દુનિયાની સૌથી મોંઘી અને દેશમાં સૌથી લાંબો સમય ચાલનારી 2019ની લોકસભાની આ ચૂંટણી છે.
દુનિયાભરમાં ચર્ચાસ્પદ બની હતી અમેરિકાની 2016ની પ્રેસિડેન્ટની ચૂંટણી. જેમાં નિમ્ન કક્ષાના આક્ષેપ-પ્રતિઆક્ષેપ, જૂઠ સામે જૂઠ અને અનેકાનેક કાવાદાવા ચૂંટણી પ્રચારમાં સંકળાયેલા હતા અને તે ચૂંટણીમાં નિષ્ણાતોના અંદાજ મુજબ 46,000 કરોડ રૂપિયા ખર્ચાયા હતા.
અમેરિકાની એ ચૂંટણી કરતાં પણ વધુ નાણાં આપણી આ વખતની લોકસભાની ચૂંટણીમાં ખર્ચાઇ રહ્યા છે. સેન્ટર ફૉર મીડિયા સ્ટડીઝના રિપોર્ટ પ્રમાણે ગઈ 2014ની ચૂંટણી કરતાં 40% વધારે એટલે કે 50,000 કરોડથી પણ વધારે રૂપિયા આ ચૂંટણીમાં ખર્ચાશે.
જ્યારે બીજી બાજુ જોઈએ તો દેશનું સૌથી મોટું દિલ્હીમાં આવેલું ચૂંટણી પ્રચાર સામગ્રીનું બજાર આ વખતે ભારે મંદી અનુભવી રહ્યું છે. દિલ્હીના પત્રકારોના અહેવાલો મુજબ 2014ની ચૂંટણીમાં જે પ્રકારનાં તોરણો, ઝંડા, બિલ્લા, ટોપીઓ, બેનર્સ અને અન્ય પ્રચાર સામગ્રીઓ વેચાઈ હતી તેના 25%થી પણ ઓછું વેચાણ આ વખતે જોવા મળ્યું છે. કેટલાક જથ્થાબંધ વેપારીઓનાં તો રોકાણ પણ સલવાઈ ગયા છે એવું બજારનું માનવું છે.
એક બાજુ આ નિષ્ણાતો માને છે કે દુનિયામાં સૌથી વધુ મોંઘી ભારતની લોકસભાની આ ચૂંટણી છે અને બીજી બાજુ પ્રચાર સામગ્રીનું બજાર ઠંડું છે તો આ બધાં નાણાં ખર્ચાય છે ક્યાં ?
આ વખતની ચૂંટણીમાં સૌથી વધુ નાણાં મીડિયામાં – છાપાં-ટી.વી.માં અને સોશ્યલ મીડિયામાં વપરાઈ રહ્યાં છે. સેન્ટર ફૉર મીડિયા સ્ટડીઝના રિપોર્ટ પ્રમાણે આ ચૂંટણીમાં 3,000 કરોડ રૂપિયા મીડિયા પાછળ ખર્ચાઈ રહ્યા છે, જેમાંથી 500 કરોડ રૂપિયાથી વધુ તો સોશ્યલ મીડિયામાં !
અને તે સંદર્ભે જોઈએ તો 10 માર્ચે ચૂંટણી જાહેર થઈ અને ઠેઠ 23 મે સુધી ચાલવાની છે. ખાસ કરીને મતદાન જ સાત તબક્કામાં લાંબું મહિનાભર ચાલી રહ્યું છે.
ચૂંટણી પંચે જ્યારે આ મહિનાભરની તારીખોનો લાંબો ચૂંટણી કાર્યક્રમ જારી કર્યો, ત્યારે જ તે વિવાદનો વિષય બન્યો હતો.
ચૂંટણી કમિશન આપણા દેશમાં એક સ્વાયત્ત સંગઠન છે. અત્યાર સુધી એની ગરિમા અને મહત્ત્વને જાળવવામાં જાતભાતના ચૂંટણી કમિશનરો અને મુખ્ય ચૂંટણી કમિશનરોની તટસ્થ કામગીરી અગત્યની રહી છે.
ચૂંટણી ટાણે સત્તાધારી કે વિપક્ષ, તમામ રાજકીય નેતાઓ એક કક્ષાએ આવી જાય, સુવિધાઓ અને કાયદાકાનૂન ને વ્યવહારની દૃષ્ટિએ પણ એક કક્ષાએ આવી જાય અને તો જ ચૂંટણી તમામને માટે ન્યાયપૂર્ણ ને સુયોગ્ય બની રહે તેવો આદર્શ આપણે સ્વીકારેલો છે.
જેમ દોડની હરીફાઈ હોય તો એક જ પટ્ટા પર, એક જ લીટીમાં ટ્રેક પર તમામ હરીફ દોડવીરોએ ઊભા રહેવાનું હોય છે. કોઈ આગળ-પાછળ ન હોય અને એક જ વ્હિસલ કે ગીનતી સાથે એક સાથે જ દોડ આરંભાતી હોય છે.
આ જ નિયમ ચૂંટણીપંચે ચૂંટણી વખતે નિભાવવાનો હોય છે. સત્તાધારી પક્ષ પાસે તંત્રો પર કાબૂ હોય, અધિકારીઓ પર પકડ હોય અને જે સરકારી સુવિધાઓ તેને સરળતાથી મળી રહેતી હોય છે તે તમામ પર ચૂંટણી કમિશનના અધિકારીઓની નિગરાની આવી જતી હોય છે.
અને તે સંદર્ભે જોઈએ તો ચૂંટણીની તારીખો અને સમયાવધિ માટે તમામ પક્ષો અને લાગતાં વળગતા તંત્રોની સહમતિ અને સામેલગીરીથી જ, સહિયારી ચર્ચા વિચારણાથી જ ચૂંટણી કાર્યક્રમ ઘડાવો જોઈએ.
પરંતુ આપણે અત્યારે જોઈએ છીએ કે આ ચૂંટણી પ્રક્રિયાને સાત તબક્કામાં વહેંચી દેવાયેલી છે. એટલે જેમની પાસે લાંબા સમય સુધી મીડિયામાં પ્રચાર માટેનાં નાણાં છે, યા મીડિયા માલિકો પર જ જેમનું વર્ચસ્વ છે, તેને અપ્રત્યક્ષ રીતે પ્રચાર કરવાનો અને સતત પ્રચાર કર્યા કરવાનો વિશેષ લાભ મળે છે.
સત્તાધારી ભા.જ.પ. પાસે સૌથી વધુ ચૂંટણી ફંડ છે, એ જગજાહેર છે એટલે તેને આ દોઢ મહિના લગી સતત પ્રચારની તક મળી રહે તે સ્વાભાવિક છે.
અન્ય રાજકીય પક્ષો પાસે એટલી નાણાંકીય તાકાત ન હોય અને નાણાંકીય તાકાત જ આજના બજારુ સમાજમાં વધુ કાર્યકરોને ખરીદવા કે કામગીરી માટે રોકવા સહેલી બને છે તે સુસ્પષ્ટ છે.
આ ઉપરાંત ચૂંટણી પંચ છેલ્લા છ દાયકાથી જે કાર્ય પ્રણાલીથી કામ કરી રહ્યું છે તેમાં પણ ઊણું ઊતરતું આપણે સૌએ દિન પ્રતિદિન જોઈ રહ્યા છીએ.
ચૂંટણીના પ્રથમ તબક્કામાં જ સત્તાધારી અને વિપક્ષ બંનેના નેતાઓએ દેશના પાયાગત લોકલક્ષી મુદ્દાઓને ચર્ચવાનાં બાજુએ મૂકી વ્યક્તિગત આક્ષેપ-પ્રતિઆક્ષેપ અને કોમ-કોમ વચ્ચે, લઘુમતી-બહુમતી વચ્ચેની દિવાલો ઊભી કરવાનાં રસ્તે બેફામ નિવેદનો-ભાષણો કરવાનાં ચાલુ કરી દીધાં!
દેશના વડાપ્રધાનથી માંડી, જેમની પાસે તટસ્થતાની અપેક્ષા બંધારણીય જોગવાઇના હિસાબે રખાય છે, પક્ષાપક્ષીથી પર જેમનનો હોદ્દો ગણાય છે અને રાજ્યના પ્રથમ નાગરિક ગણવામાં આવે છે તેવા રાજ્યપાલના હોદ્દે બેઠેલા, ભૂતપૂર્વ ભા.જ.પ.ના નેતા કલ્યાણ સિંહે પણ પોતાના નેતાને વડાપ્રધાન મોદીના બેફામ વખાણ શરૂ કરી દીધાં !
આ અંગે દેશના રાષ્ટ્રપતિ અને ચૂંટણી પંચે વિશેષ કોઈ કાર્યવાહી કરી નહીં !
અને વડાપ્રધાને તો કોઈની ય સાડાબારી રાખ્યા વિના ચૂંટણી આચારસંહિતાના બધાં જ નિયમો છાપરે ફેંકી દીધાં, તડકે મૂકી દીધાં !
વડાપ્રધાનનું સૌથી વિવાદાસ્પદ નિવેદન સૈન્યની કામગીરીને પોતાના નામે અંકે કરવાની છે.
દેશની ચૂંટણી આચારસંહિતામાં મહત્ત્વનો મુદ્દો છે કે સૈન્ય જેવાં દેશના સંરક્ષણમાં લાગેલાં તંત્રોની કામગીરીનો ઉપયોગ ચૂંટણી પ્રચારમાં ન કરવો. કોઈ સામાન્ય પાર્ટી કાર્યકરે નહીં પણ ભા.જ.પ. સર્વોચ્ચને પાછાં દેશના વડાપ્રધાને જ આ આચાર સંહિતાનો ભંગ કરતા એક ચૂંટણી સભામાં ભાષણ કરતા યુવાનોને સંબોધી જણાવ્યું કે 'પહેલી વાર વોટ આપવા જનારા યુવાનો જ્યારે મત આપવા જાય ત્યારે પુલવામાના શહિદોને યાદ રાખીને વોટ આપે …' આવી અપીલ કર્યા બાદ બીજી બે ત્રણ વાત કર્યા પછી એ જ ભાષણમાં કહ્યું કે બટન તો કમળનું જ યુવાનો દબાવજો …'
જ્યારે ભા.જ.પ.ના રાષ્ટ્રીય પ્રમુખે તો કૉન્ગ્રેસ જીતશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે એવી વાત જ કરી નાખી !અને જાણે કે આ ચૂંટણી ભારત વિરુદ્ધ પાકિસ્તાન હોય એવાં દ્વેશભર્યા ભાષણોની પરંપરા સર્જી.
અને આપણા ગુજરાતમાં બીજા ચરણમાં ચૂંટણી પૂરી થઈ એ પૂર્વે ગુજરાત પ્રદેશ ભા.જ.પ. પ્રમુખે કૉન્ગ્રેસના નેતાઓને 'હરામજાદા' કહ્યા અને તેના પ્રત્યાઘાતમાં ત્રીજા દિવસે કૉન્ગ્રેસી નેતાએ ભા.જ.પ.ના નેતાઓને 'હરામખોર' કહ્યા ..!
આ બંને નેતાઓ સામે ચૂંટણીપંચ માં ફરિયાદ થઈ પણ ચૂંટણીપંચ આ વખતે એવી ઢીલી રીતે યા એવી અનોખી રીતે કામ કરે છે કે ગુજરાતમાં ચૂંટણી પૂરી થઈ ગઈ, તેનાં પાંચ દિવસ પછી 72 કલાક ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધની સજા આ ભા.જ.પ.ના પ્રદેશપ્રમુખને થઈ !
હવે આ કેટલી હાસ્યાસ્પદ વાત છે !
અને દેશના વડાપ્રધાન અને ભા.જ.પ.ના રાષ્ટ્રીય પ્રમુખ સામે કુલ આઠ ફરિયાદો આચારસંહિતા ભંગ કરવા માટેની થઈ છે. તે ફરિયાદોની કાર્યવાહી પણ જે તે ભાષણસ્થળના, રાજ્યના ચૂંટણી અધિકારી થી શરૂ થઈ ચૂકી પણ આ ફરિયાદોના 21 દિવસ પછી અને તે પણ જ્યારે ફરિયાદકર્તાઓ સુપ્રીમ કોર્ટમાં ગયા અને ઇલેક્શન કમિશન અમારી ફરિયાદો પર ધ્યાન આપતું નથી, એ અંગે ન્યાય માંગતી અરજી કરી ત્યારે સુપ્રીમ કોર્ટે તાત્કાલિક આ ફરિયાદોનો ઉકેલ લાવવા ઇલેક્શન કમિશનને તાકીદ કરી, ત્યારે મુખ્ય ચૂંટણી કમિશનર અને તેમના સહયોગી બે કમિશનરોએ આ ફરિયાદોને હાથમાં લીધી અને એક વિરુદ્ધ બેની બહુમતીના જોરે મોટાભાગની ફરિયાદોમાં વડાપ્રધાન અને ભા.જ.પ.ના રાષ્ટ્રીય પ્રમુખને ક્લિન ચીટ આપી દીધી … એક માત્ર ચૂંટણી કમિશનર અશોક લવાસાએ આ ફરિયાદોને મુદ્દે વડાપ્રધાનને આચાર સંહિતા ભંગ માટે દોષિત ઠેરવવાનો પોતાનો મત વ્યક્ત કર્યો …!
જે જે શહેરોમાં વાંધાજનક ભાષણો થયાં ત્યાંના ચૂંટણી અધિકારીઓએ આચારસંહિતાનો ભંગ થાય છે તેવી કાર્યવાહી ફરિયાદોનાં સંદર્ભે તૈયાર કરી દિલ્હી વડી કચેરી ખાતે મોકલી આપી. પરંતુ આ વિધાનો સીધાં પોતાનાં પક્ષની તરફેણ કરનારા નથી યા મત માંગવા માટે નથી, એવાં અર્થઘટનો કરી આચાર સંહિતાનો ભંગ થતો નથી એવો ન્યાય બહુમતીના જોરે તોળી કાઢ્યો !
અને આ જ પ્રકારનાં બેફામ વિધાનો કરવા બદલ આદિત્યનાથથી માંડી સાધ્વી પ્રજ્ઞા અને માયાવતી દેવી જેવાં અનેક નેતાઓને 72 કલાકના પ્રચાર પ્રતિબંધની સજાઓ ઇલેક્શન કમિશન અત્યાર સુધી ફટકારી ચૂક્યું છે. સાધ્વી પ્રજ્ઞાએ તો મુંબઈ આતંકવાદી હુમલાઓમાં સામી છાતીએ લડતા અને પ્રજ્ઞા સામેનો જ આતંકવાદી બોમ્બ ધડાકા કેસમાં તેને આરોપી ગણી તપાસ કરનારા પોલિસ અધિકારી હેમંત કરકરેને પોતે શ્રાપ આપેલો અને એટલે એ પાકિસ્તાની આતંકવાદીના હાથે મોતને ભેટ્યા એવું ચૂંટણી પ્રચાર સભામાં જણાવ્યું, અને વિશેષમાં તેણે બાબરી મસ્જિદ તોડવામાં અગત્યની સામેલગીરી પોતાની હતી તેનું ગૌરવ પણ ભાષણોમાં કહેવા માંડ્યું. આવાં ઉશ્કેરણીજનક વિધાનો માટે તેની સામે એફ.આર.આઈ. તો નોંધાઈ ને સાથે સાથે 72 કલાક ચૂંટણી પ્રચાર માટે પ્રતિબંધ પણ તેનાં પર લદાયો. આ પ્રતિબંધની પણ ઐસીતૈસી કરી મંદિરમાં જવું એ મારી સાધ્વી તરીકેનો નિત્યક્રમ છે એમ કહીને ભજન સાથે મંદિમાં ફરીને તેણે છટકબારી સાથે પ્રચાર ચાલુ રાખ્યો છે. તેના પર તાત્કાલિક કોઈ પગલાં લેવાયાં નથી એ પણ નોંધવું રહ્યું !
વળી વિવાદાસ્પદ વાત બીજી એ બની કે કર્ણાટકના સનદી અધિકારી મોહસીને ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવતા વડાપ્રધાનના હેલિકોપ્ટરની તપાસ કરી તો તે સનદી અધિકારીની વિશેષ સલામતી કવચમાં આવતા નેતાઓ માટેના આદેશોનો ભંગ કર્યો છે એમ કહી આ સનદી અધિકારીને તાત્કાલિક ચૂંટણી કમિશનરે સસ્પેન્ડ કરી દીધા !
એ અધિકારી કોર્ટમાં ગયા અને કોર્ટે સરકારને ફરજ પાડી કે તેમને સસ્પેન્ડ કરવાનું યોગ્ય કારણ સરકાર પાસે નથી !
કોઈ એક સત્તાધારીનાં તમામ વર્તનો-ભાષણો તરફ આંખ મિચામણા કરવા તે કોઈ સ્વાયત્ત સંસ્થા પરનાં દેશના કરોડો લોકોના ભરોસાને છેહ આપવા જેવી ચિંતાજનક બાબત છે.
એનો એક અર્થ એ થાય કે નિષ્પક્ષ તંત્રનાં સૂત્રધારો વિચારધારાની દૃષ્ટિએ જે તે પક્ષ સાથે છે અને તેને લઈ આ પ્રકારે વર્તી રહ્યા છે યા તો સત્તાધારીઓથી ડરી રહ્યા છે.
દેશનાં વિવિધ તંત્રોમાં સત્તાધારીઓની દાદાગીરી સામે ચૂપ રહેવાનું વલણ વધતું જાય તે લાંબાગાળે લોકશાહી માટે જ જોખમરૂપ બની રહેવાનું છે.
ચૂંટણી પંચ જેવાં સ્વાયત્ત તંત્રોએ વર્ષોનાં સંઘર્ષ પછી, સત્તા સામે ઝીક ઝીલીને લોકોમાં વિશ્વાસ ઊભો કર્યો હોય છે. એ વિશ્વાસ જ્યારે તૂટવા માંડે ત્યારે છેવટે તો ચૂંટણીમાંથી જ જનતાનો ભરોસો ઊઠી જાય અને 'મારે તેની તલવાર'ની ભાવના શક્તિશાળીઓમાં બળવત્તર બનશે જે સૌ કોઈ માટે, આજના આધુનિક જમાનામાં ઘડિયાળના કાંટા ઊંધા ફેરવવા જેવું બની રહેશે.
સૌજન્ય : “ગુજરાત ગાર્ડિયન”, 08 મે 2019