ઘણી વાર શિક્ષણ અને કેળવણીને સમાનાર્થી શબ્દો રૂપે પ્રયોજવામાં આવે છે. સાર્થ જોડણીકોશ ‘શિક્ષણ’ એટલે ‘કેળવણી, બોધ, ઉપદેશ …’ એવો અર્થ આપે છે. ભગવત્ગોમંડળ ‘કેળવણી’ એટલે ‘કેળવવું તે, શિક્ષણ, તાલીમ, વાચન અને લેખન અને સાદું ગણિત’ અને ‘શિક્ષણ’ એટલે ‘કેળવણી વિદ્યા’ એવો અર્થ આપે છે. વ્યાવૃત્તિમાં તે જણાવે છે. શિક્ષણ આપવું તે, ભણાવવું તે આચાર, વિચાર, રીતભાત અને કલા વગેરેનું જ્ઞાનદાન.’
દરેક ભાષા સાથે તેની સંસ્કૃતિ જોડાયેલી હોય છે. તે રીતે ભારતીય પરંપરામાં શિક્ષણ માટે ગુરુગૃહે જવું, ત્યાં રહીને કૃષ્ણ-સુદામાની જેમ જાતજાનાં કાર્યો કરવાં, ક્ષણે ક્ષણે ગુરુની નિગરાનીમાં રહેવું અને સવારે ઊઠવાથી માંડી રાત્રે સૂતા સુધી ગુરુની આજ્ઞા અનુસાર જીવવું. ગુરુ દ્વારા વિદ્યાર્થીનાં વાણી, વર્તન, વ્યવહાર, ટપારતા રહીને અક્ષરજ્ઞાન અને શાસ્ત્રો વગેરેની સમજ આપવાનું કામ થતું.
આ રીતે બ્રહ્મચર્યાશ્રમમાં, સમાજના ઉપલા ત્રણ વર્ણના વિદ્યાર્થીઓનું શિક્ષણ થતું. દલિત વર્ગને આ વ્યવસ્થામાંથી બહાર રખાતો, જેનું માર્મિક ઉદાહરણ મહાભારતમાં કર્ણ કે એકલવ્યના પાત્ર દ્વારા સાંપડે છે.
ભારતીય પરંપરાના પ્રવાહથી બહાર નીકળી પશ્ચિમ જગતની દૃષ્ટિએ જોઈએ તો શિક્ષણ અને કેળવણી સમાનાર્થી શબ્દો રહેતા નથી. કેળવણી અને તાલીમ પણ સમાનાર્થી રહેતા નથી. અંગ્રેજી શબ્દો, ટુ એડ્યુટ, ટુ ટ્રેઈન, ટુ કલ્ટિવેટ વગેરે સમાનાર્થી નથી.
પશ્ચિમના શિક્ષણના ઇતિહાસમાં, ઈસુના જન્મ પછી અને ગુટનબર્ગની શોધ પહેલાં, ચર્ચની ભૂમિકા હતી. પણ સોળમી અને સત્તરમી સદીમાં પ્રગટેલા જ્ઞાનપ્રકાશ યુગથી એ સમાજોમાં ધર્મથી રાજ્ય અને શિક્ષણ પણ છૂટા પડ્યા. કેમ્બ્રિજ, ઑક્સફર્ડ, હાર્વર્ડ, સ્ટેનફર્ડ કે વિયેના યુનિવર્સિટીમાં ધર્મ, પરંપરા અને સંસ્કૃતિ ગણાતી વિચારશૈલીઓ આથમતી ગઈ, આધુનિકતા અને નવજાગૃતિના પ્રભાવથી આ યુનિવર્સિટીઓ, મુક્ત વિચાર અને સ્વતંત્ર અભિવ્યક્તિનાં પ્રભાવક કેન્દ્રો રૂપે વિકસી. સાથે સાથે માળખાગત અને સંસ્થાગત સ્વાતંત્ર્ય પણ જોડાયું. આથી, દા.ત. પેરિસમાં મિશેલ ફુકો, મહિનાઓ સુધી માત્ર વાંચે, વિચારે અને પછી સજ્જ થાય એટલે પોતાનો કોર્સ જાહેર કરે, ઠીક લાગે તે વિદ્યાર્થીઓ આવે; પણ શિક્ષણ ખાતું, સંસ્થાના નિયામક કે સમાજ એવું ક્યારે ય ન વિચારે કે આ માણસે નિયમિત વર્ગો ન લીધા અને પગાર ખાધો. આપણે ત્યાં નિયમિત વર્ગો લઈને નિવૃત્ત થઈ ગયેલા હજારોને આજે કોઈ ઓળખતું પણ નથી પણ સાર્ત્ર કે ફુકો, રસેલ કે અમર્ત્ય સેન વિશાળ ફલક ઉપર લાંબા કાળખંડ સુધી ચર્ચાતા રહેશે.
શિક્ષણ-એજ્યુકેશ, મૂળભૂત રીતે એક ઔપચારિક અભિગમ દર્શાવે છે. નિશાળો કે કૉલેજમાં પ્રવેશ મેળવનારા ખાન-પાન કે નિંદ્રા માટેની કેળવણી માટે આવતા નથી. એ તો સમષ્ટિલક્ષી અર્થશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર, પદાર્થ વિજ્ઞાન વગેરેનું શિક્ષણ લેવા આવે છે. આ શિક્ષણને જીવનલક્ષિતા સાથે કોઈ જ સંબંધ નથી. શિક્ષણ આપનાર કોઈને પણ ભાગ્યે જ ‘ગુરુ’ કહી શકાય; એનામાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્થાપન શોધવા નીકળવાની કોઈ જરૂર જ નથી. એક આદર્શની કલ્પના કરી, બાંધ્યો પગાર મેળવનાર અધ્યાપકને, ગુરુપદના પાંજરામાં પૂરવો અને તેનું કદ નૈતિક અને આદર્શ ધોરણો અનુસારનું નથી એમ કહેવું તે પરિસ્થિતિની સમજ વિકસાવવાનો તકાજો ઊભો કરે છે. ટૉલ્સટૉયની અન્ના કેરેનિનાને, અપેક્ષિત અને આદર્શ વ્યવહાર અને સામે વાસ્તવિક જગતની સ્ત્રી વચ્ચે તનાવ અનુભવવા મળ્યો હતો. એવું શિક્ષક માટે કરવા જેવું ખરું ? સો-દોઢસો વિદ્યાર્થીના વર્ગને ભણાવી પણ ન શકાય – માત્ર સાચવી શકાય! અને આવા, બાંધ્યા પગારમાં માંડ માંડ બે છેડા ભેગા કરી શકનારને અને પોતાના જીવનને પણ સુપેરે ગોઠવી ન શકનારને ગરુ અને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને પરંબ્રહ્મ કહેવા તે મજાક માત્ર છે.
શાળા-કૉલેજો ઔપચારિક શિક્ષણ માટે જ છે એટલું સ્પષ્ટ થાય તો વર્ગખંડો ઉપરથી પરંપરાવાદ અને સાંસ્કૃતિક દબાણો હટવા માંડે. આ સમજવું મુશ્કેલ નથી; વનસ્પતિશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર કે રસાયણ વિજ્ઞાનના વર્ગો હોય કે એનેટોમી શીખવાની હોય ત્યાં કોઈ ઈશ્વરની મૂર્તિ સ્થાપી પૂજા-આરતી કરવાની હોતી નથી. શિક્ષણની મજલ ધર્મનિરપેક્ષ અને ઈહલોકવાદી છે.
શિક્ષણ અને કેળવણી વચ્ચેનો ભેદ સ્પષ્ટ થાય તો તેની મજલ અને મંઝિલ પણ નક્કી કરી શકાય. જ્યારે ‘મેકોલે છાપ’ શબ્દો બોલાય છે ત્યારે તેની પૂર્તિ માટે ‘કેળવણી’ નહીં પણ ‘શિક્ષણ’ શબ્દ જ મૂકાય છે. તે પ્રકારના ગુણદોષની ચર્ચા અહીં જરૂરી નથી. પરંતુ શિક્ષણ ઔપચારિક અને હેતુલક્ષી બને છે ત્યારે તે મેળવવાની ગતિ તેના અભ્યાસક્રમો દ્વારા નિશ્ચિત કરી દેવાય છે. તેના ઉદ્દેશો – મંઝિલ પણ નક્કી છે. ભણીને નોકરી કરવી તે તેનો સ્પષ્ટ ઉદ્દેશ છે. આથી જ, ‘આટલું ભણ્યા પછી પણ નોકરી નથી મળતી’ એવો ખેદ અકારણ નથી રહેતો. આ જ મુદ્દા સાથે ‘આજનું શિક્ષણ ગુણવત્તા વગરનું છે.’ અને આપણે માત્ર ‘અનએમ્પલોઈડ’ નહીં પણ ‘અનએમ્પ્લોએબલ્સ પેદા કરીએ છીએ’ એવાં વિધાનો પણ સાંભળવા મળે છે. ખરેખર તો હેતુની સ્પષ્ટતા વગર અને જરૂરી શૈક્ષણિક સજ્જતા અને સગવડો વગર, ખાનગી મૂડી વડે અને માત્ર નફાના ઉદ્દેશથી ચાલતા વેપાર-સંકુલો પાસેથી અન્ય આશા રખાય પણ નહીં. આ મુદ્દો સમાજમાં મૂલ્યહ્રાસ થઈ રહ્યો છે એવા વિલાપનો નથી; અપ્રગટ રીતે તો, શિક્ષણનો નફાનો વેપાર સારી રીતે ચાલે છે એમ કહી ગૌરવ કરવાનો આ મુદ્દો છે.
આ વિડંબણાની રેખાને આગળ લંબાવીએ તો ‘શિક્ષણ મંત્રાલય’ને ‘માનવ સંસાધન વિકાસ મંત્રાલય’ સુધી લંબાવવામાં આવે છે. શિક્ષણનો ઉદ્દેશ માનવ સંસાધનનો વિકાસ છે જ નહીં. તેનો એકંદર ઉદ્દેશ દેશના યુવાઓને ઘરથી બહાર રહેવાની મોકળાશ કરી આપવાનો છે. જે જે ક્ષેત્રમાં માંગના પ્રમાણમાં પુરવઠો ઓછો છે તે તે ક્ષેત્રમાં જે તે વિષયમાં શિક્ષણ મેળવેલાને નોકરી અથવા કામ મળી રહે છેઃ મેડિકલ, આઈ.આઈ.ટી.ના સ્નાતક, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વગેરે માટે હજુ આ સાચું છે પરંતુ ડેન્ટલ, ફાર્મસી નામાંકિત ન હોય તેવી સંસ્થાઓના એમ.બી.એ. વગેરે માટે તો પેલું અનએમ્પ્લોયેબલનું સ્ટીકર જ ઉપયોગી બની રહે છે.
આ સાથે જ શિક્ષણના અર્થશાસ્ત્રમાં પ્રવર્તતી કેટલીક ધારણાઓ સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ આવી જાય છે. અર્થશાસ્ત્ર પોતાનો મૂડીવાદી ચહેરો જ સાચો છે એમ ઠસાવવા માટે ગ્રાહકની તર્કયુક્ત વર્તણૂકની ધારણા કરે છે. જો વિદ્યાર્થી ગ્રાહક ગણાય તો એ બેકાર રહેવાની શક્યતાવાળું શિક્ષણ શા માટે લે? એન્જિનિયરિંગ, ફાર્મસી, ડેન્ટલ વગેરેનું કૉલેજ શિક્ષણ લેનારનું – ‘લાઈફ ટાઈમ અર્નિંગ’ – બારમા ધોરણ ભણીને પાણીપુરી કે ચોળાફળી ફાફડા વેચનાર કરતાં વધુ હોય? જો ન હોય તો આવું શિક્ષણ મેળવવા વાસ્તે ખર્ચેલા વર્ષો અને નાણાં તર્કયુક્ત વ્યવહાર દર્શાવતા નથી. આનો અર્થ એ થાય કે કાં તો નિર્ણય કરનાર પાસે પૂરતી માહિતી નથી અથવા તેને પોતાના સાંસ્કૃતિક પરિવેશમાં રહીને અમુક પ્રકારનાં કામ કરવાની છૂટ નથી. મહંમદ અલી ઝીણાના પિતા હિંદુ હોવા છતાં ચૂકી માછલીનો વેપાર કરતા હતા. ‘હિંદુ થઈને માછલીનો વેપાર ?’ આવા વિરોધના કારણે તેમની સામે ભૂખે મરવું કે મુસલમાન બની જવું; એવા બે જ વિકલ્પ હતા. સમાજના આગ્રહો, પૂર્વગ્રહો અને પરંપરાગત જડતાને લીધે ગતિશીલતા જ અવરોધાય છે. આવા સમાજમાં તર્કયુક્ત વર્તન અને મુક્ત બજારના મૂડીવાદી મૉડેલને શિક્ષણના ક્ષેત્રે લાગુ પાડી શકાતું નથી.
આનો અર્થ એ છે કે શિક્ષણમાં રાજ્યની કામગીરી અતિ મહત્ત્વની છે. ક્યુબામાં શિક્ષણ પાછળ જી.ડી.પી.ના લગભગ પંદર ટકા વપરાય છે; ભારત હજુ ચાર ટકાએ પણ પહોંચ્યું નથી. શિક્ષણ ક્ષેત્રે રાજ્યનો ઉપક્રમ અને સામેલગીરી વધારવા માટેનું બીજું કારણ શિક્ષણની બાહ્યતા-એક્સ્ટર્નાલિટી છે. શિક્ષણ લેનાર વ્યક્તિ માત્ર પોતે જ લાભાન્વિત નથી બનતી; તેના અસ્તિત્વથી સમગ્ર સમાજને લાભ થાય છે. જો લાભ, વ્યક્તિ અને સમાજ એમ બંનેને થતો હોય તો શિક્ષણ લેવાનું ખર્ચ માત્ર વ્યક્તિ જ શા માટે ભોગવે ?
ભારત-પાકિસ્તાનના બે દેશ બન્યા ત્યારે પંજાબના પણ બે ટુકડા થયા. પશ્ચિમ પંજાબમાં મોટા ખેડૂતો અને વધુ સિંચાઈ હતાં. ભારતના પંજાબમાં નાના ખેડૂતો અને ઓછી સિંચાઈ હતી. નેહરુએ વિશાળ બંધ યોજનાઓ કરી, ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું થયું. પણ ૧૯૬૬-૬૭માં ભારતના પંજાબ-હરિયાણામાં હરિયાળી ક્રાંતિ થઈ, પાકિસ્તાનમાં ન થઈ. તેનું કારણ એ હતું કે ભારતના ખેડૂતને પ્રાથમિક કક્ષા સુધીનું શિક્ષણ મળ્યું હતું. શિક્ષણની આ બાહ્યતાને કારણે, ૧૯૭૧માં બાંગ્લાદેશ માટેનું યુદ્ધ થયું ત્યારે અમેરિકન દબાણની સામે ભારત અન્ન ક્ષેત્રના પોતાના સ્વાવલંબનના કારણે નમતું જોખ્યા વગર ઊભું રહી શક્યું.
સમગ્ર દેશને જો શિક્ષણનો લાભ મળતો હોય તો તેનું ખર્ચ માત્ર વ્યક્તિ ઉપર શા માટે ? આ વિગતો સ્પષ્ટ કરે છે કે
(૧) શિક્ષણ અને કેળવણી અલગ છે,
(૨) માણસમાત્ર તર્કયુક્ત વર્તન કરે છે તેવી અર્થશાસ્ત્રની સર્વદેશીય ધારણા પાયાવિહોણી છે,
(૩) પ્રવર્તમાન શિક્ષણ પ્રથાની મંઝિલ ખાનગી હાથોમાં નફો વધે તે છે, અને
(૪) શિક્ષણ ક્ષેત્રે રાજ્યે પોતાની આર્થિક જવાબદારી ઉઠાવી નથી.
બીજી તરફ, કેળવણીની બાબત પણ થોડીક ચર્ચા માંગી લે છે. ભારત હિંદુ બાહુલ્ય ધરાવતો દેશ છે અને તેના ભદ્ર સમાજની ઓળખ પરંપરાગત સંસ્કારો વડે થાય છે. પરંપરા અને સંસ્કારોમાં વિજ્ઞાન કે તર્કનો ઉપયોગ ટાળવામાં આવે છે. વિકલ્પે, ‘અમારું બધું વૈજ્ઞાનિક જ છે’, એવો દાવો કરાય છે. વાસ્તુ, જ્યોતિષ, આયુર્વેદથી માંડીને શુકન, મહુરત વગેરેનું પ્રાપ્ત જ્ઞાન અને તેનું ‘હાઈપોથિસિસ ટેસ્ટિંગ’ કરવામાં કોઈને ભાગ્યે જ રસ પડે. આધુનિકતા સાથે આ સઘળાંનો મેળ બેસાડવો મુશ્કેલ છે. કેળવણી, સંસ્કાર, વિદ્યા, જ્ઞાન વગેરેમાં ઘણી વાર આ પરંપરાઓને જીવંત રાખવાની વૃત્તિ છૂપાયેલી જણાય છે. બધી જ પરંપરા નકામી છે એમ કોઈ ન કહે; પણ આ પ્રકારની કેળવણી અને આધુનિકતાસભર શિક્ષણ વચ્ચે સંઘર્ષ ઊભો થાય છે તે પણ સ્વાભાવિક જ છે. દરિયો નહીં ઓળંગવાની ‘શાસ્ત્રજ્ઞા’નો અર્થ એ પછી થાય કે ગાંધીજી, સ્વામી વિવેકાનંદ અને રામતીર્થ, નહેરુ અને સરદાર પટેલ કે સાવરકર અને આંબેડકર પાસે શાસ્ત્રાનુસાર પ્રાયશ્ચિત કરાવવું પડે! જો આ બધા ઓગણીસમી સદીના અંતથી વિદેશ જતા થયા ન હોત તો ? દાદાભાઈ નવરોજીની ‘ડ્રેઈન થિયરી’ તૈયાર થઈ ન હોત, રાજા રામ મોહનરાયના સુધારા શરૂ થયા ન હોત; વિવેકાનંદની હિંદુ અસ્મિતાની ગૂંજ ઊઠી ન હોત. આંબેડકરના ભારતના રૂપિયા ઉપરનો અભ્યાસ હાથવગો ન હોત તો હિલ્ટન યંગ કમિશને કેવી ય રિઝર્વ બેંક બનાવી હોત!
છતાં કેળવણી અને મૂલ્યબોધનું મહત્ત્વ ઘણું છે તે સ્વીકારવું રહ્યું. શિવાજીનો મૂલ્યબોધ જીજાબાઈ અને સ્વામી રામદાસ પાસેથી જ અટક્યો હતો. ગાંધીજીને રામનામની દીક્ષા રંભાબાઈએ જ આપેલી ને! ગાંધીજીને સત્ય શિક્ષણમાંથી નહીં પણ હરિશ્ચંદ્ર નાટકમાંથી સાંપડ્યું હતું.
ઘરની કેળવણી સંસ્કાર બને છે. શિક્ષણના આધુનિક માળખામાં કેળવણી સાથે કોઈ નિસબત ભાગ્યે જ દેખાય. આધુનિક શિક્ષણ મહદ્અંશે મૂલ્યબોધ પ્રગટાવવા માટે નથી. નીતિનું શિક્ષણ ભાગ્યે કોઈ સિલેબસમાં જોવા મળે છે.
પરિણામ એ આવે છે કે સમાજનો શિક્ષિત વર્ગ નીતિ પાલનની બાબતમાં ભાગ્યે જ કેળવાયેલો હોય છે. બે વચ્ચે કોઈ સંબંધ કે સંપર્ક હોવા માટે કોઈ કારણ નથી; એવી કોઈ વ્યવસ્થા પણ નથી. શિક્ષણનું ક્ષેત્ર કેળવણીની બાબતે આગ્રહી ન હોવાથી કોઈ પણ શિક્ષિત વ્યક્તિ કેવા પ્રકારનું ચારિત્ર્ય ધરાવતી હશે તે તેની જાતિ અને કુટુંબ ઉપર નિર્ભર કરે છે.
ઉત્તરોત્તર નવી પેઢીમાં સિંચાતો સંસ્કાર વારસો એકંદરે સંતસાહિત્યમાંથી વહેતો આવતો જણાય છે. કબીર, નાનક, તુલસીદાસ, જ્ઞાનદેવ, તુકારામ, બસપા વગેરે કોઈ ચમત્કારિક બાબા હતા. એ નાસ્તિક ન હતા અને મીરાં અને ચૈતન્ય મહાપ્રભુ જેવા ભક્ત પણ ન હતા. અલબત્ત, જ્ઞાનમાર્ગી અને કેટલાકમાં ચમત્કારિક પણ ગણાયેલા આદિ શંકરાચાર્ય, રમણ મહર્ષિ, રામકૃષ્ણ પરમહંસ જેવા સંતો પણ થયા. પણ સમાજના શિક્ષણ અને કેળવણીમાં તેમની ભૂમિકા મહત્ત્વની નથી. ભારતમાંથી બુદ્ધના નાસ્તિકવાદને દૂર કરાયો પણ મહાવીર સ્વામીના વિચારો શ્રીમદ્રાજચંદ્ર (રાયચંદભાઈ) પાસે થઈને ગાંધીવિચાર સુધી વિસ્તર્યા, વિનોબાએ ભારતના સંતોની વાણી અને ભૂમિકા વિશે વિસ્તારથી આલેખન કર્યું જ છે.
પણ મીરાં કહે છે તેમ : ‘સંત દેખ દોડ આઈ, જગત દેખ રોઈ…’ સંતોના નામે ચાલેલા કારભાર સામે સમાજને સામાન્ય બુદ્ધિ અને વિવેક પણ ગૂમાવી દેવાનું કેમ પરવડતું હશે? આ પરંપરા અને ‘આધુનિક’ ગણાતા શિક્ષણનો પ્રચંડ વિસ્ફોટ એટલે મહારાજ લાયબલ કેસ. ૧૮૫૭ પછી ભારતમાં પશ્ચિમ ઢબની ત્રણ યુનિવર્સિટીઓ બની. બોમ્બે, બંગાળ અને મદ્રાસ; અને આ ત્રણેએ એક જુદો જ મૂલ્યબોધ પ્રગટાવ્યો. મહાદેવ ગોવિંદ રાનડે, રમણભાઈ નીલકંઠ અને કરસનદાસ મૂળજી આ શિક્ષણમાંથી જે મૂલ્યબોધ લઈને નીકળ્યા તેથી કરીને સમાજ સુધારા થવા માંડ્યા. પશ્ચિમી શિક્ષણ આ દેશમાં પ્રવેશ્યું ત્યારે જ મૂલ્યબોધ અને આધુનિકતાની પ્રાથમિક પહેચાન શરૂ થઈ.
કુટુંબોમાંથી મળતી સંસ્કારની કેળવણીની પાછળ, અગાઉ જોયું તેમ સંતદર્શન તો ખરું જ પણ તેથી ય આગળ, સંતોનું દર્શન ઉપનિષદોમાંથી અને ઉપનિષદોનું દર્શન વેદમાંથી વહી આવતું હોય તેમ પણ જણાય છે.
ભારતીય સમાજ – જો તેને એક જ સમાજ ગણીએ તો આ એક મોટી તનાવભરી સમસ્યા વેઠી રહ્યો છે. વેલેન્ટાઈન ડેનો દાખલો લઈએ. નીતિવાદી – પરંપરાવાદી ધર્માગ્રહી લોકો તેને ઉદ્દાત, વિવેકહીન કદાચ અનૈતિક, કામી અને પાપી ગણશે. પણ આ જ દેશમાં ખાજુરાહો અને કોણાર્ક છે જ ! અહીં શરદપૂનમનો મહારાસ અને વસંત ઋતુરાજની હોળીની ઉજવણી પણ છે. શંકર-પાર્વતીને તો અર્ધનારીશ્વરરૂપે પણ પૂજાય છે. આ ચર્ચામાં પડીને શિક્ષણ અને કેળવણી, વૈજ્ઞાનિકતા અને શ્રદ્ધા, ભક્તિ અને સાબિતી વગેરેની ઝંઝટમાં પડવાનું ભાગ્યે જ કોઈ પસંદ કરે છે.
આનું એક પરિણામ એ આવ્યું છે કે પશ્ચિમ ઢબનું ઉચ્ચ શિક્ષણ લેનાર અને સમાજનાં શહેરોમાં વસતો અગ્રવર્ગ ભેગી ન કરી શકાય તેવી બે બાબતો – બે ધ્રુવોને – ભેગા કરીને જીવે છે. રોકેટ છોડનાર વિજ્ઞાની મંદિરમાં જઈ શ્રીફળ વધેરીને પ્રાર્થના – પૂજા કરે છે. જે નદીના પ્રદૂષિત પાણીથી દૂર રહેવું જોઈએ તેનું આચમન અને સ્નાન પણ કરે છે. કેળવણીમાં, ખાસ કરીને કબીર અને નાનક જેવા, જે લગભગ વિજ્ઞાનના બરની ટીકા કરી શકતા તે દૂર કરીને કટ્ટર ધાર્મિકતા, શ્રદ્ધા અને ભક્તિને આગળ કરવામાં આવ્યા છે. વિજ્ઞાન-પરકતા અને માનવતા આ બે તત્ત્વો વડે આધુનિકતા રચાય છે. સમાજમાં શ્રદ્ધા અને ચમત્કારોનું પ્રભુત્વ વધતાં હવે કેળવણી ઠીંગરાઈ ગઈ છે. વૈજ્ઞાનિક ઢબનું આધુનિક શિક્ષણ અને પૂર્વના દાર્શનિક સંસ્કારોના સમન્વયથી એક બલિષ્ટ સમાજ બને તેમ હતો પણ તેવું બન્યું નહીં.
શિક્ષણ અને કેળવણીની આ કશ્મકશને વધુ ગંભીરતાથી તપાસવાની જરૂર છે. તે બે શબ્દોના ભાવાર્થ કે લક્ષ્યાર્થ વચ્ચે ભેદ છે અને કરવો પણ જોઈએ, વિવિધ કૌટુંબિક સંસ્કારો લઈને શાળામાં આવતા વિદ્યાર્થીઓમાંથી શિક્ષકગણ એક નવા સમાજના સર્જન માટેના બીજ રોપે છે. તેમાંથી અબ્દુલ કલામ સર્જાઈ શકે છે. આ માટે સમગ્ર શિક્ષણ જગતને ખીલતું અને ફળતું રાખવું પડે. માનવ સંસાધનના વિકાસનો એ તકાજો છે. આ માટે શિક્ષિત સમાજે પોતાના વિચારોની જ નિર્મળ સાફસૂફી કરવી પડશે.
‘સંપાદક’, અભિદૃષ્ટિ
સૌજન્ય : “અભિદૃષ્ટિ”, ઑક્ટોબર 2019; પૃ. 02-05