Opinion Magazine
Number of visits: 9447423
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નાંગેલીઃ વંચિતધારાના ઇતિહાસનું બળોકું અને સ્ત્રી-સન્માનનું અપ્રતિમ પ્રતીક

હરપાલ રાણા|Opinion - Opinion|14 May 2019

નાંગેલી લોકસાહિત્યમાં જીવંત છે પણ સરકારી દફતરોમાં તેની નોંધ નથી. લોકજીભે જીવંત ઇતિહાસ શું ઇતિહાસ ન હોઈ શકે? હમણા મદ્રાસ હાઇકોર્ટના આદેશથી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન(CBSC)એ ધોરણ-નવના સામાજિક વિજ્ઞાનના પાઠયક્રમમાંથી ‘Caste, Conflict and Dress Change’ નામનો પાઠ હટાવી દીધો છે. પાઠમાં ઈ.સ. ૧૮૦૦ના વર્ષોની આસપાસ નિમ્ન ગણાતા ‘નાદર’ સમાજની સ્ત્રીઓને સવર્ણ સમાજના ‘નાયર જાતિની સમિતિ’ના ફરમાન દ્વારા ઉપવસ્ત્ર ધારણ કરવાનો અધિકાર નહતો અપાયો અને તેઓને પોતાનું ઉપલું શરીર ખુલ્લું રાખવાની ફરજ પાડવામાં આવતી. રદ્દ કરાયેલા પાઠના અંશોઃ

૧. વસ્ત્રો પહેરવા એ સવર્ણ જાતિઓ માટે માન-સન્માનની બાબત છે અને વિશિષ્ટ અધિકાર પણ છે. પણ જો નિમ્ન જાતિઓની સ્ત્રીઓએ પોતાનું ઉપલું શરીર ઢાંકવું હોય તો ‘મુલક્કરમ’ અથવા ‘સ્તન કર’ (breast tax) આપવાની ફરજ પાડવામાં આવતી. ૧૮૨૨માં ‘નાદર’ અને ‘એઝવા’ સમાજની સ્ત્રીઓએ આ પ્રકારની અન્યાયી પ્રથા સામે બળવો કર્યો હતો અને કહ્યું કે સવર્ણ જાતિની મહિલાઓ પહેરે છે તેવા વસ્ત્ર તે પણ પહેરી શકે.

મદ્રાસ હાઇકોર્ટના આદેશથી સામાજિક વિજ્ઞાનમાંથી આ ચેપ્ટર ઉડાવી દેવામાં આવ્યું. તેની પ્રતિક્રિયામાં IIT મદ્રાસના આસિસ્ટન્ટ પ્રોફેસર કહે છે કે “આ પ્રકારનો વિવાદ કોઈ નવો નથી. જે તે સરકાર સત્તા પર આવે છે ત્યારે સંગઠિત જાતિઓ અને ધાર્મિક જૂથોના દબાણને લઈને પાઠ્યક્રમ ઘડતરમાં પરિવર્તન કરે છે. દરેક જૂથ વર્ગખંડમાં ઇતિહાસના સંવેદનશીલ મુદ્દાઓને ભણાવાય તેના પર ભાર મૂકે છે. આ પ્રકારના ઇતિહાસલેખનમાં સમુદાયોના ભવ્ય ભૂતકાળને દર્શાવવા ફેરફારો કરવામાં આવે છે. ઇતિહાસના ક્રમિક વિકાસમાં લિંગ અને જાતિ સંબંધો (gender and caste relations) સમજવા જરૂરી છે તેને ઇતિહાસમાંથી દૂર કરવા સરવાળે ઇતિહાસને જ નુકસાન છે. વર્ગમાં વિધાર્થીઓને વસ્તુલક્ષી ઇતિહાસ ભણાવવાથી વંચિત રાખવા એ સરકાર તરફથી કરવામાં આવતો મોટામાં મોટો અન્યાય છે.”

But in this process, very important historical events and insights that are highly relevant to understand historical evolution of gender and caste relations in India are erased. Denying the opportunity to learn objective history in classrooms is one of the greatest injustices that the government can do to students.” (India Today Web Desk, December 27, 2016.)

ઇતિહાસના પુનર્લેખનમાં વસ્તુલક્ષિતા અને પ્રમાણિક્તા જાળવવી જરૂરી છે. ઇતિહાસ માત્ર રંજન કરવા માટે નથી પણ કાળક્રમે માનવ સમાજે જે કાંઈ પણ સારું-નરસું કર્યું હોય તેને યથાતથ મૂલ્યાંકન કરવા પોતાની શ્રેષ્ઠતા કે ભદ્રતા દર્શાવવા ઇતિહાસને ભૂંસવો કે રદ્દ કરવો એ યોગ્ય નથી. આજે ઇતિહાસ સાથે સૌથી મોટા ચેડાં થઈ રહ્યા છે.

નાંગેલી વંચિત સમાજની મજૂરી કરી જીવન ગુજરાતી એક સામાન્ય સ્ત્રી હતી. પણ તેણે જે કાર્ય માટે બલિદાન આપ્યું જેમાં માનવીય અધિકાર અને મનુષ્ય સમાજના મૂળભૂત હકની વાત છે. તેના બલિદાનમાં સમતા, સ્વતંત્રતાની વાત છે તો બીજી તરફ સ્વમાન, સ્વાભિમાન અને સામાજિક ન્યાય માટેની મુહિમ જોવા મળે છે. અલાઉદ્દીનને શરણે ન જનાર પદ્માવતી સ્ત્રીઓનાં સન્માન અને ગૌરવનું પ્રતીક બને છે જ્યારે બહુજનસમાજની નાંગેલી, ફુલનદેવીના અપ્રતિમ કાર્યની નોંધ સુદ્ધાં લેવાતી નથી. આપણા દંભી અને પાખંડથી ભરપૂર હિન્દુ સમાજમાં સામાજિક પરિવર્તન અને સામાજિક બદલાવ માટે લડત ચલાવવી એટલે પત્થર સાથે માથું અથડાવવા જેવી બાબત છે કારણ કે હિન્દુ સમાજનો પાયો વર્ણવ્યવસ્થા છે અને તેનું સમર્થન શાસ્ત્રો દ્વારા કરવામાં આવેલું છે. વર્ણવ્યવસ્થાનું ઉલ્લંઘન એટલે ધર્મદ્રોહ અને ધર્મનું અપમાન. આ વ્યવસ્થાના લીધે સમાજ પર ચોક્કસ સમુદાયો અને જાતિઓનું વર્ચસ્વ સ્થપાયું અને બહુજન સમાજ પર તેમનું આધિપત્ય પણ સ્થપાયું. પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીઓ, શુદ્રો, અતિ-શુદ્રો પિસાવા લાગ્યા અને અનેક અમાનવીય બંધનો ખૂબ પ્રાચીન સમયથી તેમના પર લાગુ પાડવામાં આવ્યા. સામંતવાદ, પિતૃસત્તાત્મક ભારતીય સમાજમાં સ્ત્રીઓ, શુદ્રો, અતિ-શુદ્રોની સૌથી ખરાબ અને ભૂંડી હાલત થઈ છે. તેમાં પણ સ્ત્રીઓ અને તેમાં પણ દલિત-મૂલનિવાસી સ્ત્રીઓનું જીવન નર્કાગારથી કાંઇ ઓછું ન હતું.

આજના કેરળ પણ પહેલાનું ત્રાવણકોર રાજ્યના ચેરથાલા ગામમાં નાંગેલી અને તેનો પતિ ચિરુકંદન રહેતાં હતાં. તેના જન્મ વિષે માહિતી મળતી નથી પણ ૧૮૦૩માં તે મૃત્યુ પામી હતી. નાંગેલી એઝવા (Ezava) સમાજની હતી. એઝવા નિમ્ન જાતિ ગણવામાં આવતી.

નાંગેલી અને તેનો પતિ ચિરુકંદન એઝવા જાતિના હતાં અને તાડી ઉતારવાનું કાર્ય કરતાં. ખૂબ મહેનત કરી જીવન ગુજરાન ચલાવતા. તેમને કોઈ સંતાન ન હતું. ત્રાવણકોર રાજ્યમાં રાજા દ્વારા કેટલાક એવા વેરાઓ ઉઘરાવવામાં આવતા જે માનવીય ગરિમા અને સન્માનને ઠેસ પહોંચાડતા હતા. આજે સૌથી વધુ સાક્ષરતા દર કેરળમાં છે અને કેરળ ‘ભગવાનની પોતાની ભૂમિ’ (God’s own country) તરીકે ઓળખાય છે પણ આ એ જ કેરળ છે જ્યાં સ્ત્રીઓને ‘સ્તન કર’ (breast tax) ચૂકવવો પડતો.

આ સ્તન કર નિમ્ન જાતિની સ્ત્રીઓ પાસેથી લેવામાં આવતો. ‘એઝવા’ની સાથે અન્ય નિમ્ન ‘થિઆ’ (Thia), ‘નાદર’ (Nadar) જેવી જાતિઓએ પણ આ અન્યાયી વેરો આપવો પડતો. કહેતા કે લખતા પણ કલમ શરમાય એ પ્રકારની પ્રણાલી આ દેશમાં હતી. સ્તનના આકાર, ઘેરાવા પ્રમાણે વેરો લેવામાં આવતો. આ પ્રકારની પ્રણાલી માત્ર નિમ્ન જાતિની સ્ત્રીઓ માટે હતી. સ્ત્રી અપમાનની આ દાસ્તાનનો વિશ્વ ઇતિહાસમાં જોટો જડે તેમ નથી. સ્ત્રીઓનાં અપમાનનું આનાથી બીજું કયું ઉદાહરણ હોઈ શકે?  નિમ્ન જાતિની સ્ત્રીઓ સવર્ણ સમાજ, સામંતી સમાજ માટે ઉપભોગ અને વાસનાસંતૃપ્તિનું સાધનમાત્ર બની રહી છે. અસ્પૃશ્યતા વંચિતોના માથે લખાયેલ એક કાયમી દુર્ગુણ છે તો અસ્પૃશ્ય મહિલાઓનું જાતિય શોષણ ભદ્રવર્ગ માટે લખાયેલ કાયમી ગુણ છે. અસ્પૃશ્યના સ્પર્શમાત્રથી અભડાઇ જતા આ ભદ્ર સમાજને અસ્પૃશ્ય મહિલાઓનું શોષણ કરવામાં અસ્પૃશ્યતા નથી નડતી બલકે તેમાં તેમની જાતિય શ્રેષ્ઠતા દેખાય છે. નિમ્નવર્ગીય સ્ત્રીઓનું જાતિય શોષણ એ એમને માટે ધર્મ છે, પ્રતિષ્ઠા સંસ્કાર છે.

ત્રાવણકોર રાજ્યમાં એવા તો અમાનુષી વેરાઓ હતા જેના વિષે જાણવું ખૂબ જરૂરી છે. રાજ્યમાં જમીન વેરાનો દર સામાન્ય હતો પણ અન્ય વેરાઓ દ્વારા રાજા પોતાની તિજોરી ભરતો. જમીનવિહોણા માછીમાર પાસેથી માછલીની નેટ પર વેરો લેવામાં આવતો, મૂછ રાખવી હોય એટલે કે પોતાના ચહેરા પર વાળ ઉગાડવા હોય તો પણ રાજ્યને વેરો આપવો પડતો, જો તમે ગુલામો ધરાવતા હોવ તો પણ તમારે ગુલામદીઠ વેરો આપવાનો, માથા પર પાઘડી પહેરવી હોય તો પણ વેરો આપવાનો.

નાંગેલી અને તેના સમાજની સ્ત્રીઓને બ્રેસ્ટ ટેક્સ આપવો પાડતો. સ્તન ઢાંકવા પર વેરો સ્ત્રી સન્માન અને તેના ગૌરવને ચૂરચૂર કરતો અન્યાયી વેરો હતો. વેરો પણ માત્ર નિમ્નવર્ણીય સ્ત્રીઓ પાસેથી જ લેવામાં આવતો. આ દર્શાવે છે કે નિમ્નવર્ણીય સ્ત્રીઓ જાણે કે મનુષ્ય જ નથી. જ્યાં ખાવાના સાંસા હોય ત્યાં શરીર પર કપડું લપેટવા વેરો ક્યાંથી આપી શકાય. સ્ત્રીઓ ઉપવસ્ત્ર ધારણ ન કરી શકતી અને કરવું હોય તો વેરો આપવાનો. આવા અમાનુષી વેરા સામે નાંગેલીએ અવાજ ઉઠાવ્યો. રાજ્યના માણસો ટેક્સ લેવા આવ્યા ત્યારે નાંગેલીએ કહ્યું કે હું વેરો નહીં આપું. અન્યાયી વેરાનો તેણે પ્રતિકાર કર્યો. તેના પ્રતિકારમાં વંચિત સ્ત્રીઓના બળવાની ગુંજ હતી. તેના પ્રતિકારમાં આત્મ-સન્માનની હાકલ હતી. તેના પ્રતિકારમાં સ્ત્રી સન્માન, સ્ત્રી ગૌરવની હાકલ હતી. તેના પ્રતિકારમાં વિશ્વની તમામ મહિલાઓનું સન્માન હતું, ગૌરવ હતું. તેના પ્રતિકારમાં જુલમી અને અમાનુષી પ્રથા સામે માનવ તરીકેની હયાતી તેમ જ સમાન અને પ્રકૃતિદત્ત અધિકારની ઝુંબેશ હતી.

નાંગેલીએ અન્યાયી અને અપમાનજનક રાજ્યવ્યવસ્થા અને સામાજિક વ્યવસ્થા સામે બંડ પોકાર્યું. તેણે કહ્યું કે હું આ પ્રકારના અન્યાયી અને અમાનવીય વેરાનો વિરોધ કરું છું. આ બ્રેસ્ટ ટેક્સ ‘મુલક્કરમ’ તરીકે ઓળખાતો. નિમ્નવર્ગની સ્ત્રીઓ તરુણાવસ્થામાં પ્રવેશે તેનો રાજ્ય દ્વારા સર્વે કરવામાં આવતો અને ટેક્સ વસૂલવામાં આવતો. કેટલું દોજખભર્યું જીવન દલિત-શોષિત સ્ત્રીઓને ભોગવવું પડતું? કેવી અમાનુષી વ્યવસ્થા જેમાં સ્ત્રીઓને પોતાનું શરીર ખુલ્લું રાખીને જીવવું પડતું? પુરુષવર્ગની હસીમજાક અને કામુક નજર સામે આ મહિલાઓની દશા  કેટલી દયનીય અને સોચનીય હશે? એક એક પલ એક એક ક્ષણ આ મહિલાઓ મરતી હશે. પણ નાંગેલીને આ વ્યવસ્થા મંજૂર નહોતી. પલ પલ મરવા કરતાં સ્વમાન અને સન્માન માટે લડી લેવું તેને વધુ શ્રેયકર લાગ્યું. રાજ્યના અધિકારીઓ ઘરે ઘરે જઇ ટેક્સ વસૂલતા. નાંગેલીના ઘરે આવ્યા તો તેણે કહ્યું કે હું અન્યાયી વેરો નહીં આપું. સ્ત્રીઓના જીવન અને સન્માનને ચૂર ચૂર કરતા આ વેરા સામે મારો સ્પષ્ટ વિરોધ છે. અધિકારીઓએ કહ્યું આ તો રાજ્યનો આદેશ છે અને તું તેનો અનાદર ન કરી શકે. નાંગેલીએ પોતાનો વિરોધ યથાવત રાખ્યો અને અન્યાયી વેરાની વિરુદ્ધમાં તેણે પોતાના સ્તન કાપી નાંખીને અધિકારીઓને આપ્યા. અધિકારીઓ પણ સ્તબ્ધ રહી ગયા. લોહી વહેવાથી નાંગેલી જમીન પર ફસડાઇ પડી અને થોડીવારમાં મૃત્યુ પામી.

નાંગેલીની આ લડત અન્યાયી વ્યવસ્થા સામે હતી. તેની આ લડત સન્માન, સ્વમાન અને સ્વાભિમાન માટેની હતી. વેરો એક પ્રતિક છે પણ તેની લડત સ્ત્રી સન્માન માટે અપાયેલ ઉમદા બલિદાન છે. સ્ત્રીઓનાં સન્માન અને ગૌરવ માટે તેણે બલિદાન આપી દીધું. તેના મૃત્યુ બાદ તેનો પતિ પણ પણ મૃત્યુ પામ્યો. નાંગેલીના બલિદાનથી ત્રાવણકોર રાજ્યને આ સ્ત્રી સન્માનને હણતા વેરાને રદ્દ કરવો પડ્યો હતો. નાંગેલીની આ લડત અન્યાય અને અત્યાચાર સામેની હતી. નાંગેલી એક એવી સ્ત્રી હતી જેણે પોતાનાં સન્માન, આત્મ-ગૌરવ સાથે સમાધાન કર્યું ન હતું. વેરો આપીને અપમાનિત થઈને જીવિત રહેવા કરતાં સન્માન, ગૌરવને સાચવવા મોતને વહાલું કરનાર નાંગેલી વંચિતધારાના ઇતિહાસનું ક્રાંતિકારી પાત્ર છે.

એસોસિયેટ પ્રોફેસર, ઇતિહાસ વિભાગ, સમાજવિદ્યા ભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ

સૌજન્ય : “અભિદૃષ્ટિ”,  [વર્ષ 13 • અંક : 138-139] મે – જૂન 2019; પૃ. 08-10 

Loading

14 May 2019 admin
← પ્રવીણસિંહ ચાવડા સાથે વાર્તાલાપ
લોકશાહીની થપ્પડ કે લોકશાહીને થપ્પડ ? →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved