Opinion Magazine
Number of visits: 9447415
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બેબી

સતીશ વૈષ્ણવ|Opinion - Short Stories|11 March 2019

સાઉથ વુડફર્ડ સ્ટેશનથી દશ મિનિટના અંતરે ગોલ્ડીની રિઅલ ઍસ્ટેટની મુખ્ય ઑફિસ હતી. એની બાર્કિંગની બ્રાંચ હું સંભાળતો હતો. મહિને બે કે ત્રણ વખત અમારે રૂબરૂ મળવાનું થતું. બાકી ફોન દ્વારા વ્યવહાર ચાલતો. અંગ્રેજોના પ્રમાણમાં એ કંઈક વધુ બોલતો. વધુ એટલે એક વાક્ય બોલવાનું હોય ત્યાં બે વાક્યો બોલતો. પણ તેથી એ વાતોડિયો કહી શકાય નહીં. હા. બિઝનેસને લાગે વળગે છે ત્યાં સુધી એ ચોક્કસ વાતોડિયો ન હતો.

ગોલ્ડીએ આપેલા સમયે હું એની ઑફિસે પહોંચ્યો ત્યારે રિસેપ્શનિસ્ટ અજાણી વ્યક્તિને જોતી બિલાડીની જેમ મને જોઈ રહી. મને કૌતુક થયું કેમ કે હું ગોલ્ડીએ આપેલી ઍપોઇન્ટમૅન્ટ પ્રમાણે જ આવ્યો હતો. એણે ગોલ્ડીને મારા આગમનની જાણ કરવા ઇન્ટર કૉમનું બટન દબાવ્યું અને ગોલ્ડીનો આદેશ સાંભળી એણે ખભા ઉલાળતાં મને કહ્યું; ‘જાવ, પણ બૉસ મૂડમાં નથી!’

હું ચૅમ્બરમાં ગયો ત્યારે ગોલ્ડી એની ખુરસીમાં બેઠો ન હતો. એ એના ખુરસી-ટેબલ પાછળની, ચર્ચફિલ્ડના વાહનોથી ધમધમતા રસ્તા પર પડતી મોટી બારીમાં ઊભો હતો. એની પીઠ મારી તરફ હતી. ઘણાં બિઝનેસમેન અને ઍક્ઝિક્યુટિવને આમ ઊભા રહીને વિચારવાની ટેવ હોય છે. એમાં કશું ખોટું નથી. પરંતુ બોલાવ્યા પછી આવનારની સામે આવી રીતે ઊભા રહેવું એ સદ્ગૃહસ્થને માટે સારું ગણાય નહીં એવું હું ઊભો ઊભો વિચારતો હતો ત્યાં એણે મારી તરફ ફરીને રૂમાલથી એનો ચહેરો સાફ કર્યો. વધુ લાલાશ પકડેલા એના મોંની સાથે એની આંખની ભીનાશ મારા ધ્યાનમાં આવી. મેં એને પૂછ્યું; ‘તબિયત સારી નથી?’

મને બેસવાનું કહીને પોતાની ખુરસી પર બેસતાં એ બોલ્યો, ‘ગ્રેસને ઠીક નથી. રૉઝનો ફોન હતો. એ બિચારી બહુ રડતી હતી!’

‘વળી એને શું થયું?’ મેં ચિંતાતુર ચહેરે પૂછ્યું.

‘સિમ્પટમ્સ એક વીકથી હતા. અમે થોડા બેદરકાર રહ્યાં.’ ગોલ્ડી નીચું જોઈને વિચારી રહ્યો. પછી નરમ અવાજે બોલ્યો; ‘રૉઝને પણ એનો જ અફસોસ છે. એટલે તો રડ્યાં કરે છે. ગ્રેસ કંઈ ખાતી ન હતી. આળસુની જેમ પડી રહેતી હતી. બોલાવો તો જાણે પરાણે ઢરડાતી આવતી હતી. કાલે બપોરે એ ધ્રૂજવા લાગી હતી. પહેલાં તો અમને એનું બૉડી વધુ ગરમ લાગ્યું નહીં. પણ એની ધ્રૂજારી ઓછી ન જ થઈ ત્યારે રૉઝ દોડીને ડૉગીની ફર્સ્ટ ઍઇડ કિટમાંથી થર્મોમિટર લઈ આવી. ટૅમ્પરેચર માપતાં ખ્યાલ આવ્યો કે ઓહ! માય ગૉડ! શી હેડ ફીવર!’ હાથના આંગળા ભીડીને ગોલ્ડી ખામોશ બેસી રહ્યો.

‘એટલે આખી રાત ગ્રેસ તાવ સહન કરતી રહી?’ મેં સમભાવથી પ્રેરાઈને પ્રશ્ન કર્યો.

‘અમારી વેટ ડિસ્પેન્સરી શનિવારે ચાર સુધી ખૂલી રહે છે. અમે ગ્રેસને લઈને ત્યાં દોડ્યાં. ડૉકટરે કહ્યું કે બાર કલાકમાં ગ્રેસ ઓકે થઈ જશે. પણ …’ બે હાથ પહોળા કરી, હોઠ મરડતા, અસહાય ભાવે ગોલ્ડી બોલ્યો, ‘હજી તાવ એટલો જ છે. રૉઝે હમણાં જ મને કહ્યું. બિચારી બહુ રડતી હતી!’

ગોલ્ડી સાથેની મારી પહેલી મુલાકાત વખતે પણ ગ્રેસ હાજર હતી. વાતના મુખ્ય વિષય તરીકે!

બિઝનેસ માટે જરૂરી ગણાય એવા ઉમળકા વિના ગોલ્ડીએ મારી સાથે હાથ મેળવીને મને બેસવાનું કહ્યું ત્યારે પણ મારે એને કહેવું પડ્યું હતું કે ગોલ્ડી, હું ઇચ્છું છું કે તમે ઓકે છો!

એણે માથું ધુણાવીને મૂડમાં આવવાનો પ્રયત્ન કરતાં કહ્યું હતું, ‘યસ, યસ, હું સંપૂર્ણપણે ઓકે છું. ફક્ત હું (ટેબલ પર રાખેલો પૉમ ડૉગીનો ફોટો બતાવીને –) ગ્રેસની બાબતમાં ચિંતામાં છું. રૉઝ (ગ્રેસના ફોટાની બાજુમાં એક સ્ત્રીના ફોટા તરફ જોઈને –) પણ બહુ ચિંતા કરે છે!’

ગ્રેસની આંખની પાંપણ પર સફેદ છારી બાઝી જતી હતી. મારા સંબંધીના પૅટને આવો જ પ્રોબ્લેમ થયો હતો. છેવટે કૅટરૅક્ટનું નિદાન થયું હતું. એ ખરે સમયે યાદ આવતાં મેં કહ્યું, ‘ગ્રેસને કૅટરેક્ટની શક્યતા …’ મારા ત્રણ શબ્દો સાંભળીને ગોલ્ડી ઉછળી પડ્યો; ‘ઍક્ઝેટલી! ડૉકટરે પણ એ જ કહ્યું છે!’

ત્યારે એક વિચાર મારા મનમાં ઝબકી ગયો હતોઃ નિદાન થઈ ચૂક્યું છે તો તમે પતિ-પત્ની આટલી બધી ચિંતા શા માટે કરો છો? ગોલ્ડીનો ગંભીર ચહેરો જોઈને વાતાવરણ હળવું કરવા હું કહી શકું તેમ ન હતો કે આજકાલ તો મોતિયો ઉતરાવ્યા પછી માણસ ટીવી જુએ છે, ઑફિસે જાય છે. મને એ પણ યાદ આવ્યું કે મારા મિત્રની પત્ની મોતિયો ઉતરાવ્યા પછીની ત્રીજી કલાકે કિટી પાર્ટીમાં ગઈ હતી! આ બધું વિસારે પાડીને મેં પૂછ્યું કે ઑપરેશનનું નક્કી થઈ ગયું? ગોલ્ડીએ જવાબમાં કહ્યું કે ત્રણ-ચાર સારા ડૉકટરના રેફરન્સ મેળવ્યા છે. વીકઍન્ડમાં નક્કી કરી લેશું.

ગ્રેસને જોયા પછી; તેમાં પણ એની મોટી કાળી, ચળકતી, ચબરાક આંખ જોયા પછી મને ગોલ્ડી દંપતીની ગ્રેસ પ્રત્યેની ખેવના; અંતરની લાગણી જેવી કુદરતી લાગી હતી.

ગોલ્ડી સાથેનાં મારા વ્યાવસાયિક સંબંધો બહુ સારા રહ્યાં હતાં. આ માટે હું મનોમન ગ્રેસને યશ આપતો હતો. પછી તો હું જ્યારે પણ ગોલ્ડીને મળતો ત્યારે અચૂક ગ્રેસના ખબરઅંતર પૂછતો. એ પણ ખુશ થઈને મને એના પૅટની વાત રસપૂર્વક કહેતો!

રૉઝનું પણ એવું જ હતું. કદાચ સવિશેષ હતું.

અમારી બિઝનેસને લગતી વાત ચાલુ હોય ત્યારે પણ રૉઝના ફોન આવતાં અને જે તે સમયે ચાલતી ગ્રેસની રમતિયાળ પ્રવૃત્તિ વિશે એ આંખે દેખ્યો અહેવાલ ગોલ્ડીને ફોનમાં આપતી. રૉઝ ફોન પર ગ્રેસને લાવતી ત્યારે ગોલ્ડી એને પ્યારભર્યા સંબોધનો બુચકારા સાથે સંભળાવતો. મિટિંગ દરમિયાન રૉઝના ફોન ઓફિસના નંબર પર આવતાં જોઈને મને થતું કે આ બાબતમાં રિસેપ્શનિસ્ટનું કંઈ ચાલતું નહીં હોય! પોતાની માલિકીના ધંધાની મજા જ જુદી છે. ઑફિસે જવા હું ઘેરથી નીકળું તે પછી ઇમર્જન્સી સિવાય મને ફોન કરવાની મેં મારી પત્ની જયાને ના કહી છે. આવું હું કહું નહીં તો પણ ચાલે એવું છે. કેમ કે અમારી વચ્ચે એકબીજાને ફોન કરીને સંપર્કમાં રહેવાનું નિમિત્ત પણ નથી. જયા બિચારી ફોન કરીને મને શું દરરોજ કહે કે ભૂલકાંને નિશાળે લઈ જતી મમ્મીઓને બારીમાં ઊભી ઊભી હું જોઉં છું?

પૉમેરેનીઅનને સ્વાભાવિક હોય છે તેવો તરવરાટ ગ્રેસ ધરાવતી હતી. મોટી કાળી આંખને લીધે તે રૂપાળી અને સપ્રમાણ દેહ સૌષ્ઠવને લીધે પ્રથમ દ્રષ્ટિએ તંદુરસ્ત દેખાતી હતી. એ એની ચંચળતા, ચપલતા અને વધુ તો રેશમી, શ્વેત લાંબા વાળને કારણે દરેકને વહાલી લાગતી હતી. એ અજાણ્યાને જોઈને પણ વધુ ભસતી ન હતી. પૉમમાં બહુ ઓછી જોવા મળતી ગ્રેસની આ ખાસિયતથી રૉઝ ઘણી પ્રસન્ન હતી. રૉઝ અને ગોલ્ડી વચ્ચે ગ્રેસને લઈને બેસવા અને ફરવાની બાબતમાં હંમેશ હુંસાતુંસી થતી. ગોલ્ડીની કાયમી ફરિયાદ હતી, ‘રૉઝ, તું તો આખો દિવસ ગ્રેસની સાથે રહે છે!’ રૉઝ જવાબમાં કાયમ કહેતી, ‘એવું ના કહેશો. મારી મીઠડી ગ્રેસ તને ઑફિસમાં પણ કંપની આપે છે!’

ઑફિસે આવવા નીકળતાં પહેલાં રોજની આદત પ્રમાણે ગ્રેસને તેડીને વહાલ કરતાં ગોલ્ડી બોલ્યો હતો, ‘તારે મારી સાથે આવવું છે?’ ગ્રેસ આનંદના ઉદ્ગાર કાઢીને ગોલ્ડીની છાતીમાં વધુ ભરાઈને બેસી રહી. ગ્રેસની પ્રતિભાવ આપવાની અદા જોઈને ગોલ્ડીએ કહ્યું, ‘રૉઝ, ગ્રેસને હું ઑફિસે લઈ જઈશ! દરરોજ!’ રૉઝ તરત તાડૂકી ઊઠી હતી, ‘તો હું ડાઈવૉર્સ લઈશ!’ ગોલ્ડીએ રૉઝને ચીડવી હતી, ‘ઓકે. પછી પણ ગ્રેસ તો મારી પાસે રહેશે!’ રૉઝ આર્દ્ર અવાજે બોલી હતી, ‘હું (કૉર્ટમાં) કહીશઃ મારે ગોલ્ડની એક પેની પણ જોઈતી નથી. મારે ફક્ત ગ્રેસ જોઈએ!’

‘તને ખબર છે, પટ્ટેલ?’ પ્રફુલ્લિત ગોલ્ડીએ એક મુલાકાત દરમિયાન કહ્યું હતું, ‘તોફાની ગ્રેસ લુચ્ચી પણ છે! એના નખરાં અદ્ભુત છે!’ આમ કહીને એણે આગલી સાંજે ગ્રેસે કરેલાં નખરાંની વાત કહી હતીઃ ઢળતી સાંજે ગોલ્ડી ઘરમાં પ્રવેશ્યો ત્યારે એને ઓળખતી હોય નહીં તેમ એની સામે જોયા વિના ગ્રેસ દોડીને સોફાની નીચે ઘૂસી ગઈ હતી. ગોલ્ડીને જોતાંની સાથે જ દોડી આવીને પગ પાસે આળોટવા માંડતી અને ગોલ્ડી સોફા પર બેસે કે તરત જ હક્કથી એના ખોળામાં ચડીને બેસી જતી ગ્રેસના તે સાંજના વર્તનથી ગોલ્ડીને આશ્ચર્ય થયું. એણે રૉઝને પૂછ્યું, ‘ગ્રેસને કંઈ માઠું લાગ્યું છે?’ રૉઝે ગંભીર મુદ્રામાં વિચારતાં કહ્યું, ‘ના. એવું તો કશું બન્યું નથી.’ પછી હળવાશભર્યા ચહેરે બોલી, ‘ગોલ્ડ! મને લાગે છે કે એ ચાગલી થાય છે! તારી પાસે વહાલ કરાવવા આવાં નખરાં કરે છે!’ ગોલ્ડીએ નીચા નમીને પ્રેમથી ગ્રેસને બોલાવી પણ એ માનીતી બહેરી હોય તેમ બેસી રહી. શરીરે તંદુરસ્ત એવા ગોલ્ડીએ આયાસપૂર્વક જમીન પર બેસીને સોફા નીચે હાથ લંબાવી, પુચકારીને એને બોલાવી. ગોલ્ડીના હાથનો સ્પર્શ થયો કે ગ્રેસ બહાર આવીને ગોલ્ડીની ગોદમાં લપાઈ ગઈ.

મને બરાબર યાદ છે સપ્ટેમ્બરનો એ વાદળ છાયો દિવસ. સવારથી સૂરજ દેખાયો ન હતો. સૂકાં પાંદડાં ઠંડા પવનમાં રસ્તા પર ઊડતાં હતાં. વરસાદનું એક ઝાપટું રસ્તાને ભીનાં અને હવાને વધુ ટાઢીબોળ કરી ગયું હતું. બાર વરસ પહેલાં હું લંડન આવ્યો ત્યારે શરૂઆતના વરસોમાં મને આવું વાતાવરણ ઉદાસ લાગતું હતું. પછી હું લંડનના હવામાનના માનુની જેવા સ્વભાવથી ટેવાઈ ગયો હતો. એટલે મેં એ બાબત પર વધુ ધ્યાન નહીં આપતાં; હું જે બિઝનેસ ગોલ્ડીની સાથે ડિસકસ કરવા જઈ રહ્યો હતો એના મુદ્દાઓ મેં ફરી યાદ કરી લીધા.

ગોલ્ડીની ઑફિસે હું પહોંચ્યો ત્યારે રિસેપ્શન રૂમમાં એક સોફા પર એ એકલો બેઠો હતો. મને વધુ આશ્ચર્ય તો એ જોઈને થયું કે એ છાપાંનાં પાનાં પણ ફેરવતો ન હતો. રૂમના જમણા ખૂણાના ક્યુબિકલમાં બે કર્મચારીઓ કૉમ્પ્યુટર પર કામ કરતાં હતાં.  રિસેપ્શનિસ્ટની ખુરસી ખાલી હતી. એણે મને એની બાજુમાં બેસવાનું સૂચવીને કહ્યું કે ઍલિશા મોડી આવવાની છે. કારણ જાણવું મારા માટે જરૂરી નહીં હોવાથી મેં મારી બૅગમાંથી ફૉલ્ડર કાઢીને ગોલ્ડીને આપ્યું.

ફૉલ્ડર પડખે મૂકીને એક પણ શબ્દ બોલ્યા વિના પળભર મારી સામે જોઈને ગોલ્ડી ફરી વિચારોમાં ખોવાઈ ગયો. એના મોં પરની ગમગીની મેં વાંચી લીધી હતી. એની ગમગીનીનું કારણ હું જાણતો હતો. એ કારણ વિશે પૂછપરછ કરવા કરતાં; ગોલ્ડી સાથેના સંપર્ક પછી પૅટ પાળવા અંગે મારા મનમાં ચાલતી મથામણથી વાત શરૂ કરીને એનો મૂડ બદલવાનો પ્રયત્ન કરવાનું મને યોગ્ય લાગ્યું.

મેં પ્રસ્તાવના બાંધતાં કહ્યું, ‘ગોલ્ડી, મને લાગે છે કે તારી વહાલી ગ્રેસ અમારા એકાકી જીવનમાં પણ આનંદની ભરતી લાવશે. પૅટ પ્રત્યેના પ્રેમ વિશે ઘણું સાંભળ્યું હતું. પણ ગ્રેસનો તારા અને રૉઝ પ્રત્યેનો પ્રેમ જોઈને, પ્રેમના અબોલ દેવદૂત જેવા પૅટ તરફ અમને પણ આકર્ષણ થયું છે.’

ગોલ્ડીએ ફરી મારા તરફ ભીનાશભરી નજરે જોયું.

મેં મારી વાત આગળ વધારી, ‘જયાએ મને કહ્યું છે કે ગોલ્ડીની સલાહ લઈને આપણે સારામાં સારી બ્રીડનો સરસ મજાનો ડૉગી …’

ગોલ્ડી ખળભળી ઊઠ્યો, ‘ઑહ! નો! નો! ડૉન્ટ ડુ ઇટ! નેવર ડુ ઇટ!’ કોટના ખિસ્સામાંથી રૂમાલ કાઢી, પહોળો કરીને આંખ પર ઢાંકીને એ બેસી રહ્યો. સ્તબ્ધ મિનિટો પસાર થયા પછી એ કંઈક સ્વસ્થ ભાવે બોલ્યો, ‘પટ્ટેલ! તને ખબર છે કે ગ્રેસ અમારી બેબી છે! અમારી એક માત્ર બેબી!’

મા-બાપના જ મોંએ શોભે એવા સહજ માધુર્ય સાથે બોલાયેલા ગોલ્ડીના શબ્દો સાંભળીને હું ભાવભીનો થઈ ગયો. ગોલ્ડીના ખભે સ્પર્શીને મેં ભીના સ્વરે કહ્યું, ‘હા. ગોલ્ડી! હા. તારે કહેવાની જરૂર નથી. ગ્રેસ તારી બેબી છે. એક માત્ર બેબી!’

‘ગ્રેસ અમારો આધાર છે!’ આ ચાર શબ્દો કહીને ગોલ્ડીએ ગ્રેસ પ્રત્યેની સંવેદનાનો જે મર્મ પ્રગટ કર્યો તે જાણીને મારા ચિત્તમાં તે સાંજે સૂનકાર છવાયેલો રહ્યો હતો.

ટૂંકી ખેતીની ટાંચી આવકને કારણે બહોળા કુટુંબને અનુભવવી પડતી દારુણ ગરીબીથી ત્રાસીને ગોલ્ડીએ સોળ વરસની વયે ઘર છોડ્યું ત્યારે એણે આજીવન અપરણિત રહેવાનું નક્કી કર્યું હતું. ઠેબાં ખાતાંખાતાં જિંદગીની પહેલી પચીશી પૂરી કરી ત્યારે એને રિઅલ ઍસ્ટેટની કંપનીમાં નોકરી કરતી રૉઝનો ભેટો થયો. ડેટિંગ દરમિયાન જ ગોલ્ડીએ એણે ઇચ્છેલા લગ્નજીવનના ચિત્રથી રૉઝને વાકેફ કરી હતીઃ પતિ-પત્ની અને બંનેની સંમતિ હોય તો એક પૅટ! તે પણ ડૉગી! 

થોડા શબ્દોમાં જીવનકથા આટોપીને, રૂંધાવા આવેલું ગળું સાફ કરીને ગોલ્ડી બોલ્યો, ‘આજે અમે ગ્રેસને …’ એ વધુ બોલી શક્યો નહીં. મેં એના ખભે હાથ મૂકીને આશ્વાસન આપતાં કહ્યું; ‘ગોલ્ડી! લાગણીશીલ બન નહીં. તું હાઈપરટૅન્શનનો પેશન્ટ છે તે ભૂલીશ નહીં!’

ગોલ્ડીનું કહેવું હતું કે તેઓ ગ્રેસને બચાવી શકે તેમ ન હતા. ગ્રેસને હ્રદયની બિમારી હતી. ડૉકટરે કહ્યું હતું કે એક દિવસ એ આમ જ રમતી રમતી વિદાય લઈ લેશે. અત્યંત વેદના સાથે ગોલ્ડી બોલ્યો હતો, ‘અમે ગ્રેસને અમારી આંખની સામે મરતી જોઈ રહ્યાં છીએ. એની સાથે અમારી જિંદગી જોડાયેલી છે. એની ગેરહાજરી હું વિચારી શકતો નથી!’

નાતાલની રજાઓ પછી ઑફિસમાં કામકાજ મંદ ગતિએ શરૂ થયું હતું. હાથ ઉપર કોઈ અગત્યનો બિઝનેસ હતો નહીં તેથી સતત પંદર દિવસથી ગોલ્ડીને મળવાનું બન્યું ન હતું. એવામાં એક સવારે ઍલિશાએ રડમસ સ્વરે સમાચાર આપ્યા કે ગઈકાલે, રવિવારે બપોરે બે વાગે ગ્રેસનું દુખઃદ અવસાન થયું છે.

અહીંના વસવાટને લીધે મને ખ્યાલ હતો કે વિદેશમાં મૃત્યુનો મલાજો; પરિવારની અંગત લાગણીઓને કેન્દ્રમાં રાખીને ઘણી જ ગંભીરતાથી પાળવામાં આવે છે. સંબંધી અને મિત્રો શોક વ્યક્ત કરવા ધસી આવે તે પણ અહીંના લોકોને સ્વીકાર્ય નથી. મેં એસ.એમ.એસ. દ્વારા મારા અને જયાના નામે ગોલ્ડી-રૉઝને ગ્રેસના અચાનક આઘાતજનક અવસાન માટે શોક સંદેશ મોકલી આપ્યો. ગોલ્ડીએ દુઃખમાં સહભાગી બનવા માટે આભાર વ્યક્ત કરતો વળતો જવાબ પણ મોક્લ્યો.

ઑફિસમાં ગોલ્ડીની ગેરહાજરી અપેક્ષિત હતી. એના આવવા વિશે મેં ઍલિશાને પૂછ્યું પણ ન હતું. ગ્રેસના મરણના સમાચાર જાણ્યા ત્યારથી; ગોલ્ડીએ કહેલી એના જીવનની મર્મસ્પર્શી વાત; પતિ-પત્ની અને પૅટ; યાદ કરીને ગ્રેસ વિનાના ગોલ્ડી અને રૉઝની મનોસ્થિતિની મને ચિંતા થતી હતી. અમારી વચ્ચે બિઝનેસથી પણ વધુ વાતચીત ગ્રેસની થતી હતી. ગ્રેસની વાતે ગોલ્ડી સમ્યક સ્નેહનો ઉપાસક બની જતો હતો અને રૉઝ માતૃપ્રેમનું ઉત્કૃષ્ટ ઉદાહરણ! એક બિઝનેસમેન, (તે પણ) એક અંગ્રેજ, એનું જન્મજાત અતડાપણું ભૂલીને મારા જેવા વ્યાપારી સંબંધ ધરાવતા એક ઈમિગ્રન્ટને ગ્રેસના વહાલના પ્રસંગો આનંદવિભોર થઈને અને ગ્રેસની માંદગીની વિગતો આંસુ સારતાં કહેતાં ક્ષણભર પણ અચકાયો ન હતો. ક્યારે ય પણ નહીં. વહાલા સંતાનની જેમ ગ્રેસની વાતો કહેવા માટે ગોલ્ડી સદા આતુર રહેતો હતો. ક્યારેક મને એવું ફીલ થતું કે ગોલ્ડીના મનોવ્યાપારનો મોટો હિસ્સો ગ્રેસને માટે અનામત હતો. ગ્રેસની પ્રેમાળ વાતો કહેવા માટે એ મને બોલાવતો હતો તેવું વિચારવું મને પણ ગમતું હતું.

ગોલ્ડીએ મને અંગત માન્યો હતો. ગ્રેસની ખોટ પૂરવા અન્ય પૅટની તપાસમાં રહેવા ગોલ્ડીને સૂચવવાનું પણ મારા માટે અશક્ય હતું. કેમ કે હું માનતો હતો કે ખોળીખોળીને યોજેલા સંબંધનું સૌન્દર્ય કુદરતી આકાર પામેલા સંબંધ જેવું હોતું નથી.

જયા સાથેના વિસંવાદનું કારણ પણ મારી આ જ માન્યતા હતી.

મારા જડ વલણથી વાજ આવીને શરૂઆતમાં એ કહેતીઃ ‘તમે મારી લાગણી સમજવા ઇચ્છતા જ નથી’. ‘મને રિબાતી જોવાથી તમારો અહં સંતોષાય છે.’ પછી તો જયાના અંતરમાં વસેલી મા ઋજુ સ્વરે કહેતીઃ ‘સ્ત્રી જેને સ્વીકારે છે એને જગત સ્વીકારે છે. સ્ત્રીના સ્વીકારનું ગૌરવ દુનિયા પણ કરે છે … વહીવટની સરળતા માટે અપાયેલા નંબર ને નામને સ્ત્રી સ્વીકારે છે ત્યારે સ્ત્રી મા અને શિશુ લાડકવાયું સંતાન બને છે … મારી સાથે ઋણાનુબંધ લઈને જન્મેલું બાળક મારી રાહ જોઈ રહ્યું છે … મને એને ખોળે લેવા દે .. નાની પગલીઓ ઘરમાં પડશે એટલે તમે ઑફિસેથી વહેલા આવીને કહેશોઃ મારી ટબૂકડીને મને આપ!’

ફોન પર રૂબરૂ મળવાનું નક્કી કરીને હું અને જયા ગોલ્ડીને ઘેર જતાં હતાં ત્યારે કિલ્લોલ કરતાં કોઈ શિશુના આઘાતજનક અચાનક થયેલા અવસાન નિમિત્તે શોક વ્યક્ત કરવા જઈ રહ્યાં હોઈએ તેવાં અમારાં મન આળાં હતાં. જયા બોલી પણ ખરી; ‘મારું મન અત્યારથી જ રડુંરડું થઈ રહ્યું છે!’

ગ્રેસના મૃત્યુના દશ દિવસ પછી પણ ગોલ્ડીનું ઘર ઘેરા શોકમાં ડૂબેલું હતું. ગોલ્ડીના પડોશી અને મિત્ર જપનૂરે મને ફોનમાં કહ્યું હતું કે એ લોકોને પોતાનું બાળક ગયું હોય એટલું વસમું લાગ્યું છે. ગોલ્ડી અને રૉઝ જાણે કોઈ માંદગીમાં સપડાયાં હોય તેવા બંનેનાં ચહેરા નિસ્તેજ હતાં. ગોલ્ડીએ અમને ગ્રેસના મૃત દેહના; ગ્રેસના કૉફિનના; ગ્રેસના નશ્વર શરીરને ઢાંકતાં વિવિધરંગી પુષ્પોના; અને ગ્રેસને દફનાવતી વખતે પ્રાર્થના બોલતા સમૂહના ફોટા બતાવ્યા. સ્થાનિક અખબારમાં આવેલી ગ્રેસના ફોટા સાથેની શ્રદ્ધાંજલિની લૅમિનેટેડ કૉપી પણ બતાવી. ગોલ્ડીએ અમને એક કી-ચેઇન ગ્રેસની સ્મૃતિમાં આપી. આ કી-ચેઇનમાં એક બાજૂ ગ્રેસનો ફોટો અને બીજી બાજૂ એક અવતરણ હતુંઃ ‘GRACE was not our whole lives. But she made our lives whole.’

પંદર મિનિટ ચાલેલી સ્મૃતિશેષની આ યાત્રા પછી રૉઝે ગ્રેસના અંતિમ સમયની વાત કહી; અલબત્ત રૂમાલથી આંખ વારંવાર લૂછતાંઃ

તે રવિવારની સવારથી જ ગ્રેસ અસ્વસ્થ હતી. એણે કશું ખાધું-પીધું ન હતું. રૉઝે ધાર્યું કે નાતાલની રજાઓમાં કન્ટ્રીસાઇડમાં ખૂબ હરીફરી છે; ખાધું-પીધું છે એટલે ભલે એ આરામ કરે. રાત સુધી આમ જ રહેશે તો સોમવારે વૅટને બતાવી દેશું. બાકી એ સંપૂર્ણ ઓકે હતી. તાવ ન હતો. માત્ર આંખ મીંચીને પડી રહી હતી. જાણે થાક ઊતારતી હતી. એક વાગે લંચ લઈને ગોલ્ડી ટીવીમાં ફૂટબૉલની મૅચ જોવા બેઠો અને રૉઝ પ્રાર્થના-પોથી લઈને સોફા પર વાંચવા બેઠી. આ સમય દરમિયાન જપનૂરને ઘેરથી એની દીકરી પૂજાનો પ્રસાદ આપવા આવી અને ટિપૉઈ પર મૂકીને જતી રહી. થોડી વાર પછી ગ્રેસ એની જગ્યાએથી ઊઠી. રૉઝે તરત ગોલ્ડીનું ધ્યાન ખેંચ્યું; ‘સવારથી ઊઠી ન હતી. મને લાગે છે કે સાંજ સુધીમાં ઓકે થઈ જશે.’  ટિપૉઈ પર પગ ટેકવી, ઊંચી થઈને ગ્રેસે પ્રસાદ સૂંઘ્યો. રૉઝે પૂરીનો કૂણો નાનો ટુકડો એના મોં પાસે મૂક્યો. રૉઝના કહેવાથી ગોલ્ડી પણ ઊભો થઈને પૂરીના નાના કટકાને ધીરે ધીરે ખાતી ગ્રેસને જોઈ રહ્યો.

ગ્રેસને ખાતી જોઈને રાજી થયેલી રૉઝ પ્રાર્થના વાંચવાનું મોકૂફ રાખીને ગ્રેસ માટે પાવડર મિક્સ કરેલું દૂધ કિચનમાંથી લાવીને એના મોં પાસે મૂકતાં મનોમન બબડીઃ સવારથી કાંઈ લીધું નથી. બિચારી ભૂખી થઈ હશે. રૉઝની ભલી લાગણીનો આદર કરતી હોય તેમ ચાર-પાંચ ચમચી જેટલું દૂધ પીધા પછી, હોઠ ઉપર જીભ ફેરવતી ગ્રેસ રૉઝના પગ પાસે જ સૂઈ ગઈ. એ જોઈને રૉઝે પ્રાર્થના વાંચવામાં ફરી મન પરોવ્યું. અધૂરી રહેલી પ્રાર્થના પૂરી થયા પછી ગ્રેસને એના સ્થાને સુવડાવવા માટે રૉઝ ઊઠી. રૉઝની હલચલથી સામાન્ય રીતે બેઠી થઈ જતી ગ્રેસે આંખ પણ ખોલી નહીં એટલે ગ્રેસને તેડતાં પહેલાં રૉઝે નીચા વળીને ગ્રેસને સ્પર્શ કર્યો, પછી ઢંઢોળી અને પછી ચીસ પાડી ઊઠી; ‘ગોલ્ડ! આય’મ ડેવસ્ટેટેડ!’

એ જ ઘર. એ જ સ્થળ. જીવનની સ્વીકારેલી અધૂરપમાં ફરી પ્રવેશેલું એ જ યુગલ. અમે એ બધાંની વચ્ચે બેઠાં હતાં. અવકાશથી ઘેરાયેલાં. લાગણીસભર રૉઝ ભીના સ્વરે ચિતાર રજૂ કરતી હતી અને અમે મનની આંખે ગ્રેસના પ્રયાણ કાળની ઘટના જોતાં હતાં. રૉઝે વાત પૂરી કરી ત્યારે અમારી આંખ ભીની હતી. શું બોલવું એની ગતાગમ અમને ન હતી. અમે મૌન જ રહ્યાં.  

ગોલ્ડીના ઘરની બહાર અમે નીકળ્યા ત્યારે જયા બોલી; ‘રૉઝ આજે જે દુઃખ અનુભવે છે તે હું સાત સાત વરસથી સહન કરું છું!’ એ અમારા વિ-ફલ લગ્નના વરસ ગણાવતી હતીઃ ‘રૉઝને ગયેલાંની પીડા છે. હાથ લંબાવીને બોલાવી રહેલાંને હું છાતીએ લગાડી શકતી નથી એ મારી વેદના છે.’

વૅમ્બલીમાં રિઅલ ઍસ્ટેટનો કારોબાર કરતાં મારા મામાને ઇન્ડિયા તાત્કાલિક જવું પડ્યું. ’હવે ક્યાં એ લંડનથી દેશમાં આવવાના છે?’ એવી બૂરી નિયતથી એમના પિતરાઈ ભાઈએ મામાની જમીન પર કબજો જમાવી, કાગળોમાં નામફેર કરીને વેચવાની પેરવી આદરી હતી. આ ક્રિમિનલ કેસ અંગે એમને અવારનવાર ઇન્ડિયા જવું પડે તેમ હોવાથી મામાએ મને હંમેશ માટે એમની વૅમ્બલીની ઑફિસ સંભાળવાનું કહ્યું. મારાથી ના કહેવાય એવું ન હતું. મામાની મદદથી તો મેં લંડનમાં પગ મૂક્યો હતો. ગોલ્ડી સાથે વ્યાપારી કરતાં લાગણીના વિશેષ સંબંધ હોઈને મારે માટે આ પરિસ્થિતિ ધર્મસંકટ જેવી હતી. ‘અંગત મૂંઝવણ રજૂ કરવા મારે તને મળવું જરૂરી છે.’ એવું કહી, ટાઇમ લઈને હું ગોલ્ડીને મળવા ગયો.

મળ્યો. પણ એક જુદા જ ગોલ્ડીને. ઠંડો. ઉષ્માહીન. મારી રજૂઆત સાંભળીને ‘ઓકે’ કહી, હાથ મેળવીને મને સૂચવ્યું કે હવે ઊઠો! ગોલ્ડીની ઑફિસ છોડતાં ભારે હૈયે હું વિચારતો હતોઃ આ એ જ ગોલ્ડી છે જેના ખભે હાથ મૂકીને હું વાત કરતો હતો! આ એ જ ગોલ્ડી છે જે એના મનોભાવોને આંસુ અને સ્મિત સાથે મને કહેવા હંમેશ તત્પર રહેતો હતો!

અઢી-ત્રણ મહિનામાં આટલું બધું પરિવર્તન! સમગ્ર વ્યક્તિત્વમાં! હા. આ સમય દરમિયાન જે કંઈ રનિંગ બિઝનેસના અપડેટની આપ-લે થઈ હતી તે ઍલિસા મારફત થઈ હતી. ઍલિસાએ મને કહ્યું હતું કે બૉસ હમણાં હમણાં બે વાર ડોરસેટ જઈ આવ્યાં!

મામાએ જમાવેલા ધીકતા ધંધાને કારણે હું બાર્કિંગ કરતાં વધુ વ્યસ્ત રહેતો હતો. આપણા ભાઈઓ મને શનિવારે પણ બિઝી રાખતાં હતાં. આ દિવસોમાં એક રવિવારે જપનૂર એની પત્નીની સાથે અમારે ઘેર આવ્યો હતો. એ બંને જે સામાજિક પ્રસંગે વૅમ્બલી આવ્યાં હતાં એની ઔપચારિક વાત કરીને જપનૂર બોલ્યો; ‘કડી તૂટી એટલે જોડી તૂટી!’

ગોલ્ડી અને રૉઝ અલગ થઈ ગયાં હતાં! જે સમજણ સાથે તેઓ એક થયાં હતાં તે સમજણ ગ્રેસના અવસાનથી નિર્મૂલ થઈ હતી. રૉઝે અહાલેક જગાવી હતી. માતૃત્વની. એણે મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતોઃ ગ્રેસ જે જ્યોત મારા હ્રદયમાં પ્રગટાવી ગઈ છે તે હું બુઝાવા નહીં દઉં! હું મારા પોતાના બાળકની મા બનીશ!

ગોલ્ડી એના નિર્ધારમાં મક્કમ હતો. એ તો બધું છોડીને ડોરસેટ જઈને ભાઈઓની સાથે ખેતી કરવાની તૈયારી કરી ચૂક્યો હતો. રૉઝે ડોરસેટ જવાનો ઇન્કાર કરતાં કહ્યું હતું કે ગોલ્ડ! તારે ખાતર મારા માતૃત્વનો ભોગ આપવાની મારે હવે ભૂલ કરવી નથી!

જપનૂરની પત્નીએ જયાને કહ્યું; ‘રૉઝ સાડત્રીસની છે. એને મેં પૂછ્યું કે ધારો કે બાળક થયું નહીં તો ગોલ્ડીને છોડવાનો અફસોસ નહીં થાય? જવાબમાં એ જુસ્સાથી બોલી કે બિલકુલ નહીં! ગોલ્ડીને તો બાળક જોઈતું નથી. મારે બાળક જોઈએ છે. હું બાળક સાથે જ જીવવા માંગું છું. ડૉકટર હાથ ખંખેરી દેશે તો હું બેબીને એડોપ્ટ કરી લઈશ! નિરાશ થઈને બેસી નહીં રહું!’ 

જપનૂર દંપતી ગયું એટલે જયાએ મને પૂછ્યું; ‘આપણે હવે શું નક્કી કરવું છે?’

૩૦૨, સૉનેટ ઍપાર્ટમૅન્ટ્સ, એફ. સી. આઇ. પાસે, શ્યામલ ચાર રસ્તા, સેટૅલાઇટ, અમદાવાદ ૩૮૦ ૦૧૫

(‘એતદ્’, એપ્રિલ-જૂન, ૨૦૧૮) 

Loading

11 March 2019 admin
← ગરિમા યાત્રા : યૌન હિંસાનો ભોગ બનવા છતાં
મનને રમત અને ગમત આપનારી વારતાઓ →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved