દિવાળીના રસથાળની શરૂઆત સાર્થક પ્રકાશનના ‘જલસો’ના પાંચમા અંકથી થઈ. લખનાર માટે લાંબા લેખો લખવાનો જલસા કરાવવાની પરિપાટી મુજબના ચાર લેખો છે : ‘ઐતિહાસિક ભૂલોનો અંબાર : એટનબરોની ‘ગાંધી’ ફિલ્મ’ (ઉર્વીશ કોઠારી), સંસ્થાકથા ‘ઓએસિસ – એક ઝરણું જ્યારે ઘૂઘવતી નદી બન્યું’ (ક્ષમા કટારિયા), ‘ગાંધીના અધ્યાત્મિક વારસ વિનોબાને પામવા-સમજવાની મથામણ’ (રમેશ ઓઝા), ધારાશાસ્ત્રી ગિરીશ પટેલની મુલાકાત ‘મળતાં મળે એવા વંચિતોના વકીલ’. અન્ય વાચનસામગ્રીમાં છે અનામત-સમસ્યા પરનાં ત્રણ લખાણો, એક પ્રવાસવર્ણન, બે વ્યક્તિચિત્રો, સર્વેલન્સ સંસ્કૃિત પરનો વિચારલેખ, નલિન શાહના સંગીત વિશેના આગામી પુસ્તકના એક પ્રકરણનો અનુવાદ. (અલબત્ત, આ યાદી સંપૂર્ણ નથી). આરતી નાયરનો સ્ત્રીના ભાવવિશ્વ પરનો આ બીજો લેખ ‘તું તારી મમ્મી જેવી છે : ભારતીય મા-દીકરીની વિટંબણા’ મહિલાઓને ખાસ નજીકનો લાગ્યો છે. ધૈવત ત્રિવેદીનો સૌરાષ્ટ્રની ભાષા વિશેનો લેખ આ લખનારને સહુથી વધુ ગમ્યો છે. અમદાવાદના અંધજનમંડળમાં ચાલતા, પ્રજ્ઞાચક્ષુ લોકો માટે સહસંવેદન પ્રેરી શકે તેવા એક ઉપક્રમ વિશેનો આશિષ કક્કડનો લેખ સહુએ વાંચવા જેવો છે.
જાણીતા ગુજરાતી લેખક બી. કેશરશિવમની આત્મકથા ‘પૂર્ણસત્ય’માંથી એક સંભારણાનો વડોદરાનાં સુધાતાઈ બોડાએ કરેલો મરાઠી અનુવાદ સમાજવાદી સાપ્તાહિક ‘સાધના’ના સાતમા બાળકુમાર વિશેષાંકમાં પ્રસિદ્ધ થયો છે. સાને ગુરુજીનાં ભત્રીજી અને સંનિષ્ઠ સામાજિક કાર્યકર્તા સુધાતાઈએ પંચ્યાશીની ઉંમરે મરાઠીમાં ઉતારેલી આત્મકથા ચોવીસ ડિસેમ્બરે બહાર પડશે. બાળકો માટેના હિસ્સાની સાથે સુંદર રંગીન ચિત્રો છે, એટલું જ નહીં, લેખકના પરિચયમાં એમના નામનો અર્થ પણ સમજાવેલો છે ! ‘સાધના’ના બીજા યુવા વિશેષાંકની સામગ્રી તેના નામને છાજે તેવી છે. નરેન્દ્ર દાભોલકરના પુત્ર હમીદે તેના નામ અન્દ હમીદ દલવાઈના જીવનકાર્ય વચ્ચે તેને પોતાને ત્રણ તબક્કે સમજાયેલા સંબંધ વિશે લખ્યું છે. સદાશિવ અમરાપુરકરની દીકરી રિમાએ તેના ‘બાબા’ એટલે કે પિતાનું સ્મૃિતચિત્ર આલેખ્યું છે. શ્રીલંકાના ક્રિકેટર કુમાર સંગકારાએ એના દેશનાં સ્થિત્યંતરો અને અસ્મિતાના સંદર્ભે ક્રિકેટનો વિચાર કરીને આપેલું ભાષણ રામચન્દ્ર ગુહાના ભારતીય ક્રિકેટના ઇતિહાસ વિશેના એક ભાષણની યાદ આપાવી જાય છે. ‘સાધના’નો દિવાળી અંક હજુ મળ્યો નથી. પણ મરાઠી ભાષાની એક અનોખી સિદ્ધિ સમા દિવાળી અંકો વિશે ‘ઇન્ડિયન ઍક્સ્પ્રેસ(૧૫/૧૧)માં વાંચવા મળે છે – આઠસોએક દિવાળી અંકો નીકળે છે! ‘લલિત’ના ઑક્ટોબરના અંકમાં ચાળીસેક દિવાળી અંકોનો આગોતરો પરિચય છે. મહારાષ્ટ્રના ઇતિહાસની બાજીરાવ મસ્તાનીની પ્રેમકથા પર સંજય લીલા ભણસાળીની આગામી ફિલ્મમાં ‘પિંગા’ નામનું એક ગીત છે. એ ગીતમાં મહારાષ્ટ્રના વારસાની કેવી અયોગ્ય રજૂઆત થઈ છે, તે અંગે અભ્યાસીએ નોંધાવેલા વિરોધ વિશે ‘અમદાવાદ મિરર’(૧૯/૧૧)માં વાંચવા મળે છે. બિનરાજકીય જણાતા આ વિરોધમાં એક વાત આપણે ધ્યાનમાં લેવા જેવી છે. ભણસાળીની ‘રાસ-લીલા’ ફિલ્મમાં ગુજરાતી સંસ્કૃિતની અનેક રીતે ખરાબ રજૂઆત થઈ હતી, પણ ગુજરાતમાંથી એની સામે ભાગ્યે જ કોઈને વાંધો પડ્યો હતો !
સઇદ જાફરી વિશે બે ઓછી જાણીતી વિગતો ‘ઇન્ડિયન ઍક્સ્પ્રેસ’ ના તંત્રીલેખમાંથી જાણવા મળી. વિક્રમ શેઠની મોટી નવલકથા ‘સુટેબલ બૉય’ના બીબીસી રૂપાંતરમાં તેમણે તમામ છ્યાંશી પાત્રોને વાંચ્યાં હતાં. તેમની આત્મકથામાં તેમના કામજીવનનું ભરપૂર વર્ણન છે. તે વિશે ઇન્ટરનેટ થકી ‘આઉટલુક’માં પણ વાંચવા મળ્યું.
‘ઇન્ડિયન ઍક્સ્પ્રેસ’ લોકશાહી અને માનવ-અધિકારોનું પ્રહરી રહ્યું છે, તે આમ તો રોજેરોજ જાણવા મળે છે. જેમ કે, ચોથી નવેમ્બરથી પાંચ દિવસ તેણે આભડછેટ વિશે ‘કીપિંગ દલિત્સ આઉટ’ નામની લેખમાળા કરી. તેમાં આપણે ત્યાંના પાટણ જિલ્લાના હાજીપુર ગામમાં દલિતો માટેની અલગ આંગણવાડી હોવાના સમાચારને પગલે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે રાજ્ય સરકારને નોટિસ ફટકારી છે.
દેશનાં પૂર્વોત્તર રાજ્યોમાં જેની આણ પ્રવર્તે છે, તે આસામ રાઇફલ્સ સામે નાગાલૅન્ડનાં ત્રણ છાપાંએ સોળમી નવેમ્બરના કોરા તંત્રીલેખો દ્વારા વિરોધ નોંધાવ્યો છે. એટલા માટે કે આ લશ્કરી દળે તાજેતરમાં આ વિસ્તારના સમાચાર આપવા પર અંકુશ મૂકતો હુકમ માધ્યમોને આપ્યો છે. આ લશ્કરશાહી વલણ સામે ‘એક્સ્પ્રેસે’ ઓગણીસ નવેમ્બરના તંત્રીલેખ અને તેની બાજુના લેખમાં લખ્યું છે. સામેના પાને કર્મશીલ ધારાશાસ્ત્રી ગિરીશભાઈ પટેલનો લેખ છે. તેમાં, અનામત આંદોલનના આગેવાન હાર્દિક પટેલ પરના રાજદ્રોહના આરોપના પગલે, સેડિશનના કાયદાના બિનલોકશાહી સ્વરૂપની સમજૂતી આપવામાં આવી છે. [એક્સ્પ્રેસે રાજદ્રોહનો કાયદો ‘કાઢી નાખો’ એવો તંત્રીલેખ (૧૦/૧૧) કર્યો હતો.]
ગિરીશ પટેલ આપણા જાહેરજીવનના બૌદ્ધિક છે. તેમના કુળના માણસો વિશેનું રોમિલા થાપરનું પુસ્તક ‘ધ પબ્લિક ઇન્ટેલક્ચ્યુઅલ ઇન ઇન્ડિયા’ તાજેતરમાં બહાર પડ્યું છે. સહેજ વિગતે બ્રાઉઝ કરતાં તે આ અઘરું પણ મહત્ત્વનું પુસ્તક લાગ્યું. તેમાં ત્રણ લેખો થાપરના છે અને ત્રણ અન્ય અભ્યાસીઓના છે. થાપરે પોતે પશ્ચિમના અને ભારતના જે પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ્સની વાત કરી છે, તેમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર નથી (ગુહાના ‘મેકર્સ ઑફ મૉડર્ન ઇન્ડિયા’ માં સમાજ-અગ્રણીઓની યાદી અહીં યાદ આવે). પણ જાવેદ નકવીનો લેખ બાબાસાહેબના પ્રદાનની ચર્ચા કરે છે. આંબેડકર સવાસોમાં ગુર્જર પ્રકાશન તરફથી બે પુસ્તકો મળે છે. રાજમોહન ભટનાગરની હિંદી જીવનચરિત્રાત્મક નવલકથા ‘યુગપુરુષ આંબેડકર’ છાયા ત્રિવેદી ગુજરાતીમાં લાવ્યાં છે. ‘સમતાના સેનાની ડૉ.આંબેડકર’ નામે , દલિત વિષયના અભ્યાસી ચંદુ મહેરિયાએ કરેલા સંપાદનમાં ચાળીસ લેખો છે. પૅરિસ હુમલાની બાબતે અમાપ લખાઈ રહ્યું છે. એ વાંચતા રહેવું ઘટે.
મરાઠીમાં કહે છે ‘વાચાલ તર વાચાલ’ એટલે કે વાંચશો તો બચશો. દુનિયામાં ચાલી રહેલા કટોકટીના માહોલમાં આ વધારે પડતું લાગે છે નહીં ? !
૨૦ નવેમ્બર, ૨૦૧૫
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2015; પૃ. 08