તપાસ સમિતિઓની રચના દુર્ઘટના નહીં રોકે, જવાબદારી સ્વિકારવાની ગંભીરતા જ જિંદગીનું મૂલ્ય વધારી શકશે
કરોડોનો કોઇ પ્રોજેક્ટ પડી ભાંગે, જમીનદોસ્ત થઇ જાય અને લોકોનાં જાન જાય. નિયમોને કોરાણે મૂકીને ‘કન્સ્ટ્રક્ટ’ કરાયેલા ‘કોમ્પલેક્સ’માં આગની હોનારત થાય અને બાળકોનાં જીવ જાય, કોઈ ધાર્મિકસ્થળે શ્રદ્ધાળુઓનું મહેરામણ એવું ઊમટે કે માણસોનો જ કચ્ચરઘાણ વળી જાય, ક્યારેક કોઇ ફળમાં રહેલા કોઈ તત્ત્વને કારણે બાળકોનાં જીવ જાય તો ક્યારેક હૉસ્પિટલમાં સવલત ન હોય અને અચાનક આવી પડેલી ઇમર્જન્સીમાં સારવાર વૉર્ડને બદલે શબઘરમાં ભરાવો થાય. ન્યુ યરની પાર્ટીનાં માહોલમાં રેસ્ટોરન્ટમાં આગ લાગે અને લોકોને બહાર નિકળવાનો રસ્તો ન મળતાં તેમનાં જીવ જાય તો વળી રસ્તા પર થતા અકસ્માતો જેમ કે બસ પલટાઇ જવી, વાહનનું ખીણમાં ધસી જવું વગેરેની પણ આપણને નવાઇ નથી. અહીં જે પણ પરિસ્થિતિની વાત કરી છે તે બધી કાલ્પનિક નથી તેનાથી આપણે વાકેફ છીએ.
આ એકએક દુર્ઘટના આપણાં દેશમાં ઘટી ચૂકી છે, કેટલીક હજી એટલી તાજી છે કે તેનાં ડામ ઠર્યા નથી તો કેટલીક પહેલાં ઘટી હોવા છતાં ય તેની સ્મૃતિ માત્ર અરેરાટી ફેલાવી દે તેવી છે. આપણે ત્યાં આવું બધું ચાલ્યા કરે છે, જ્યાં જરૂર લાગે ત્યા સરકાર ‘તપાસ સમિતિ’ ખડી કરી દે છે અને બાકી તો મીણબત્તી પકડીને કરાતાં દેખાવોમાં સદ્દગતનાં આત્માને શાંતિ આપવાનો પ્રયાસ દેખાય છે. કોણ જાણે કેમ પણ માનવસર્જીત અકસ્માતોની વાત આવે ત્યારે આપણા દેશમાં ‘નાખો વખારે’નો અભિગમ ટોચથી લઈને તળિયાં સુધીનાં લોકોમાં જોવા મળે છે.
સત્તાધીશોએ વખત આવ્યે આવા પ્રસંગોમાં ‘મેસેજ ઑફ ગોડ’, ‘અનફોર્ચ્યનેટ ઇન્સિડન્ટ’, ‘ટ્રેજેડી’ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે. જો કે કોણે શું કહ્યું, કોણે પોતાની રોટલી શેકી અને કોના તવા પર ઠંડુ પાણી રેડાયુંનો પ્રશ્ન નથી, જોવાનું એ છે કે આપણે ત્યાં કોઈને ય જિંદગીની કિંમત નથી. જિંદગીનાં ખરા મુદ્દાઓ જાણે ન તો નાગરિકો માટે અગત્યનાં છે ન તો સરકાર માટે. બદલાવની વાત કરવી અને માંગણી કરવીમાં આસમાન જમીનનો ફેર છે.
કોણે શું કરવું જોઈએની ચર્ચા કરવા કરતાં આપણે આ નોબત જે રીતે આવીને ખડી રહે છે તેનાં કારણો અંગે વિચાર કરવાની વધારે જરૂર છે. આ જીવલેણ અકસ્માતને મામલે એવી સ્થિતિ છે કે હજી એકમાંથી કળ વળે વળે ત્યાં તો બીજો અકસ્માત ક્યાંક ઘટી ચૂક્યો હોય છે. અકસ્માતો કરતાં વધારે ગંભીર બાબત એ છે કે આપણને નાગરિક અને સરકાર તરીકે આવી દુર્ઘટનાઓ ‘રૂટિન’ લાગવા માંડી છે.
આ સંજોગોમાં સૌથી વધુ મહત્ત્વનું બને છે આત્મ વિશ્લેષણ અને આત્મ શિસ્ત. લાલચ ઝડપની હોય, વધારે એરિયા કવર કરી લેવાની હોય કે પછી સલામતીની વ્યવસ્થા કરવાને મામલે કંજુસાઈ કરવાની હોય, અંતે તે ફાયદો તો નથી જ કરાવતી. શહેરોની કે જાહેર સ્થળોની વાત કરીએ તો અહીં જે પણ વહીવટ સંભાળે છે ત્યાં સેલ્ફ ગવર્નન્સ સદંતર ગેરહાજર છે. તાર્કિક રીતે તો ભાગીદારી અને જવાબદારી સ્થાનિક વહીવટી માળખા પર સંપૂર્ણપણે લાદી દેવાવાં જોઇએ. કમનસીબે આપણે ત્યાં સત્તાનું માળખું એ રીતે ગોઠવાયેલું કે પછી ગુંચવાયેલું છે કે સત્તાનું વિકેન્દ્રીકરણ શક્ય જ નથી કારણ કે દરેકને સત્તા ખોઈ બેસવાનો અથવા તો પછી જવાબદારી માથે આવવાનો એક ભય છે. સત્તાધીશોમાં ભય અને અસલામતી છે તો નાગરિકોમાં ‘આપણી સાથે આવું નથી જ થવાનું’નો અજીબ આત્મવિશ્વાસ અને ગાફેલ અભિગમ રહેલાં છે.
જિંદગીને સસ્તી ગણવાને બદલે આપણે આત્મ શિસ્તને પ્રાધાન્ય આપીએ, કાયદાના પાલનને ગંભીરતાથી લઈએ તો આપણે માણસની ભૂલને કારણે થતાં અકસ્માતને ટાળી શકાય. કશું પણ રાતોરાત ધરમૂળથી નથી બદલી શકાતું અને અત્યારે જે પરિસ્થિતિ છે એ જોતાં સત્તા અને જવાબદારી એક જ સિક્કાની બે બાજુ હોવા છતાં એકની હાજરીમાં બીજી હોય જ તે જરૂરી નથી. શહેરમાં ચાલતી દરેક બાબત પર પોલીસ કે વહીવટી તંત્રની ચાંપતી નજર નથી હોતી, આ સંજોગોમાં કોઈ વ્યક્તિ વધારાનું બાંધકામ કરવા માગતી હોય કે પછી ધાર્મિક સ્થળોએ ટ્રસ્ટીઓ મોટાંમસ ઉત્સવો કરવા માગતા હોય ત્યારે તેમને શું કાળજી રાખવી તેની સાથે સાથે કઈ હદે અટકવું તેની ખબર હોય તે જરૂરી છે. નિયમોની ખોટ નથી પણ તેનું અનુસરણ કરનારાઓને મામલે ખીણમાં ખાબકેલી બસ જેવો અભિગમ છે.
વળી જ્યારે પણ દુર્ઘટના ઘટે ત્યારે તંત્ર હોય તો તંત્ર અને નાગરિક હોય તો નાગરિક, તેમની ભૂલ અને જવાબદારીની ચૂક બદલ જરૂરી પગલાં લેવાવાં જ જોઇએ. તપાસ સમિતિઓની રચના આગલી દુર્ઘટનાને નહીં રોકે બલકે જે જવાબદાર છે તેની પાસેથી ‘જવાબ’ માંગવામાં સરકારની તથા નાગરિકોની ત્વરા અભિગમનાં બદલાવનો પુરાવો બની શકશે. આપણે ત્યાં તો બધું જ ચાલે છે અને લાંચ આપીએ તો કામ થઇ જાય પ્રકારની માનસિકતા તંત્રમાં ફેલાયેલી ઊધઈ જેવું કામ કરે છે જેને કારણે ન તો સત્તાવાળાઓને કોઇની જિંદગીની પરવા રહે છે કે ન નાગરિકોને! સલામતીનાં નિયમોનું ઉલ્લંઘન કરનારા સરકારી હોય કે પછી આમ જનતા, પોતાની બેદરકારી કે લાલચનું ફળ ભોગવવું જ પડશેનો ભય કદાચ શિસ્ત અને અનુશાસનનાં પાઠ ભણાવવામાં લેખે લાગી શકે છે. બાકી તો આપણે એક તરફ વસ્તી વિસ્ફોટમાં યોગદાન આપીશું અને બીજી તરફ દુનિયા આખીમાં માનવસર્જિત દુર્ઘટનાઓને મામલે પણ નામ નોંધાવતા રહીશું તો ઠેરનાં ઠેર રહી જઇશું.
બાય ધી વેઃ
બેદરકારી, લાલચ, આગળનું વિચારવાની શક્તિની ગેરહાજરી અને માણસની જિંદગીને હળવાશથી લેવાનો અભિગમ આપણે ત્યાં માનવસર્જિત અકસ્માતોનાં મુખ્ય કારણો છે. ૧૯૮૪માં થયેલી ભોપાળ ગેસ દુર્ઘટના, એ.એમ.આર.આઈ. હોસ્પિટલ કોલકતામાં લાગેલી આગ, કોલકાતામાં પડી ભાંગેલો ગિરીશ પાર્ક ફ્લાય ઓવર, પશ્ચિમ દિલ્હીમાં લલિતા પાર્ક બિલ્ડિંગમાં લાગેલી આગ, મહાકુંભમાં થયેલું સ્ટેમ્પીડ એ દેશનાં ઇતિહાસમાં થયેલી હચમચાવી નાખે તેવી દુર્ઘટનાઓ છે, કમનસીબે આ યાદી અહીં અટકતી નથી (મોટા ભાગે આ દુર્ઘટનાઓ મેટ્રો સિટીઝમાં ઘટી છે જ્યાં તંત્ર વધુ વ્યવસ્થિત હોવું જોઇએ). આપણે સરકાર અને નાગરિક બન્ને તરીકે આપણા પગ પર કુહાડી માર્યા જ કરીએ છીએ અને એટલે જ સુરત, બિહાર જેવી દુર્ઘટનાઓ પછી રોષ અને આંસુ સિવાય આપણી પાસે કોઈ વિકલ્પો નથી બચતા. બહેતર રહેશે કે આપણે સતર્કતા, શિસ્ત, અનુશાસન, જવાબદારી જેવાં ગુણને વધારે ગંભીરતાથી લેતાં થઈને માણસના જીવને આપણી શક્તિ બનાવીએ નબળાઈ નહીં. સ્માર્ટ સિટીઝ નહીં પણ સેફ સિટીઝ તરફ કદમ માંડીએ, માણસ સચવાશે તો બધું સચવાશે.
સૌજન્ય : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 14 જુલાઈ 2019