વ્યર્થ સઘળી સલામ થઈ જાશે,
કાયદો તોડ – કામ થઈ જાશે.
ધર્મના નામ પર ધુતારાનાં
ધર્મસ્થાનો મુકામ થઈ જાશે.
લોકસેવાના કોઈ પણ મુદ્દે,
મોરચા કાઢ – નામ થઈ જાશે.
લોકશાહીમાં લોકના નામે
લોકશાહી લિલામ થઈ જાશે.
સત્ય કહેવાની ભૂલ ના કરશો.
જીવવું પણ હરામ થઈ જાશે.
હોય તે ઓળખાણ વર્દીની
તો બધો ઇન્તેઝામ થઈ જશે.
શું ખબર લોકશાહીમાં લોકો
સેવકોના ગુલામ થઈ જશે.
રાજકોટ
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2019; પૃ. 15