બેસ્ટ બૅકરીકાંડમાં પુરાવાઓ ઉપલબ્ધ ન થતાં ન્યાયાધીશ શ્રી મહીડાએ નોંધ્યું કે – “આ કોર્ટ ન્યાયની નથી, પુરાવાની છે!” ૨૩ મુસલમાનો મરી ગયા, જવાબદાર કોઈ જ નહીં! જસ્ટિસ લોયા કાંડ-જવાબદાર કોઈ જ નહીં! શ્રીકૃષ્ણપંચનો ધગધગતો અહેવાલ મુંબઈનાં રમખાણો વિશે- સજા કોઈને ય નહીં! આવો જ એક ચુકાદો ‘સમજૌતા એક્સપ્રેસ’નો આવ્યો.
ભારત-પાકિસ્તાન વચ્ચે સંબંધો સુમેળભર્યા બને તે માટે અટલબિહારી વાજપેયી દ્વારા આ ટ્રેન શરૂ કરાઈ હતી. પાણીપત નજીક ૧૮મી ફેબ્રુઆરી, ૨૦૦૭ના રોજ વિસ્ફોટ થયો, જેમાં ૬૮ લોકો માર્યા ગયા. જેમાંના મોટા ભાગના પાકિસ્તાની નાગરિકો હતા. આ એક મોટું આતંકવાદી કૃત્ય હતું.
આ ઘટના સાથે સંકળાયેલ શકમંદો પકડાયા જેમાંથી અસીમાનંદે અંગ્રેજી સામયિક ‘કેરેવાન’ના પત્રકાર લીના રઘુનાથને પોતે આ ઘટનામાં સામેલ છે તેનો ગોડસેની માફક બેફિકરાઈથી સ્વીકાર કરેલો અને સાથોસાથ આ ઘટનાના તાર આર.એસ.એસ. સાથે જોડાયેલા હોવાનો પણ સ્વીકાર કરેલો. ૨૧મી માર્ચ, ૨૦૧૯ના રોજ આ અસીમાનંદજી બાઇજ્જત બરી થયા!
પરંતુ અહીં પણ બેસ્ટ બૅકરી કાંડના ન્યાયાધીશ શ્રી મહીડા જેવું જ બયાન આ ચુકાદામાં સ્પેશિયલ એન.આઈ.એ.ના એક ન્યાયાધીશ શ્રી જગદીપસિંહનું છે. ‘જરૂરી પુરાવાઓ દબાવી દીધા અને રેકર્ડ પર ન લીધા, એનું આ પરિણામ છે’. એમણે આ આક્ષેપ કરતો ૧૬૦ પાનાંનો ચુકાદો આપ્યો છે. આ આતંકવાદી કૃત્યનાં મૂળિયાં આર.એસ.એસ.ના આગેવાનો સુધી પહોંચેલાં હતાં તેથી કેસને રફેદફે કરી નાખવામાં આવ્યો.
સિ.સિ.ટિ.વી. ફૂટેજ જોવામાં નથી આવ્યા, શકમંદના ફોનના કૉલરેકર્ડિંગના પુરાવા પણ ગેરહાજર છે. બૉંબવિસ્ફોટ દરમિયાન મળેલી સૂટકેસ ઇન્દોરથી ખરીદાયેલી, એમાં હિન્દુત્વવાદી સંગઠનના સુનિલ જોશી, સુનીલ ડાંગે અને રામચંદ્ર કલસાંગરાનાં નામો આવ્યાં. એમાંથી સુનિલ જોશીની ધરપકડ પછી હત્યા થઈ ગઈ! બાકીના બે આજ લગી મળતા નથી! મધ્યપ્રદેશની ભા.જ.પ. સરકારે આ કેસની તપાસમાં સાથ આપ્યો નથી. સુનિલ ડાંગે અને રામચંદ્ર કલસાંગરાના ફોટોગ્રાફ સુધ્ધાં લાવી આપ્યા નથી! નહિતર આવડા મોટા કેસના શકમંદો આજ લગી ન મળે તે સંભવ નથી. આ અર્થમાં જ ચોકીદાર ચોર છે. આખો મામલો યોગ્ય તપાસની રીતે હરિયાણા પોલીસની એસ.આઈ.ટી. વિકાસ નારાયણ રાય દ્વારા કરી રહી હતી અને ખાસ્સું કામ થયું હતું. પરંતુ એકાએક કેસ કેન્દ્ર સરકાર પાસે ચાલી ગયો. ૨૦૦૬નો માલેગાંવ વિસ્ફોટ કે જેની તપાસ હેમંત કરકરે કરી રહ્યા હતા અને લગભગ બધા જ તાંતણાઓ સુધી પહોંચી ગયેલા, જેમાં ફરી અસીમાનંદ ઝળક્યા. આ વખતે એમની સાથે સાધ્વી પ્રજ્ઞા ઠાકુર અને કર્નલ પ્રસાદ શ્રીકાંત પુરોહિતનાં નામો પણ આવ્યાં! ધર્મ, રાજકારણ અને સેનાનું મિશ્રણ. આ ત્રણેય અભિનવ ભારત સંગઠન સાથે જોડાયેલાં બતાવાય છે. અસીમાનંદ આર.એસ.એસ.ની વનવાસી કલ્યાણ – યોજનાના પણ અગ્રણી હતા. સાધ્વી પ્રજ્ઞા એ.બી.વી.પી.ની રાષ્ટ્રીય કારોબારીનાં સભ્ય! હેમંત કરકરે અને વિકાસ નારાયણ રાય પર ‘હિંદુત્વવિરોધી’ આક્ષેપો લાગી રહ્યા હતા, ત્યારે જ હેમંત કરકરેની મુંબઈ આતંકવાદી ઘટનામાં ૨૭ નવેમ્બર, ૨૦૦૮ના રોજ હત્યા થઈ!
પછી તો પુનઃ ૨૦૧૪માં મોદીયુગ દરમિયાન એન.આઈ.એ.ના અધ્યક્ષ જ બદલાઈ ગયા. નવા અધ્યક્ષ શરદકુમારે પોતાની તમામ શક્તિ આરોપીઓને છોડાવવા માટે જ લગાવી. જેના કારણે આ ગાળામાં જ તેઓ નિવૃત્ત થતા હોવા છતાં એમનો સેવાકાળ બે વર્ષ લંબાવી આપવામાં આવ્યો! ત્યાર બાદ તેઓ પુરસ્કાર સ્વરૂપે ભારત સરકારમાં વિજિલન્સ કમિશનરપદ પામ્યા હતા! સોહરાબુદ્દીન કેસમાં કૉંગ્રેસનું વલણ પણ એવું જ નરમ રહ્યું હતું. માલેગાંવ વિસ્ફોટના સરકારી વકીલ રોહિણી સાલિયને ઑક્ટોબર, ૨૦૧૫માં જણાવ્યું કે એન.આઈ.એ. તેમને ‘ભગવા આતંક’ પ્રત્યે કૂણું વલણ અખત્યાર કરવાનું જણાવે છે. માલેગાંવ, મક્કા-મસ્જિદ, અજમેર શરીફ અને સમજૌતા એક્સપ્રેસ આ ચારેય કાંડની વિશેષતા એ છે કે ચારેયમાં અસીમાનંદનું નામ ઝળક્યું છે.
આતંકવાદ વિરુદ્ધની મજબૂત સરકાર કેમ મૂળ ગુનેગારો સુધી પહોંચી નથી, એ અરુણ જેટલી જણાવતા નથી, એમણે તો કહ્યું કે આ ખોટો કેસ હતો – કૉંગ્રેસપ્રેરિત! હકીકત એ છે કે બાબુ બજરંગી (નરોડા પાટિયા) જેવા કેસોની માફક આવા કેસના ગુનેગારો છૂટી જાય છે કારણ કે ભારતના બેઉ મુખ્ય પક્ષને હિંદુત્વની વોટબૅંક સાચવી રાખવી છે. પરિણામે, સમજૌતા એક્સપ્રેસ જ નહીં, પરંતુ ધર્મનિરપેક્ષ રાષ્ટ્રની ગાડી ખડી પડી છે, ન્યાયની જ હત્યા થઈ છે.
E-mail :bharatmehta864@gmail.com
સૌજન્ય: “નિરીક્ષક”, 16 મે 2019; પૃ. 05