હું એવું દ્રઢપણે એમ માનું છું કે દરેક સમાજને સમાજની અંદર આંતરિક સુધારાઓ કરવા દેવાની તક આપવી જોઈએ. ૧૮૫૭માં વિદ્રોહ થયો એનું એક કારણ અંગ્રેજોએ હિંદુ સમાજમાં સુધારાવાદી હિંદુઓની પહેલથી સુધારાઓ કરવા દેવાની જોઈતી તક આપ્યા વિના પોતાની મેળે જ સુધારાઓ કરવા માંડ્યા અને ઉપરથી લાદવા માંડ્યા એ હતું. કાયદાકીય સુધારાઓ કાયદાપોથીમાં જ રહેતા હોય છે અને પ્રબોધન અને સમજાવટ પછી કરવામાં આવતા સુધારાઓ લોકો અપનાવતા હોય છે. એ પછી એવો સમય આવી શકે છે જ્યારે કાયદો કરવાની પણ કોઈ જરૂર રહેતી નથી. જેમ કે માણસે માણસનું ભક્ષણ ન કરવું જોઈએ એવો કોઈ કાયદો જગતમાં કોઈ જગ્યાએ છે?
ભારતનું બંધારણ ઘડાતું હતું ત્યારે એક સરખા નાગરિક કાયદા અને એવી કેટલીક બાબતો આપણા વડીલોએ ભાવિ પેઢી પર છોડી હતી. તેમને કહેવામાં પણ આવ્યું હતું કે તેમણે પોતાના સમાજની અંદર અને વ્યાપક અર્થમાં દેશની અંદર લોકપ્રબોધન દ્વારા સર્વસંમતિ બનાવવાની છે. સમાજ તૈયાર થઈ જશે એ પછી જે ચીજ છૂટી ગઈ છે તેને બંધારણનું અને કાયદાનું અંગ બનાવવામાં આવે. સમાજ એક શક્તિશાળી વગદાર અંગ છે એ હકીકતનું ભાન માર ખાધા પછી અંગ્રેજોને થયું હતું અને આપણું બંધારણ ઘડનારાઓએ એની જાણ હતી.
સમાજ એક શક્તિશાળી વગદાર એકમ છે અને તેની પોતાની પરિવર્તનની ગતિ હોય છે એ વાત સાચી, પરંતુ જો કોઈ સમાજમાં જોઈએ એવો કોઈ પ્રયત્ન જ ન થતો હોય અને દરેક વખતે સુધારાની વાત આવે એટલે બંધારણે આપેલા ધર્મસ્વાતંત્ર્યના અધિકારનો અને ભારતના લોકતાંત્રિક સેક્યુલર ઢાંચાની યાદ અપાવીને તેનો આશ્રય લેવામાં આવે એ ક્યાં સુધી વ્યાજબી છે? રાષ્ટ્રમાં જેમ સમાજ એક શક્તિશાળી, વગદાર, ધબકતું, ગતિમાન અને જીવંત એકમ છે તો વ્યક્તિ પણ એક ધબકતી, ગતિમાન અને જીવંત એકમ છે. વ્યક્તિ એકલ વ્યક્તિ હોવાને કારણે તેમાં શક્તિ અને વગનો અભાવ હોય છે. જો કે એમાં પણ ગાંધીજીએ કહ્યું છે એમ આત્મબળ અને આપભોગની શક્તિ હોય તો સો હાથીની તાકાત પણ તેને હલાવી શકતી નથી.
સવાલ એ છે કે સમાજની વાત સાંભળવી જોઈએ તો વ્યક્તિની શા માટે નહીં? રાષ્ટ્રનો, રાજ્યનો અને બૃહદ સમાજનો એ ધર્મ છે. માનવીએ સમાજ રચ્યો છે, સમાજે માનવીનું સર્જન નથી કર્યું. ધર્મ, જ્ઞાતિ કે બીજી કોઈ ઓળખના નામે સમાજો રચાતા હોય છે. રચાયેલા સમાજના રીતિરીવાજો દરેક યુગમાં અને દરેક પ્રદેશમાં કાયમ માટે પ્રાસંગિક હોય એ જરૂરી નથી. જ્યારે જે તે સમાજના લોકોને એમ લાગે કે ચોક્કસ રીતિરિવાજ તેમને અન્યાય કરનારા છે અથવા બદલાતા સમય સાથે વિસંગત છે અને તેઓ તેમાં પરિવર્તન કરવાની માગણી કરે ત્યારે સમાજના ડાહ્યા લોકોએ તેમના વિચારો કાને ધરવા જોઈએ. જગત આખામાં દરેક સમાજમાં સુધારાઓ એકલ દોકલ વ્યક્તિ દ્વારા અને તેમના રચાતા સમૂહો દ્વારા નીચેથી થયા છે ઉપરથી નથી થયા. જે ઉપર હોય તેને પરિવર્તનનો ખપ હોતો નથી, ઊલટું પરિવર્તન ન થાય અને યથાવત સ્થિતિ જળવાઈ રહે તેમાં તેમના સ્થાપિત હિત હોય છે.
બને છે એવું કે દબાયેલા અને ગુંગળામણ અનુભવનારા લોકો જ્યારે કેટલાક રિવાજો સામે પ્રશ્ન કરે છે ત્યારે તેમને આપણો સમાજ કેટલો પ્રાચીન છે અને કેટલો મહાન છે એની યાદ અપાવવામાં આવે છે. અરે ભાઈ જે પરિવર્તન ઈચ્છે છે એનું શું? એ પરિવર્તન એટલા માટે ઈચ્છે છે કે તેમને પ્રસ્થાપિત વ્યવસ્થાની કિમત ચૂકવવી પડે છે. કેટલાક વળી મોટા સમાજ સુધારાને વરેલા નથી, પણ તેમને કોઈક ચીજ પસંદ નથી. તેમને પરિવર્તનનો અથવા આઝાદીપૂર્વક પોતાની રીતે જીવવાનો અધિકાર ખરો કે નહીં?
ધારો કે કોઈ પુરુષ સમલિંગી હોય અને સમલિંગી સાથે સંબંધ રાખવા માગે છે, અથવા કોઈ મુસ્લિમ યુવતીને બુરખો નથી પહેરવો કે પછી કોઈ હિંદુ સ્ત્રી ઘૂંઘટ દ્વારા મોઢું ઢાંકવા નથી ઈચ્છતી અથવા બ્રાહ્મણ યુવતી કોઈ દલિતને પરણવા માગે છે, અથવા કોઈ બહોરા યુવતી ખટના કરાવવા નથી માગતી અથવા કોઈ હિંદુ ઈચ્છે કે તેને દફનાવવામાં આવે કે કોઈ મુસલમાન ઈચ્છા વ્યક્ત કરે કે તેને અગ્નિદાહ આપવામાં આવે. રોજ મંદિરે દર્શન કરવા જતી સ્ત્રી માસિકપાળીમાં પણ મંદિરમાં જવા માગે છે કારણ કે માસિક ધર્મ એ અપીવિત્ર નથી. તો આ લોકોને તેમની રીતે જીવવાનો અને મરવાનો અધિકાર ખરો કે નહીં? આ તો ભારતના સંદર્ભમાં આપેલા થોડા દાખલાઓ છે, બાકી જગતમાં વ્યક્તિ કે નાનકડા સમૂહના ઘણા આવા પ્રશ્નો છે જેના વિષે સમાજના શક્તિશાળી લોકો અસંવેદનશીલ વલણ ધરાવે છે. કારણ કે સમાજ શક્તિશાળી અને વગદાર છે એટલે રાજ્ય વચ્ચે પડીને બહુ છંછેડવાની હિંમત નથી કરતું. જે વગદાર અને શક્તિશાળી છે એ સમાજ નામના પીરામીડ પર ઉપર બેઠેલા લોકો છે, સમાજ નથી. આમ રાજ્ય સમાજના કબજામાં છે અને સમાજ વગદાર લોકોના કબજામાં છે. ગૂંગળાય એ છે જે ઉપર કહ્યા એવા લોકો છે. તેઓ પોતાની રીતે પોતાનું જીવન જીવવા માગે છે અને મરવા માગે છે.
રાજ્યના અને સમાજના વગદાર લોકોની વાત જવા દો, આપણું વલણ કેવું છે? આપણે નામના સમૂહને પણ જવા દો, વ્યક્તિગત રીતે તમારું પોતાનું વલણ કેવું છે? ઉપર કહ્યા એવા એક એક પ્રશ્ન તપાસતા જાવ અને તમારા વલણને ચકાસતા જાવ. તમે જો સમલિંગી નહીં હો અને રોમેરોમમાં નખશીખ ઉદારમતવાદી પણ નહીં હો તો તમને સમલિંગીઓની માગણી અનુચિત લાગશે, પણ તમે જો સમલિંગી હશો તો તમને આવી માગણી વાજબી લાગશે. બીજી બાજુ એવું પણ બને કે બ્રાહ્મણ યુવતી દલિત યુવક સાથે લગ્ન કરવા માગે તો તેનો વિરોધ પણ કરો. તમે જો નખશીખ ઉદારમતવાદના સંસ્કાર નહીં પામેલા હિંદુ હશો તો તમને બુરખો નહીં પહેરવાની મુસ્લિમ યુવતીની માગણી બહુ ઉચિત લાગશે; પરંતુ હિંદુ સ્ત્રીએ કેટલીક મર્યાદા જાળવવી જોઈએ અને સ્ત્રી પરિવારની પોષક હોવાથી પરિવારોને તૂટતા બચાવવા જોઈએ એમ કહેશો. તમે જો દલિત હશો તો બ્રાહ્મણ યુવતીની દલિતને પરણવાની ઈચ્છા તેનો અધિકાર લાગશે, પણ જો બ્રાહ્મણ હશો તો તેમાં સંસ્કારોના પ્રશ્નો કરશો. આવી રીતે એક એક કરીને ઉપરના પ્રશ્નો તપાસો અને તમે કેટલા ઉદાર છો એ તપાસી જુઓ.
પ્રામાણિકતાથી એક એક પ્રશ્ન લઈને તમે તમારા વલણને ચકાસો. આના દ્વારા તમને ખ્યાલ આવશે કે તમે કેટલા માણસ છો. બીજા માણસની સ્વતંત્રતાની જે કદર કરે એ માણસ.
10 મે 2019
સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 12 મે 2019
![]()

