૧૯મી જૂને નવી દિલ્હી ખાતે ગાંધીસ્મૃતિમાં (બિરલાહાઉસ, જ્યાં ૩૦ જાન્યુઆરીએ બાપુ શહીદ થયા.) રાધાકૃષ્ણજી વિશે એમની દીકરી શોભના રાધાકૃષ્ણે લખેલ ચોપડી ‘Mahatma Gandhi's Vision : Radhakrishna's Action’નું વિમોચન યોજાઈ ગયું. વિમોચન પ્રસંગે જાણીતા પત્રકાર એચ.કે. દુઆ, રામબહાદુર રાય, એસ.એન. સુબ્બારાવ, કળાવિદ્ કપિલા વાત્સ્યાયન, વર્ષા દાસ અને રાધાકૃષ્ણજીનાં શરીકે હયાત કમળાબહેન હાજર રહ્યાં હતાં.
ગાંધી સમાધિ પર અંજલિ આપ્યા પછી રાધાકૃષ્ણજીના પ્રિય ભજન ‘આનંદ લોકે, મંગલા લોકે …’ થી કાર્યક્રમની શરૂઆત થઈ. બરાબર ૨૫ વરસ પહેલાં આ જ દિવસે રાધાકૃષ્ણ આ ફાની દુનિયાને અલવિદા કહી ગયા. શોભના મૅનેજમૅન્ટ ગુરુ છે અને જાહેર અને ખાનગી કૉર્પોરેટ જગતનાં વ્યવસાય અને પ્રબંધનમાં ગાંધી પ્રણીત નૈતિકતા કઈ રીતે વધે તે માટે પ્રયાસ કરે છે. ઉપરાંત વિદેશોમાં ગાંધીવિચારના પ્રસાર માટે સતત ફરવાનું થાય છે. આવી વ્યસ્ત કારકિર્દીમાંથી સમય કાઢીને ૫૭૮ પાનાંનો દળદાર ગ્રંથ એમણે કઈ રીતે ૧૯ જૂન પહેલાં પૂરો કર્યો, એનો આછો ચિતાર શોભનાબહેને આપ્યો. એચ.કે. દુઆ અને રામબહાદુર રાયે કટોકટી દરમિયાન અને તેના પછી રચાયેલી જનતા સરકારના ગઠનમાં રાધાકૃષ્ણજીની મહત્ત્વપૂર્ણ ભૂમિકાની નોંધ લીધી. બહુ ઓછા લોકો જાણે છે કે મોરારજી દેસાઈને વડાપ્રધાન બનાવવાનો છેવટનો નિર્ણય રાધાકૃષ્ણજીએ કરેલો.
રાધાકૃષ્ણજીનો જન્મ ૧૨ ઑક્ટોબર ૧૯૨૪ના રોજ મૈસૂર રાજ્યમાં થયેલો. એમના પિતા કે.એસ. આચાર્લુએ માર્જરી સાઇક્સ સાથે મળીને ગાંધીપ્રણીત નઈ તાલીમના પાયા નાખ્યા હતા. મૈસૂરમાં એમના પાડોશી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ હતા. આચાર્લુજી તેમનાં બાળકોના શિક્ષક હતા. રાધાકૃષ્ણજી ભણવામાં હોશિયાર હતા (૧૨ વરસની ઉંમરે મૅટ્રિક થઈ ગયા હતા) અને સર્વપલ્લી રાધાકૃષ્ણન્ની નજર એમના પર હતી. ૧૯૩૯માં સર્વપલ્લી રાધાકૃષ્ણન્ બનારસ હિન્દુ યુનિવર્સિટી(બી.એચ.યુ.)ના ઉપકુલપતિ નિમાયા અને ઉચ્ચશિક્ષણ માટે રાધાકૃષ્ણજીને બી.એચ.યુ. લઈ ગયા. બનારસમાં બધી પ્રવૃત્તિઓમાં તેઓ સક્રિય રીતે ભાગ લેતા. બેતાલીસની લડતમાં જોડાઈને બે મહિના જેલમાં પણ રહી આવ્યા. ૧૯૪૭માં માસ્ટર્સ ઇન ઇન્ડસ્ટ્રિયલ કૅમિસ્ટ્રીની ડિગ્રી લઈને બી.એચ.યુ.થી બહાર આવ્યા, ત્યારે ઘણા ઉદ્યોગોએ નોકરી આપવાની તૈયારી બતાવી, પણ ગાંધીનું ચુંબકીય બળ તેમને સેવાગ્રામ ખેંચી ગયું.
સેવાગ્રામમાં તેઓ નઈ તાલીમના વિદ્યાર્થી બન્યા અને ત્યાર બાદ શિક્ષક અને પ્રસારક. આઝાદી દેશના ભાગલા સાથે આવી અને પાકિસ્તાનથી આવનારા શરણાર્થીઓના પુનર્વસનનો પડકાર ઝીલી શકે, એવા યુવાનોની તાતી જરૂર હતી. નઈ તાલીમના એમનાં ગુરુ આશાદેવી અને આર્યનાયકમ્જીએ રાધાકૃષ્ણજીને પંજાબ મોકલ્યા. ૧૯૪૯થી ૧૯૫૨ સુધી રાધાકૃષ્ણજી અને કમળાબહેને પંજાબના રાજપુરામાં રહીને અદ્ભુત કામગીરી બજાવી. એમના કામકાજથી ખુશ થઈને એમને નાયબ શિક્ષણપ્રધાન બનાવવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો, જે તેમણે નકારી કાઢ્યો અને સેવાગ્રામ પાછાં ફરવાની ઇચ્છા દર્શાવી.
રાજપુરામાં કામ કરવાનું જે મહેનતાણું ૩૦૦/- મળતું હતું, તેમાંથી અડધું આર્યનાયકમજી પાસે સચવાતું હતું. એ બચતમાંથી રાધાકૃષ્ણજી લંડન સ્કૂલ ઑફ ઇકોનૉમિક્સ ખાતે ડિપ્લોમા ઇન એજ્યુકેશનનો અભ્યાસ કરવા ગયા.
હિંદુસ્તાની તાલીમી સંઘના મંત્રી તરીકે રાધાકૃષ્ણજીએ નઈ તાલીમના પાઠ્યક્રમને આધુનિક બનાવ્યો અને આખા દેશમાં પ્રશિક્ષણનાં કેન્દ્રો સ્થાપિત કર્યાં. રાધાકૃષ્ણ અને ગુરુજીએ ઘણા યુવાનોને નઈ તાલીમ, ગ્રામોદ્યોગ અને રચનાત્મક કામોમાં પરોવ્યા.
ભૂદાન-ગ્રામદાન-આંદોલનને વેગ આપવા માટે જ્યારે વિનોબાએ સર્વ સેવાસંઘની સ્થાપના કરી, ત્યારે તેના મંત્રી તરીકે રાધાકૃષ્ણજી પર પસંદગી ઉતારી હતી. ૧૯૬૩થી ૧૯૬૯ સુધી તેઓ બનારસ ખાતે સાધના કેન્દ્રમાં રહ્યા. આ સમયગાળામાં ભૂદાન-ગ્રામદાન-પ્રવૃત્તિને ટેકો આપતી ઘણી બધી સંસ્થાઓ સ્થાપવામાં તેઓ નિમિત્ત બન્યા. આ સર્વોદય આંદોલનનો સ્વર્ણકાલ હતો અને જયપ્રકાશ નારાયણ, નબકૃષ્ણ ચૌધુરી, શંકરરાવ દેવ, આચાર્ય રામમૂર્તિ, ધીરેન્દ્ર મજૂમદાર, દાદા ધર્માધિકારી, વિમલા ઠકાર જેવાં દિગ્ગજો અહીં આવીને રહેતાં હતાં.
૧૯૬૯ ગાંધીશતાબ્દીનું વરસ હતું. દિલ્લી ખાતે તાજેતરમાં સ્થપાયેલ ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન માટે આર.આર. દિવાકરે વિનોબા પાસે રાધાકૃષ્ણજીનું દાન કરવાની માંગણી કરી. બે વાર ના પાડ્યા પછી ત્રીજી વારે વિનોબા સંમત થયા. ત્યાર પછી ૨૧ વરસ સુધી તેઓ ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનના મંત્રી રહ્યા.
અન્ય ગાંધી-સર્વોદયની સંસ્થાઓની સરખામણીમાં ગાંધીશાંતિ પ્રતિષ્ઠાનની આભા જુદી તરી આવતી હતી. ગાંધીવિચાર અને પ્રવૃત્તિઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પર લઈ જવા માટે એની રચના થઈ હતી. સિત્તેર-એંસીના દાયકામાં આ કેન્દ્ર વિવિધ કાર્યક્રમોથી ધમધમતું હતું.
રાધાકૃષ્ણજી કળા અને સંગીતના રસિયા હતા. તેઓ જ્યાં જ્યાં રહ્યા ત્યાંની ઇમારત, વ્યવસ્થા, બગીચા વગેરે પર તેમની સુરુચિ અને સુઘડતાની છાપ દેખાતી હતી. સારા શ્રોતા, ઓછાબોલા, મિલનસાર અને નાનામોટા બધા જોડે બરાબરીનો વ્યવહાર જેવી ખાસિયતોને લીધે તેમનું મિત્રવર્તુળ બહોળું હતું. રાધાકૃષ્ણજી પોતાની મેજબાની માટે જાણીતા હતા. સેવાગ્રામ હોય, બનારસ હોય કે દિલ્લી, તેમનું ઘર મહેમાન વિના ના હોય. ૧૯૬૯માં ગાંધીશતાબ્દી સમારોહના ઉદ્ઘાટન માટે જ્યારે બાદશાહખાન રાજકીય મહેમાન તરીકે દિલ્લી આવ્યા, તો તેમણે રાધાકૃષ્ણજીના ઘરે રહેવાનું પસંદ કર્યું. ચંબલના ડાકુઓના સમર્પણ દરમિયાન છૂપા વેશે ડાકુ માધોસિંઘે પણ રાધાકૃષ્ણજીની મહેમાનગતી માણી હતી.
જે.પી. પણ દિલ્લીમાં રાધાકૃષ્ણજીના ઘરે જ રહેતા હતા. આ લખી રહ્યો છું, ત્યારે યાદ આવે છે કે ૪૪ વરસ પહેલાં રાધાકૃષ્ણજીના ઘરેથી કટોકટી જાહેર થયાની સાથે જે.પી.ની ધરપકડ થઈ હતી.
E-mail : ideaindia1@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑગસ્ટ 2019; પૃ. 12 તથા 15