‘સુપર ૩૦’ ફિલ્મ જોઈ?
જો વાચક માતા-પિતા, શિક્ષક કે વિદ્યાર્થી હોય, તો તેણે ફરજિયાત આ ફિલ્મ જોવાની જરૂર છે. તેમાં પણ જો પિતા નીચેના મધ્યમવર્ગના કે ગરીબ હોય કે વિદ્યાર્થી વંચિત હોય અને હોંશિયાર હોય પણ બહુ જ ઓછો આત્મવિશ્વાસ ધરાવતો હોય, તો તો તેણે જોવી જ.
આ ફિલ્મ, હમણાં જેને ‘બાયોપિક’ ફિલ્મો કહેવાય છે તેવી છે. બિહારમાં આનંદકુમાર નામના એક ભાઈ ગરીબ વિદ્યાર્થીઓને, જેઓ આઈ.આઈ.ટી.માં જવા માગે છે અને લાયકાત પણ ધરાવે છે, પણ ફી ભરવાના પૈસા નથી, તેમને વિનામૂલ્યે ભણાવે છે અને એવું તો નક્કર ભણાવે છે કે લગભગ બધા આઈ.આઈ.ટી.માં પ્રવેશ મેળવે જ છે. એટલે ઉપર કહેલ ત્રણે ય વર્ગને આશ્વાસન અને પ્રોત્સાહન આપતી આ ફિલ્મ છે. ‘ભાગ મિલખા ભાગ’ કે ‘મેરી કોમ’ પણ બાયોપિક ફિલ્મો હતી, પરંતુ તેમાં વ્યક્તિગત સિદ્ધિની વાત હતી. આ ફિલ્મમાં વ્યક્તિગત સિદ્ધિ તો છે જ, પણ એ વ્યક્તિગત સિદ્ધિ જ્યારે એક પળે આગળ વધવા માટે નિષ્ફળ જાય છે, ત્યારે તે સામૂહિક સિદ્ધિમાં પરિણમે છે. એક વ્યક્તિની નિષ્ફળતા અનેક ગરીબ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બની જાય છે. આ ઘટના તદ્દન સાચી છે અને આજે પણ બની રહી છે. આનંદકુમાર આજે પણ કામ કરે છે.
વાર્તા આટલી જ છે – બિહારના આનંદકુમારને ગણિતમાં ગોલ્ડમૅડલ મળે છે. તે ખૂબ ગરીબ છે, આગળ ભણવા કૅમ્બ્રિજમાં અરજી કરે છે અને પ્રવેશ પણ મેળવે છે, પરંતુ પૈસાના અભાવે જઈ શકતો નથી. પિતા પૈસા માટે અથાગ પ્રયાસ કરે છે, આખરે દમ તોડી દે છે. પરિણામે તેને પાપડ વેચવા જેવો ધંધો કરવો પડે છે. ત્યારે ત્યાં જ ભ્રષ્ટ કોચિંગક્લાસ ધરાવનાર એક પ્રાધ્યાપકની નજર પડે છે અને તે તેને ઓળખી જાય છે અને પોતાના વર્ગમાં નીચે છે, તેથી કોચિંગક્લાસનું મહત્ત્વ વધી જાય છે. તે ખૂબ કમાય છે. પણ આનંદકુમાર જુએ છે કે ગરીબ હોશિયાર વિદ્યાર્થીઓને તેમાં પ્રવેશ નથી મળતો. તેથી તે આવા વિદ્યાર્થીઓ માટે ક્લાસ છોડી દે છે અને ગરીબ વિદ્યાર્થીઓ માટે વિના મૂલ્યે ભણાવવાના વર્ગ ખોલે છે. પેલા અધ્યાપકના ક્લાસ પર અસર પડવાથી તે આનંદના ક્લાસને તોડવાના પૂરા પ્રયાસ કરે છે. બધી જ ખટપટો અને ગુંડાગીરી કરે છે. તેને રાજકીય નેતાનો પણ સાથ મળે છે, પણ આનંદકુમાર દાદ દેતો નથી. તેનું ખૂન થવા સુધીના પ્રયાસ થાય છે. તેમાંથી પણ બચે છે. તો હૉસ્પિટલમાં મારવા ગુંડા મોકલે છે. ત્યારે તેની પ્રેરણાથી વિદ્યાર્થીઓ પોતે જે શીખ્યા છે તે જ્ઞાન અને ટેક્નોલૉજીનો ઉપયોગ ગુંડાઓને ભગાડવામાં જ કરે છે. છેવટે પ્રવેશપરીક્ષા આપે છે અને ત્રીસેત્રીસ ગરીબ અને વંચિત પણ હોંશિયાર વિદ્યાર્થીઓને આઈ.આઈ.ટી.માં પ્રવેશ મળે છે.
એક મિશનરી વ્યક્તિ કામ કરવાનું શરૂ કરે છે, ત્યારે કહેવાતો સંસ્કારી અને સભ્યસમાજ અને તેના નેતાઓ તેને મદદ કરવાને બદલે તેને કેટલા હેરાન કરે છે, તેનું નક્કર ઉદાહરણ આ ફિલ્મ આપે છે. સમાજની વિચિત્રતા એ છે કે તે હંમેશ ઇચ્છે છે સંતો અને સજ્જનો અને સમાજસેવકો, પણ જેવા તે આવે છે, તેવો સમાજ તેને હેરાન કરવાનું શરૂ કરી દે છે. સ્થાપિત હિતો અને રાજકીય નેતાઓ સમાજને કેટલા નુકસાનકારક છે, તે આ ફિલ્મ કહે છે. વાતો મોટી-મોટી કરે છે, પણ ખરે સમયે હટી જાય છે અને તેના બદલે બીજું કોઈ સારું કામ કરે, તો તેને નુકસાન કરે છે. તેઓ માફિયા ઊભા કરે છે, પોતાના ફાયદા માટે અને આ માફિયાઓને કોઈ આડા આવે – એ તેમના માન્યતા હોય છે – કે તરત હેરાનગતિ શરૂ!
સમાજનાં સ્થાપિત હિતો, કહેવાતા ઉચ્ચ વર્ગો અને ધનવાનો, હંમેશ માને છે કે સત્તા તો તેમના જ હાથમાં હોવી જ જોઈએ. ફિલ્મમાં વાક્ય છે કે રાજાનો દીકરો જ રાજા થાય પણ આનંદકુમારો કહે છે કે રાજાનો દીકરો જ રાજા ન થાય, પણ જેનો હક હોય તે જ રાજા થાય. વર્તમાનમાં આ હક મેળવવો એટલે શિક્ષણ મેળવવું. જો ગરીબો ભણે અને આગળ વધે તો જ તેમનું કલ્યાણ થાય. પણ સ્થાપિત હિતોને તો આ ન પોષાય. એટલે તેઓ જે પણ હક માટે ગરીબોને તૈયાર કરે છે, તેને દૂર કરવા પૂરા પ્રયાસ કરે છે. ગરીબો ગરીબ જ રહેવા જોઈએ, તો જ તેમનું શોષણ થઈ શકે. તેઓ વિચારતા ન થાય તો જ તેમને ઠગીને મત મેળવી શકાય, તેમના ખભા પર બેસી રાજ કરી શકાય.
સ્થાપિત હિતો અર્જુનો છે અને ગરીબો એકલવ્ય છે. જ્યારે પણ ગરીબ કોઈ દ્રોણાચાર્ય પાસે જાય, જે કેવળ રાજાને જ શિક્ષણ આપે છે, તો તેમનો અંગૂઠો જ કાપી લેવામાં આવે છે. જો ગરીબોને કોઈ આનંદકુમાર જેવા દ્રોણ મળે, તો જ તેઓ આગળ વધી શકે. આવા દ્રોણો સત્તાધારીઓને અને સ્થાપિત હિતોને પોષાતા નથી. બધા દ્રોણો તો સફળ થતા નથી, પણ કેટલાક સફળ થાય છે અને સ્થાપિત હિતોના સ્વાર્થમાં ગાબડું પાડવા સમર્થ બને છે. આ ફિલ્મ આવા એક ગરીબો-એકલવ્યોના દ્રોણની કથા છે.
આજે તો આ માફિયાઓનાં બાળકો જ કદાચ તેના ક્લાસનો લાભ લેતા હશે, પણ જ્યારે શરૂઆતમાં તેમના સ્વાર્થને તોડવાનો પ્રયાસ થતો હતો, ત્યારે તેને મારી નાખવાની પૂરી ઉત્સુકતા બતાવી હતી. આજે આ જ માફિયાઓ પોતાનો વટ પડે માટે આનંદકુમારને સન્માને છે, કારણ કે વિશ્વ તેની કદર કરે છે! અને કરુણતા છે કે ભારતના શ્રેષ્ઠ લોકોની કદર હંમેશ પશ્ચિમે જ કરી છે. મહાન કહેવાતું ભારત હંમેશ પાછળ રહ્યું છે. પછી તે ટાગોર હોય, ગાંધી હોય, વિનોબા હોય કે આનંદકુમાર હોય! ભારતે તો હંમેશ મોટા જ લોકોની ખુશામત કરી છે અને આજે પણ કરે છે. રાવણ હોય, દુર્યોધન હોય, દુઃશાસન હોય, શકુની હોય કે ગોડસે હોય, તેને માન અપાય છે. આજે પણ મનમોહનસિંહો કે રાજનો નથી પોષાતા. કલામ ભૂલથી પ્રમુખ બનાવાય, તો બીજી વાર તો ન જ આવી શકે. દરબારીઓ જ ખપે! અને પ્રજા પણ ક્યારે શ્રેષ્ઠ લોકોનો આગ્રહ નથી રાખતી. માટે જ દેશ સતત પછાત રહ્યા કરે છે.
એટલે જ સંવેદનશીલ લોકોને આ ફિલ્મ પળેપળે પીડા આપે છે. તે સતત આનંદકુમારને હેરાન થતો જુએ છે. માફિયાઓને જ સફળ થતા જુએ છે. સ્થાપિત હિતોનાં બાળકો પણ આ વિદ્યાર્થીઓની હાંસી કરે છે. અંગ્રેજી નબળું છે તે માટે હસે છે. તેમને આગળના બાંકડા પર પણ બેસવા નથી દેતા. પણ હા, જો આ વિદ્યાર્થીઓ નિર્દોષ સ્થિતિમાં હોય, તો તેઓ કદર કરી શકે છે. એક દૃશ્યમાં ગરીબ વિદ્યાર્થીઓ નાટક કરે છે અને પોતાની દૃઢતા વ્યક્ત કરે છે, ત્યારે પૈસાદાર વિદ્યાર્થીઓ પ્રભાવિત થઈ જાય છે અને તેમની સાથે નાચવા પણ લાગી જાય છે. જો સ્થાપિત હિતો તેમને ન બગાડે, તો તેઓ પણ નિર્દોષ જ છે, એમ આ ફિલ્મ કહે છે.
આ ફિલ્મમાં કેટકેટલી નબળાઈઓ બતાવી છે! પોલીસખાતું કેટલું ભ્રષ્ટાચારી છે, તે નગ્ન રીતે બતાવે છે. સાથે કેટલાં દબાણ હેઠળ કામ કરે છે, તે પણ બતાવ્યું છે. વી.આઈ.પી.ઓ.ની સેવા કરવામાંથી ઊંચું નથી આવતું અને તેને પરિણામે તેઓ કેટલા શારીરિક-માનસિક હેરાન છે તે સૂચવ્યું છે. તો નેતાઓ કેવા નીંભર છે, તે તો સતત બતાવે છે. જો કે તે તો બધી જ ફિલ્મો બતાવે છે! નેતાઓને તેમની માફિયાગીરી કરવામાં જેઓ પણ આડા આવે તેઓ જરા પણ નથી ગમતા અને તેમને મારી નાખવા સુધીની તૈયારી તેઓ કરે છે. તો શિક્ષણમાં પણ કેવી માફિયાગીરી ચાલી છે – આવા કોચિંગ-ક્લાસોનાં નામે – તે પણ ભયંકર રીતે બતાવે છે. ટૂંકમાં, સમગ્ર સિસ્ટમ કેટલી ભ્રષ્ટ છે, તે સતત બતાવે છે. હૉસ્પિલમાં એક નર્સ કોઈ ડૉક્ટરને આરામથી કહી શકે કે તે તો ડોનેશનવાળો ડૉક્ટર છે, તે કઈ હદે સિસ્ટમ ખરાબ છે તે સૂચવે છે. નર્સો ડૉક્ટરને બાજુએ રાખી આનંદને સાજો કરે છે.
વિદ્યાર્થી હોશિયાર હોય પણ ગરીબ હોય, તો કેટલો હેરાન થાય છે. પૈસા વગર તેને ક્યાં ય સ્થાન મળતું નથી. તેની હોશિયારી મજૂરીમાં જ વેડફાઈ જાય છે. લાખે એકાદને કોઈ આનંદકુમાર મળે છે, પણ બાકીનાનું શું ? પૈસાદારો પૈસાને જોરે પ્રવેશ મેળવે છે. પાછા ભણતા પણ નથી અને મજા કરે છે અને જેને ભણવું છે, તે પૈસાના અભાવે વેડફાઈ જાય છે. હજારો રામાનુજનો પાપડ વેચી જીવન વેડફી નાખે છે. તો ભ્રષ્ટ પ્રોફેસરો જ્ઞાનનો કેવો વેપાર કરે છે! વિદ્યાર્થીઓને, સમાજને લૂંટે છે, ઠગે છે. માફિયાગીરી કરે છે. પોતાનું જરા પણ નુકસાન જાય, તો ગમે તે હદે જવા તૈયાર રહે છે.
સામે આનંદકુમાર જેમ તેના પિતા પણ બતાવે છે. જે કોઈ પણ કારણ વગર બધાને મદદ કરે છે. આનંદકુમારનું ખૂન કરવાનું કામ જેને સોંપાયું હતું તે ખૂન નથી કરતો, કારણ કે તેના પિતાએ તેને મદદ કરી હતી. એટલે સત્કર્મ પણ ઉપયોગી તો છે જ એ બતાવે છે. ગરીબ છોકરાની ફી ભરવા પોસ્ટઓફિસવાળા ફાળો કરે છે. આનંદને નર્સો મદદ કરે છે. આનંદની પ્રેમિકા ભ્રષ્ટ પ્રાધ્યાપકથી તેને બચાવે છે. એક વાત અદ્ભુત રીતે એક બે સેકન્ડમાં કહી દે છે જ્યારે આનંદકુમાર પૈસાના અભાવે કૅમ્બ્રિજ નથી જઈ શકતો અને તેના પિતા અફસોસ કરે છે, ત્યારે તેની માતા કહે છે કે “શું પરદેશ ન જવાય તો જિંદગી અટકી પડશે?” પરદેશ જવાની ઘેલછાને આ સણસણતો જવાબ છે. અને ફિલ્મ અજ્ઞાત રીતે કહે છે કે જો આનંદકુમાર કદાચે કૅમ્બ્રિજ ગયો હોત, તો તે પણ આવીને ગરીબોનું શોષણ જ કરત! ન જઈ શક્યો તે સમાજને ફાયદારૂપ થયું. ભારતીય સમાજને રાજકીય નેતાઓ, ભણેલાઓ અને સ્થાપિત હિતો કેટલું નુકસાન કરે છે તે આ ફિલ્મ દર પળે બતાવ્યા કરે છે.
બે-અઢી કલાકમાં આ ફિલ્મ કેટકેટલું કહી દે છે, પણ મૂળ વાત એ છે કે આનંદકુમારનું મિશન આપણને સ્પર્શી જાય છે. આવા આનંદકુમારો જ આ દેશ ચલાવે છે એ યાદ રાખવાનું છે. પૈસાદાર કે સત્તાધારીઓ દેશ નથી ચલાવતા. તેઓ તો દેશને નુકસાન કરે છે. આ આનંદકુમારો સમાજને પ્રગતિ કરવામાં ટેકારૂપ થાય છે. આ આનંદકુમાર તો ઠીક છે સફળ ગયા, પણ અનેકો નિષ્ફળ પણ જતા હશે અને ખલાસ પણ થઈ જતા હશે, છતાં તેમની નિષ્ફળતા પણ દેશને, સમાજને ફાયદારૂપ જ થતી હોય છે. આડકતરી રીતે ગાંધીજીના વારસો છે. તેઓ જ સમાજને સ્વસ્થ અને પ્રગતિશીલ રાખે છે.
છેલ્લે, બધા ગરીબ સફળ વિદ્યાર્થીઓ આનંદકુમારને જે રીતે વળગી પડે છે, તે દૃશ્ય અદ્ભુત છે. તે જ નવા ભારતની આકાંક્ષાનું પ્રતિબિંબ છે. નવું ભારત ગરીબો જ રચશે. તેઓ જ દેશને પાંચહજાર વર્ષથી સ્થાપિત હિતોની પકડમાંથી મુક્ત કરશે. સ્થાપિત હિતો ખૂબ ત્રાસ આપશે, ભયંકર કૃત્યો કરશે, પણ છેવટે તો આ વંચિતોનું નવું ભારત જ જીતશે. પાંચહજાર વર્ષ પછી પહેલી વાર આ ગરીબોને તક મળે છે. તેઓ – ગરીબો અને મહિલાઓ – આગળ આવવા કલ્પનાતીત શ્રમ કરે છે. તેમને અનેક વિઘ્નો નડે છે, છતાં તે બધાને પાર કરી આગળ વધે છે. આ દૃશ્યો અદ્ભુત છે. પ્રચંડ આશા જન્માવે છે. દરેક સાચા દેશભક્તની ફરજ છે કે તે આવા આનંદકુમારો સાથે રહે.
ન્યૂ મિન્ટ રોડ, ભુજ-કચ્છ
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑગસ્ટ 2019; પૃ. 18-19