નેતાઓ પૂતળાસ્વરૂપ થઈ જાય, એટલે તેમના જીવનકાર્ય વિશે વાંચવા-સમજવાની કે યથાશક્તિ એ રસ્તે ચાલવાની ઝંઝટ મટી જાય છે. ડો. આંબેડકરને યાદ કરીએ એટલે ઠેર ઠેર ઊભાં કરાયેલાં તેમનાં પૂતળાં, ‘શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો’નાં ત્રિસૂત્રી, બંધારણના ઘડવૈયા તરીકેની ઉપરછલ્લી ઓળખ અને જીવનના અંતિમ તબક્કે કરેલું ધર્મપરિવર્તન – આટલું યાદ આવે .. બહુમતી લોકો માટે ડો. આંબેડકર આટલામાં જ સમેટાઈ ગયા. ઘણાં બધાં બિનદલિતો વળી તેમના જેવી વિશ્વપ્રતિભાને ‘દલિતોના નેતા’ ગણીને આગળ વધી જાય. બાકી હોય તો ચબરાક રાજકીય પક્ષો પોતાના સ્વાર્થ ખાતર તેમના નામનું અપહરણ કરી જાય.
મહાન નેતાઓના જીવનની કઠણાઈ પણ મહાન હોય. પંડિત નહેરુ- નહેરુચાચાનો વિરોધ કરીને, તેમની સમાંતરે સભા ભરવાની હિંમત કરનારા ઈંદુલાલ યાજ્ઞિક કહેવાય તો ‘ઈંદુચાચા’ જ. એવી રીતે આઝાદ ભારતમાં તે વખતે અસ્પૃશ્યો તરીકે ઓળખાતા દલિતોના હિતનું શું થશે? તેની સતત ચિંતા સેવનારા ડો. આંબેડકરને બંધારણની તેમની કામગીરીને કારણે ‘આધુનિક મનુ’ જેવું બિરુદ મળે. તે કેવું કહેવાય? આ જ ડો. આંબેડકરે ૧૯૨૭માં ‘મનુસ્મૃતિ’નું જાહેરમાં દહન કર્યું હતું. પ્રખર અભ્યાસી એવા આંબેડકર માનતા હતા કે અસ્પૃશ્યતાને માન્યતા આપવામાં અને એ અન્યાયી વ્યવસ્થાને દલિતોના માથે ઠોકી બેસાડવામાં ‘મનુસ્મૃતિ’નો મોટો ફળો છે. પરંતુ એ વાત તેમના અનુયાયીઓ અને ટીકાકારોમાં ઓછી જાણીતી છે કે ‘મનુસ્મૃતિ’ અંગેની તેમની માન્યતા પછી બદલાઈ હતી. પ્રો. ભીખુ પારેખે ‘ડો. આંબેડકર સ્મૃતિવ્યાખ્યાન’(૨૦૦૯)માં નોંધ્યા પ્રમાણે, અસ્પૃશ્યતાના ઉદ્દભવનો ઊંડો અભ્યાસ કરતી વખતે તેમનો મત બદલાયો. ‘ધ અનટચેબલ્સઃ હુ વેર ધે એન્ડ વ્હાય ધે બીકેમ અનટચેબલ્સ’ એ પુસ્તકમાં તેમણે લખ્યું કે ‘મનુસ્મૃતિ’ ઇસવી સન પૂર્વે બીજી સદીમાં લખાઇ હતી, જ્યારે અસ્પૃશ્યતાનો આરંભ તેનાથી પણ આશરે બસો વર્ષ પહેલાં થઇ ચૂક્યો હતો. પાકા અભ્યાસી ડો. આંબેડકરે અસ્પૃશ્યતાની શરૂઆતને ગૌવધ તથા ગૌમાંસ પરના પ્રતિબંધ સાથે સાંકળી હતી અને તેમણે જણાવ્યું કે આ બંને બાબતોને ‘મનુસ્મૃતિ’માં પ્રતિબંધિત ગણાવાઈ નથી.
મનુસ્મૃતિ પ્રત્યેના તેમના અભાવ જેટલી જ ગાંધીજી પ્રત્યેની તેમની કડવાશ જાણીતી છે. તેના કારણે ઘણાં દલિતોમાં ગાંધીજી પ્રત્યે અપ્રમાણસરના અનાદરની – લગભગ ધિક્કારની – લાગણી જોવા મળે છે. ગાંધીજીની ટીકા સહિતની પણ ધોરણસરની સમીક્ષા કરનાર દલિત નેતાની નેતાગીરી જોખમમાં આવી પડે એવી સ્થિતિ છે. દલિતોના ગાંધીજી વિશેના અધકચરા – આત્યંતિક અભિપ્રાયો વિશે ઘણી વાર ચર્ચા અને વાજબી ટીકા થાય છે, પણ ગાંધીભક્તો દ્વારા થતી ડો. આંબેડકરની ઉપેક્ષા અથવા છૂપી ટીકાની એટલી ચર્ચા થતી નથી. ડો. આંબેડકરની ભૂમિકાને અને તેનાં ઐતિહાસિક પરિબળોને પૂરાં સમજ્યા વિના, ગાંધીજી વિશેની તેમની ટીકાને અત્યારના સંજોગોમાં તાણી લાવવામાં બંને હસ્તીઓને અન્યાય થવાની શક્યતા પૂરેપૂરી હોય છે.
બિનદલિતો ડો. આંબેડકરના વૈચારિક પાસાંથી કે તેમની બીજી અનેક પ્રતિભાથી પરિચિત નથી હોતા અને તેનો કદી અફ્સોસ પણ નથી હોતો. પ્રો. ભીખુ પારેખે એક વિચારક અને નેતા તરીકે ડો. આંબેડકરનું મૂલ્યાંકન કરતાં એટલી હદ સુધી કહ્યું હતું કે, ‘તેમના (ડો. આંબેડકરના) જીવનનો અંતકાળ ચાલતો હતો ત્યારે અમેરિકામાં એક અન્ય લઘુમતી નેતા માર્ટિન લ્યુથર કિગ જુનિયરનો ઉદય થઇ રહ્યો હતો. બંને સમાન નિસબત ધરાવતા હતા અને વિચારક તરીકે આંબેડકર કેટલીક બાબતોમાં માર્ટિન લ્યુથર કિગ કરતાં વધારે મહાન હતા. છતાં કિગ આંતરરાષ્ટ્રીય કક્ષાએ એક હસ્તી તરીકે પ્રસ્થાપિત થયા, લઘુમતીના હકો માટે લડનારાનાં પ્રશંસા અને આદરમાન પામ્યા, જ્યારે દુઃખની વાત એ છે કે આંબેડકર સ્થાનિક અને કાલગ્રસ્ત બનીને રહી ગયા.’
ડો. આંબેડકરની આત્યંતિકતાનું અનુકરણ કરતાં ઘણાં લોકો અભ્યાસ કે સજ્જતાની બાબતમાં તેમના રસ્તે ચાલવાની કોશિશ ભાગ્યે જ કરે છે. શાસ્ત્રીય અભ્યાસ અને સંશોધનાત્મક લખાણોની બાબતમાં ડો. આંબેડકરની સરખામણી ભાગ્યે જ બીજા કોઇ નેતા સાથે થઇ શકે. બેરિસ્ટર અને પીએચ.ડી.ની બેવડી ડિગ્રી ધરાવતાં બાબાસાહેબના ગ્રંથો ફ્ક્ત વિદ્વત્તા, સંશોધન અને પૃથક્કરણની દ્રષ્ટિએ જ નહીં, અંગ્રેજી ભાષાના સૌંદર્યની બાબતમાં પણ પ્રભાવશાળી છે. પરંતુ ‘ગાંધીજીના અક્ષરદેહ’ની જેમ ‘ડો.આંબેડકરનો અક્ષરદેહ’ જાણીતો બની શક્યો નથી. (તેનું ગુજરાતી એટલું કચાશવાળું અને ક્લિષ્ટ છે કે થોડુંઘણું અંગ્રેજી આવડતું હોય તેને ગુજરાતી ન સમજાતાં અંગ્રેજીમાં વાંચીને સમજવું પડે.)
ગાંધીજી અંગ્રેજોનો નહીં પણ અંગ્રેજી રાજનો વિરોધ કરતા હતા, એ સૌ જાણે છે – અને એ બાબતને યોગ્ય રીતે જ તેમની મહાનતાનું એક અંગ ગણાવવામાં આવે છે. ડો. આંબેડકર પણ આ બાબતમાં ખાસ જુદા નથી. જ્ઞાતિવાદી માનસિકતાના ઉગ્ર વિરોધી બાબાસાહેબ બ્રાહ્મણોના વિરોધી ન હતા. ઊલટું, તેમના કેટલાક નિકટના સાથીદારો બ્રાહ્મણ હતા. ૧૯૩૧માં ભરાયેલી બીજી ગોળમેજી પરિષદના સમય સુધી ગાંધીજી એવું માનતા હતા કે ડો. આંબેડકર અસ્પૃશ્યોના હિત માટે લડતા કોઇ બ્રાહ્મણ નેતા છે.
બિનદલિત નેતાઓ વિશે ડો. આંબેડકરના મનમાં ભારોભાર કટુતા અને સંદેહ હતાં. ગાંધીજીને બાદ કરતાં ઘણાં નેતાઓમાં અને ગાંધીયુગ પહેલાં મહારાષ્ટ્રમાં થયેલા ઉજળિયાત સુધારકોમાં તેમણે જોયેલાં બેવડાં ધોરણ એને માટે ઘણા અંશે જવાબદાર હતાં. કદાચ એટલે, દલિત પ્રશ્નને કોંગ્રેસના અને દેશના મંચ પર મૂકી આપવાની ગાંધીજીની પ્રવૃત્તિને તે સમભાવથી જોઈ શક્યા નહીં. ડો. આંબેડકરની અસ્વસ્થતા પાછળનાં કારણ બીજા કોઈપણ નેતા કરતાં ગાંધીજી વધારે સમજતા હતા અને તેમની કટુતાનું ખરાબ ન લગાડવું જોઈએ, એવું તે સાથીઓને સમજાવતા હતા.
પોતાના સહિત બીજા નેતાઓ વિશે લોકોનામાં મનમાં ભક્તિભાવ પેદા થાય, તેની ડો. આંબેડકરને સખત ચીડ હતી. બંધારણસભાના એક પ્રવચનમાં ૧૯૪૯માં તેમણે કહ્યું હતું, ’ભારતમાં ભક્તિએ રાજકારણમાં જે હદનો ભાગ ભજવ્યો છે તેનો દુનિયાના કોઇ દેશમાં જોટો જડે તેમ નથી. ધર્મમાં ભક્તિ એ મોક્ષનો માર્ગ હોઇ શકે, પરંતુ રાજકારણમાં ભક્તિ કે વ્યક્તિપૂજા પતન અને આખરે સરમુખત્યારશાહી ભણી દોરી જાય છે.’ સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાની વાત કરતાં તેમણે કહ્યું હતું કે ‘મારા તત્ત્વજ્ઞાનમાં સ્વતંત્રતા અને સમાનતાના રક્ષણ માટે કાયદો છે … પણ બંધુતાને તેમાં ઘણું ઊંચું સ્થાન છે … બંધુભાવ એટલે કે બંધુતા એ માનવતા અને માનવતા એ જ ધર્મનું બીજું નામ છે.’
મૃત્યુની રાત સુધી ‘બુદ્ધ એન્ડ હીઝ ધમ્મ’ પુસ્તકના કામમાં પરોવાયેલા ડો. આંબેડકર ઊંઘમાં જ અવસાન પામ્યા. છેલ્લાં થોડાં વર્ષોથી તેમના વિશે નવેસરથી અભ્યાસો થઈ રહ્યા છે. વિદેશોમાં તેમના કામનું મૂલ્યાંકન થઈ રહ્યું છે. હવે, દેશી અનુયાયીઓને ટીકાકારો ડો. આંબેડકરના પૂતળાંથી આગળ વધે તો ખરું.
e.mail : uakothari@gmail.com
સૌજન્ય : ‘નવાજૂની’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 14 ઍપ્રિલ 2019