નરેન્દ્ર મોદીએ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વખતે ચપટી વગાડતા અર્થતંત્રની કાયાપલટ કરી આપવાનાં ગજાબહારનાં વચનો આપ્યાં હતાં, તેને વારંવાર યાદ કરીને મહેણાં મારવાં એ શોભાસ્પદ નથી. જો કે તેમણે બેફામ દાવાઓ કરવામાં કોઈ સંકોચ નહોતો અનુભવ્યો, એટલે લોકો તેમના દાવાઓની યાદ અપાવવાની લાલચ રોકી શકતા નથી. પણ એ વાત જવા દો. સવાલ એ છે કે અર્થતંત્ર કેમ પાટે ચડતું નથી?
એ વાત ખરી છે કે આર્થિક ગતિરોધ જાગતિક છે એટલે ભારતનું અર્થતંત્ર તેના પ્રભાવથી બચી ન શકે. પણ એ તો ૨૦૧૪માં પણ સત્ય હતું. ૨૦૦૮માં અમેરિકામાં લેહમન બ્રધર્સની કંપની કાચી પડી ત્યારથી સંકટ શરૂ થયું છે. એને કારણે નહીં, એ આર્થિક સંકટનું પહેલું મોટું પરિણામ હતું. એ પછી તો બીજી મોટી કંપનીઓ પણ કાચી પડવા માગી હતી. તો પછી નવું શું છે? એ કપરા દિવસોમાં ડૉ. મનમોહન સિંહ જો અર્થતંત્રને ઉપર નહીં ઊઠાવી શક્યા તો કમસેકમ વધારે નીચે પડતું રોકી શક્યા એ તો તેમના દુ:શ્મનો પણ સ્વીકારશે. તો પછી એટલું કામ નરેન્દ્ર મોદી કેમ નથી કરી શકતા?
બીજો ખુલાસો ભક્તોનો છે જેને ગંભીરતાથી લેવાની જરૂર નથી. કૉન્ગ્રેસે ૭૦ વરસ દરમ્યાન દાટ વાળ્યો છે એટલે શું થાય? ભક્તો સાથે શું ભાંડવાનું! માત્ર એક વાતની તેમને યાદ અપાવવાની કે ભારતના મતદાતાઓએ નરેન્દ્ર મોદીને કૉન્ગ્રેસે જે ખોટું કર્યું હતું તેને સુધારવા માટે દિલ્હી મોકલ્યા હતા, તેની યાદ અપાવવા માટે નહીં. ક્યારેક પ્રસંગોપાત યાદ અપાવો એ ઠીક છે, પરંતુ એ તમારી નિષ્ફળતાનો ખુલાસો ન બની શકે. તમારી પાસેથી અપેક્ષા ઈલાજની છે, આરોપની નથી. બીજું નરેન્દ્ર મોદીએ પોતે જ કહ્યું હતું કે ‘હું સુધારી દઈશ, મારી પાસે અકસીર ઈલાજ છે.’
વાત એમ છે કે અનેક આર્થિક પરિબળોને કારણે જગતમાં મંદી બેઠી છે અને તેમાં ભારત અપવાદ નથી. જ્યારે જગતમાં મંદી બેઠી ત્યારે માનવામાં આવતું હતું કે ભારતને તેની પ્રમાણમાં ઓછી અસર પહોંચશે કારણ કે ભારતનું અર્થતંત્ર ચીનની માફક નિકાસનિર્ભર નથી અને બહોળી વસ્તી હોવાને કારણે ઘરેલું માર્કેટ ઘણું મોટું છે. આ ઉપરાંત દેશના વિકાસ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાનો પણ ઘણો સ્કોપ છે એટલે ભારતને મંદીનો માર ઓછો પડશે. હજુ એક કારણ એવું પણ આપવામાં આવતું હતું કે અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડવૉરનો લાભ ભારતને મળશે. રોકાણકારો ચીનમાં રોકાણ કરવાનું જોખમ નહીં ઊઠાવે અને ભારતમાં રોકાણ કરશે. આમ ગણતરી તો એવી હતી કે ભારત બહુ ઘવાયા વિના ઊગરી જશે.
ઊગરવાનું બાજુએ રહ્યું, જ્યાં હતા ત્યાં ટકી રહેવાનુંયે બાજુએ રહ્યું, ઊલટું ભારતીય અર્થતંત્ર વધારે ઊંડી ગર્તામાં ધકેલાઈ ગયું એમ કેમ બન્યું? વિરોધીઓ કહે છે, અને તેમની વાતમાં સત્ય પણ છે કે નોટબંધી અને ઉતાવળે લાગુ કરવામાં આવેલા જી.એસ.ટી.ના કારણે ભારતીય અર્થતંત્ર ખાડે ગયું છે. નોટબંધી અને જી.એસ.ટી.એ પડતાને પાટુ મારવાનું કામ કર્યું છે. આ બે સાહસો ન કર્યાં હોત તો હતા જ્યાં ઊભા હતા ત્યાં ટકી રહેવામાં જરૂર મદદ મળત. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી આ બે ગંભીર ભૂલો છે અને ઇતિહાસ તેમને એ માટે યાદ રાખશે. પણ એક વાત અહીં નોંધી લેવી જોઈએ કે નોટબંધી અને જી.એસ.ટી. પણ અર્થતંત્રના સંકટ માટેનાં મુખ્ય કારણ નથી.
અર્થતંત્ર વિષે દેશમાં અત્યારે જે ચર્ચા થઈ રહી છે તેમાં એક મુદ્દે ચર્ચા જોવા મળતી નથી જે અહીં કરવાનો પ્રયત્ન છે. એ પરિબળ છે ભય. ભારતીય અર્થતંત્રના સંકટનું મુખ્ય કારણ છે ભય. ભયને કારણે પેદા થતી અનિશ્ચિતતા. વેપારીઓ ભયભીત છે, નાના ઉદ્યોગપતિઓ ભયભીત છે, રોકાણકારો ભયભીત છે, વિદેશી રોકાણકારો પણ ભયભીત છે; કોણ જાણે કાશ્મીરમાં આવતી કાલે શું થશે? અધિકારીઓ ભયભીત છે, મીડિયા ભયભીત છે, અર્થશાસ્ત્રીઓ અને બીજા વિદ્વાનો ભયભીત છે, યુનિવર્સિટીના જર્નલોમાં વિમર્શ કરનારા ભયભીત છે, લોકતાંત્રિક સંસ્થાઓના રખેવાળો ભયભીત છે, લઘુમતી પ્રજા ભયભીત છે અને સૌથી વધુ બહુમતી પ્રજા પણ ભયભીત છે. જ્યાં ભય હોય ત્યાં ક્યારેક સર્જકતા/ઉત્પાદકતા સોળે કળાએ ખીલી ન શકે એ સનાતન સત્ય છે. જ્યારે આત્મવિશ્વાસનો સામૂહિક અભાવ હોય ત્યારે કોણ જોખમ ઊઠાવે અને જોખમ ઊઠાવ્યા વિના ઉત્પાદકતા સિદ્ધ થતી નથી.
રીઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ જી. રાજનનું નવું પુસ્તક; ‘ધ થર્ડ પીલ્લર: હાઉ માર્કેટ્સ એન્ડ ધ સ્ટેટ લીવ ધ કોમ્યુનિટી બિહાઈન્ડ’ વાંચવાની ભલામણ કરું છું. એ પુસ્તકમાં રાજને કહ્યું છે કે બજાર, રાજ્ય અને સમાજ એ અર્થતંત્રના ત્રણ સ્તંભ છે. એ ત્રણેય વચ્ચે સંતુલન જળવાવું જોઈએ. જો બજાર રાજ્ય દ્વારા અંકુશિત નિર્બળ હોય તો સમાજની ઉત્પાદકતામાં ઘટાડો થાય. સમાજ જો નિર્બળ હોય તો ભ્રષ્ટ શાસકોના આંગળિયાત પૂંજીપતિઓ માથું કાઢીને હાવી થઈ જાય. રાજ્ય જો નિર્બળ હોય તો સમાજ પ્રોત્સાહનના અભાવમાં ઉદાસીન થઈ જાય. બીજી બાજુ બજાર જો આક્રમક હોય તો સમાજમાં અસમાનતા વધે. જો સમાજ જરૂરત કરતાં વધારે આક્રમક હોય તો શાસન ડરના કારણે થંભી જાય અને જૈસે થેની પરિસ્થિતિ પેદા થાય. જો રાજ્ય આક્રમક હોય તો આપખુદશાહીનું વાતાવરણ પેદા થાય અને સમાજમાં ભય વ્યાપી જાય. ટૂંકમાં આ ત્રણેય વચ્ચે સંતુલન ન હોય તો અર્થતંત્ર ખાડે જાય એમ જાગતિક ખ્યાતિ ધરાવતા અર્થશાસ્ત્રી રઘુરામ રાજન કહે છે.
હવે રાજને જે ત્રણ અસંતુલન બતાવ્યાં છે એમાંથી ભારતને કયું કે કયાં અસંતુલન લાગુ પડે છે? કે પછી ભારતમાં પરફેક્ટ સંતુલન છે એવું તમને લાગે છે? તટસ્થતાપૂર્વક વિચાર કરી જુઓ, કારણ કે તમારા પક્ષપાતથી વાસ્તવિકતા નથી બદલાવાની. ઇતિહાસ તો નરેન્દ્ર મોદીનું એ જ રીતે મૂલ્યાંકન કરશે જે રીતે તથ્યોના આધારે થવું જોઈએ.
૧૯૯૦ પહેલાં સમાજવાદને નામે રાજ્ય હાવી હતું એટલે ભારતનો વિકાસદર સાડા ત્રણ ટકાથી આગળ નહોતો વધતો. એ પછીનાં વરસોમાં આર્થિક સુધારાઓને પરિણામે માર્કેટ હાવી હતું એટલે અસમાનતા વધી. વચ્ચે(૨૦૦૮-૨૦૧૧)નાં વર્ષોમાં રાજ્ય અને સમાજ બંને નિર્બળ હતાં એટલે ક્રોની કેપિટાલિસ્ટોએ રાજ્ય પર કબજો જમાવ્યો. ૨૦૧૧ પછી સમાજ હાવી થઈ ગયો એટલે રાજ્ય થંભી ગયું. અધિકારીઓ કોઈ નિર્ણય જ નહોતા લેતા.
૨૦૧૪ પછીથી રાજ્ય પાછું હાવી થઈ ગયું છે. ૧૯૯૦ પહેલાં પણ રાજ્ય હાવી હતું, પરંતુ એ સમાજવાદી યુગના નિયંત્રણોના સ્વરૂપમાં, ચાબૂક દ્વારા નહીં. અત્યારે રાજ્યની અતિશયતાનું જે સ્વરૂપ છે એ દરેક વર્ગને દબાવી રાખવાનું છે, ભયમાં રાખવાનું છે. જ્યાં ભય હોય ત્યાં ઉત્પાદકતા ન હોય. જ્યાં ભય હોય ત્યાં કોઈ આવવાની હિંમત ન કરે. જ્યાં ભય હોય ત્યાં સાહસ ન હોય. જ્યાં ભય હોય ત્યાં સાચી સલાહ ન મળે. જ્યાં ભય હોય ત્યાં નીરક્ષીર વિવેકયુક્ત ચર્ચાઓ ન થાય. જ્યાં ભય હોય ત્યાં માણસ આજનું કામ કાલ પર ટાળે. રશિયા સહિતનાં સામ્યવાદી દેશો આનું પ્રમાણ છે. સામ્યવાદી દેશોનું અર્થતંત્ર તૂટી ગયું એનું કારણ ભય હતો. લોકોને બીવડાવી રાખીને મુઠ્ઠી બંધ રાખી હતી જે એક દિવસ ખુલી ગઈ અને બધું કડડભૂસ થઈને તૂટી પડ્યું.
ડૉ. રાજન કહે છે એમ ત્રણ પીલ્લરમાં સંતુલન ન જળવાય તો ઉત્પાદકતાને અસર થતી હોય છે. કોઈ પીલ્લરે બીજા પીલ્લર પર હાવી ન થવું જોઈએ, પણ અત્યારે ભારતમાં રાજ્ય હાવી છે અને એ પણ ભય પમાડીને. ડૉ. રાજનના મતે ભારતના આર્થિક સંકટનું કારણ આ છે. રાષ્ટ્રવાદ એ મનોહર કલ્પના છે અને પેટ એક વાસ્તવિકતા છે. જો સાહસિકતાને અને પહેલને પ્રોત્સાહન આપનાર ભયમુકત વાતાવરણ હોત તો નોટબંધી અને જી.એસ.ટી.નો ડામ ભારતનાં અર્થતંત્રે એક વાર ખમી લીધો હોત! પણ સમાજ જો ભયમુક્ત હોય તો કાશ્મીર વિષે, મોબ લીન્ચિંગ વિષે, રાષ્ટ્રવાદના દુરુપયોગ વિષે પ્રશ્ન કરે અને એ સરકારને જોઈતું નથી. ભય એક એવો પદાર્થ છે જે હોય છે અથવા નથી હોતો . જો હોય છે તો સંપૂર્ણ હોય છે અને જો નથી હોતો તો જરા પણ નથી હોતો. માફકસરનો ભય એવી કોઈ ચીજ નથી હોતી.
આમ નિર્ણય સરકારે કરવાનો છે; ભય અને મોકળાશ વચ્ચે. ભય શાસકોને થોડા સમય માટે સુરક્ષા આપે છે અને મોકળાશ સર્જકતાને પ્રોત્સાહન આપે છે.
તમે કોના પક્ષે છો?
03 સપ્ટેમ્બર 2019
સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 05 સપ્ટેમ્બર 2019