Opinion Magazine
Number of visits: 9483422
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દૂઝતો ઘા

વલ્લભ નાંઢા|Opinion - Short Stories|30 December 2018

જીવન શેઠને રાણા કંડોરણાના પાટિયે ઊતારી ઘરઘરાટી કરતી, ધૂળ ઉડાડતી અને મોટેથી હોર્ન વગાડતી એસ.ટી. બસ હાઈવે પર દોડી ગઈ.

હાઈવેનો ઢાળ ઊતરી જીવન શેઠે આસપાસ નજર ફેરવી.

સાંજ અંધકારનું પગલેપગલું દબાવતી આગળ વધી રહી હતી. સડક પર સન્નાટો છવાયો હતો અને માણસોની અવરજવર પણ નહિવત્ હતી.

ક્ષિતિજે ડૂબકી મારવાની ક્ષણો ગણતો સૂર્ય પૃથ્વીપટ પર સિંદૂરિયા રંગની પીંછી ફેરવી રહ્યો હતો. ગામ તરફ લંબાતો ધૂળિયો રસ્તો અને એ રસ્તાને જોડતી કેડી એ ઊભા હતા તેની નજીક જ હતી. જીવન શેઠ ધૂળિયા રસ્તા સુધી પહોંચ્યા. ગામનાં ખોરડાં દેખાતાં હતાં. બહુ ઝાઝું ચાલવાનું નહોતું. એ કેડી પર ચાલવા લાગ્યા. બજાર સોંસરવા નીકળ્યા ત્યારે કેટલાક ઘરડા ડોસલાઓ હાથનું નેજવું કરી તેને તાકી રહ્યા હતા અને અંદરોઅંદર ગુસપુસ કરી રહ્યા હતા. જીવનશેઠ રામજીચોક પાસે આવી પોરો ખાવા જરાવાર થોભ્યા. નથુ પાનવાળાના થડા પાસે જુવાનિયાઓની ભીડ હતી. જીવન શેઠની લગભગ ઉઁમરે પહોંચવા આવેલો કુરજી થડા પાસે ઊભો હતો. કોઈ નવતર માણહ કોઈના ઘરનું ઠેકાણું પૂછવા માટે ઊભું છે. એમ લાગતાં એ આગંતૂકની પાસે ગયો પણ પોતાના બાળમિત્ર જીવનને જોતાં એ હરખાઈ ગયો.

“એલા, જીવના તું ? ભલા ભઈ, આમ હાવ જ અચાનક?” અવાજ કંઈક પરિચિત લાગ્યો. જીવન શેઠને પણ તરત વરતારો આવી ગયો. “અરે,  કુરિયા! મારા વાલીડા, તેં મને ભલો ઓળખી લીધો! ’’ કહેતાં જીવને કુરજીને બાથમાં લઈ લીધો. દોસ્તી નાતે બંને એકબીજાને તુંકારે સંબોધતા. બંને ગોઠિયા ભેગા થાય ત્યારે ઉંમરની સીમાઓ ભૂંસાઈ જાય. ગામના લોકો માટે એ જીવન શેઠ પરંતુ કુરજી માટે તો એ જીવનો અને જીવન શેઠ માટે એ કુરિયો હતો.

કેટલાં ય વર્ષોના ગાળા પછી બન્ને મિત્રો મળતા હતા. વર્ષો પછી આ મૈત્રી પાનેપાને મહોરી ઊઠી હતી. બેમાંથી એકેને સમયનું ભાન પણ ક્યાં રહ્યું હતું?.

“અગાઉથી ભાળ કરી હોત તો હીધો બંદરે જ આવત ને, લેવા. પોરબંદર ક્યાં સેટું છે.’’ કુરજી વિવેક કરવા લાગ્યો. 

“અને હુંયે આ ગામથી થોડો અજાણ્યો છું?,’ જીવન બોલ્યો.’ હવે ચાલ મને મારી મેડી સુધી મેલી જા.’’ આફ્રિકામાં લાંબા વસવાટને કારણે જીવનની બોલચાલમાં સફાઈ હતી, જ્યારે કુરજી તળપદીમાં બોલતો

“એલા જીવના, આ સું કે’છ?.’

“લે, મારી મેડી છે ને?”

“ભૂલી ગ્યો? આફરિકા ગ્યો તાંણે તારી મેડીની ચાવીનો ઝૂડો કોને સોંપીને ગ્યો’તો ઇ…? ચાલ, ઘેર ચાલ સંધી ય વાત કરું સું.’’

જીવન શું બોલે?

‘કેટલા ય વરહથી અવડ પડીસે. સાફસૂફી થઈ જાય પસે તને નૈ રોકું. પણ અવ તો નૈંજ જવા દઉં.’’ કુરજી તાણ કરવા લાગ્યો.

“ઠીક ત્યારે તું કહે છે તો એમ.’ જીવને કુરજીની વાત માન્ય રાખી અને બન્ને ચાલવા લાગ્યા.

કુરજી સાથે જીવનને ચુસ્ત દોસ્તી. રેવાશંકર માસ્તરની ગામઠી પાઠશાળામાં પાટી પર બંનેએ સાથે એકડા ઘૂંટ્યા હતા. કંડોરણાની એ ધૂળી પાઠશાળામાં છ ચોપડીનું ભણતર પૂરું થયું પછી જીવને બે-એક વરસ એક કણબી પટેલની વાડીમાં ખેતીકામ કરેલ અને કુરજીએ પિતાની ભંગારની દુકાન સંભાળેલ. પછી જીવન આફ્રિકા કમાવા ચાલ્યો ગયેલો ને વર્ષે બે વર્ષે આફ્રિકાથી એકાદ મહિના પુરતો ફરવા આવી એના ભેરૂઓને મોં દેખાડી જતો. એ આવતો ત્યારે બે મિત્રો વચ્ચેની વાતો ખૂટતી નહિ. એટલું જ નહીં પણ જ્યારે જીવન દેશમાં પરણવા આવેલો ત્યારે ખુદ જીવને જ પોતાના અંતરંગ દોસ્ત કુરજીને લગ્નવિધિ વખતે અણવર તરીકેની ફરજ બજાવવાનો લહાવો દીધેલો. જીવન આફ્રિકા હતો ત્યારે તેના માબાપને એક ભડકેલા આખલાએ અડફેટે લીધેલાં. એ હુમલોએ બેયના જીવ લીધેલા ને બન્નેની ઠાઠડીઓ એક સાથે કાઢેલી. ત્યારે જીવન આફ્રિકાથી આવેલો અને માતાપિતાનાં ક્રિયાકાંડ પૂરા કરી, થોડા દિવસ દેશમાં રોકાઈને એ પાછો આફ્રિકા ચાલ્યો ગયેલો. પછી ઘરસંસાર અને કચ્ચાંબચ્ચાંની જંજાળમાં દેશમાં આવવાનું ઓછું થતું ગયું. અને આ વખતે તો પૂરા પચ્ચીસ વરસના લાંબા ગાળા પછી એ દેશમાં આવ્યો હતો..

રાતે વાળુપાણી કરી કુરજી અને જીવન ઓસરીમાં ખાટલા ઢાળી બેઠા હતા. ગામના લોકો જાણતા હતા કે જીવન આફ્રિકે જઈને બે પાંદડે થયો હતો એટલે મોડી રાત સુધી કુરજીને ત્યાં ગામેચીઓનો ડાયરો જામેલો. જીવન શેઠને મોઢે આફ્રિકાની રોમાંચિત વાતો સાંભાળવામાં ગામલોકોને ભારે રસ પડતો હતો.

બધા ગયા પછી બંને મિત્રોએ ફળિયામાં જ ખાટલા ઢાળ્યા અને જવીબહેને પોતાની પથારી અંદર કરી લીધી.

જીવનશેઠે એ રાત જાગતા જ કાઢી. દીકરાની અવળચંડાઈને કારણે ગામના ગોળાનું પાણી હરામ કરી, પહેરેલે ત્રણ લુગડે ઘેરથી નીકળી જવું પડ્યું. દીકરા સાથે થયેલી બોલંબોલાવાળી ઘટના કેમેય કરી ભુલાતી ન હતી. આંખો સામે એ ઘટના ભૂતાવળ બની નાચતી હતી.

શિન્યાન્ગા – મ્વાંઝા શહેરથી સોએક ગાઉ છેટું આવેલું ટાંઝાનિયાનું એક નાનકડું પણ મહત્ત્વનું રેલવે સ્ટેશન. માત્ર દોરી-લોટો લઈને આફ્રિકાના એ નાનકડા ગામમાં વીસના દસકામાં જીવને જ્યારે અઠ્ઠેદ્વારકા કર્યા ત્યારે તેની ઉંમર ઓગણીસની હતી. તે ઘટનાને પણ હવે તો એંશી વર્ષોનાં વાણાં વાઈ ગયાં. શરૂઆતમાં પાંચેક વર્ષ મડૂઈની સુખ્યાત ‘વિલ્યમસન ડાયમંડ માઈન્સ’માં નોકરી કરી. થોડી બચત થઈ પછી દેશમાં લગ્ન કરવા આવ્યા અને પાછા આફ્રિકા આવીને કાપડની હાટડી માંડી.

સમયનો કાંટો સમયને ધીમેધીમે આગળ ધકેલતો રહ્યો. હાટડી જામી ગઈ. અને કાળક્રમે જીવન હાટડીમાંથી એક મોટી દુકાનનો શેઠ બની ગયો. જીવનમાંથી એ જીવનલાલ શેઠ બની ગયો! ત્યાર પછી એની પત્ની શારદાએ એક પછી એક એમ ચાર દીકરીઓ અને પછી એક દીકરાને જન્મ આપ્યો. શારદાના પેટે ઉપરાછપરી ચારચાર દીકરીઓ અને પછી પુત્ર સુધીરનો જન્મ થયો. પતિ-પત્નીના મનમાં એકાએક વાંસ ફૂટવા લાગ્યા. ચારચાર દીકરીઓ પછી પુત્ર સુધીરનો જન્મ થયો હોવાથી એનો ઉછેર લાડચાડમાં થયો હતો. હવે તો દીકરીઓને પણ સાસરે વળાવી દીધી હતી.

વર્ષો વીતતાં ગયાં. સુધીરને કોઠે વિદ્યા ચઢી નહિ એટલે જીવનશેઠે તેને દુકાનમાં બેસાડી દીધો. સુધીર દુકાન સંભાળવાને લાયક થયો પછી દુકાનનો સઘળો કારભાર સુધીરને સોંપી જીવનશેઠ લગભગ નિવૃત્તિ જેવું જીવન ગાળી રહ્યા હતા. જુવાનીમાં બે પાંચ વરસે દેશમાં આંટો મારી આવતા. પણ હમણાં ઘણા લાંબા સમયથી વતન જવાયું ન હતું. દેશમાં બાપીકું મકાન હતું જેની દેખભાળ તેનો ભાઈબંધ કુરજી કરતો હતો.

આમ જીવનશેઠને બધી વાતનું સુખ હતું પણ ક્યારેક ક્યારેક સુધીરનો ગ્રાહકો સાથેનો ઉદ્ધતાઈભર્યો વરતાવ જીવન શેઠને અસ્વસ્થ બનાવી જતો. ખાસ કરીને આફ્રિકન ગ્રાહકો સાથે સુધીરનો તોછડાઈભર્યો વહેવાર ચિંતાનું ભારણ વધારી દેતો. ન રહેવાય ત્યારે કોઈ વાર ડોસા દીકરાને શિખામણના બે શબ્દ કહેતા ય ખરા, પણ બાપાની શિખામણ સુધીરના બહેરા કાને અથડાઇને પાછી વળતી. બાપાની શીખ એ ધ્યાન પર લેતો નહિ, એટલું જ નહીં, કોઈ વાર એ પિતાની માનમર્યાદા પણ વળોટી જતો ને જીવનશેઠ સામે ડોળા ટટળાવવા લાગતો. આવું બનતું ત્યારે બાપદીકરા વચ્ચે વઢવેડ જેવું પણ થઈ જતું. પણ જીવન શેઠ પછી વળ ખાઈને રહી જતા.

પણ એક વાર તો સુધીરે મર્યાદાની તમામ સીમાઓ જ પાર કરી નાખી. એક ઘરાકના લેણાની મામૂલી રકમના બદલામાં સુધીર પેલા વર્ષો જૂના આફ્રિકન ઘરાકનું ઝૂંપડું પડાવી લેવાની વેતરણમાં હતો. આવો અમાનુષી વહેવાર જોઈ જીવન શેઠથી ચૂપ બેસી શકાય એમ નહોતું. જીવનશેઠે દીકરાના ફેંસલાની વચ્ચે પડી કાચા કરારના કાગળિયાં ફાડી નાખ્યાં ને આફ્રિકન ઘરાકને લેણાની રકમ ચૂકવવા માટે મુદ્દત વધારી આપી. પેલો અબૂધ આફ્રિકન ગળગળો થઈ શેઠના પગમાં ઢળી પડ્યો. આભાર માનતો અને ચોધાર આંસુ સારતો એ ગયો પછી બાપ-દીકરા વચ્ચે બરાબરની ગરમાગરમી થઈ ગઈ. સુધીરની આંખોમાં અંગારા ભભૂકી ઉઠ્યા. માનમર્યાદાની સીમા લોપાઈ ગઈ. દીકરાની આંખ ફરી ગઈ. તેણે દાંત ભીંસીને ટેબલ પરથી કાતર ઉઠાવી અને બાપા તરફ ઘા કર્યો. કપાળ પર કાતરનો ઓચિંતો ઘા આવી પડતા જીવન શેઠ ચીસ પાડી ઉઠ્યા. પહેલાં પહેલાં તો જીવન શેઠનું મગજ પણ બહેક્યું. મોઁ લાલલાલ થઈ ગયું. ગળાની નસો પણ ફૂલી ગઈ. પણ નહિ, આ તો મારી જ ખામી છે. દીકરાની પરવરીશમાં રહી ગયેલી ખામીનું જ આ પરિણામ. વળતો પ્રહાર કરવા ઉપાડેલો લોખંડનો ગજ હાથમાં જ રહી ગયો! અને ડોસા પોતાની જ્ગ્યા પરથી ઊભા થઈ ગયા. ઘાટાઘાટી સાંભળી શારદાશેઠાણી હાંફળાફાંફળા ત્યાં દોડી આવ્યાં. જીવન શેઠના કપાળમાંથી લોહીની ટશરો ફૂટી રહી હતી. જીવનશેઠે પત્નીને ટૂંકમાં બધી વાત કહી. શારદબહેને સુધીરને પિતાની માફી માગવાનું કહ્યું એવા જ જીવન શેઠ ગર્જી ઊઠ્યા, “નહિ, નહિ, એ નાલાયક પાસે મારે માફીબાપી કંઈ મંગાવવું નથી. શારદા, આ ઘર છોડવાની વેળા આવી ગઈ છે. ચાલ, તૈયાર થઈ જા ..’’ પછી પતિ-પત્ની વચ્ચે કંઈક બોલાચાલી થઈ અને જીવન શેઠ ગામનું પાણી હરામ કરીને ઘર અને ગામ છોડીને ચાલી નીકળ્યા – વતનની રાહ પકડવા.

જીવન શેઠને આ બધું યાદ આવી ગયું.

***

કુરજીએ જીવનની મેડીની સાફસૂફી કરવા માટે ગામની બે-ત્રણ મજૂરણોને કામે લગાવી લીધી. એક જ દિવસમાં જીવનશેઠની મેડી અરિસા જેવી ચોખ્ખી ચણક બની ગઈ. બપોરે જીવન શેઠ કરિયાણાની દુકાને જઈ રાશન નોંધાવી આવ્યા અને બીજા દિવસે કુરિયાની રજા લઈ જીવનશેઠ પોતીકા મકાનમાં આવી ગયા.

જીવન શેઠે હવે પોતાનો રોજિંદો કાર્યક્રમ બાંધી લીધો હતો. સવારે નાહીધોઈ પૂજાપાઠ અને પછી ચૂલો સંભાળવો. અને બપોરે જમીને થોડો આરામ કરી રોંઢું થતાં કુરિયા સાથે ગામની નદી સુધી જઈને પગ છૂટો કરવા નીકળી જવું. આ એમની દૈનિક ચર્યા! નદીના કાંઠે પરિચિત સપાટ શિલા પર બેસી બાળપણના દિવસો વાગોળતા. તળાવની પાળ, ગાયુ-ભેંસુના ભાંભરવાના અવાજ, પનિહારીઓની આવનજાવન, બજારના ઓટલે બેસી બીડી ફૂંકતા બુઝુર્ગો. તૂટેલો ગઢ અને સપાટ પથરા, આ પથરા પર બેસી બંને ભાઈબંધ નવ કૂકરીની રમત રમતા હતા. એ દિવસોને સંભારતા. ખૂલીને એકબીજાને પોતાના દિલની વાત કરતા. જીવન શેઠે કુરજીને શિન્યાંગામાં જે ઘટના બની હતી તેની અથ થી ઈતિ કહી હતી. આમ નદીતટે રોજ આવવું અને ધરતીપટ પર અંધારાં ઊતરવા લાગે ત્યાર પછી જ ઊઠવું એવો વણલખ્યો ક્રમ બન્ને મિત્રોએ બનાવી લીધો હતો.

***

એ સવારે પોરબંદર-જૂનાગઢ તરફ લંબાતો હાઈવેનો વળાંક તુલસીચોક પાસે આવીને જાણે કે સ્થિર થઈ ગયો હતો. તડકો આળસ મરડીને યુવાન થઈ ગયો હતો. એ સવાર કંઈક વધારે માદક હતી. ચાર-પાંચ ચોવટિયા માવજી મવાલીની દુકાનના ઓટલે બેઠાબેઠા બીડી ફૂંકતા હતા ને ગામની પંચાત કરતા હતા.. એ જ વખતે એસ.ટીની એક બસ બસ-સ્ટેન્ડના પાટિયા પાસે આવી ઊભી. બસમાં ચડનારું તો કોઈ હતું નહીઁ પણ એક બાઈ એક નાનકડી થેલી સાથે બસમાંથી ઊતરી. ચોવટિયાઓનું ધ્યાન તેના પર પડ્યું પણ એ બાઈનો વરતારો ન પડ્યો. ગામના ઝાંપા પાસે એ જરા વાર થોભી અને ત્યાંથી પસાર થતા એક લબરમૂછિયા છોકરાને કંઈક પૂછ્યું અને ઝડપથી ઝાંપામાં દાખલ થઈ ગઈ. પેલા લબરમૂછિયા છોકરાને પૂછતા પંચાતિયાઓને બાતમી મળી કે એ સ્ત્રીએ જીવન શેઠની મેડીનું ઠેકાણું પૂછ્યું હતું. બસ, આગની ચિનગારીને હવા મળી ગઈ – પંચાતિયાઓને અફવાના ગુબ્બારા ચડાવવાનું કારણ મળી ગયું!

અને પેલી બાઈ અડધાએક કલાક પછી પાછી ગામલોકોના મનમાં શંકાઓ-કુશંકાઓ જગાવી પોરબંદર જતી બસમાં બેસી ગઈ. કોણ હશે એ બાઈ? એ સાવ એકલી જીવન શેઠની મેડીમાં શું કરવા ગઈ હશે? જીવન શેઠ એને જાણતા હશે? શું શેઠને એની સાથે કંઈ લફરું હશે? ચોવટિયાઓએ આવા આવા સવાલો ઊભા કરી ગામેચીઓના મનમાં શંકાઓના કીડા સળવળતા કરી દીધા. હવે તો લોકો પણ પેલી સ્ત્રીને જીવનશેઠ સાથે જોડીને છડેચોક એમના ચરિત્ર પર કિંચડ ઉડાડવા લાગ્યા હતા.

જો કે, આ અફવા જીવન શેઠ સુધી હજી પહોંચી ન હતી. પણ કુરજીને કાને આ વાત આવી હતી. કુરજીને પણ આ વાતે અચરજ તો થતું હતું. કોઈના માન્યામાં ન આવે તેવી અફવા ઊડી હતી. અને કુરજીના મનમાં પણ ભેરુ માટે શંકાનાં વાદળ ઘેરાવા લાગ્યાં.

એ જ  સાંજે કુરજીએ દુકાન સહેજ વહેલી વધાવી સીધો જીવનની મેડીએ પહોંચી ગયો. કુરિયાને આમ અસૂરો આવેલો જોતાં જીવન પણ પહેલાં તો નવાઈ લાગેલી. “શું વાત છે, કુરિયા? આમ અચાનક આ તરફ? મારું કંઈ ખાસ કામ પડ્યું કે શું?’’ જીવન કુરિયાને પૂછવા લાગ્યો.

“નૈ દોસ્ત, ખાસ કામ કૈં નથી. આમણી કોર નેકળ્યો’તો, મું ને થ્યું ભેરૂનું મું જોતો જાવ.’’ કુરિયાએ બહાનું આગળ ધર્યું.

“પણ તારો ચહેરો તો કંઈક જુદું જ કહેતો હોય એવું લાગે છે.’’ ચાલાક જીવને દોસ્તના મનની દુ:ખતી નસ પકડી પાડી હતી.

“ઇ તો તુંને ઇમ લાગે છ.’’ કુરિયો લોચા વાળતી જીભે બોલ્યો.

“તો પછી મને એવું કેમ લાગે છે કે તું મને કંઈક પૂછવા આવ્યો છે.’’

“તને ખબર છે પેલી સ્ત્રીને લઈને ગામલોકો તારા વિશે કેવી કેવી વાતુ કરે છે ?” શબ્દો જીભ પર આવતા આવતા રહી ગયા. પછી એ મૂંઝવણમાંથી બહાર નીકળી જઈ, થોડી હિંમત એકઠી કરી તેણે છેવટે જીવનને પૂછી જ નાખ્યું.

“જીવના, તારી પાંહે આવેલી કોઈ બાઈને લૈને લોકો તારી બૌ ખરાબ વાત્યુ કરે સે’’ કુરિયો તૂટ્ક તૂટક શબ્દોમાં બોલી ગયો..

“શું વાતો કરે છે?’’

“એ બાઈ માણહ કોણ હતું? તારે ત્યાં કિમ આઇવું’તું?’’

“હવે સમજ્યો. શું તારે પણ એ બાઈ કેમ આવી’તી તેનું કારણ જાણવું છે એમને?”

કુરિયો નજર નીચી ઢાળી જમણા પગના અંગૂઠા વડે ભોંય ખોતરવા લાગ્યો.

“તો સાંભળ. એ સ્ત્રી બીજી કોઈ નહીં પણ તારી ભાભી હતી : મારી પત્ની શારદા! મને લઈ જવા સારુ આવી’તી, પણ હું મારા ફેંસલામાં અફર હતો. મેં તેને કહ્યું: “શિન્યાન્ગા છોડ્યું ત્યારે ગામનું પાણી હરામ કરીને નીકળ્યો છું. મારી સાથે આવવા મેં તને ઘણી સમજાવી હતી પણ તેં દીકરાનો પક્ષ લીધેલો.પછી હું એકલો પહેરેલ લૂગડે જ ચાલી નીકળ્યો હતો. હવે તું જ કહે, જે ગામના પાણી હરામ કર્યાં હોય એ ગામમાં ફરી પગ મૂકું તો મારા વેણની કિંમત શી? મેં ના પાડી એટલે. શારદા જેમ આવી‘તી તેમ બસમાં પાછી વળી ગઈ’. દોસ્ત પાસે હૈયાનો ઊભરો ઠાલવી જીવન શેઠ બીજી તરફ જોઈ ગયા.

કુરજી નીચું જોઈ ગયો. ગયો. જરાક વાર પછી જીવન શેઠે નજર ફેરવી તેની સામે જોયું. કુરજીની આંખો ઝરતી હતી. બીજી ક્ષણે જીવન શેઠનો હાથ વિનાયાસ ઊંચો થઈ ગયો – દૂઝતો ઘા ઢાંકવા.

e.mail : vallabh324@aol.com

[પ્રગટ : “અખંડ આનંદ”, ડિસેમ્બર 2018]

Loading

30 December 2018 admin
← ૨૦૧૯ : થોડાંક ઇંગિત
આથમણી કોરનો ઉજાસ →

Search by

Opinion

  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved