પણ ન કરી શકે.

“સત્તાસાઠમારીમાં ચોક્કસ લાઈન લેતા અખબારી જૂથને પોષવાથી માંડીને જનતા પક્ષના યુવા ને મજદૂર સંગઠનોમાં જે વલણ આર.એસ.એસ. દાખવી રહ્યું છે એ બરાબર નથી. દિલ્હીમાં તાજેતરમાં પ્રજાને પાણીપુરવઠા બાબત પડેલી મુશ્કેલી પણ આ વલણમાંથી જ આવેલી હતી. આવા બનાવો કોઈ સંગઠનના બિનરાજકીયપણાને જેબ આપે તેવા તો નથી જ.

“આર.એસ.એસ.ના વડા દેવરસે તાજેતરમાં એક નિવેદનમાં કહ્યું છે કે સંઘમાં જોડાવા માટે બિનહિંદુઓને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. આર.એસ.એસ. તરફથી પોતે સાંપ્રદાયિક રાજ્યમાં માને છે એ વિધાનનો ચોખ્ખો ઈનકાર પણ તાજેતરમાં કરાયો છે. આ બધાનું ચોખ્ખું તર્કસંગત પરિણામ એ જ હોય કે આર.એસ.એસ. હિંદુરાષ્ટ્ર એટલે જેમાં બિનહિંદુઓનો પણ સમાન અધિકારપૂર્વક સમાવેશ થાય છે તેવું ભારતરાષ્ટ્ર એવું સ્પષ્ટ પ્રતિપાદન કરે છે. અથવા તો, બીજો વિકલ્પ એ છે કે આર.એસ.એસ. પોતાને નિર્ભેળપણે એક હિંદુ સામાજિક સાંસ્કૃિતક સંગઠન જાહેર કરે અને આર્ય સમાજની જેમ હિંદુ સમાજનાં દૂષણો સામે લડવાનાં ને રાહતનાં કામો કરે.

“એટલું ચોક્કસ છે કે લોકશાહી, બિનસાંપ્રદાયિકતા, સર્વ જાતિઓ અને સર્વ ધર્મોનું સરખું સ્થાન ને હિસ્સેદારી, હરિજનો-આદિવાસીઓને અકિંચનોની ઉન્નતિ વગેરે ચોક્કસ આદર્શોમાં રોપાયા વિના ભારતીય રાજનીતિ ટકી શકે તેમ નથી …”

આ વર્ષો એવાં હતાં જેમાં સાધ્વી ઋતંભરા જેવાં વાજપેયીને ‘આધા કૉંગ્રેસી’ કહીને ઉતારી પાડતાં હશે અને સંઘ શ્રેષ્ઠીઓ વાસ્તે પણ વાજપેયીનું સ્થાન હવે હાંસિયામાં જ અટલ હોવાની સમજ હશે. ૧૯૭૪થી ૧૯૯૫-૯૬ આવતે આવતે વાજપેયી એક પા જો હાંસિયામાં જણાતા હતા તો બીજી પા સામસામા પક્ષોથી ઉફરાટે એમની નાની પણ નિર્ણાયક સ્વીકૃતિ ઉભરતી આવતી હતી. કોઈ કોઈ વર્તુળો એમનો ઉલ્લેખ પંડિત અટલબિહારી નેહરુ તરીકે પણ કરતાં હશે. અડવાણીને જેમ કઈ રાજનીતિ ચાલશે એનો ખયાલ ૧૯૮૫માં આવ્યો હતો તેમ નવી રાજનીતિમાં કઈ વ્યક્તિ ચાલશે એનો જે ખયાલ ૧૯૯૫-૯૬માં આવ્યો હશે એને કારણે એમણે વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે અટલબિહારી વાજપેયીને આગળ કરવાપણું જોયું.

દેખીતી રીતે જ, આ જાહેરાત સંઘ શ્રેષ્ઠીઓની કિલ્લેબંધ દુનિયાને ઠેકી જઈને કરાયેલી હતી. પણ ફોર્મ્યુલા મજબૂત હતી એ વાજપેયીના વડાપ્રધાનપદે પહોંચવા સાથે અંકે થઈને રહ્યું. રાજકારણમાં ભા.જ.પ.ની જગ્યા કોમી ધ્રુવીકૃત રાજનીતિએ બનાવી, પણ એની સત્તા-સ્વીકૃતિ વ્યાપક વલણસરની એકંદરમતીએ બનાવી. અલબત્ત, ભા.જ.પ.નું માળખું અને એના પાયાના કાર્યકરો જે નિંભાડા અને અખાડાની સરજત હતા એના કરતાં આ વાત ગુણાત્મકપણે જુદી પડતી હતી એટલે ‘પ્રકૃતિં યાન્તિ ભૂતાનિ’ એ ન્યાયે એવાં એવાં ભળતાં ઇંગિતો મળતાં રહ્યાં જ્યારે વાજપેયીને પક્ષે તંગ દોર પરની નટચાલનો કુલીન તકાજો અનિવાર્ય બની રહેતો. રાષ્ટ્રીય સુરક્ષાની રીતે જાગૃતિપૂર્વક પણ પાકિસ્તાન સાથે સુલેહસમજૂતીની વાજપેયીની કોશિશ, એ આવી એક રાજપુરુષોચિત નટચાલનું ઉદાહરણ છે. રેંજીપેંજી રાજકારણીના વશની વાત એ નથી. કમાલ તો વાજપેયીએ જ્યાં પાકિસ્તાનનો ઠરાવ થયો એ કીર્તિસ્થંભ (મિનારે પાકિસ્તાન)ની સત્તાવાર મુલાકાત લઈને કરી હતી. અડવાણીને એમનું ઝીણાયન ભારે પડ્યું પણ વાજપેયી સંઘમાન્ય પાપપુણ્યની બારીમાંથી પસાર થઈ ગયા એ નોંધપાત્ર છે.

જમ્મુ-કાશ્મીરમાં એમણે જમ્હુરિયત, કશ્મીરિયત, ઇન્સાનિયતની જે હિમાયત કરી હતી તે રાષ્ટ્રવાદના પરંપરાગત સંઘી ખયાલને વટી જઈને કરાયેલી હતી. નમો-ટ્રમ્પ મંડળી જે ‘નેશન ફર્સ્ટ’ આલાપે છે એના કરતાં તે તત્ત્વતઃ ન્યારીનિરાળી હતી. માત્ર સાંકડો કોમી ખયાલ જ નહીં નકરું રાષ્ટ્ર રાષ્ટ્ર પણ ઓછું ને પાછું પડે છે એ સમજવા જેવું છે.

ગુજરાત ૨૦૦૨માં રાજપુરુષોચિત સમજ અને સંવેદનાએ એમની કને રાજધર્મનું પ્રબોધન તો કરાવ્યું, પણ રાજધર્મચૂક બાબતે ફોલોઅપ ઍકશન (મુખ્યમંત્રી નમોનું રાજીનામું) એમના હસ્તે લેવાતાં લેવાતાં રહી ગયું. પરિણામે, મુકામ પર પહોંચવાને બદલે એમની કૂચ વચમાં માંચીએ જ ક્યાંક મોચવાઈ ગઈ. ૨૦૧૪નું વિશ્લેષણ અત્યારે નહીં કરતાં ૨૦૦૪ સબબ એટલું જ કહીશું કે પેલું જે મોચવાયું તેને કારણે દિલ્હી હાથમાંથી ગયું.

ગુજરાત ઘટનાઓ વાજપેયી તરફી એકંદરમતીને જફા પહોંચાડી અને લોકસભાનાં ૨૦૦૪નાં ચૂંટણી પરિણામમાં એ સાફ જણાઈ આવ્યું તે પછી દસે વરસે, ૨૦૧૪માં, ભા.જ.પ. પાછો દિલ્હી તખતે ઝળક્યો. પણ આ જીતના હોર્મોન્સ ને જિન્સમાં ૨૦૦૨ પડેલું હતું. અલબત્ત, વિકાસનું વાજું વીસ-પચીસ ટકા હાર્ડકોરમાં વધારા વાસ્તે ખપમાં લઈને એકત્રીસ ટકે પહોંચી શકાયું હતું. તે પછીની દાસ્તાં કૉંગ્રેસ વત્તા ગાય શૈલીએ કોમી ઉંબાડિયાં – અને તે પણ મૉબ લિન્ચિંગની નવ્ય હદે – ચાલુ રખાયાંની છે. ૨૦૧૯નો ચૂંટણી વ્યૂહ વખત વખતનાં વાજાં સમેત અને છતાં હાડમાં અંતરિયાળ કોમવાદને લાંઘવાનો નહીં પણ લણવાનો હશે એવાં સઘળાં ચિહ્‌ન છે. હમણે હમણેનાં અટલ અહોધ્વનિના લાભાર્થીઓના પક્ષે એ નરી વિડંબના હશે. અટલ નામની ઘટના દેખીતી સફળતાનિષ્ફળતા છતાં એક કરુણભવ્ય ઊંચાઈને જરૂર આંબી શકી હોત પણ તે કેવળ કારુણિકામાં કેમ સમેટાઈ ગઈ એ અંગે આત્મનિરીક્ષણની ઇન્દ્રિય સત્તાર્થીઓ તો મ્યાન રાખી શકે, પણ નાગરિક એના ઉજાસમાં ધોરણસર દરમ્યાન થવા કેમ ન ઇચ્છે? ૨૦૧૮ના અંતભાગમાં રાજ્યોની ચૂંટણી અને ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી આવો અવસર કહો તો અવસર અને પડકાર કહો તો પડકાર લઈને આવે છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2018; પૃ. 03-04

Loading

2 September 2018 admin
← સામાન્ય ચૂંટણી નજીક આવી રહી છે એમ સરકાર રઘવાઈ થઈ ગઈ હોય એમ નજરે પડે છે
જો શહેરી નકસલવાદીઓ અસ્તિત્વમાંહોત તો ક્રોની કૅપિટાલિસ્ટોની અને દેશને લૂંટનારાઓની હત્યાઓ થતી હોત →

Search by

Opinion

  • આપણા શ્રેષ્ઠ યોદ્ધાઓના નાયક
  • પીયૂષ પાંડેનું સૌથી મોટું યોગદાન હતું ‘મિલે સૂર મેરા તુમ્હારા’
  • પીયૂષ પાંડેઃ જેમણે આપણને આપણી ભાષામાં સપનાં જોતા શીખવ્યું
  • આ તાકાત ચીને રાતોરાત નથી મેળવી
  • Scrapyard – The Theatreની દસમી વર્ષગાંઠની ઉજવણી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved