જિંદગીમાં એકબીજાને ભાગ્યે જ મળેલા આ બંને સંસ્કારીજનો વચ્ચે સામ્ય એ હતું કે બંનેએ શિક્ષણક્ષેત્ર માટે મૂલ્યો અને નિષ્ઠા જાળવીને કામ કર્યું.
અમદાવાદની શ્રી હરિવલ્લભદાસ કાળિદાસ આર્ટસ કૉલેજના પૂર્વ આચાર્ય હીરુભાઈ ભટ્ટ અને ગુજરાત રાજ્યના એક પ્રબુદ્ધ આઇ.એ.એસ. અધિકારી હેમકુમાર મિસ્ત્રી બંનેનું અવસાન સત્તર ડિસેમ્બરની સાંજ પછી સ્વજનોની વચ્ચે થયું. એંશી વર્ષના હીરુભાઈએ સૅટેલાઈટ વિસ્તારની માણેકબાગ સોસાયટીની એમના નિવાસસ્થાને આશરે સાડા સાત વાગ્યે દેહ મૂક્યો, અને ત્રાણું વર્ષના હેમભાઈ તેમના પછી આશરે બે કલાકે ડ્રાઇવ-ઇન રોડ વિસ્તારની ઘોષા સોસાયટીમાંથી વિદાય લીધી. જિંદગીમાં એકબીજાને ભાગ્યે જ મળેલા આ બંને સંસ્કારીજનો વચ્ચે સામ્ય એ હતું કે બંનેએ શિક્ષણક્ષેત્ર માટે મૂલ્યો અને નિષ્ઠા જાળવીને કામ કર્યું. ગૌણ યોગાનુયોગ એ કે એ હીરુભાઈની કૉલેજની ભૂગોળ વિષયની એક તેજસ્વી પૂર્વ વિદ્યાર્થિની હેમભાઈની પુત્રી પ્રાદ્યાપક નિયતિ.
હીરુભાઈની નિયતિ તો જાણે શ્રી એચ.કે. આર્ટસ કૉલેજ હતી. તેઓ આ કૉલેજના અર્થશાસ્ત્રના વિદ્યાર્થી, 1961થી તેમાં અધ્યાપક અને 1993થી આખરી પાંચ વર્ષમાં આચાર્ય. એ અરધા દાયકામાં તેમણે કૉલેજના નિષ્ઠાપૂર્ણ, નિ:સ્વાર્થ અને નિસબતપૂર્વકના સંચાલનનો એવો તો નમૂનો પૂરો પડ્યો કે તે પછીના બે દાયકા તે મૉડેલ વારંવાર યાદ આવતું રહ્યું. હીરુભાઈ એક અધ્યયનશીલ અધ્યાપક અને કર્તવ્યદક્ષ આચાર્ય હતા. કૉલેજમાં વહીવટી કર્મચારીઓની સંખ્યા અરધાથી ઓછી હોય તે સમયમાં તેમણે કૉલેજ ચલાવી હતી. ઘણી વખત હીરુભાઈ પોતે ખુરશી પર ઊભા રહીને કૉલેજનાં નોટિસ બોર્ડ પર સૂચના લખતા. એ હીરુભાઈએ એક વખત રાજકીય વગ ધરાવતા એક વિદ્યાર્થીને રિસેસમાં કૉલેજનાં મેદાનની વચ્ચોવચ્ચ લાફો મારી દીધો હતો. એણે સેનેટની ચૂંટણીની જીતના કેફમાં કૅમ્પસમાં ફટાકડા ફોડ્યા હતા.
એ જ હીરુભાઈ ગરીબ વિદ્યાર્થીઓની ફી પણ ભરતા. તેઓ પોતે અમદાવાદના દરિયાપુરમાં અત્યારે પણ ચાલતી ગરીબ વિદ્યાર્થીઓ માટેની અચરતલાલ ગિરધરલાલ છાત્રાલયમાં રહીને ભણ્યા હતા. એટલે તેમને સમાજઋણનું ભાન હતું. સંસ્થાઓની ગ્રાન્ટો તેમ જ અધ્યાપકોના પગારો માટે આવતો પૈસો સમાજનો છે, અને એટલા માટે કૉલેજો ફળદાયી રીતે ચાલવી જોઈએ એ તેમની શિક્ષણદૃષ્ટિનો સ્થાયીભાવ હતો. વળી તેમાં વિદ્યાર્થી કેન્દ્રમાં હતા. તેમને અધ્યાપકો વર્ગમાં નિયમિત અને સારી રીતે ભણાવે, તેમને પરીક્ષાના માર્કમાં અન્યાય ન થાય, તેમની સિદ્ધિઓનું ઉચિત ગૌરવ થાય તે માટે હીરુભાઈએ જે વ્યક્તિગત અને વહીવટી તકેદારી રાખતા તેના અનેક દાખલા આપી શકાય. અધ્યાપકો પાસે તે જે સજ્જતા, નિયમિતતા અને નિષ્ઠાનો આગ્રહ રાખતા એ તેમની પોતાની કાર્યપદ્ધતિમાં પણ દેખાતી. વ્યાખ્યાન અને વહીવટ માટે તેઓ ખૂબ ઘરકામ કરતા. એક વાર ધોળકા પાસેનાં ભેટાવાડા ખાતે રાષ્ટ્રીય સેવા યોજનાની શિબિર હતી. ગુલાબની ખેતી માટે જાણીતા એ ગામમાં વ્યાખ્યાન આપવા માટે હીરુભાઈએ કૉલેજનાં ગ્રંથાલયમાંથી ફૂલો વિશેનાં પુસ્તકો વાંચીને તૈયારી કરી હતી. ‘આચરણ કરે તે આચાર્ય’ ઉક્તિને હીરુભાઈ સાર્થક કરી હતી. હંમેશાં ખાદીના શ્વેત-શુભ્ર વસ્ત્રો પરિધાન કરનાર હીરુભાઈ વાણી-વર્તન-વ્યવહારમાં આચાર્ય હતા, શો-મૅન નહીં ! તેમનું જીવન ઘટનાપૂર્ણ ન હતું, વિદ્વત્તાના દાવા કે કર્તૃત્વના દેખાડા ન હતા. પણ વિદ્વાન કે કર્તૃત્વશીલ નાગરિકો બને તેવી કૉલેજ તેમણે આપી હતી.
ગુજરાત રાજ્યની સિવિલ સર્વિસેસ ટ્રિબ્યુનલમાંથી 1990માં નિવૃત્ત થયેલા હેમકુમાર મિસ્ત્રી અભ્યાસી અને અભિરુચિસંપન્ન, પ્રબુદ્ધ અને પ્રતિબદ્ધ, વૃક્ષ અને વાચનના આરાધક સનદી અધિકારી તરીકે જાણીતા હતા. આઇ.એ.એસ. અધિકારી તરીકેની તેમની વિવિધ કામગીરીઓમાં તેમને સહુથી વધુ નામના અને આદર 1980-81માં શિક્ષણ સચિવ તરીકે મળ્યાં. પાલિતાણામાં અંગ્રેજી રાજના જજના દીકરા હેમને તેમના નગરમાં છદ્મવેશે અખાડાપ્રવૃત્તિ ચલાવતા ક્રાંતિકારી સરદાર પૃથ્વીસિંહ રાણા પાસેથી શરીર સૌષ્ઠવ તાલીમ ઉપરાંત રાષ્ટ્રવાદ અને સમાજવાદના પાઠ પણ મળ્યા હતા.
તેમની કારકિર્દીની શરૂઆત તો અસલના જમાનાની એ ગુજરાત કોલેજમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે થઈ હતી કે જેના તેઓ છ વર્ષ વિદ્યાર્થી પણ હતા. ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં 1954થી બે વર્ષના અભ્યાસ બાદ તેમના પરીક્ષક અને અંગ્રેજી વ્યાકરણ-પુસ્તકના લેખક પ્રો. એચ. માર્ટિને તેમને કહ્યું હતું કે યુરોપમાં જે લૅટિન ન જાણતા હોય તે બાર્બેરિયન એટલે કે અસંસ્કારી કહેવાય. સ્કૉલર હેમે નમ્રતાપૂર્વક જણાવ્યું કે ‘હું જે સભ્યતામાંથી આવું છું ત્યાં સંસ્કૃત જાણનારાને એવા કહેવાય છે.’ પિતાના આગ્રહથી નાની વયમાં જ ઉત્તમ સંસ્કૃત શીખેલા મિસ્ત્રીસાહેબ જીવનના આખર સુધી ‘શાકુંતલ’-‘મેઘદૂત’ના શ્લોકોનું રટણ કરતા.
વહીવટી કામ માટેનો તેમનો ઍપ્ટિટ્યૂડ પારખી ગયેલા એક અંગ્રેજ અધ્યાપકના સૂચનથી હેમ ભારતની સનદી સેવામાં જોડાયા. તેતાળીસ વર્ષની કારકિર્દીમાં એક પબ્લિક સર્વન્ટ તરીકે છેવાડાના માણસ સુધી પહોંચવાની નેમ સાથે તેઓ કાર્યરત રહ્યા. સુરત, વલસાડ, પંચમહાલ, ખેડા, ભાવનગર, સાબરકાંઠા જેવી અનેક જગ્યાએ લોકભાગીદારી સાથેના માનવકેન્દ્રી વહીવટ માટે સતત કોશિશ કરી. છોટાઉદેપુર વિસ્તારમાં કલેક્ટર હતા ત્યારે આદિવાસી સમૂહોમાં તિરંદાજીની ક્ષમતા તેમના ધ્યાનમાં આવી. તેને પ્રોત્સાહન આપવાની તેમની નીતિની ફલશ્રુતિ તરીકે નસવાડી ખાતે એકલવ્ય એકેડમીનું નિર્માણ થયું છે. પ્રકૃતિના ઉત્કટ પ્રેમી હેમકુમાર જે મુકામે ફરજ પર નીમાતા ત્યાંત્યાં તે વૃક્ષારોપણ હાથ ધરતા અને પોતાના નિવાસ્થાનને તો લીલોતરીથી ઘેરી દેતાં. તેઓ વૃક્ષોનાં નામ પાડતા (એક લીમડાનું નામ અમરતલાલ પાડ્યું હતું !), તેમની સાથે વાતો કરતા, તેમને કવિતા પણ સંભળાવતા.
કવિતા અને સાહિત્ય, વાચન અને લેખન હેમભાઈની જિંદગીનાં અવિભાજ્ય અંગ હતાં. તેમણે વિવિધ ભાષાઓનું વિપુલ સાહિત્ય માણ્યું હતું. નરસિંહની કેટલીક રચનાઓનો તેમણે કરેલો અનુવાદ લંડનથી બહાર પડ્યો હતો. સાહિત્ય અકાદમીએ બહાર પાડેલાં મધ્યકાલીન ભારતીય સાહિત્યના અંગ્રેજી અનુવાદના ખંડોમાં તેમણે કરેલો ગુજરાતી ફાગુગીતોનો અનુવાદ જોવા મળે છે. ‘હિન્દ સ્વરાજ’ પર કાન્તિભાઈ શાહે લખેલા લેખોના પુસ્તકને તેઓ અંગ્રેજીમાં લઈ ગયા, અને તે દરમિયાન અનેક ગ્રંથો વાંચીને ગાંધીવિચારનો અભ્યાસ કર્યો. ‘ભદ્રંભદ્ર’ તેમણે એક જાપાની સંશોધકને અંગ્રેજીમાં સમજાવી હતી. બિનગુજરાતી કર્મચારીઓ માટે ગુજરાત સરકારે બહાર પાડેલા ત્રિભાષી વહીવટી કોશ મિસ્ત્રીસાહેબને કારણે શક્ય બન્યો. 1961-62માં ફુલબ્રાઇઅટ સ્કૉલરશીપ પર યુનાઇટેડ સ્ટેટ્સની શાળાઓનો અભ્યાસ કર્યો. પત્નીના બંગાળી સાહિત્યના રસને કારણે બંગાળી શીખીને બાઉલ પરંપરાનો અભ્યાસ કર્યો, તેના માટે શાંતિનિકેતન ગયા. પૂરા અભ્યાસ કે નિપુણતા વિના એક પણ શબ્દ બોલવો કે લખવો નહીં એવી તેમની દૃઢ માન્યતા હતી. તેમના અનુભવો વિશે લખવાના સૂચન કરનારને તેઓ એ મતલબનું કહેતા : ‘સમાજને સંતાનો તરીકે બે સારાં નાગરિકો અને વૃક્ષો આપ્યાં એટલે જીવન સાર્થક …’ નિયતિ યાદ કરે છે : ‘એક જિલ્લામાં પારિજાત વાવ્યો ને તરત બદલી થઈ. છોડને કહ્યું, ‘ભાઈ, તારાં ફૂલ નહીં મળે’. પપ્પા ડાયરીમાં લખે છે કે ભર શિયાળે પારિજાતે થોડાં ફૂલ આપ્યાં.’ નિયતિનું એક સાંભરણ છે કે એક જગ્યાએ એમની પ્રાર્થનાથી મે મહિનાની અખાત્રીજે કદંબ પર ફૂલ બેઠાં હતાં.
03 જાન્યુઆરી 2019
સૌજન્ય : ’ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 04 જાન્યુઆરી 2019