
રમેશ સવાણી
13 જુલાઈ 2025ના રોજ ‘માઉન્ટ રશમોર મેમોરિયલ’ની મુલાકાત બાદ દક્ષિણપશ્ચિમમાં 17 માઈલ દૂર ‘ક્રેઝી હોર્સ મેમોરિયલ’ની મુલાકાત લીધી.
‘ક્રેઝી હોર્સ વેલ્કમ સેન્ટર’માં મોટું અને વ્યવસ્થિત પ્રદર્શન છે. અમેરિકન મૂળનિવાસીઓનો ઈતિહાસ / જીવન શૈલી / હથિયારો / ખોરાક / શિકાર / નૃત્ય-સંગીત / પરંપરાઓ / રહેઠાણ / જીવન સંઘર્ષના ચિત્રો- નમૂના સાથે સમજૂતી આપી છે. અહીંથી વેલ્કમ સેન્ટરની બસમાં ‘ક્રેઝી હોર્સ’નું શિલ્પ બની રહ્યું છે તેની નજીક લઈ જવામાં આવે છે. તો પણ અડધો કિલોમીટર દૂર ઊભા રહીને જ આ અધૂરું શિલ્પ જોવા મળે છે. કેમ કે શિલ્પનું કામ ચાલી રહ્યું છે.
શું છે ‘Crazy Horse’? ક્રેઝી હોર્સ (1849-5 સપ્ટેમ્બર 1877) એ ઓગ્લાલા બેન્ડના લાકોટા યુદ્ધ નેતા હતા. તેમણે મૂળ અમેરિકન પ્રદેશ પર શ્વેત અમેરિકન વસાહતીઓએ કરેલ અતિક્રમણ સામે લડવા અને લાકોટા લોકોના પરંપરાગત જીવનશૈલીને જાળવવા માટે યુનાઇટેડ સ્ટેટ્સ ફેડરલ સરકાર સામે શસ્ત્રો ઉઠાવ્યા હતા.
સપ્ટેમ્બર 1877માં, જનરલ જ્યોર્જ ક્રૂકના નેતૃત્વ હેઠળ US સૈનિકો સમક્ષ શરણાગતિ સ્વીકાર્યાના ચાર મહિના પછી, ક્રેઝી હોર્સ ઉત્તરપશ્ચિમ નેબ્રાસ્કામાં કેમ્પ રોબિન્સનમાં કેદનો પ્રતિકાર કરતી વખતે લશ્કરી રક્ષક દ્વારા બેયોનેટથી જીવલેણ ઘાયલ થતાં મૃત્યુ પામ્યા હતા. તે ગરીબો, વૃદ્ધો અને બાળકો પ્રત્યે ઉદાર હતા.
‘ક્રેઝી હોર્સ મેમોરિયલ ફાઉન્ડેશન’ બિન-લાભકારી સંસ્થા છે, જેની સ્થાપના 1948માં ચીફ હેનરી સ્ટેન્ડિંગ બેર, કોર્ઝાક ઝિઓલકોવસ્કી અને રૂથ ઝિઓલકોવસ્કીએ કરી હતી.
‘ક્રેઝી હોર્સ મેમોરિયલ ફાઉન્ડેશન’નો મુખ્ય ધ્યેય ઉત્તર અમેરિકન મૂળનિવાસીઓની સંસ્કૃતિઓ, પરંપરાઓ અને જીવંત વારસાનું રક્ષણ અને જાળવણી કરવાનું છે.
ક્રેઝી હોર્સ મેમોરિયલનું શિલ્પકામ એક વિશાળ, સતત ચાલતું કાર્ય છે. ‘ક્રેઝી હોર્સ’ના શિલ્પકાર કોર્ઝાક ઝિઓલકોવસ્કી (1908-1982) હતા. તેમનું 1982 માં અવસાન થયું હોવા છતાં, તેમના પરિવાર અને ક્રેઝી હોર્સ મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા તેમના વિઝનને આગળ ધપાવવામાં આવી રહ્યું છે.
કોર્ઝાકના પૌત્ર ડૉ. કાલેબ ઝિઓલકોવસ્કી, રોજિંદી કોતરણી પ્રક્રિયામાં સામેલ છે. આ કાર્ય એક સમર્પિત ‘માઉન્ટેન ક્રૂ’ દ્વારા હાથ ધરવામાં આવે છે જેમાં એન્જિનિયરિંગ, ભૂસ્તરશાસ્ત્ર અને કલામાં કુશળ માણસો સામેલ છે. શિલ્પની ચોકસાઈ અને અખંડિતતા સુનિશ્ચિત કરવા માટે, બ્લાસ્ટિંગ તકનીકો સાથે, લેસર સ્કેનર્સ અને ટોટલ સ્ટેશન જેવા આધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે.
‘તમારી જમીનો હવે ક્યાં છે?’ આવા મશ્કરીભર્યા સવાલનો જવાબમાં ક્રેઝી હોર્સે પોતાનો ડાબા હાથથી ઈશારો કરીને કહ્યું હતું : “મારી જમીનો તે છે જ્યાં મારા મૃતકોને દફનાવવામાં આવ્યા છે !”
1948માં ‘ક્રેઝી હોર્સ’ શિલ્પ શરૂ થયું હતું. ક્રેઝી હોર્સનો ચહેરો 1998માં બની ગયો હતો. જુલાઈ 2025 સુધીમાં તેના ડાબા હાથના પંજા સુધી કામ થયું છે. તેના ઘોડાનું મોંઢું હજુ કોતરાયું નથી ! ક્રેઝી હોર્સ શિલ્પનો પૂર્ણ થયેલ ચહેરો 87 ફૂટ, 6 ઇંચ ઊંચો છે. જ્યારે આખા પર્વતની કોતરણી પૂર્ણ થશે, ત્યારે તે પ્રતિમા 641 ફૂટ લાંબી અને 563 ફૂટ ઊંચી હશે. ક્રેઝી હોર્સ મેમોરિયલ નજીકના ભવિષ્યમાં પૂર્ણ થવાની શક્યતા નથી. સમગ્ર પ્રોજેક્ટ અધૂરો રહ્યો છે. એક અંદાજ મુજબ ઘોડાનું માથું, અને શિલ્પનું બાકીનું કામ 2037 સુધીમાં પૂર્ણ થઈ શકશે ! વિલંબ થવાના અનેક કારણો છે : આ સ્મારક ખાનગી ભંડોળથી બની રહ્યું છે. પ્રવેશ ફી અને દાન પર આધાર રાખવો પડે છે. વળી આ સ્મારક વિશાળ છે, અને કોતરણી પ્રક્રિયામાં જટિલ વિગતો અને વિવિધ તકનીકોનો ઉપયોગ કરવો પડે છે. ભારે હવામાનના કારણે કોતરણીનું કામ અટકે છે.
ભલે અધૂરું સ્મારક છે, છતાં દર વરસે 10 લાખથી વધુ મુલાકાતીઓ અહીં આવે છે. આ શિલ્પ થકી જગતભરના મૂળનિવાસીઓ પ્રેરણા મેળવશે !
16 જુલાઈ 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર