વિશ્વાસ નથી પડતો કે શું લખીશ, કેમનું લખીશ!
પ્રકાશ ન. શાહ અને દિલીપ ચંદુલાલ સાથેની મારી મિત્રતા (અને મારી પાત્રતા) વિશે કોઈને પ્રશ્નો હોઈ શકે. મને પણ છે. પરંતુ મારી પાસે તેનો ઉત્તર પણ છે. પ્રકાશભાઈ ઇન્ટર આટ્ર્સમાં નાપાસ થયેલા, હું ઇન્ટર સાયન્સમાં. દિલીપ સાયન્સ છોડીને અર્ધેથી છોડીને – આટ્ર્સમાં દાખલ થયેલા, પ્રકાશના લાભાર્થે, અને મેં મારો અભ્યાસ જારી રાખ્યો ને બી.એસસી. થયો પાસ ક્લાસ. આ ઉપરાંત અમારો ત્રણેનો રસ સાહિત્ય અને કલામાં. આવા સુયોગને કેમ નકારી શકાય? ૧૯૬૨ની સાલમાં સચિવાલયની જુનિયર મદદનીશની ભરતી માટે જી.પી.એસ.સી.ની જે પરીક્ષા લેવાઈ તેમાં ઉત્તીર્ણ થઈ તાલીમ માટે અમદાવાદ આવવાનું થયું, અને ગુરુકુળ સોનગઢથી વિજ્ઞાન શિક્ષકની સેવા છોડી હું અમદાવાદ આવ્યો. તાલીમના સમયે અને પછી યે થોડો વખત મારાં બહેનને ત્યાં રહેલો.
માત્ર ૨૦૦ ઉમેદવારોએ પરીક્ષા આપેલી. તેમાંથી ૪૦ જેટલા પાસ થયેલા. તેમાં ત્રણ અગ્રક્રમે આવનારમાં પ્રથમ દિલીપ ત્રિવેદી, બીજા ક્રમે કોઈ શુક્લ અને ત્રીજા તે આ પાઠક. સિવિલ હૉસ્પિટલથી આગળ (મેન્ટલ હૉસ્પિટલની સામે) અમારી તાલીમ શાળા એ.ટી.એસ. (એડમિનિસ્ટ્રેટિવ ટ્રેઇનિંગ સ્કૂલ) હતી. ત્યાં જે મિત્રોનો સંગ થયો તેમાં દિલીપ ત્રિવેદી, હસમુખ પટેલ, જિતેન્દ્ર જાની વગેરે ઉક્ત પરીક્ષામાં પ્રથમ ત્રણ ક્રમે આવનારને ત્રણ અગ્રિમ ઈજાફા મળશે તેવો હુકમ તે સમયે થયેલો. પરંતુ સરકારી અર્થઘટન એવું થયું કે પ્રથમ ત્રણ ક્રમે આવવાના ઇરાદા સાથે અમે પરીક્ષા નહીં આપેલી તેથી અમને ન મળે, પછીની પરીક્ષામાં તે લાગુ થશે! પછીની પરીક્ષામાં પ્રતિજ્ઞાપૂર્વક, નિશ્ચયપૂર્વક પ્રથમ ક્રમે આવનાર સનત ભટ્ટ અમારી મિત્રમંડળીમાં સામેલ થયેલા, ત્યારથી તે આજ પર્યંત. એ.ટી.એસ.ના ડાયરેક્ટર એ.એસ. ગિલ મહેસૂલ વિભાગના સચિવપદે હતા. ક્યારેક ક્લાસ લેવા આવે. કોઈ વિષય પર નહીં, એકંદરે વહીવટની વાતો કરે. એકવાર અમારે તાલીમાર્થીઓને તેમની ચેમ્બરમાં મળવાનું થયું. જામનગરથી આવેલ એક ઉમેદવાર ટેબલ પર હાથ ટેકવીને સહેજ નમીને કશુંક પૂછવા ગયા ને સાહેબે કહ્યું : Stand up straight and button your shirt. સનદી અધિકારીનો પ્રથમ પરિચય તે આ. મને લાગે છે તેઓને તાલીમમાં એવો મંત્ર ભણાવાતો હશે કે બને તેટલા અતડા રહેવું, અક્કડ રહેવું.
અમારી બેચ(સી-૪)ના ત્રણ મિત્રોની નિમણૂક મહેસૂલ વિભાગમાં થઈ. તેમાં મને અછત રાહતની એસ-બ્રાંચમાં, સાથે હસમુખભાઈ. અમારી નિમણૂકથી શાખામાં કામચલાઉ બઢતીથી જુ. મદદનીશ એવો બે જણનું રિવર્ઝન થયું. એક કલાર્ક તરીકે શાખામાં રહ્યા ને બીજાં એક બહેનને બહાર જવાનું થયું. તેથી સેક્શન અધિકારી થોડા નારાજ રહેતા. પણ પછી બધું ઠરીઠામ થઈ ગયું.
દિલીપ ત્રિવેદીને જે શાખામાં નિમણૂક મળી તેના સક્ષમ અધિકારી રમૂજનાં મિમિત્તો પૂરાં પાડે તેવા હતા. કોઈ કેસમાં કશું પૂર્વદૃષ્ટાંત છે કે કેમ, અને આમાં શું કરવું તે જાણવા તેમણે સાહેબને પૂછ્યું. ઉત્તર મળ્યો. આવા એક કેસમાં એક મામલતદારને ભરાવી દીધેલો ને બીજા કેસમાં એક ડેપ્યૂટી કલેક્ટર ભરાઈ પડેલો! ટૂંકમાં, થોડું શીખવા મળ્યું. …
હવે થોડું અલપ ઝલપ.
દિલીપને ત્યાં ‘સંસ્કૃતિ’, ‘ટાઈમ્સ’ અને અન્ય સામયિકોમાં ‘કુમાર’ પણ આવે. ચિત્રકલાના રસને કારણે મેં સોનગઢથી ‘કુમાર’નું લવાજમ ભરેલું તેથી તેમના ઘરે આવતો જતો રહું. મેં અમદાવાદમાં ઘર શરૂ કર્યું. હું, ચંદ્રિકા અને દીકરી કલ્પના. દિલીપભાઈને ત્યાં હરબાળા, નાનકડી નીના અને તેમના પિતાશ્રી ‘ભાઈ’ અને માતા શશીબા. સંબંધ પારિવારિક થયો. ચંદ્રિકા તેમને રાખડી બાંધે, હરબાળાને હું ભાભી કહું.
૧૯૬૩થી ૧૯૭૦ (ગાંધીનગર આવવાનું થયું, ત્યાં સુધી) સાત વર્ષો અમારા મિત્રમંડળે ભરચક મજા કરી. ‘પ્રકાશ’ બંગલામાં દિલીપભાઈ સાથે જ ગયેલો, કંઈક સંકોચ સાથે. પણ પછી જીવ હળી ગયો. મંડળીના બીજા સભ્યોમાં હરીશ પટેલ, મહેન્દ્ર જાની – વંદના જાની, વચગાળામાં અજય પાઠક, રંજન પાઠક અને અલપઝલપ માધવ રામાનુજ. માધવનાં લગ્ન પછી ‘રિસેપ્શન’ પણ ‘પ્રકાશ’માં જ કરેલું.
દર શનિવારે જુદે જુદે ઘેર મંડળી મળે. એકવાર ચાની તલપ લાગી તો છેક ભદ્રની હેડ પોસ્ટ ઑફિસ પાસે ચા મળી, રાત્રે ૧૨-૩૦ પછી. આવી રાત્રિ લટારો પણ થતી. સાથે મહિલાઓ પણ હોય. અમદાવાદ ત્યારે સલામત હતું. સંભવતઃ લોકસભાની કોઈ ચૂંટણીપ્રસંગે કાળુપુર કે શાહપુરના કોઈ ચોકમાં બાજપાઈજીને સાંભળેલા એ આજે ય યાદ આવે છે. સાંસદના પદની પૂરી ગરિમા જાળવીને એ રાજપુરુષે જે પ્રવચન કરેલું તેવી ગરિમા પછીથી અળપાતી રહી છે. છેલ્લાં વર્ષોમાં તો ખાસ ‘કુમાર’માં બુધસભા ચાલે છે તેની ભાળ આ મિત્રો પાસેથી મળી અને પહેલી વાર દિલીપભાઈના સ્કૂટર ઉપર ત્યાં ગયેલો (ડિસેમ્બર ૧૯૬૫માં). એ સમયે બે મિત્રો પાસે સ્કૂટરનો વૈભવ હતો – દિલીપભાઈ અને ધીરુભાઈ પરીખ. ગુજરાતને જેવો છું તેવો કવિ હું મળ્યો તેનો યશ આ મિત્રોને ય દેવો પડે ! મહેન્દ્ર-વંદના જાનીના સહજીવનની શરૂઆત. તેમને ત્યાં રાત્રે મળ્યાં. અપૂર્વ ત્યારે નાનો. હરબાળાને પજવ્યા કરે. ડોકમાંથી કંઠી ખેંચવા લાગ્યો. હરબાળાએ કંઠી કાઢીને કંટાળીને બાજુમાં મૂકી. ચંદ્રિકાએ સ્ત્રીસહજ ભાવે તે પહેરી જોઈ – કેવી લાગે છે તે જોવા – ને કંઠી ત્યાં જ રહી. રાત્રે છૂટાં પડીને ઘેર ગયાં તો ત્યાં, કંઠી ક્યાં ભુલાઈ તેની ચિંતા ને અમને તે ભૂલથી આવી ગયાન્તે ક્ષોભ અને ચિંતા. અમારી વાતચીત સાંભળી મારા પિતાશ્રીએ કહ્યું કે કોઈની જણસ ભૂલથીયે આવી ગઈ તો તરત આપી દેવી પડે. સવારમાં આપી આવજે. દિલીપ-હરબાળાએ મહેન્દ્રભાઈને તેમની કૉલેજમાં ફોન કરી પૂછ્યું તો તેઓ તો સવારથી નીકળી ગયેલા કહે : અમે તો નોકરને ચાવી આપીને આવ્યાં છીએ. સાફસૂફી કરી ગયો હશે! ફાળ પડવી સહજ હતી હરબાળા આગ્રહ કરે કે પાઠકને ત્યાં જઈ આવો, પણ દિલીપ કેમેય ન માનેઃ એમ કોઈને ત્યાં ન જવાય!
ત્યાં તો હું જ સાઇકલ પર ત્યાં પહોંચી ગયો. હરબાળાની આંખમાં ચમક આવી ગઈ. મેં કહ્યું : ભાભી, સરસ કૉફી બનાવો. અહીં દિલીપભાઈનું જે ચરિત્ર જોયું તે અથરા ન થઈ જવું, માણસમાં વિશ્વાસ રાખવો – એવું તેમનું મનોગત મને કાયમ જણાયું છે. જો કે માણસને ઓળખવામાં ભૂલ ક્યારે ય ન કરે. નિભાવીયે લે. અમદાવાદથી પાવાગઢનો એક યાદગાર પ્રવાસ કરેલો. ૧૯૬૯માં અમદાવાદમાં કોમી હુલ્લડ ફાટી નીકળેલું હજુ પરિસ્થિતિ થાળે નહોતી પડી ત્યરે આ પ્રવાસ કરેલો. દિલીપ-હરબાળા પ્રકાશ-નયના, મહેન્દ્ર-વંદના, હરીશ પટેલ – કુસુમબહેન અને અમે બંને. ત્રણ દીકરીઓ – કલ્પના, ઉમા, કાલિન્દી સાથે દરેક પરિવારદીઠ ભાડાનું અને અન્ય સવલતો માટેનું ખર્ચ ગણીને લેવાનું આર્થિક વ્યવસ્થા કરવાનું કામ દિલીપભાઈએ માથે લીધું. પરિણામ એ આવ્યું કે બસ પ્રવાસ તો કર્યા, માંચીમાં રાતવાસો કર્યો, પાવાગઢ ચડ્યાં, માતાજીના દર્શન કર્યાં, ને ખાધું-પીધું ને રાજ કર્યું ત્યાં મૂડી ખલ્લાસ! દરેકે પોતાનાં ખિસ્સાં ફંફોસીને હતી તે રકમ આપી, પણ પર્યાપ્ત ન હતી. હરીશ પટેલ કહેઃ દિલીપ પાસે બેલેન્સ નથી. પ્રકાશે અર્થઘટન કર્યું : દિલીપનું બેલેન્સ નથી! … પણ પટેલને ત્યાં પણ કોઈ ઓળખાણ મળી ગઈ. હાથ ઉછીનાં નાણાં લીધાંને અમે બધાં ઘર ભેગા થયાં. મહેન્દ્ર વંદના નવાં પરણેલાં તેથી તેમને ત્યાં રોકાવા માટે થોડાં વધારે નાણાં ધીર્યાં.
મિત્રોનો અભિપ્રાય છે કે દિલીપભાઈનું અર્થકારણ આવું જ રહ્યું છે. પણ એને હું અલગ રીતે જોઉં છું. જ્યારે જે પરિસ્થિતિ આવે તેમાં ભૌતિક મમત્વ કે વળગણ ન રાખવું, ને કઈ રીતે પ્રશ્ન ઉકલે તેનો બુદ્ધિગમ્ય ઉપાય કરવો એવો તેમનો અભિગમ અને આમાં તેઓ સર્વથા સફળ અને સાચા રહ્યા છે. રહેવાની રીતભાત ક્યારેય બદલી નથી. સનતભાઈ અને હું એક વાતે સંમત છીએ કે તેમનામાં એક એરિસ્ટોક્રેટ હતો, સચ્ચાઈપૂર્વક સમજણો અને પ્રામાણિક. બૌદ્ધિક અભિગમ એ તેમનો સ્થાયી ભાવ. પણ હૃદયથી પૂરા સંવેદનશીલ. આંધળો વિશ્વાસ મૂકી શકીએ એવા સજ્જન.
એક બીજો પ્રસંગ પણ યાદગાર છે. મારી ડાયરીની નોંધ પ્રમાણે સં. ૨૦૨૩(૧૯૬૭)ની શિવરાત્રીએ તેમણે ભાંગનો પ્રોગ્રામ કર્યો. તેનો રંગ માણવા હું ગયો. હરબાળાએ તાંબાના સિક્કા સાથે ઘૂંટીને કરેલી એ વિજયાનો ગ્લાસ ગટગટાવી ગયો, ને પછી જે પ્રલાપ થયો હશે તે મને ક્યાંથી યાદ હોય ! પાછા ઘરે ફરવા માટે મેં જે રીતે સાઈકલ સ્ટેન્ડ પરથી ઊતારીને હેન્ડલ ઝાલ્યું ત્યાં સૌને થયું હશે કે આ અહીંથી નીકળીને ક્યાં પહોંચશે તે નક્કી નહીં. દિલીપભાઈએ સાઈકલ પાછી મૂકાવી, ને મને તેમના સ્કૂટર પર ૧૫ નાગરિક સોસાયટીમાં મૂકી ગયા. આ અનુભવની ફલશ્રુતિ રૂપે એક કાવ્ય રચાયું – ‘નશો’ જે સમર્પણ તા. ૧૦-૧૨-૬૭ના અંકમાં પ્રગટ થયું. (મારા છેલ્લા કાવ્યસંગ્રહમાં તેનો સમાવેશ કરીશ, આ મિત્ર-દંપતીના સ્નેહસ્મરણ સાથે). એક અન્ય પ્રસંગે આપણા સાચુકલા-જન્મજાત કવિ રાવજીનો પરચો મળેલો. રાવજી મારા ઘરની નજીક રહે, તેથી બુધસભા ઉપરાંત તેમના ઘરે પણ મળવાનું થતું. એ સમયે અમદાવાદમાં કલઈગરા ન મળે. સ્ટીલનાં વાસણ લેવાની નોબત આવી. એક મિત્રને મુંબઈ જવાનું થયું. ને મારા માટે સ્ટીલનાં વાસણના ત્રણ સેટ લઈ આવ્યા. અમે વિચાર્યું કે ત્રણ મિત્રોને જમાડીએ. ગયા રાવજીને ત્યાં ને નિમંત્રણ આપ્યું. રાવજી કહે, આવીશ પણ શાક દાણાનું (લીલી તુવેરોનું) બનાવજો. રાવજી સાથે જ, સ્વાભાવિક રૂપે, દિલીપ અને પ્રકાશ. ત્રણે મિત્રો સાથે (નવા થાળમાં) અમે જમ્યા ને પછી પાન ખાવા માટે શારદા સોસાયટી તરફ ચાલ્યા. રાવજીએ પોતાના શિક્ષક અમુભાઈ – જે ભગત સાહેબનાયે શિક્ષક હતા – તેમને યાદ કર્યા અને કહે : અહીં જ રહે છે. ચાલો મળવા જઈએ, ડોસા રાજી થશે. અમને ય ઉત્સાહ થયો; પણ બસ સ્ટેન્ડ સુધી પહોંચ્યા ત્યાં પાલડી તરફની ૩૪ નંબરની બસ આવીને ઊભી, ઉપડવામાં હતી ત્યાં રાવજી દોડીને તેમાં ચડી ગયા તે પગથી પર ઊભા રહી અમને ‘આવજો આવજો’, કરી દીધું. અમે ત્રણે જણ પહેલાં વિસ્મયમૂઢ થઈ ગયા ને પછી હસી પડ્યા. (કવિ તો આવું યે કરે એવી સમજણ આ મિત્રોને મળી તે પછીથી મને ફળી હશે!)
અમે સચિવાલયમાં ઠરીઠામ થતા હતા ત્યાં, ૧૯૬૮-૧૯૬૯ના ગાળામાં વર્ગ-૧ અને ૨ની જગાઓની ભરતીની જાહેરાત આવી. દિલીપભાઈએ તેમાં ઉમેદવારી કરી. અમે મિત્રો રાજી ન હતા પણ તેમણે પરીક્ષા આપીને પાસ પણ થયા ને ફાળવણી થઈ પંચાયત સંવર્ગમાં, તાલુકા વિકાસ અધિકારીની જગા માટે. તાલીમમાં જૂનાગઢ જવાનું થયું. અને માત્ર વીસ દિવસમાં જ હતાશ થઈ ગયા. પોતે ભૂલ કરી હોવાનો અહેસાસ થવા લાગ્યો. ટી.ડી.ઓ.માં કેમ રહેવું અને પાછા સચિવાલયમાં કેમ આવવું એની ચિંતામાં હતપ્રભ થઈ ગયા. એક પ્રકારનો અપરાધભાવ તેમને ઘેરી વળ્યો. પણ ત્યાંથી મુક્ત થવા અરજી કેમ ને કેવી કરવી, કેવાં કારણો આપી શકાય, મૂળ જગા પર ‘લિયન’ ગણાય કે કેમ ? પ્રશ્નો ઘણા થતા. આ દિવસોમાં તેમના પત્રો મને અને પ્રકાશને સતત મળતા રહ્યા. એકાદ વાર અમે બંને જૂનાગઢ ગયેલા. આમાં સૌથી વધારે હું ઉપયોગી થઈ શકું તેવો ભાવ તેમના પત્રોમાંથી પ્રગટતો. મારી કશી પહોંચ કે આવડતને કારણે નહીં, પરંતુ તેમના વિશ્વાસને કારણે. પ્રયત્નો શરૂ કર્યા.
આજે જેમની દેશ-પરદેશમાં રાજર્ષિમુનિ તરીકેની પ્રતિષ્ઠા છે અને જેમણે લીંબડી પાસે રાજરાજેશ્વર ધામનું સર્જન કર્યું છે તે મૂળ કચ્છના અને સૌરાષ્ટ્રમાં આવી વસેલા યશવંતસિંહજી જાડેજા ત્યારે જૂનાગઢમાં તાલીમ આપનાર અધિકારી હતા. તેમની સલાહ મુજબ અરજી કરી. પંચાયતના સમગ્ર તંત્રના સચિવકક્ષાના અધિકારીશ્રી રાવળ સાહેબ (કલાગુરુ ર.મ.રા.ના પરિવારજન) અને સચિવાલયમાં સિનિયર સ્નેહીજન આર.સી. જોષીનો ઉત્તમ સહકાર મળ્યો ને આ મિત્ર અમને પાછા સચિવાલયમાં જ મળ્યા.
જૂનાગઢ ગયા ત્યારે ચંદ્રિકાએ શુકનમાં શ્રીફળ આપેલું. જૂનાગઢથી આવતા પત્રોમાં એકવાર લખેલું કે બહેનનું શ્રીફળ ન ફળ્યું! જો કે તેમાં દોષ શ્રીફળનો નહીં પણ પોતાનો જોયેલો. નિર્મમ રહીને, તટસ્થભાવે આત્મનિરીક્ષણ કરવું અને જે સમજાય તે કબૂલ રાખવું ને કહેવું તેવી એક સચ્ચાઈ તેમનામાં હતી. તેમના પરિચયમાં આવનારને પણ આવો અનુભવ થયો હશે. જ્યારે જે વાત મનમાં ઊગે તે કહેવામાં સંકોચ ન રાખે. ક્યારેક કડવું યે કહે, પણ મને ક્યારે ય માઠું નથી લાગ્યું. તેમણે આગળ જતાં ‘ત્રિવેદી’ની અટકનો ત્યાગ કર્યો અને માત્ર દિલીપ ચંદુલાલ રહ્યા. મેં મજાકમાં કહ્યું કે તમે બ્રાહ્મણ તો ક્યારે ય ન હતા પણ અટક દૂર કરીને વધારે મોટું ઘરાણું પસંદ કર્યું છે. અંબાલાલ સારાભાઈ અને કસ્તુરભાઈ લાલભાઈ જેવું. કટાક્ષને માણે; ક્યારેક હસી કાઢે (પ્રકાશ પાસેથી થોડું શીખ્યા હશે …)
અમારે ૧૯૭૦માં ગાંધીનગર જવાનું થયું ત્યારે વળી એક પ્રશ્ન ઊભો થયો. દિલીપભાઈએ ટી.ડી.ઓ. નિમિત્તે આવન-જાવન કરી તેથી તેમનો એક ઈજાફો છૂટવો બાકી હતો. ગાંધીનગરમાં ક્વાર્ટરની ફાળવણી મૂળ પગારના ધોરણે થવાની હતી. તેથી આ મિત્રને ‘ચ’ ટાઈપને બદલે ‘છ’ ટાઈપમાં જવું પડે, માત્ર એક ઇજાફાના તફાવતને કારણે.
ક્વાર્ટ્ર્સની ફાળવણી કરનાર તંત્રને વિભાગની માહિતી મોકલવાની કામગીરી મિત્ર હસમુખ પટેલના ભાગે આવી. તેમણે દિલીપભાઈનો ‘નોશનલ’ પગાર ગણીને માહિતી મોકલી ને તેઓ અમારી સાથે જ રહ્યાં.
ગાંધીનગરમાં મિત્રમંડળ વિસ્તર્યું. અમારી ટી ક્લબમાં પણ ઘણો સમય સાથે રહ્યા. નાયબ સચિવ તરીકે છેલ્લે અમને બઢતી મળી ત્યારે વિભાગો બદલ્યા. દરમિયાનમાં અમને રસ હતો તેવો રસ ધરાવતા યંગસ્ટર્સની ભરતી થઈ. તેથી ડંકેશ ઓઝા, બિપિન પટેલ, કિરીટ દૂધાત વગેરેની તેમની નિકટતા થઈ. એ મિત્રો તેમને ‘ગુરુ’ તરીકે સંબોધતા. રાજકારણ, સમાજકારણ, સેક્યૂલારિઝમ, રેશનાલિઝમ, ડાબેરી-જમણેરી વિચારધારા – અનેક બાબતે અમે ઘણીવાર સામસામે. પણ તેમની સચ્ચાઈ ને નિષ્ઠા વિશે મને ક્યારેક શંકા નથી ગઈ.
‘વળતા વાર’ના ધોરણે રચાયેલ કાવ્યોના સંગ્રહ ‘રાઈનાં ફૂલ’ વિશે ‘પ્રત્યક્ષ’માં તંત્રી શ્રી રમણ સોનીએ સમીક્ષા કરી તો અકળાઈને તેમણે અંગ્રેજીમાં પત્ર ફટકારેલો, ને પરિષદકારણ (પરિષદનું રાજકારણ) અંગે જે ચર્ચા ચાલતી હતી તેમાંયે પોતાનો મત પ્રગટ કરેલો. મેં વહીવટી મંત્રીનું પદ છોડીને બિનઅસરકારક એવું ઉપપ્રમુખનું પદ સ્વીકાર્યું તે તેમને ન ગમ્યાનું કહ્યું. બીજું યે ઘણું કહ્યું.
વિચારભેદ હોવા છતાં જેમની સાથે મનભેદ ક્યારે ય ન થાય, ન થઈ શકે એવો મિત્ર તો ક્યાંથી મળવાનો?!
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑગસ્ટ 2019; પૃ. 13-15