Opinion Magazine
Number of visits: 9506099
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લોકલાડીલા મરાઠી લેખક-પરફૉર્મર-સંસ્કૃતિપુરુષ ‘પુ.લ.’ નું જન્મશતાબ્દી વર્ષ ઉજવાઈ રહ્યું છે

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|11 January 2019

હાસ્યલેખક, નાટ્યકાર, સંગીતજ્ઞ, વક્તા, દાતા જેવા બહુમુખી મરાઠી પ્રતિભાવાન ‘આનંદયાત્રી’  પુ.લ. દેશપાંડેનું શતાબ્દી વર્ષ બાયોપિક, કાર્યક્રમો, પ્રકાશનો જેવી વિવિધ રીતે ઉજવાઈ રહ્યું છે 

પુ.લ. એવા લોકલાડીલા નામે દેશ અને દુનિયાના મરાઠી લોકોના ઘરઘરમાં જાણીતા મરાઠી હાસ્યલેખક અને સંસ્કૃતિપુરુષ પુરુષોત્તમ લક્ષ્મણ દેશપાંડે(1919-2000)ના શતાબ્દીવર્ષ નિમિત્તે તેમનાં જીવનપરની ફીચર ફિલ્મનો પહેલો ભાગ ગયા શુક્રવારે રિલીઝ થયો અને બીજો આઠમી ફેબ્રુઆરીએ થશે. સઆદત હસન મન્ટો ઉપરાંત પુ.લ. સંભવત: એકમાત્ર ભારતીય સાહિત્યકાર છે, કે જેમની પર બાયોપિક બની હોય. વળી, સંભવત: એ એકમાત્ર ભારતીય લેખક છે કે જેમનું ગૌરવ કરવા માટે તેમના ચાહકોએ તેમનાં જીવનકાર્ય વિશેનું એક સંગ્રહસ્થાન (મ્યુઝિયમ) તેમની હયાતીમાં જ બનાવ્યું હોય. બાળપણમાં પુ.લ.નું સંસ્કારઘડતર જ્યાં થયું તે મુંબઈનાં વિલેપાર્લેમાં આ પ્રદર્શન છે. પુ.લ. એ કદાચ એકમાત્ર ભાષિક લેખક છે કે જેમણે વીસ વર્ષ પહેલાં પોતાની લેખક-કલાકાર તરીકેની આવકમાંથી સામાજિક કાર્ય માટે સવા કરોડ રૂપિયા જેટલું દાન કર્યું હોય. તેમણે ઉપેક્ષિતો માટે કાર્ય કરતી અને જ્ઞાનવિજ્ઞાનનો પ્રસાર કરતી સંસ્થાઓને સહાય કરી છે. બાબા આમટેની કુષ્ટરોગી પુનર્વસન સંસ્થા ‘આનંદવન’ને તો તેમણે તન-મન-ધનથી ટેકો કર્યો હતો. પુ.લ. વર્ષો લગી કુષ્ટરોગીઓએ બનાવેલાં કપડાં પહેરતાં.

એક પ્લમ્બર નામે કિસન બનકર દર વર્ષે પુ.લ.ના જન્મદિને રક્તદાન કરતા એમ નોંધાયું છે. પુ.લ.નાં અંતિમ દર્શને જવા માગતા લોકો પાસેથી પૂનાના કેટલાક રિક્ષાવાળાઓએ પૈસા લીધા ન હતા એવા સમાચાર હતા. એક વિશ્વાસપાત્ર અભ્યાસ મુજબ પુ.લ.ને દરરોજ સરેરાશ વીસ એટલે કે વર્ષના લગભગ આઠ હજાર પત્રો મળતા. તેમની લોકપ્રિયતાનો ટોચનો ગાળો ખૂબ કંજૂસાઈથી ગણતાં ય વીસ વર્ષનો થાય એટલે પત્રોની સંખ્યા દોઢ-પોણાબે લાખ જેટલી થઈ. ‘ઉત્તમ વર્ષોમાં તેમાંથી નેવું ટકા પત્રોના જવાબ’ આપ્યો હોવાનું પુ.લ.એ કહ્યું છે. સતીશ મનોહર સોહોની નામના સૈનિકનો 1962ના વર્ષનો પત્ર અદ્દભુત છે. ભારત-ચીન યુદ્ધ દરમિયાન તે સાથીદારો સાથે કપરી હાલતમાં હતો. ખોરાક અને દારૂગોળો ખલાસ થવા આવ્યા હતા. ભયંકર ઠંડી હતી. તાપણામાં નાખવા માટે સતીશે કાગળ ભેગા કર્યા હતા. તેમાં ‘દીપાવલી’ નામના સામયિકનો અંક પણ હતો. તેની પર સૈનિક અમસ્તી નજર ફેરવવા લાગ્યો. તેમાં તેને પુ.લ.નો ‘મારું ખાદ્ય જીવન’ નામનો લેખ દેખાયો. એ તેણે ઓછામાં ઓછો સો વાર વાંચ્યો. તે લખે છે ‘…17 થી 24 નવેમ્બર દરમિયાન હું જીવ્યો હોઉં તો શબ્દશ: તમારા ‘ખાદ્ય જીવન’ લેખના વાચન પર…’  કોલ્હાપુરના કર્નલ જાધવે હિમાલયમાં ચૌદ હજાર ફૂટ ઊંચાઈ પરના તેમના વસવાટ દરમિયાન પુ.લ.નાં પુસ્તકોએ સાથ આપ્યો હોવાનું લખ્યું છે. એક વાચકે અંતિમ ક્ષણોમાં પુ.લ.નાં લખાણોનાં અંશો સાંભળતા આંખ મીંચી હતી એવું એક પત્રમાં છે. શ્રીકૃષ્ણ વાલાવલકર નામના એક પાયલટે જિંદગીના છેલ્લા તબક્કામાં હોસ્પિટલના તેમના ઓરડામાં એક બાજુ જ્ઞાનેશ્વર, તુકારામ અને ખંડોબાની, તેમ જ બીજી બાજુ રામ ગણેશ ગડકરી, આચાર્ય અત્રે અને પુ.લ.ની તસવીરો મૂકાવી હતી એવું એક પત્રમાં છે. આવા દાખલા ઘણા પત્રોમાં છે

પત્રો લખાતા તે જમાનામાં, સોશ્યલ મીડિયાના ફેલાવાના ત્રીસેક વર્ષ પહેલાંથી મરાઠીમાં  હાઉસહોલ્ડ નેઇમ બની ગયા હોય એવા પુ.લ.ના જન્મશતાબ્દી વર્ષની ઉજવણી આઠમી નવેમ્બરથી ચાલુ થઈ છે. મહારાષ્ટ્રમાં ક્યાંક ને ક્યાંક દર અઠવાડિયે ઓછામાં ઓછો એક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. જયંત નારળીકર, હૃદયનાથ મંગેશકર, વિક્ર્મ ગોખલે, સચિન તેંડુલકર જેવાએ પુ.લ.ને જાહેરમાં પણ ભાવુક થઈને યાદ કર્યા છે. ફિલ્મના શો હાઉસફૂલ જઈ રહ્યા છે. ‘ગ્લોબલ પુલોત્સવ’ હેઠળ વર્ષ દરમિયાન ભારતનાં વીસ અને દુનિયાનાં ત્રીસ શહેરોમાં અનેક ઇવેન્ટસ થવાની છે. બે મહત્ત્વની ઇવેન્ટ પૂનાની નૅશનલ ફિલ્મ આર્કાઈવ ઑફ ઇન્ડિયાએ કરી. પુ.લ. 1947થી પંદરેક વર્ષ જેની સાથે જુદી જુદી કામગીરીમાં સંકળાયેલા તેવી છવ્વીસ મરાઠી અને હિન્દી ફિલ્મોનાં પોસ્ટર્સનું પ્રદર્શન ફિલ્મ આર્કાઇવે ગોઠવ્યું. એટલું જ નહીં પણ પુ.લ.ની  ફિલ્મોનો ઉત્સવ કર્યો.

વીતેલા સાતેક દાયકાના મોટા ભાગના મરાઠી લોકો જિંદગીના કોઈ ને કોઈ તબક્કે જાણતા અજાણતા પુ.લ.ની સર્જનની છોળથી પુલકિત થયેલા હોય છે. બાળપણમાં તેમણે સૂરમાં ઢાળેલા મયૂરગીત સાથે ડોલી ઊઠેલા હોય છે. હજારો શોઝ થઈ ચૂક્યા હોય, થતા રહ્યા હોય તેવાં તેમનાં નાટકોના પ્રેક્ષકો બન્યા હોય છે. તેમની ફિલ્મો જોઈ હોય છે. લાજવાબ પરફૉર્મર પુ.લ.એ ભજવેલા અઢી કલાકના એકપાત્રી નાટ્ય પ્રયોગ ‘બટાટ્યાચી ચાળ’ સાઠ-સિત્તેરના દાયકાનું મહારાષ્ટ્ર ઘેલું હતું. આજથી પચાસ વર્ષ પહેલાં પુ.લ. દેશના એક બેતાજ સ્ટૅન્ડ-અપ કૉમેડિયન હતા. ‘મ્હૈસ’ (ભેંસ) નામના વાચિકમ્‌ના એક પ્રયોગમાં માત્ર અવાજથી પુ.લ.એ પચાસથી વધુ પાત્રો ધરાવતી હાસ્યકથામાં શ્રોતાઓને તરબોળ કરી દે છે. વ્યક્તિચિત્રો અને લલિત ગદ્યનું તેમનું વાચન સાંભળવું એ મજાનો અનુભવ બને છે. પુ.લ. અને તેમનાં વિચક્ષણ પત્ની સુનીતાબહેને કાવ્યપઠનના ટિકિટ સાથેના હાઉસફૂલ શો કર્યા હતા. સાહિત્ય-સંગીત-વિદ્યાકાર્ય-સમાજકાર્ય કરતી સંસ્થાઓના તેમનાં ભાષણો શ્રવણીય છે. આમાંથી ઘણી શ્રાવ્ય સામગ્રી હવે યુટ્યુબ પર પણ છે. ભાષાના આ જાદુગરના પંચાવન જેટલાં પુસ્તકોમાં છે : વ્યક્તિચિત્રો, પ્રવાસવર્ણનો, હાસ્યલેખો, નિબંધો, નાટકો, આસ્વાદો, ભાષણો, રૂપાંતરો અને અનુવાદ. તે બધાંની થઈને અઢીસોથી વધુ આવૃત્તિઓ છે. શતાબ્દી વર્ષમાં એક અપ્રકાશિત લેખસંગ્રહ અને ત્રણેક સ્મરણપુસ્તકો આવ્યાં છે. આનંદયાત્રી પુ.લ.એ મરાઠી રસિકોની જિંદગીને ખોબે ખોબે ન્યાલ કરી છે. રસિકોને માત્ર હસાવ્યા છે એમ નહીં. તેમને દુનિયામાં જે સુંદર છે તે જોતાં-માણતાં કર્યા ,વિસંગતિઓને પકડતા કર્યા. માણસને તેના અસંખ્ય રૂપોમાં જોવા-સમજવાની નજર આપી. ખુદ પર હસતાં અને ખુદની બહાર નજર કરતાં શીખવ્યું. કરુણા, કદર અને કૃતજ્ઞતા કેટલી મોટી બાબતો છે તે સમજાવ્યું.

પુ.લ.ના મોટા ભાગના લેખનમાં પ્રગતિશીલ મૂલ્યોની વાત સહજ રીતે વણાઈ છે. એ તેમનાં ઘણાં લખાણોનો વિષય બનેછે. મહાત્મા ફુલે, ગાંધીજી, સાવરકર, એસ.એમ.જોશી, ઇરાવતી કર્વે, આવાબહેન દેશપાંડે, રામમનોહર લોહિયા, હમીદ દલવાઈ, વિનોબા, દાદા ધર્માધિકારી, સાને ગુરુજી, બાબા આમટે, દયા પવાર, આનંદ યાદવ જેવાં વ્યક્તિઓ વિશેનાં પુ.લ.નાં લખાણો પર ઓછું ધ્યાન જાય છે. લોકશાહીના પુરસ્કર્તા સાહિત્યકાર તરીકે પુ.લ.એ વિદુષી લેખક દુર્ગા ભાગવતની જેમ કટોકટી સામે અવાજ ઊઠાવ્યો હતો. કટોકટી પછી જનતા પક્ષની ચૂંટણી પ્રચાર ઝુંબેશમાં ચમકદાર અને વિચારોત્તેજક ભાષણોથી મહારાષ્ટ્ર ગજવીને લોકમત પર મોટો પ્રભાવ પાડ્યો હતો. 1996માં તેમને શિવસેના-ભા.જ.પ. યુતિની રાજ્ય સરકારે ‘મહારાષ્ટ્ર ભૂષણ’ પુરસ્કાર આપ્યો. તેના સ્વીકાર કરતી વખતે પુ.લ.એ એ દિવસોમાં સરકારે લીધેલી ‘લોકશાહીને બદલે ઠોકશાહી જ અમે પસંદ કરીએ છીએ’ એવી ભૂમિકા સામે તીવ્ર નાપસંદગી નોંધાવી હતી. તેની સામે બાળ ઠાકરેએ આ મતલબનું કહ્યું : ‘અમારી પાસેથી અવૉર્ડ લેવાનો અને અમારી જ ટીકા કરવાની …’ પુ.લ.ના કરેલા આવા અપમાનને કેટલાક મરાઠી બૌદ્ધિકો અને સાહિત્યકારોએ ઘણું વખોડ્યું હતું.

આગામી મરાઠી સાહિત્ય સંમેલનના અધ્યક્ષપદ માટે વરિષ્ટ ભારતીય અંગ્રેજી લેખક નયનતારા સહગલને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પણ હમણાં આયોજકોએ તે પાછું ખેંચ્યું. સહગલે સંમેલન માટે અગાઉથી મોકલેલા અધ્યક્ષીય ભાષણમાં, અત્યારની કેન્દ્ર સરકારના શાસનમાં વ્યાપેલી અસહિષ્ણુતા સામે સાફ વિરોધ નોંધાયેલો છે. વિચારસ્વાતંત્ર્ય પરના આ વધુ એક હુમલા સામે મહારાષ્ટ્રના બૌદ્ધિકોનો અવાજ ક્ષીણ છે. ત્યારે જે તે તબક્કે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના દમનનો વિરોધ કરનાર દુર્ગા ભાગવત અને વસંત બાપટ જેવાં નામો સાથે પુ.લ. ખાસ યાદ આવે છે.

*******

10 જાન્યુઆરી 2019

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 11 જાન્યુઆરી 2019

Loading

11 January 2019 admin
← હૈયાને દરબાર વાગે કોઈ સિતાર
લોકોની લાગણીઓ પર ઝીણી નજર રાખવી પડતી હોય છે અને તેને સાંભળવી પડતી હોય છે →

Search by

Opinion

  • Scrapyard – The Theatreની દસમી વર્ષગાંઠની ઉજવણી
  • ચલ મન મુંબઈ નગરી—313 
  • પ્રદૂષણ સૌથી મોટું હત્યારું તો છે સાથે અર્થવ્યવસ્થા માટે ઘાતક છે !
  • અતિશય ગરીબીને નાબૂદ કરનારું પ્રથમ રાજ્ય કેરાલા
  • સહૃદયતાનું ઋણ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved