હમણાં આપણે બે મિનિટ પહેલાં મૌન પાળ્યું … ૧૯૪૮માં એક સાંજે, આ સમયે, એક વૃદ્ધ માણસ, બે વ્યક્તિના સહારે રસ્તો પસાર કરી રહ્યો હતો અને એક શખ્સે વૃદ્ધ માણસના દુર્બળ શરીરમાં ત્રણ ગોળી ધરબી દીધી. એ શખ્સને આ ઘરડા માણસથી નફરત હતી? એક જર્જરિત કાયાથી નફરત હતી? શું તે આ ઘરડા માણસને જ મારવા માગતો હતો કે તેનું લક્ષ્ય બીજું જ કંઈક હતું? એ જર્જરિત દેહને મારવા નહોતો માગતો, એના નિશાને એક વિચાર હતો, એક સ્વપ્ન હતું, એક ઉમ્મેદ હતી, એક ભરોસો હતો; જેનું નામ ગાંધી હતું. પણ એ સ્વપ્ન, આશા, ઉમ્મેદ, ભરોસો, સિદ્ધાંત કે સત્યને ગોળીથી ઠાર મારી શકાતાં નથી. ગાંધી હયાત છે, અને એ વાતની મારા-તમારા કરતાં એ લોકોને વધારે ખબર છે, જે લોકો ગાંધીને નફરત કરે છે. એમનામાં હિંમત નથી કે જે ગાંધીની તેમણે હત્યા કરાવી, એ ગાંધી, જેમના દરેક આદર્શ, દરેક સિદ્ધાંતની તેઓ વિરુદ્ધમાં હતા અને છે; તેની સામી છાતીએ આવીને, દુર્દશા કરી શકે. હજી પણ તેમણે રાજઘાટ ઉપર હાથ જોડીને ઊભા રહેવું પડે છે. આ એવાં ઉંદરડાંઓ છે જે ગાંધીના પગ ધીમે ધીમે કટક-બટક કાપી રહ્યાં છે અને આશા રાખી રહ્યા છે કે આવનારાં બસો-ત્રણસો વર્ષમાં આ પ્રતિમાનું કદ ઘટાડવામાં તેઓ સફળ થશે. પણ એમ થવાનું નથી. એ એટલા માટે કે ગાંધી દરેકનાં દિલમાં, દરેકના વિચારોમાં ઓછા કે અધિક, પણ દરેક હિન્દુસ્તાનીના હૃદયમાં જીવતા છે.
પણ આપને જણાવી દઉં કે માત્ર ગાંધીજી જીવતા નથી, ગાંધીજીની હત્યા કરનાર, જેને થોડા દિવસોમાં ફાંસીની સજા થઈ હતી, એ પણ જીવતો છે. એટલે કે મારનાર એકમાત્ર માણસ નહોતો, એક વિચારધારાએ ગાંધીજીને માર્યા હતા. એ વિચારધારા, સામાજિક-રાજકીય દર્શને, એક આઇડિયોલૉજીએ ગાંધીને ગોળી મારી હતી, જે આજે પણ પ્રવર્તમાન છે. આજે હિન્દુસ્તાનનાં દરેક ગામ, ગલી, શહેરી, શેરી કે સડક ઉપર ક્યાં ય કોઈ એક ગાંધી ચાલી રહ્યો છે અને એક ગોડસે બંદૂક લઈને ઊભો છે. હત્યા થાય છે, હત્યા થતી રહે છે, પણ ગોડસેની ગોળી ખતમ નથી થતી કે ગાંધીજીની જિંદગી પણ સમાપ્ત થતી નથી. આપણે ૧૯૪૮ના એ દિવસે તો ગાંધીજીને બચાવી શક્યા નહીં, પણ હવે તેમને બચાવવાના છે. હત્યારા તો આજે પણ સક્રિય છે. ગાંધીહત્યા પાછળથી આઇડિયોલૉજી જે ગાંધીજીની વિરુદ્ધમાં હતી, તે આજે વધી શક્તિમાન થતી જાય છે, આપણે તેની સામે લડવાનું છે.
આખરે એ લોકોને કઈ વાતનો રોષ છે? એમની ફરિયાદ શી છે? એમને ગાંધીજી સાથે કઈ બાબતે વાંધો છે? નેહરુથી નફરત કેમ છે? અને સેક્યુલર લોકોના સમૂહ સાથે કે ડાબેરીઓ સાથે એમને કઈ વાતનો વાંધો છે? આ બધાંએ તમારું શું બગાડ્યું છે? મૂળ વાત એ છે કે તમે જોશો તો જણાશે કે સ્વાયંત્ર્યસંગ્રામની સાથે એમને કોઈ નાતો નથી. ભારતની આઝાદીની લડાઈમાં એમને પોતાનો નાયક કૉંગ્રેસ પાસેથી ઉછીનો લેવો પડે છે. સરદાર પટેલ કોણ હતા? જવાહરલાલ નેહરુના સાથી સહયોગી અને નેહરુ કૅબિનેટના ગૃહમંત્રી એ જ સરદાર જેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક પર પ્રતિબંધ લગાવ્યો હતો, પણ એમને સરદાર સિવાય છૂટકો નથી, એમની પાસે તો કોઈ છે જ નહીં. હવે એ લોકો ભગતસિંહને હાઇજેક કરવા માગે છે; જેઓ પાકા માર્ક્સવાદી હતા. આ વિચારધારાના વાહકોને દેશની આઝાદી સાથે કે આઝાદીની લડત સાથે કોઈ લેવાદેવા નહોતી.
હા! એક તંતુ હતો જે આપને જણાવું. ૧૯૦૫ની હિંદુ મહાસભા, ૧૯૦૬ની મુસ્લિમલીગ અને ૧૯૨૫નું આર.એસ.એસ; સૌની પોતાની લાક્ષણિકતા છે. મુસ્લિમ લીગ ગાંધીને નફરત કરતી હતી તો આર.એસ.એસ. અને મહાસભા પણ ગાંધીજીને નફરત કરતા હતા. મૂળે તો એકસરખું વિચારનારા લોકો જ હતા આ લોકો. ‘હિંદછોડો’ આંદોલન વખતે મુસ્લિમલીગે કહ્યું હતું કે લીગના એક પણ સભ્યને આ ચળવળમાં જોડાવાનું નથી, એ જ સૂચના ગુરુ ગોલવલકરે આર.એસ.એસ.ના સ્વયંસેવકોને આપી હતી. મુસ્લિમલીગ અને સંઘ; બંને અસલમાં અંગ્રેજોના સહયોગી હતા. તથ્ય તો એ છે કે જિન્નાસાહેબ તો અહીંથી જતા રહ્યા હતા અને પૂરાં સાત વર્ષ લંડનમાં રહ્યા હતા. ત્યાં વકીલાત કરી. અમુક લોકો એટલા બધા મહત્ત્વાકાંક્ષી હોય છે કે તેઓ ભગવાન ના બની શકે તો એમની પાસે એક રસ્તો બચે છે કે તેઓ અવળો માર્ગ અપનાવે. સાત વરસમાં જુઓ આ માણસ … જે માણસને ખિલાફત-ચળવળ સામે વાંધો હતો અને કહેતો હતો કે આપ રાજનીતિમાં ધર્મની ભેળસેળ કરી રહ્યા છો; અને એવો પણ સવાલ ઉપાડે છે કે તુર્કીના સુલતાન સાથે આપણે શી લેવાદેવા?! … જ્યારે સાત વરસ પછી એ માણસ એવો બદલાઈ જાય છે કે જેવો આજે એને આપણે જાણીએ છીએ, એવા જિન્ના બની જાય છે.
બીજો માણસ જે આંદામાનમાં કેદ હતો અને લગાતાર દયાની અરજી અને માફીપત્ર દ્વાર વિનંતીઓ કરતો રહ્યો કે મને છોડી દો, હું તમારા કામનો માણસ છું. અને એ માણસને જ્યારે છોડવામાં આવે છે, ત્યારે એ માણસ ‘હિન્દુત્વ’ શબ્દને આપણી રાજનીતિમાં લઈને આવે છે. આ માત્ર આકસ્મિક નથી કે જે લોકો આઝાદી-આંદોલનથી અળગા રહ્યા અને પાછા આવ્યા. એમનો બીજો અવતાર ભારત આવ્યો. મુસ્લિમલીગ હોય કે મહાસભા; તેઓ અંગ્રેજોની મદદ કરી રહ્યા હતા અને અંગ્રેજો પણ તેમની મદદનું મૂલ્ય જાણતા હતા, અને એ મુજબ ચૂકવતા પણ હતા. જિન્નાને તેમની વફાદારીનો મોટો હિસ્સો મળી ગયો અને આ બિચારા રહી ગયા. એમને કાંઈ ન મળ્યું. ગાંધી અને નેહરુએ એમના હાથમાં કાંઈ આવવા દીધું નહીં. એ ગુસ્સો આજ સુધી એમનામાં ધરબાયેલો રહ્યો છે. આઝાદીની લડતમાં, દરેક પગલે અવરોધ ઊભો કરવા છતાં, અંગ્રેજોની આટલી મદદ કરવા છતાં, અમે તો રહી ગયા, અમને પણ મળવું જોઈએ. આ રોષે તેમને આજ સુધી જીવતા રાખ્યા છે.
આ એમની ફિલસૂફી છે. તેઓ કહે છે કે જે લોકો સેક્યુલર છે, તેઓ બધાં મેકોલેના સંતાનો છે. અરે ભાઈ! મેકોલેપુત્ર તો એ છે કે જે ‘ટુનેશન’ થિયરી પર ભરોસો કરતો હોય. જે લોકો એમ માને છે કે હિંદુ અને મુસલમાન બે અલગ કોમ છે, એ લોકો મેકોલેના સંતાન છે. એ લોકોમાં તમે સૌ, મુસ્લિમલીગ અને પાકિસ્તાન પણ આવી જાય.
એક ભૂલ તો એ છે કે તેઓ હિન્દુસ્તાનીને યોગ્ય રીતે સમજી શક્યા નથી. હિન્દુસ્તાનનો દરેક માણસ; પછી તે ડૉક્ટર હોય, એન્જિનિયર હોય, જજ કે આર્મી-ઑફિસર; દરેકનાં પેઢીઓ પૂર્વેનાં મૂળ તપાસીશું, તો જણાશે કે તે ખેડૂતનો પુત્ર છે. આપણે દરેકેદરેક લોકો ખેડૂતની સંતાનો છીએ. આઠ-દસ પેઢીનાં મૂળ તપાસીશું, તો આપણે ખેતી સાથે, ધરતી સાથે જોડાયેલા મળીશું. ખેડૂત કદી ‘અતિવાદી’ હોતો નથી, એના સ્વભાવમાં જ નથી. હા, એમ થવાની શક્યતા હોય છે કે તે પોતાની શરાફતથી કંટાળી જાય અને એમ વિચારે કે ભાઈ, ક્યાં સુધી આવા ને આવા જ રહેવું, થોડી વાર માટે બહેકી જાય, પણ પાછો તો ફરી જાય. હમણાં બેત્રણ દિવસ પહેલાં એક મુસ્લિમ-વિસ્તારમાં ફંકશન હતું, તો આપણા મુસલમાન ભાઈઓ ફરિયાદ લઈને આવી ગયા કે, ‘જુઓ સાહેબ! આજકાલ આમ થઈ રહ્યું છે, બધું બદલાઈ રહ્યું છે.’ મેં કહ્યું, ‘તમે લોકો ફિકર ના કરો. ઔરંગઝેબ જેવાએ આ દેશ ઉપર પચાસ વર્ષ શાસન કર્યું, તો શું બગાડી લીધું ? તો આ લોકો પાંચ વર્ષમાં શું બગાડી લેશે?’, આ પણ કાયમ રહેવાના નથી.
સવાલ એ છે કે આ લોકો જ્યારે હારશે ત્યારે શું થશે? શું તમે લોકો એ જ સેક્યુલારિઝમ લાવશો કે જેના કારણે આ લોકો આવી ગયા છે? કે પછી આ વખતે આપનું સેક્યુલારિઝમ સાચું સેક્યુલારિઝમ હશે?! માફ કરજો પણ આપણે બીજા લોકોની મર્યાદાઓ ખૂબ જોઈએ છીએ, આપણી પણ ભૂલો તપાસવી જોઈએ. આપણે સેક્યુલર હતા જ અને આ તથાકથિત સેક્યુલારિસ્ટ પાર્ટીઓ જ સત્તામાં હતી આટલાં વર્ષો, છેક ૧૯૫૦ની લગભગ આજ સુધી. આટલા દિવસોમાં કેટલાં પરિવર્તન આવ્યાં અને શું-શું નથી બદલાયું? હિંદુકોડ બિલ આવ્યું. એમાં કેટલાંક ફેરફાર થયા, હિંદુ પર્સનલ લૉ આવ્યો, એમાં ફેરફાર થતા. રહ્યા મુસ્લિમ પર્સનલ લૉમાં એવું તો શું હતું કે આપણે તેને સ્પર્શ પણ ના કર્યો. આપણે તો સેક્યુલર છીએ, તો પછી બધાના માટે બધા માટે બરાબર હોવો જોઈએ. આપણે મુસલમાનો સાથે એટલો ભેદભાવ કેમ રાખ્યો કે એને અડતાં જ ડર લાગે? ‘ટ્રિપલ તલાક’ને જોવા તપાસવામાં આટલો સમય થયો અને કર્યું ત્યારે સાવ ખરાબ રીતે? શું કામ? શું આ સેક્યુલારિઝમ છે? આવું સેક્યુલારિઝમ ચલાવશો તો આ શક્તિઓ પાછી આવશે. આપ રોકી નહીં શકો. એટલે આપણે આપણા સેક્યુલારિઝમને તપાસવાની, માંજવાની જરૂર છે. હવે તો જાગો! જે માણસે સેક્યુલારિઝમ માટે પોતાના પ્રાણ પાથરી દીધા, એને આપણી આ શ્રદ્ધાંજલિ હશે.
આપણે નકલી નહીં, અસલી સેક્યુલારિસ્ટ બનીએ. અમુક લોકોને કદાચ માઠું લાગશે, આપણા વામપંથી મિત્રોને પણ માઠું લાગી શકે છે, પણ ‘અલ્પસંખ્યક તુષ્ટિગુણ’ના આરોપમાં થોડું તથ્ય તો છે જ. અભિગમ બદલીએ, તૃષ્ટિકરણની રીતે વિચારવાનું બંધ કરીએ. ન્યાય થશે અને દરેકને માટે ન્યાય સુલભ થશે. આપણે ત્યાં જસ્ટિસ સિસ્ટમ, લિગલ સિસ્ટમ અને પોલીસમાં જ્યાં ભ્રષ્ટાચાર છે, તેને રોકવો જ પડશે. આપણા નેતાઓનો અંતરાત્મા નિષ્કલંક થાય. આપ આર.એસ.એસ. કે માર્ગ ભૂલેલી પોલીસને ત્યારે જ અટકાવી શકશો, જ્યારે આપ મુલ્લાને પણ ખોંખારીને કહી દો કે તારી બકવાસ બંધ કર. આમ નહીં કરો, તો આપ સાંપ્રદાયિક શક્તિઓને રોકી નહીં શકો. હવે આ નહીં ચાલે. તો આ આખરી તક છે કે આપ સેક્યુલારિઝમનો એક જ રસ્તો અપનાવો. આ વખતે ચૂકી જશો, તો સેંકડો વર્ષ સુધી ચૂકી જશો.
અનુવાદ : દિગંત મકવાણા
(૩૦ જાન્યુઆરી, ૨૦૧૯ – મહાત્મા ગાંધીના ૭૧માં બલિદાનદિવસની સ્મૃતિમાં મુંબઈની એક જનસભામાં આપેલ વ્યાખ્યાન, गांधीमार्ग, માર્ચ–એપ્રિલ–૨૦૧૯માંથી નોંધ : પ્યોલી)
સૌજન્ય: “નિરીક્ષક”, 16 મે 2019; પૃ. 03-04