Opinion Magazine
Number of visits: 9446564
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રવીન્દ્રનાથ : ધણીને દ્વારે

બુદ્ધદેવ બસુ|Opinion - Literature|7 August 2019

આજે રવીન્દ્ર-પુણ્યતિથિ નિમિત્તે

[વીસમી સદીના ઊઘડતા દાયકાઓમાં રવીન્દ્રનાથનો વિરાટ પ્રતિભા-વડલો બંગાળી સાહિત્યજગત પર છાયા પાથરતો હતો. ત્રીસ-ચાલીસના દશકોમાં બુદ્ધદેવ બસુ નામે એક વિરલો નીકળ્યો જેણે ટાગોરના પંથને મક્કમતાપૂર્વક ચાતર્યો અને પોતીકી સાહિત્યમુદ્રા સ્થાપી. તેમ છતાં બુદ્ધદેવના કવિવર માટેના આદર અને અહોભાવ જરાપણ ખંડિત ન થયા. કવિવરના આમંત્રણથી નવકવિ બુદ્ધદેવ 1941ના મે મહિનામાં શાન્તિનિકેતન જઇને થોડા દિવસ રહ્યા ત્યારે રવીન્દ્રનાથ ગંભીર બીમારીમાં પટકાયેલા હતા અને પછી અઢી મહિને જ એમનો જીવનદીપ બુઝાવાનો હતો. એક યુવાન કવિ પોતાના મહાન પુરોગામીનાં કેવાં સૌહાર્દ અને સમાગમ પામ્યા હતા તેની આ કથની બુદ્ધદેવ બસુએ ‘સબ-પેયેછીર દેશે’ (‘જે ભૂમિમાંથી હું સર્વસ્વ પામ્યો’) નામના પુસ્તકમાં આલેખી છે. આ સ્મરણકૃતિ રવીન્દ્રનાથના અવસાન પછી બહાર પડી અને બંગાળી વાચકોમાં અતિ પ્રિય નીવડી. પુસ્તકના કેટલાક ભાગનો અંગ્રેજી અનુવાદ બુદ્ધદેવ બસુએ પોતે કરેલો છે. તેના એક અંશ ‘ધ લાસ્ટ ડેઝ ઑફ રબીન્દ્રનાથ’નો આ મુક્ત અનુવાદ છે. ‘રવીન્દ્રસાન્નિધ્યે’ પુસ્તકમાંથી. ~ જયંત મેઘાણી]

1941નો મે મહિનો હતો. રવીન્દ્રનાથની એંશીમી વરસગાંઠનો હર્ષોત્સવ હજુ હમણા બંગાળ આખામાં ઊજવાયો હતો. પણ ખુદ કવિ પર તો ગંભીર માંદગીની શ્યામ છાયા ઝળુંબતી હતી. સાંભળેલું કે કવિવરનો દેહ ખૂબ કષ્ટાતો હતો, એમની ચેતના ક્ષીણ થતી જતી હતી. અમે એમને કેવી હાલતમાં જોવા પામશું તેનો અંદાજ નહોતો. મેં ધારેલું કે તેઓ થોડા શબ્દો માંડ બોલી શકશે, અને એમની નજીક બેસીને એમની સહજ સોબતનો લાભ આ વેળા નહીં લઇ શકાય. પણ આ ધારણાઓ અવળી પડી. શાન્તિનિકેતન પહોંચીને સાંજ ઢળ્યે અમે એમને મળવા ગયા ત્યારે એ એમના પુત્ર રથીન્દ્રનાથના આવાસની ખુલ્લી ઓસરીમાં બેઠા હતા, થાકેલા, જીર્ણકાય. સંચરતી રાત્રિનું આછું અંધારું એમના ચહેરા પર ઝાંખપ પાથરતું હતું. બીજે દિવસે પ્રભાતે ફરી એમને જોયા ત્યારે એમની બેઠક દક્ષિણમુખી બંધ વરંડામાં હતી. મહેકતાં પુષ્પોની છાબ સમીપ હતી. ચહેરો સુકાયેલો હતો, લાલી ઊડી ગઇ હતી. પણ એમના ભવ્ય, પુષ્ટ દેહનો આભાસ અછતો નહોતો. સિંહની કેશવાળી સરીખાં ગરદન-પહોંચતાં વાંકડિયાં જુલ્ફાં હવે લુપ્ત થયેલાં, પણ મસ્તક હજુ મધ્યમાં સેંથો પાડેલા શ્વેત કેશથી વિભૂષિત હતું. આરપાર જોઇ શકતી આંખોનું તેજ સુકાયું હતું; એમની નજર કોઇની ઉપર ઠરતી ત્યારે તેમાં એક મ્લાન કુમાશ દેખાતી હતી. શહેનશાહ જેવો એમનો દમામ ગાયબ હતો; વૃદ્ધાવસ્થામાં ઘેરાયેલા તૉલ્સ્તૉયની છબિનો અણસાર આપતો એ ચહેરો હતો. પણ, ઓહો, રવીન્દ્રનાથનું દેહલાલિત્ય આટલું સોહામણું તો કદી નહોતું! કદાચ એવું હતું કે વધેલી ઉંમર અને વ્યાધિદીધા દર્દને કારણે જ એમનું સ્વરૂપ આટલું સોહતું હતું. કિશોરાવસ્થાથી માંડીને વરસોવરસની એમની તસ્વીરમાલા બતાવતી કે વધતી વય સાથે એ ઉત્તરોત્તર વધુ દેખાવડા ભાસતા. હજુ થોડાં વરસ પહેલાની જ વાત : કોઇ સમુદાયમાં એમનું આગમન થાય ત્યારે એમના ઝળાંહળાં વ્યક્તિત્વ પાસે બીજા તમામ ચહેરા નૂરવિહોણા દીસતા.

એ વખતે તો કવિવર સુંદર લાગતા જ, અત્યારે સંધ્યાના આછા તિમિરમાં એ સૌંદર્ય-નિખાર શિખરે હતો, બેશક હતો.

કોણ કહી શકે કે કવિ માંદગીને બિછાને હતા? અમે પ્રવેશ કર્યો ને એમનું વાણી-વહેણ વહેવા લાગ્યું. અવાજ ક્ષીણ હતો, પણ વાતો તો હમેશ જેવી અદ્‌ભુત. થોડીથોડી વારે વાક્‌પ્રવાહ અટકતો ખરો, પણ શબ્દ શોધવા માટે નહીં. જોઇતો શબ્દ જિહ્‌વા પર હાજરાહજૂર રહેતો. વાતો વહેતી ત્યારે એમની દૃષ્ટિ સન્મુખે મંડાયેલી રહેતી, પણ પાછો શ્રોતાઓ સાથે પણ નેત્ર-સમાગમ સધાતો રહેતો. આમ થતું તેમાં એક શબ્દ પણ ખોડંગાતો નહીં. ચિત્રકળા અને સંગીત, જીવન અને સાહિત્ય, હાસ્ય અને નજાકત – એવા વિવિધવિષયરંગી, સુગઠિત વાક્‌-પ્રપાતનો અમે જાણે અભિષેક માણ્યો. આવી ઝળકતી બુદ્ધિપ્રભા, સૃષ્ટિની ઝીણીમોટી બાબતોમાં સજીવ રસ, અને ભાષા પરનું પ્રભુત્વ – ના, ના, આ ચેતના શીર્ણ થઇ ન કહેવાય. છતાં, કવિવર વ્યાધિગ્રસ્ત હતા એ હકીકત હતી. એ વ્યાધિ દેહને યાતના આપી રહ્યો હતો એટલું જ નહીં, નાનાંનાનાં કેટલાય અસુખ પણ લઇને આવ્યો હતો. સામાન્ય તેમજ મહાન, જ્ઞાનીઓ પણ, બધાં માટીનાં માનવીઓ, દેહની વિપતથી હારીને પોતાની પીડાના વિચાર-પથારા ચિત્તમાં કર્યે જતા હોય છે. પણ કવિવરની ચેતનાનું પદ્મ લેશમાત્ર કરમાયું નહોતું, હીરાના પાસા ઘસાયા નહોતા. એમના હોઠેથી બીમારીનો ઉલ્લેખ કદી સરી પડતો નહોતો. કોઇવાર કહેતા ખરા, ‘થાક્યો છું’, કે ‘આ ખોળિયું જર્જરિત થયું લાગે છે’. વિચારોમાં, વર્તનમાં, રોજિંદા વહેવારમાં ક્યાંય શૈથિલ્ય નહીં, કશું જરીક પણ ખરબચડું નહીં, કઠોર નહીં. સુશ્રુષા માટે સેવકો હાજર રહેતા. પોતાનાં કામ બીજાઓ કરે એ વિચાર જ એમને કદી રુચતો નહીં. પણ સેવા લીધા વિના છૂટકો નહોતો. ત્રીસ વરસ જૂના એક અંતેવાસીએ અમને કહ્યું કે કવિવરને એમણે બે વાર જ ગુસ્સે થતાં જોયા હતા : એકવાર ભોજનની થાળી ચોખ્ખી નહોતી ત્યારે અકળાયા હતા, અને એક શિક્ષકને વિદ્યાર્થીઓ પાસે માલીસ કરાવતા જોયા ત્યારે એમનો પિત્તો ગયેલો. લાંબા કાળથી ઘર કરી ગયેલા હઠીલા દરદ પાસે ઝૂક્યા વિના એમણે સંવેદનફલકને ભીનું રાખેલું. અસહ્ય વેદના ભોગવતા હોય ત્યારે કે મિજાજ પર ગમગીનીનું વાદળ છવાયું હોય એ સમયે પણ એમના તેજીલા વિનોદ-ફુવારાની છોળો અટકતી નહીં. પથારીમાં પડ્યા રહેવાના કાયર કવિને નીંદરને ખોળે જવા ફોસલાવવા પડતા. ’હવે સૂઇ જાઓ’ એમ કહેવામાં આવે ત્યારે આંખો મીંચી દેતા ખરા, પણ એમના પગ આમતેમ હલતા રહેતા. વધુ કડક સૂચના આવતી ત્યારે પછી કહેતા, ‘ભલે ત્યારે, વિચાર કરતો પડ્યો રહીશ. ચાહે તે કરો, મને વિચાર કરતો તો રોકી નહીં શકો’.

કવિને મળીને કે એમની વાણીને સાંભળીને અમે જ્યારે જ્યારે બહાર આવ્યાં ત્યારે જીવન ધન્ય થયું હોય એવી અનુભૂતિ પામ્યાં. એમની વાણી સ્વરોનું જાણે મેઘધનુ હતું, કહો, રંગોની સૂરાવલિ હતી, કર્ણો માટે જ્યાફત હતી, અમારી ચેતના પર જાણે કોઇ કામણ ઊતર્યું હતું. એમને બોલતા સાંભળીએ ત્યારે જ બંગાળી ભાષા ઉપરના એમના સ્વામીત્વનો અંદાજ પામી શકાય. પાછલાં વરસોની એમની કૃતિઓના પાત્ર-સંવાદોમાં કવિવરના હોઠેથી સરેલા શબ્દો આબાદ વપરાયેલા હતા. શબ્દમાળામાં ઉપમાઓ અને રૂપકોનાં ફૂલડાં ગૂંથાતાં જતાં. સાવ સામાન્ય કથાનક્માં પણ હાસ્યોક્તિઓ મિલાવટ પામતી જતી. રવીન્દ્રનાથના કંઠે વસીને બંગાળી બાની જોમવાન બનતી, અજાયબ માધુર્ય ધારણ કરતી.

છેલ્લી બીમારી પછી એમનો ખંડ વાતાનુકૂલિત કરવો પડેલો. ઓરડો મોટો નહીં. એક દીવાલે લાંબા ટેબલ પર દવાની શીશીઓ અને સુશ્રુષા-સામગ્રી, પથારી, આરામખુરસી, થોડાં પુસ્તકોથી ભરેલી નાની અલમારી, અને મુલાકાતીઓ માટે થોડી બેઠકો : આટલો અસબાબ. દીવાલ પર એમનાં જ બે ચિત્રો, ખ્યાતનામ ચીની ચિતારા જુ પેઓનનું એક અશ્વ-ચિત્ર, અને એક જપાની કલાકારનું વાદળ-દૃષ્ય. અડીને બીજો એક નાનો ખંડ. બસ, આટલામાં કવિનું વિશ્વ સમાઇ ગયેલું : આ હરિયાળી વસુંધરા, પહાડો, ઘૂઘવતા દરિયા, નગરો, સરિતાઓ ને અરણ્યો, એમનો પ્રિય વિરાટ લોકસાગર ને એમનું ચિરસંગી એકાન્ત : આ સકલ કવિ-સૃષ્ટિ આટલા સાંકડા પરિઘમાં સમાઇ ગયેલી.

રવીન્દ્રનાથના જીવનનો સાંધ્ય-અધ્યાય કોઇ મહાકાવ્યનો કથાઅંશ બની શકે તેવો છે. એક વિશ્વવિજેતા ચક્રવર્તી, પૂર્ણ ઐશ્વર્યમાં આળોટ્યો, બધું જ પામ્યો, પણ એક દિવસ નિયતિના એક ફરેબી પ્રહારથી સર્વસ્વ હારી બેઠો. તેની પાસે બધું જ હતું, છતાં કાંઇ જ નહોતું. સર્જનશીલ પ્રતિભા ચિત્તે પૂર્ણ પ્રફુલ્લિત હતી, પણ એ પ્રફુલ્લનને ઝીલનાર શરીર-અંગો એક પછી એક ખોટવાયાં હતાં : પ્રતિભા અપંગ બની હતી. જે ઇંદ્રીય-દ્વારો બંધ કરીને ધ્યાનમગ્ન થવાની કવિએ ના ભણેલી એ તમામ દ્વારો એક પછી એક બિડાતાં જતાં હતાં. આંખોના ઓલવાતા જતાં ઓજસ અક્ષરો માંડ ઉકેલી શકતા હતા, કર્ણપટ કરમાયા હતા, થાકેલી આંગળીઓમાં પકડેલી પીંછી ધ્રૂજતી હતી. એકવાર કવિએ મિત્રોને કહેલું કે ‘પ્રભુએ મને સોગાદોથી લાદી દીધો હતો, હવે એક પછી એક એ તમામને પાછી તેડાવી રહ્યો છે. જીવનની સંધ્યામાં મારે ચિત્રો જ ચીતરવાં હતાં, પણ એ મુરાદ પણ મિથ્યા નીવડી છે.’ કલ્પનાસૃષ્ટિમાં પાર વિનાની ચિત્રમાળાઓ વિહરતી હતી, પણ એકને પણ ચિતારાની પીંછી ઝીલી ન શકી. અંતરના ઊંડાણેથી સૂરાવલિઓ ઊઠતી હતી, પણ શોષાયેલા કંઠમાં સૂરો અટવાઇ જતા હતા. જેને જીવનભર પ્રાણ ભરીને ચાહ્યા એ કંઠસ્વરો પણ એમને ત્યજી ગયા હતા. એક સાંજરે વરસાદનું ઝાપટું ધરતીને પુલકિત કરી ગયું, અમે કવિ પાસે પહોંચ્યાં… અને અમે શું જોયું? બેઠકખંડમાં કવિવરનાં ગીતોની કેટલીય રેકર્ડો આમતેમ પડી હતી. જાણ્યું કે કવિ એ રેકર્ડો સાભળતા હતા! બાજુના નાના ખંડમાં કવિ આરામખુરસી પર લંબાવીને પડ્યા હતા. કહે, ‘એક વર્ષાગાનને બોલાવવા મથતો હતો, પણ કંઠે એને જાકારો દીધો’.

જેમની કલમમાંથી લાખો શબ્દો અવતર્યા, એ સાહિત્યસ્વામી આજે એમના આખરી દિનોમાં લેખણ પકડી શકવા અશક્ત હતા, સહી પણ માંડ પાડી શકતા હતા. અને છતાં શબ્દધારા અણખૂટ વહેતી રહી, અવસાન પહેલાના મહિનાઓ દરમિયાન બહાર પડેલા ‘જન્મદિને’ નામના સંગ્રહ સુધીનાં બધાં કાવ્યો પોતાના પ્રિય મરોડેમઢ્યા હસ્તાક્ષરે લખેલાં. પછી આંગળાં થીજી ગયાં ત્યારે નાછૂટકે કોઇની પાસે લખાવતા થયા હતા.

પોતાના સાહિત્યસર્જન પરત્વે એમણે જે વિનમ્રભાવ સેવેલો એ નવાઇ પમાડે તેવો હતો. દેહનું દર્દ ગમે તેટલું હોય, પણ ખુદના લખાણ અંગે રજમાત્ર સમાધાન એમને પાલવતું નહીં. ‘ગલ્પ-શલ્પ’ નામે બાળકો માટેનું એક પુસ્તક પોતાના સુંદર હસ્તાક્ષરમાં હજુ હમણા જ બહાર પાડ્યું હતું એ એક કલાકૃતિ-શું હતું. હમણાની એમની કૃતિઓ પરત્વે સમીક્ષકોએ મુરબ્બીવટ સેવીને એમના લેખનની પ્રસંશા કરવાનું રાખેલું, એમ સમજીને કે આ વૃદ્ધ સર્જકને ખરાબ તબિયતમાં સાચવી લેવા. આવો કૃપાભાવ સાહિત્યનું અપમાન તો હતું જ, કવિની પણ અવમાનના બનતી હતી. અન્યો પ્રત્યે એ ઉદાર હતા, પણ પોતાના સાહિત્ય-સર્જન પરત્વે આકરો સમીક્ષાભાવ સેવતા. સંભવ છે કે આખરી સર્જનોએ એમને પૂરો સંતોષ આપ્યો ન હોય. પોતાની કૃતિઓનાં વિવેચનો બરાબર સાંભળતા. પણ એમને અધકચરા અને મિથ્યા પ્રસંશાશબ્દો કે અહોભાવ પણ નહોતા ખપતા. પોતે જે કાંઇ લખશે તેને પ્રજા ઝીલી લેશે એવા ખ્યાલથી દૂર હતા. પોતાની ખ્યાતિને સહજ સ્થાપિત ગણતા નહીં, પણ પ્રત્યેક નવી કૃતિમાં એક નવોદિત લેખકનો નૂતન ઉન્મેષ રેડતા. પ્રત્યેક નવા પુસ્તકના પ્રકટન સાથે એ નવજન્મ પામતા અને નવી ખ્યાતિ એમને વરતી. પોતાના વિદ્યાર્થીઓની ઇચ્છાને માન આપીને આખરી વરસગાંઠે એમણે જે ગીત રચ્યું તેમાં પણ નૂતન જન્મનો મહિમા ગાયો: ‘હે નૂતન, દેખા દિક આર-બાર જન્મેર પ્રથમ શુભક્ષણ’ : ‘હે નિત્યનૂતન, મમ જન્મ તણી ક્ષણ મંગલ ફરી લાવો, ફરી ફરી લાવો!’ આ કોઇ ઊભરાયેલી અભિવ્યક્તિ નહોતી, એમના સાહિત્યજીવનનું પ્રથમ સૂત્ર હતું : નિત્યનૂતન, નિત્યનવલ.

અમે શાન્તિનિકેતન પહોંચ્યાં ત્યારે રવિબાબુએ એક ટૂંકી વાર્તા હજુ પૂરી જ કરી હતી. અવનવા પ્રકાર-પ્રયોગવાળી, નૂતન કથાનકો ધરાવતી ઘણી નવી વાર્તાઓ એ લખી શક્યા હોત – જો ચિત્તે ઠરેલું બધું આપોઆપ શબ્દદેહ પામી જાય એવી કોઇ જુક્તિ હોત. ‘યોગાયોગ’ નવલકથાનો બીજો ભાગ ચિત્તસ્તલમાં હતો. એમના સ્વમુખેથી એની કથા સાંભળીને અમે હર્ષાવેશ અનુભવ્યો. અફસોસ કે એ મહાન નવલકથા અધૂરી જ રહી ગઇ. મહત્ત્વાકાંક્ષી લેખન હાથ ધરી શકાય એમ ન રહ્યું એટલે પછી બાલ-કાવ્યો અને જોડકણાં, કાવ્યો-ગીતો, અને નિબંધો લખવાનું રાખ્યું. કોઇ વાર્તા અચાનક સ્ફુરી આવે, કે યુદ્ધ-પાગલ જગત-જીવન પરનો પ્રકોપ નિબંધરૂપે ધસમસતો આવે. બસ, આ રીતે અભિવ્યક્તિ અવતરણ પામતી. કવિના જીવનના આ છેલ્લા મહિનાઓમાં શરીર અને મિજાજ, વિચાર અને વાસ્તવ, કલ્પના અને હકીકત વચ્ચે તુમુલ વિરોધલીલા ખેલાઇ એ ખરું, પણ એમના વર્તનવહેવારની સપાટી ઉપર એમાંનું કાંઇ કળાયું નહીં. જીવન સાથેનો એમનો નિત્યમધુર નાતો અખંડ જળવાયો. કર્ણેંદ્રિય ગુમાવી બેઠેલા બીથોવનની વિનાશક વ્યથા કવિને ન સ્પર્શી શકી. રાજ્યસત્તાના અન્યાયો સામે વિરોધ પોકાર્યા વિના ન રહી શકનાર એ સર્જકચેતના ખુદની પીડાનો ઊંહકારો કર્યા વિના ગરવી સહનશીલતા ધારણ કરતી. કદી ફરિયાદનાં ગાણાં નહીં, નિસાસાનો હરફ નહીં. ક્યારેક બાલસહજ વિનોદથી, હળવીફૂલ નજાકતથી પોતાની નબળી તબિયતનો ઉલ્લેખ કરી લેતા, બસ, એટલું જ. હૃદયની વેદના હૃદયની મંજૂષામાં જ ગોપિત રહેતી.

તેમ છતાં, રવીન્દ્રનાથનું આ બંદીજીવન બીથોવનની બધિરાવસ્થાથી ઓછી દારુણ કરુણિકા નહોતી. સૃષ્ટિને અવલોકવી એ એમની પ્રિય પ્રવૃત્તિ હતી. એકવાર કહેલું, ‘હવે હું કાંઈ કરતો નથી. બસ, ચોપાસ નીરખવાનો આનંદ લઉં છું’. કાળઝાળ ગરમીમાં શાન્તિનિકેતનની વસતી બધી બંધ બારણે જંપી ગઇ હોય ત્યારે કવિ ખુલ્લા વરંડામાં બેસીને સીમાડા સુધી પથરાતા ધરતીપટને ધરાઇને લોચનમાં ભરી રહેતા. અંધકારના ગર્ભમાંથી અવતરતા ગુલાબી પ્રભાતનું પાન કરતા, કે વર્ષા-તરબોળ રાત્રિના તિમિરમાં ખોવાઇ જતા, કે પૂર્ણ ચંદ્રના તેજને ઝીલ્યા કરતા, પોતાના પ્યારા સૃષ્ટિલોકમાં ખોવાયેલા રહેતા. પણ હવે? ઠારેલા બંધ ખંડમાં બંદીવાન બનેલા કવિ અચાનક નીંદરમાંથી ઝબકીને જાગી જતા ત્યારે એમણે પૂછવું પડતું, ‘અત્યારે દિવસ છે કે રાત?’ એ માહોલમાં ચંદ્રનો પ્રકાશ એક પડછાયાથી વિશેષ કશું નહોતો, કવિ વાદળાં જોવા પામતા નહોતા, દિવસ-રાત્રિના અને ઋતુચક્રના રંગપલટા અદૃષ્ય થયેલા. શાન્તિનિકેતનનાં આદિવૃક્ષોની ડાળેડાળે ગુંજતાં પંખીકૂજન હવે કવિને કાને પડતાં નહોતાં. વર્ષાની ઝરમરના તાલ અને પર્ણોના મર્મરધ્વનિ કવિની શાંતિમાં ભંગ નહોતા પાડતા. નિસર્ગની લીલા હવે સાવ ઝાંખા રૂપે, કલ્પનાપટ પર જ કવિ પાસે પહોંચતી હતી. જીવનના વૈવિધ્યને આકંઠ ચાહનાર આ જીવ : કોઇ એક જગ્યાએ ઠરીઠામ થઇને રહેવાનું એણે જાણ્યું નહોતું, એક જ ઘરમાં એમનો કદી વાસ નહોતો. ધામેધામના આ નિત્ય-પ્રવાસી માટે આજે બાજુના ખંડમાં જવું મુશ્કેલ હતું. આ કારાગારમાં એમનું મન કદાચ મુલકમુલકનાં ભૂમિપટ, નગરો, ને નદીઓને ઝંખતું હશે, પોતાની પ્રિય સરિતા-સખી પદ્માની સાંભરણો અંતરને તીરે ટોળે વળતી હશે, છેલ્લી વાર તેનો સંગ માણવા દોડી જવાનું દિલ થતું હશે. પોતે પદ્માથી દૂર ફેંકાઇ ગયા હતા તેનું દર્દ હશે. સાગરતીરે જવાની વાંછના પણ હશે. પણ, અફસોસ, પદ્મા દૂર હતી, દરિયો એથીય આઘો હતો. ખેર, પોતાની ચાર દીવાલોની અંદર એમણે વૈવિધ્ય રચવાની મથામણ કરી. નાનકડા ખંડની રચના અને ગોઠવણ દરરોજ નવી નવી કરાવતા, બેઠકની દિશા દર પ્રભાતે બદલાતી. સાહિત્યનો આ કળાધર જીવનમાં પણ સૌંદર્ય રેડતો. જીવનને કલામંડિત બનાવેલું એમ નહીં, રોજિંદા જીવનને પણ કલાકૃતિની ગરવાઇ એણે આપી હતી.

બીમારી આવી પછી રવીન્દ્રનાથની નિદ્રા ખળભળી ગઇ હતી. તરેહતરેહનાં સપનાં આવતાં, અને ઊંઘમાં પણ એ વાતો કરતા. પરોઢે બે વાગતાં જાગી જતા, ને પછી નીંદર ફરી આવવાનું નામ ન લેતી. પછી વાતો કરતા અથવા કોઇ સાહિત્યકૃતિ લખાવતા. એક દિવસ મેં ઇતિહાસ અને સાહિત્યના સંબંધ વિશે એક પ્રશ્ન લખીને મોકલેલો. થોડા શબ્દોથી વિશેષ જવાબની મારી અપેક્ષા નહોતી, પણ સવારે એમણે મારા હાથમાં મસઆખો નિબંધ જ મૂક્યો! રાત્રે જાગીને એમણે લખાવવાનું શરૂ કરેલું ને અમે જાગ્યાં ત્યારે લખાણ તૈયાર હતું! બે દિવસ પછી એ લખાણ એમને અધૂરું લાગ્યું અને એક પુરવણી તેમાં જોડી દીધી! કોઇ એક નાની અપેક્ષા વ્યક્ત કરે તો કદી ‘ના’ તો કહે જ નહીં. કોઇ બાબત અશક્ય હોય તો પણ એમ જ કહે કે ‘વિચારીશ’, અને એક નરવા સ્મિતની ભેટ તો આપે જ. કોઇ એવો સવાલ નહોતો જેનો એમની પાસે કશો જવાબ ન હોય, એવો કોઇ વિષય ન હોય જે વિશે વાત કરવા ઉત્કંઠ ન હોય. આ એક એવો મનુષ્ય હતો જેને સકલ સચરાચરમાં સદાકાળ ઉત્કટ રસ હતો, જ્ઞાનના કોઇ ક્ષેત્ર માટે એને નીરસભાવ નહોતો. અને અપ્રતિમ ઉદ્યમ અને પારાવાર ફુરસદનું એમણે સાધેલું સંયોજન અચંબો પમાડતું. એક અર્થમાં એમને માટે પ્રત્યેક દિવસ રજાનો હતો, અને બીજી બાજુ એમનું ચિત્તતંત્ર એક કલાક પણ વિરામ નહોતું લેતું.

મેં એમનું યુવાસ્વરૂપ નહોતું જોયું; આયુષ્યના મધ્યાહ્ને કવિ પહોંચ્યા ત્યારે હું જન્મ્યો. વીતેલા યુગની વાતો અમે મોટેરાઓ પાસેથી ધરાઇને સાંભળેલી. એક પ્રજા તરીકે આપણે જીવનકથાઓ અને આત્મકથાઓ લખવાની બાબતમાં ઉદાસીન છીએ, પણ સદ્‌ભાગ્યે રવીન્દ્રનાથની જીવન-કથનીના અંશો એમનાં કેટલાંક પુસ્તકોમાં સચવાયા છે. એવો સમય આવશે કે જ્યારે એમની જીવનઝાંખી મેળવવા માટે લોકો ધબકતાં હૈયે આ કથાનકોનાં પૃષ્ઠો પર ફરી વળશે. એમની જીવનકથાના ટુકડાઓ એકત્ર કરીને, તેને ગોઠવીને તેમાંથી જે કવિછબિ ઊપસશે એ ભાવિ પેઢીઓના સંસ્કારવારસાનો એક ભાગ બનશે. પણ અમે તો એમને પ્રત્યક્ષ જોયા-જાણ્યા છે, એમના ચરણે બેસીને ગોષ્ઠિના ગુલાલ ઉડાડ્યા છે એ લહાવો તો અનન્ય છે. અમે તો એમની મહાનતાનો, કહો કે, કૅફ માણ્યો છે.

શાન્તિનિકેતનથી વિદાય થવાના દિવસે અમે વંદના કરવા ગયાં ત્યારે કવિને પથારીમાં પડેલા દીઠા. એ ઢળતી બપોરે નભ અને થલ પર જ્યારે પ્રકાશના પુંજ પથરાયા હતા એ સમયે અમે કવિવરના બંધ ખંડમાં પ્રવેશ કર્યો. જાણે રાત હોય એવો અંધકાર ખંડને ઘેરતો હતો. ખૂણામાં નાના લૅમ્પનો આછો પ્રકાશ ઝરતો હતો. કવિ આંખો મીંચીને પથારીમાં સ્થિર પડ્યા હતા. અમારા આગમનની જાણ થઇ ત્યારે એમણે પાંપણો અરધી ઊંચકી અને થોડા શબ્દો ગણગણ્યા. આશિષ આપવા બન્ને હાથ ઊંચા કરવા ઉપાડ્યા ખરા, પણ અધવચ્ચેથી પાછા નમાવી લેવા પડ્યા. એ મારી ક્ષણોની કથની કહેવા શબ્દો પાછા પડે. હૃદય પર અચાનક એક પ્રહાર પડ્યો હોય, સંવેદનતંત્ર બહેર મારી ગયું હોય એવા અનુભવથી મારો કંઠ રુંધાયો. હું એ અર્ધચેતન અવસ્થામાં કવિની પૂર્ણ આકૃતિ પણ આંખોમાં ભરી લેવા ન પામ્યો. ખંડની બહાર આવ્યા પછી જ મુક્ત શ્વાસ લઇ શક્યો. અમર કવિને આ સૃષ્ટિ પર પથરાયેલા સોનવરણા પ્રકાશ સાથે પ્રગાઢ સખ્ય હતું, પણ આજે તો એ માનવી ઉજાસવિહીન ખંડમાં માટીનો ચેતનાહાર્યો ઢગલો થઇને પડ્યો હતો.

https://www.facebook.com/jayant.meghani.5/posts/10219990778266583

https://www.youtube.com/watch?v=nhySToQGVQE

Loading

7 August 2019 admin
← ગુમનામ ગાંધી : નવ ઓળખ્યા જો હોત તમને તો, જીવતર બધું એળે જ હતું
કાશ્મીરનો મામલો કેવો ગૂંચવાયો હતો તે તો જાણીએ પહેલાં ! →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved