સત્તરમી લોકસભા માટેના મતદાનની પ્રક્રિયા હવે ઉપાન્ત્ય તબક્કો વટી ચૂકી છે ત્યારે મળતા નિર્દેશો આગલા રાઉન્ડની જેમ જ ત્રિશંકુ લોકસભાનો સંકેત આપે છે. મોદી ભા.જ.પ. સૌથી મોટા પણ ચોખ્ખી બહુમતી વગરના પક્ષ તરીકે ઉભરે ત્યારે કેવુંક ચિત્ર સરજાશે એ અલબત્ત અનુમાનનો વિષય છે. ત્રણેક દાયકા પર રાજીવ ગાંધી અને કૉંગ્રેસ સૌથી મોટા પણ બહુમતી વગરના પક્ષ તરીકે ઊભર્યાં ત્યારે એમણે ભલે ગણતરી સરની પણ ગરવાઈભેર એવું વલણ લીધું હતું કે જનાદેશ અમારા પુનઃ સત્તારોહણ માટેનો નથી. ત્યાર પછી વિશ્વનાથ પ્રતાપસિંહના નેતૃત્વમાં બહારથી ભા.જ.પ. અને સી.પી.એમ.ના સમર્થનપૂર્વકની સરકાર બની હતી એનો જાગ્રત વાચકોને ખયાલ હોય જ. ધારો કે મોદી ભા.જ.પ. આવા સંજોગોમાં મુકાય તો તે શું કરશે?
અત્યારે એણે જે જીવસટોસટના જંગનું વલણ લીધું છે એ જોતાં તે બહુમતી વગરના પણ સૌથી મોટા પક્ષમાંથી જોડાણ અને ટેકાભેર બહુમતી હાંસલ કરી સત્તાસ્થાને બેસવા કોશિશ કરશે એમ માનવામાં એની તાસીર અને તકાજો જોતાં હરકત ન હોવી જોઈએ. જો કે, સંસદીય લોકશાહીની સાદી સમજ મુજબ આવી સરકારને સત્તારૂઢ થવાનો અધિકાર છે એ પણ એક હકીકત છે.
અત્યારે આપણી ચર્ચાનો ઠીકઠીક હિસ્સો કૉંગ્રેસ અને ભા.જ.પ.ની ફરતે ચાલે છે. નરેન્દ્ર મોદી આ જંગને નમો વિ. રાહુલ એવો આમળો આપી પોતાની સરસાઈ હાંસલ કરવાના વ્યૂહમાં સ્વાભાવિક જ રમે છે. આ સરસાઈની શોધમાં એમણે રાહુલના પિતા રાજીવને પણ ચૂંટણી જંગનો લાભ આપવા ધાર્યો છે. તે આઈ.એન.એસ. વિરાટ ઘટનાથી સ્પષ્ટ સમજાય છે. આપણા રાજ્યકર્તાઓને છેલ્લા દાયકાઓમાં અરુણ શૌરિએ પૂર્વે ઇંદિરાજી સંદર્ભે નિર્દેશ કર્યો હતો તેમ ‘સ્ટેટ એઝ પ્રાઈવેટ એસ્ટેટ’ની મનોવૃત્તિ ઠીક સદી ગઈ છે. ન તો રાહુલ ગાંધી એ મુદ્દે નિરપવાદ હતા, ન તો એ પછીના આજ સહિતનાઓ પૈકી મોટાભાગના છે. જો કે, આ ક્ષણે એ વિગત ઉછાળી એને રાજીવ સાથે ગોટવી દઈ વર્તમાનમાં પોતે છૂટી જવાનો નમો વ્યૂહ નાગરિક ભાગ્યે જ સ્વીકારી શકે. રાજીવ ગાંધીની ટીકા તે તમાસા વર્તમાન કાર્યહિનારાબ નથી. જેમ ગુજરાતના સંહારસત્રની ટીકા કરવાનું તેમ શીખ સંહારસત્રની ટીકા કરવાનું આ લખનવ સહિત અનેકને ભાગે આવ્યું હશે. પણ ‘ધ અધર’ના સ્થાયી વેરભાવની રાજનીતિ (ભા.જ.પ.) અને ‘ધ અધર’ના ક્ષણાવેશી વેરભાવની રાજનીતિ (કૉંગ્રેસ) બેઉની ટીકા બરકરાર છતાં બંનેને એક લાકડીએ હાંકી શકાય નહીં. ભા.જ.પ. હસ્તક ‘ગોરક્ષા’ સહિતની રીતે ચાલુ રહેલ હમણેનું વૈરસત્ર કૉંગ્રેસના ૧૯૮૪નું વિચલનથી આ ક્ષણે ક્ષમ્ય બનતું નથી.
પ્રાદેશિક પક્ષો કોઈક છેડેથી ‘કિંગમેકર’ સરખી અગર પહેલકારી ભૂમિકા કેટલે અંશે ને કેવીક ભજવશે તે પણ હમણેનાં અનુમાનોમાં ખાસો હિસ્સો રોકે છે. પ્રાદેશિક પક્ષોની સહિયારી સત્તાચેષ્ટા કૉંગ્રેસ કે ભા.જ.પ. કોને કેવી અને કેટલી ફળશે તે અલબત્ત જોવું રહેશે. તેમ છતાં, જે વાનું પાધરું પમાતું નથી અને પૂરું પકડાતું નથી તે કદાચ જુદું જ છે : બહુ ઝડપથી આપણે એવી પરિસ્થિતિમાં મુકાઈ રહ્યા છીએ જેમાં નિર્ણયનો મુદ્દો આ કે તે પક્ષ અગર તો ફલાણી સંકલના જેટલો સરળ અને સપાટ નથી.
આ સવાલ સંકુલ એટલા માટે છે અને હોવાનો છે કે એમાં નિર્ણયનો મુદ્દો કૉંગ્રેસ કે ભા.જ.પ. કે બીજા એ નહીં એટલો તમને અને મને કેવું ભારત ખપે છે એનો છે. સ્વરાજ પછી પહેલી જ વાર – જો કે કટોકટીકાળના જળથાળ પડકારનો અપવાદ બાદ કરતાં – આપણે એક પ્રજા તરીકે આવી પરિસ્થિતિમાં મુકાયા છીએ. ૧૯૭૭ની શકવર્તી ચૂંટણીમાં પક્ષ ‘અ’ વિ. પક્ષ ‘બ’ જેટલો સાદો મુદ્દો નહોતો, પણ લોકશાહી વિ. અધિકારશાહી એ એનું વાસ્તવિક સ્વરૂપ હતું.
સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે ૧૯૭૭ની ચૂંટણીએ જયપ્રકાશના આંદોલનની આબોહવામાં રચાયેલ પક્ષના એક ઘટક તરીકે જનસંઘ (ભાવિ ભા.જ.પ.) માટે રાષ્ટ્રીય રાજકારણમાં અનુકૂળતા કરી આપી. જેમણે કટોકટીરાજ જોડે રહેવું પસંદ કર્યું હતું એ સૌ જનતંત્રને વરેલ જેપી જનતા બળોને એવો ટોણો મારવાનું પણ ચૂકતા નથી કે તમે જનસંઘને અનુકૂળતા કરી આપી. ઉપલક ઉભડક રીતે આ ટોણાને માટે અવકાશ નથી એવું પણ નથી. માત્ર, જેમણે કટોકટીરાજ સાથે રહેવું પસંદ કર્યું એમણે સામી છાવણીમાં જનસંઘની પ્રતિષ્ઠાની સગવડ કરી આપી એ એમને અને બીજાને ઝટ સમજાતું નથી. જે બીજું નથી સમજાતું તે એ કે જનતા છાવણીમાં જનસંઘ એ જનસંઘ હોવાને કારણે નહીં પણ કટોકટીરાજના વિરોધી સામાવડાના અંગ તરીકેના વૈચારિક અને વ્યૂહાત્મક ઘેરાવમાં હતો.
એ જનસંઘ (હવે ભા.જ.પ.) આજે નથી. આ લખનારને યાદ છે, ક્યારેક અડવાણીની હેડીના ભા.જ.પ. શ્રેષ્ઠીએ નરસિંહરાવને લાલબહાદુર શાસ્ત્રી પછીના અચ્છા કૉંગ્રેસી વડાપ્રધાન તરીકે ઓળખાવ્યા હતા. નરસિંહ રાવ અને મનમોહન સિંહે (વડાપ્રધાન અને નાણાપ્રધાનની જોડીએ) કથિત નવી આર્થિક નીતિ દાખલ કરી અને ભા.જ.પે. એમાં પોતાનાં આર્થિક વલણોની સ્વીકૃતિ જોઈ ત્યારે આ લખનારે અને બીજા એકબે મિત્રોએ અડવાણીને પૂછ્યું હતું કે હવે તમારો અને કૉંગ્રેસનો જુવારો શું કામ રાખો છો? (બલરાજ મધોકે એક તબક્કે કૉંગ્રેસ-જનસંઘ એકત્ર આવે એવી હિમાયત કરી પણ હતી.) અમારી ચર્ચામાં અડવાણીનો સ્પષ્ટ પ્રતિભાવ વિપળના પણ વિલંબ વગર એ હતો કે અમારું અસ્તિત્વ આર્થિક નીતિને ધોરણે નહીં પણ ચોક્કસ ઓળખવશ છે. ‘બિના હમારી હિંદુ પહચાન કે હમ, હમ નહીં રહેંગે.’
જનતા અવતાર પછીના જનસંઘે, ભા.જ.પ. રૂપે, અગાઉના જનસંઘ કરતાં જુદી પહેચાન બનાવવાની કોશિશ કરી જોઈ પણ વાત ન જામી એટલે એણે વળી ‘હિંદુ પહેચાન’ની કમર કસી અને દેશે અયોધ્યાય જ્વર અગર જુવાળ સાથે એનો સીધો સાક્ષાત્કાર કર્યો. જો કે તો પણ વ્યાપક સ્વીકૃતિ માટે આગળ ચાલતાં અડવાણી નહીં – રિપીટ, અડવાણી નહીં – પણ વાજપેયીના નેતૃત્વમાં પેલી પહેચાન ફરતે એક ઉદાર છબીનું ભામંડળ એણે રચવું પડ્યું તે આપણે ૧૯૯૮-૨૦૦૪ની ભા.જ.પ. રાજવટ હસ્તક જોયું છે. આ રાજવટને ૨૦૦૨માં જે બટ્ટો લાગ્યો તેણે એને ૨૦૦૪માં ‘ફિલગુડ’ અને ‘ઇન્ડિયા શાઈનિંગ’ છતાં સત્તા ખોવડાવી એવું વાજપેયીએ અસંદિગ્ધ શબ્દોમાં કહેલું છે.
બીજી બાજુ, ૨૦૦૨માં જેમણે ચોક્કસપણે લાભ જોયો એમણે જૂના જનસંઘનાં આરંભિક વર્ષોના પોતાના વૈકલ્પિક વિમર્શ(હિંદુ પહેચાન)ના રાજકારણની ધૂણી ઓર ધખાવી. અલબત્ત, એની સાથે વિકાસનો વેશ પણ જોડવાપણું જોયું. ૧૯૯૨માં અયોધ્યા લેતાં લખનૌ ખોયું હશે, ૨૦૦૨માં ગુજરાત સાચવતાં ૨૦૦૪માં દિલ્હી ખોયું. પણ છેવટે ૨૦૧૪માં ભલે અડવાણીને કોરાણે મેલીને પણ પેલો વૈકલ્પિક વિમર્શ ૩૧ ટકે ગાદીનશીન થયો.
આજે ત્રિશંકુ લોકસભાની સંભાવના વચ્ચે મોદી ભા.જ.પ.નો જીવસટોસટનો જંગ વ્યક્તિગત સત્તા ઉપરાંત પોતાના વિમર્શના દૃઢીકરણ વાસ્તે છે. ૨૦૧૪થી શરૂ કરેલી પ્રક્રિયા (ગાંધીનેહરુપટેલની સ્વરાજગામી રાજનીતિને ધોરણે જો કે વિક્રિયા) એ ચાલુ રાખવા માગે છે. સ્વરાજસંગ્રામ અને સ્વરાજનિર્માણના લાંબા દોરમાં જે સર્વસમાવેશી વિમર્શ હતો તે સિવાયનો વિમર્શ એને ખપે છે. આ વિમર્શ કઈ દિશામાં હશે એનાં પૂરતાં ઇંગિતો આપણને અગાઉનાં વરસો કરતાં વધુ સ્પષ્ટપણે હમણેનાં વરસોમાં મળ્યાં છે. યથાપ્રસંગ એને અંગે સમાંતરપણે અહીં ટીકાનિર્દેશ કરવાનું થતું રહ્યું છે. વાચક જો છેલ્લાં પાંચ વરસના આ સરકાર, આ સત્તાપક્ષ અને આ પરિવારના ક્રિયાકલાપને સમગ્રપણે જોશે તો તેને પણ તે સમજાઈ રહેશે. ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ પછી એકાએક જ યોગી આદિત્યનાથની મુખ્યમંત્રીપદે પ્રતિષ્ઠા થઈ કે હમણાં ભોપાલમાં છેલ્લી ઘડીએ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરનો પ્રવેશ થયો તેનું ચોક્કસ લૉજિક છે.
ખબર નથી, કૉંગ્રેસને કે કથિત ફેડરલ મોરચાને અગર નવા મતદારને કેટલું સમજાય છે કે પક્ષો વચ્ચે નહીં પણ ‘ભારત’ માટેની લડાઈ આ છે. ધારો કે ભા.જ.પેતર વડપણ હેઠળની કોઈ મીલીજુલી રચના બની એટલા માત્રથી ભારત માટેની કોશિશ ને કશ્મકશ પૂરી થવાની નથી. આવી કોઈ સૂચિત રચના પછી અને છતાં, રાહતના લગરીક શ્વાસ પછી અને છતાં, કેટલે વીસે સો થશે એવો એક દુર્ગભેદી પડકાર તો નાગરિક સમક્ષ નિશ્ચે હોવાનો છે.
સૌજન્ય: “નિરીક્ષક”, 16 મે 2019; પૃ. 01-02