નારીગૌરવ અને સવિશેષપણે સામાજિક દાયિત્યની ભાવનાથી છલોછલ વાર્તાઓ આપનાર હિમાંશી શેલત 22 ફેબ્રુઆરીએ બેંગલોરમાં એક સુંદર સમારંભમાં ‘કુવેમ્પૂ રાષ્ટ્રીય પુરસ્કાર’થી સન્માનિત થયાં. ગરિમાપૂર્વક એને સ્વીકારતાં હિમાંશીબહેને કહ્યું, ‘આ મને નહીં, મારી ભાષાને મળેલું સન્માન છે.’

હિમાંશી શેલત
માતૃભાષા દિન અને મહિલા દિન બંનેની ઉજવણી હજી તાજી છે, ત્યારે વાત કરીએ નક્કર સર્જકતા અને ગરિમાપૂર્ણ નારીત્વથી ભરપૂર હિમાંશી શેલતની અને એમણે મળેલા ‘કુવેમ્પૂ રાષ્ટ્રીય પુરસ્કાર’ની. ફેબ્રુઆરી મહિનાની 22મી તારીખે બેંગલોરમાં એક સુંદર સમારંભમાં હિમાંશી શેલતને આ પુરસ્કાર અપાયો. ગરિમાપૂર્વક એને સ્વીકારતાં હિમાંશીબહેને કહ્યું, ‘આ મારી ભાષાને મળેલું સન્માન છે.’
કન્નડ ભાષાના પ્રતિષ્ઠિત કવિ, નવલકથાકાર, નાટકકાર અને ચરિત્રલેખક કેલપ્પા વેંકટેપ્પા પુટ્ટપ્પા ‘કુવેમ્પૂ’ના નામનો પુરસ્કાર વર્ષ 2013થી ભારતની માન્ય ભાષાઓના કોઈ સર્જકને આપવામાં આવે છે. 1967નો જ્ઞાનપીઠ પુરસ્કાર ઉમાશંકર જોશીને અને કુવેમ્પૂને સંયુક્ત રૂપે એનાયત થયેલો – ઉમાશંકર જોશીને ‘નિશીથ’ માટે અને કુવેમ્પૂને 22,000 પંક્તિના ‘શ્રી રામાયણ દર્શન’ માટે. કેન્દ્ર સરકારે કુવેમ્પૂને પદ્મવિભૂષણ અને કર્ણાટક સરકારે રાષ્ટ્રકવિ તરીકે સન્માન આપ્યું છે.
કુવેમ્પૂએ 1929માં કન્નડ ભાષામાં એમ.એ.ની ડિગ્રી મેળવી. પછીથી તેઓ મૈસૂર યુનિવર્સિટીમાં જોડાયા અને ઉપકુલપતિપદે પહોંચીને 1960માં નિવૃત્ત થયા. તેમના પર શ્રી રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદનો ઘણો પ્રભાવ હતો. જિંદગીના 13 વર્ષ તેમણે રામકૃષ્ણ આશ્રમમાં ગાળ્યાં હતાં.

કુપ્પલ્લી વેંકટાપ્પા પુત્તપ્પા ‘કુવેમ્પૂ’
તેમની કારકિર્દીની શરૂઆત 1922માં ‘ધ બિગિનર્સ મ્યૂઝ’ના અંગ્રેજી કાવ્યસંગ્રહથી થઈ, તરત જ કન્નડ તરફ વળ્યા. તેમણે 25 જેટલા કાવ્યસંગ્રહો આપ્યા છે. ‘ચિત્રાંગદા’ નામની 2,000 લીટીના વૃત્તાંતકાવ્યમાં કવિ હોમરની શૈલીનો ઉપયોગ થયેલો જોવા મળે છે. પ્રકૃતિ પ્રત્યેનો ઉત્કટ શ્રદ્ધાભર્યો પ્રેમ, પ્રણય-કાવ્યો ઉપરાંત ગરીબી, અજ્ઞાનતા અને સામાજિક અન્યાયને સ્પર્શતાં ઘણાં કાવ્યો તેમણે રચ્યાં છે. તેમણે અનેક અંગ્રેજી કાવ્યોને કન્નડ ભાષામાં ઉતાર્યાં છે, તેમની ટૂંકી વાર્તાઓમાં ભયાનક ગરીબી, પ્રેમ, મૃત્યુ, કપટ, ત્યાગ અને વૈરાગ્ય જેવા વિષયોને અસરકારક રીતે આલેખાયા છે.
તેમનાં નાટકોમાં બાલનાટકો, સામાજિક નાટકો, શેક્સપિયર પ્રેરિત નાટકો, અને પૌરાણિક નાટકો છે. તેમણે રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદનાં ઉત્કૃષ્ટ જીવનચરિત્રો લખ્યાં છે. આત્મચરિત્ર ‘નેનાપિના ડોનિયલ્લી’માં કવિના મન અને તેમની કાવ્યમય પ્રતિભાના વિકાસનું વર્ણન છે. તેઓ પ્રાચીન સંસ્કૃત કલાવિદોની પરંપરાના હોવા છતાં તેમનામાં પશ્ચિમની કળા પ્રત્યેની સુરુચિ અને ત્યાંના સાહિત્યવિવેચનની અભિજ્ઞતા પણ જોવા મળે છે. તેમને રાજ્ય તેમ જ કેન્દ્ર સરકાર અને સાહિત્યિક સંસ્થાઓ દ્વારા પુષ્કળ માન-સન્માન મળ્યાં છે. ભારતની અને વિદેશની અનેક યુનિવર્સિટીઓ તરફથી ડી. લિટ્.ની પદવી અપાઈ છે.
આવા સમર્થ સર્જકના નામનો પુરસ્કાર મેળવનાર હિમાંશી શેલત દાદા કાલિદાસ શેલતનો સાહિત્ય-અભિરુચિ અને સામાજિક નિસબતનો વારસો ધરાવે છે. તેમણે અંગ્રેજી સાથે એમ.એ. કરી લાંબા સમય સુધી અધ્યાપન કર્યું અને પ્રસિદ્ધ અંગ્રેજ સાહિત્યકાર વી.એસ.નાયપોલ પર પીએચ.ડી. કર્યું.
સાહિત્યના અન્ય ક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રદાન છતાં હિમાંશીબહેન મુખ્યત્વે વાર્તાકાર છે. તેમની વાર્તાઓ નારીગૌરવ અને સવિશેષપણે સામાજિક દાયિત્યની ભાવનાથી છલોછલ છે, જે તેમને અનોખાપણું બક્ષે છે તેમણે આઠ વાર્તાસંગ્રહ આપ્યા છે. ગુજરાતીમાં સ્ત્રીઓ દ્વારા લખાયેલી આત્મકથા જૂજ છે. એમાં એમની ‘મુક્તિવૃત્તાંત’નું આગવું સ્થાન છે. ઍવોર્ડ નકારવા માટે તેઓ જાણીતાં છે, છતાં ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમીનાં પારિતોષિક અને સાહિત્ય અકાદમી, દિલ્હીના પુરસ્કાર તેમના નામે બોલે છે.
હિમાંશીબહેને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્ર અને પ્રખ્યાત અનુવાદક વિનોદ મેઘાણી સાથે લગ્ન કર્યાં છે. તમામ નમ્રતા સહિત પોતાનાં આગવાં ધોરણ જાળવી રાખનાર વિનોદભાઈનું વધારે જાણીતું પ્રદાન એ તેમનાં સંપાદનો અને અનુવાદો. અરવિંગ સ્ટોને લખેલા ચિત્રકાર વાન ગોગના ચરિત્રનો વિનોદભાઈએ ‘સળગતાં સૂરજમુખી’ શીર્ષકથી ઉત્તમ અનુવાદ કર્યો છે, ઉપરાંત એમણે મેઘાણીની કૃતિ ‘માણસાઇના દીવા’નો ‘અર્થન લેમ્પ્સ’ તરીકે તથા સૌરાષ્ટ્રની રસધારની વાર્તાઓનો ‘એ નોબેલ હેરીટેજ’, ‘ધ શેડ ક્રીમ્સન’ અને ‘એ રુબી શેટર્ડ’ એમ ત્રણ સંગ્રહોમાં અંગ્રેજી અનુવાદ કર્યો છે. હિમાંશીબહેન સાથે મળીને તેમણે કરેલું પિતા ઝવેરચંદ મેઘાણીના પત્રોનું દળદાર સંપાદન ‘લિ. હું આવું છું’ સાહિત્યક્ષેત્રે જુદું તરી આવે એવું છે.
હિમાંશીબહેનને બાળપણથી જ પ્રાણીઓ પ્રત્યે લગાવ – ‘આટલો બધો સંકોચ વગરનો, ગણતરી વગરનો, કેવું દેખાશે તેની ચિંતા વગરનો પ્રેમ પ્રાણીઓ જ આપી શકે.’ એમણે જાતને વચન આપ્યું છે કે મારે ઘેર જે પ્રાણી પોતાની મેળે આવશે તેને જાકારો નહીં આપું. એમના ઘરમાં પ્રાણીઓનું સ્વાગત છે અને એમના ખવાપીવા ને આરામની વ્યવસ્થા પણ છે. બાળપણથી બીજી પણ એક ટેવ – જે સ્વીકાર્ય ન હોય, તેને નકારતા તેમને વાર ન લાગે. અપ્રિય થવાનો કે નામ-કીર્તિ ગુમાવવાનો બિલકુલ ભય નહીં. સમાધાનની-બાંધછોડની વૃત્તિ ઓછી. મજબૂત ‘ના’ને કારણે ઘણું છોડવાનું થયું પણ જીવનનાં ઉત્તમ વર્ષો મનગમતાં કામને આપી શકાયાં.
1987માં એમનો પહેલો વાર્તાસંગ્રહ પ્રગટ થયો. હિમાંશીબહેને લખવાનું શરૂ કર્યુ એ દુર્બોધ વાર્તાઓની બોલબાલાનો યુગ હતો. હિમાંશીબહેનની વાર્તાઓ ભાષાની ચબરાકીથી મુક્ત અને સીધી વાત કરનારી છે. છતાં રમેશ ર. દવે નોંધે છે તેમ આ વાર્તાઓ અથથી ઇતિ સુધી માંડીને કહેવાતી નથી એટલે ભાવકને, વાર્તાકારે ખાલી છોડેલી જગ્યાઓને પોતાની આગવી રીતે ભરી લેવાનો આનંદ પણ સાંપડે છે.
હિમાંશીબહેનને મોહન પરમાર, કિરીટ દૂધાત, બીપીન પટેલ, ધીરુબહેન પટેલ, સરોજ પાઠક, જયંત ખત્રીની વાર્તાઓ ગમે છે. જયવંત દળવી, મહાશ્વેતા દેવી, ફણિશ્વરનાથ રેણુ પણ પ્રિય. માત્ર 34 વર્ષ જીવ્યાં ને ઉત્તમ વાર્તાઓ આપી તે કેથરિન મેન્સફિલ્ડે એમને ખૂબ પ્રેરિત કર્યાં છે – પણ એમની વાર્તાઓ પોતીકી અનુભૂતિ અને પોતીકી અભિવ્યક્તિથી તરબતર છે.
ભયંકરમાં ભયંકર ઘટનાઓને સહજ માની બેસી રહેવાના માણસના સ્વભાવ પર હિમાંશીબહેનને ખૂબ ગુસ્સો આવે છે. રેલવે પ્લેટફોર્મનાં બાળકો સાથેના અનુભવો ‘પ્લેટફોર્મ નબર ચાર’ પુસ્તકમાં વર્ણવાયા છે. રેડ લાઇટ એરિયાનો અનુભવ માણસજાતમાંથી વિશ્વાસ ઊઠી જાય તેવો નીવડ્યો – સંબંધોનું આટલું બધું પોલું રૂપ! કઈ તાકાતથી આ સ્ત્રીઓ કપરી પરિસ્થિતિમાં હિંમત ટકાવે છે? ‘ઘટના પછી’ અને ‘ધારો કે આ વાર્તા નથી’ – આ બન્ને રચનાઓ હચમચાવી મૂકનારી ઘટનાઓમાંથી નીપજી છે. નાગરિક તરીકેની સભાનતા એમાં વ્યક્ત થાય છે. કલબુર્ગીની હત્યા, એ ‘ધારો કે આ વાતા નથી’નું મૂળ છે. ડાભોલકરની હત્યા, ગૌરી લંકેશની હત્યા – જે સમાજ પોતાની કરુણાની ડિંગ મારે છે તે સમાજ આટલો અસહિષ્ણુ?
માતૃત્વ માટે તેમને આદર છે પણ સમાજ જે રીતે માતૃત્વ ઠોકી બેસાડે છે તે એમને ગમતું નથી. ‘નિરપેક્ષ, કોઈ ગણતરી વગર પ્રેમ કરે; સંતાન શું કરે છે તેનો ભાગ્યે જ વિચાર કરે અને પોતાને જે કરવું છે તે સતત કર્યા જ કરે તે મા. આના માટે પોતાનું બાળક હોવું જરૂરી નથી, આ પ્રેમ ગમે તે રીતે ક્યાં ય પણ આપી શકાય છે.’ ‘ગર્ભગાથા’ની વાર્તાઓમાં માતૃત્વના વિવિધ ચહેરા અને વિટંબણા છે. કેન્દ્રીય સાહિત્ય અકાદમી દિલ્હીનો 1996નો પુરસ્કાર મેળવનાર વાર્તાસંગ્રહ ‘અંધારી ગલીમાં સફેદ ટપકાં’ તેમણે પોતાનાં માને અર્પણ કર્યો છે : ‘જેમની વેદના સમજતાં અને પામતાં હું બીજાં કેટલાંયની વેદના સુધી પહોંચી શકી.’
કોમી તંગદિલી, રાજકીય દબાણ, ટોળાં સામે લાચાર થઈ જતી સંવેદનશીલતા, તોફાનો દરમિયાન સ્ત્રીઓ પર થતાં અત્યાચાર જેવા સાંપ્રત પ્રશ્નો પણ એમની કલમે પૂરા આક્રોશથી છતાં કલાત્મકતા ગુમાવ્યા વગર ઝીલ્યા છે. નારીજીવનની વાત હોય કે સામાજિક-રાજકીય વિટંબણાઓ હોય તેઓ કદી પ્રચારાત્મક બન્યા નથી. લગ્નેતર સંબંધને જીવતી સ્ત્રીની પીડાને હિમાંશીબહેને જુદા જ પરિમાણથી જોઈ છે.
વાર્તા એમને માટે જીવવા માટેનું સંતુલન છે. તેઓ કહે છે, ‘ઈમેજિનેટિવ એક્સ્પિયરન્સ તમને મોક્ષ આપે છે, તમને બધી પીડામાંથી મુક્ત કરે છે.’ શરીફા વીજળીવાળાના શબ્દોથી અટકીએ, ‘હિમાંશી શેલત ગુજરાતી ટૂંકી વાર્તાનું જ નહીં, ભારતીય ટૂંકી વાર્તાનું પણ મહત્ત્વનું નામ છે.’
અભિનંદન, હિમાંશીબહેન.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 09 માર્ચ 2025