હૈયાને દરબાર
સાલ ૧૯૭૯. ગુજરાતી સાહિત્ય-સંગીતની એક અદ્દભુત કેસેટ બહાર પડે છે. (હા, એ જમાનો હતો કેસેટનો. સી.ડી. ત્યાર પછી આવી. કેસેટ તો હવે નામશેષ થઇ ગઈ છે.) નામ એનું ‘આંખે કંકુના સૂરજ આથમ્યા’. સામાન્ય રીતે સાહિત્ય અને પુસ્તકોમાં જ રચ્યાપચ્યા રહેતા મારા પપ્પા સંગીતની આ કેસેટ્સ લઈને ઘરે આવે છે. રેકોર્ડ પ્લેયરમાં ઉત્સુકતાથી અમે એને ગોઠવીએ છીએ. કેસેટના આરંભમાં એક ગેબી અવાજ સંભળાય છે, એ અવાજ છે અવાજના જાદુગર હરીશ ભીમાણીનો. અમે એમના અવાજના જાદુમાં ખેંચાતા જઈએ છીએ અને સંગીત એમાં પ્રાણ પૂરી રહ્યું છે. એ વખતે ચડેલો આ કેસેટનાં ગીતોનો નશો આજે ય બરકરાર છે. શું ગીતો હતાં એ! કાવ્યત્વ, સંગીતત્વ અને સાહિત્યને સમાન સ્તરે અને પ્રથમ ક્રમાંકે જ મુકવા પડે એવી આ અદ્દભુત કેસેટ ગુજરાતી સંગીત પ્રેમીઓના ઘરનું મોંઘેરું ઘરેણું બની ચૂકી હતી.
ગુજરાતી થઈને આ કેસેટ વિશે તમે કંઈ જાણતા ન હો તો અમારે કશું કહેવું જ નથી તમારી સાહિત્યિક કે સાંગીતિક સજ્જતા વિશે. આ લેખ વાંચી લો એટલું બસ. ચાર ઉત્તમ કવિઓ જગદીશ જોશી, મણિલાલ દેસાઈ, પ્રિયકાંત મણિયાર તથા રાવજી પટેલ જેઓ તેમની કારકિર્દીનો સૂરજ મધ્યાહ્ને તપતો હતો, ત્યારે નાની વયે જ ગુજરી ગયા એમની કવિતાઓનું આ આલબમ છે. આ કવિઓની સુંદર કવિતાઓને સંગીતકાર સ્વ. અજિત શેઠે શ્રેષ્ઠ ગાયકો પાસે ગવડાવી ખૂબ લોકપ્રિય બનાવી હતી.
સાહિત્ય અને સંગીતને સહજ રીતે એક સાથે મૂકનારી જૂજ વ્યક્તિઓમાં નિરૂપમા શેઠ અને અજિત શેઠનો સમાવેશ થાય છે. અજિત શેઠના કાર્યક્રમો એટલે પુસ્તક સિવાય સાહિત્યને પામવાનો એક મધુર વિકલ્પ. આ યુગલની કેટલીક મહત્ત્વની સિદ્ધિઓમાં એક સિદ્ધિ તેમના દ્રશ્ય-શ્રાવ્ય કાર્યક્રમોનું આયોજન. સાહિત્યને લોકભોગ્ય બનાવવા દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમનો કલાત્મક વિનિયોગ કરવાની તેમની આગવી સૂઝને કારણે આ કાર્યક્રમોને ખૂબ સરસ પ્રતિસાદ મળતો હતો. આ દંપતીની સાંસ્કૃિતક પ્રવૃત્તિઓની પાછળ એક ચોક્કસ દ્રષ્ટિ રહેલી હતી. કેવળ મનોરંજન દ્વારા પૈસા કમાવાની વૃત્તિ તેમનામાં નહોતી. શિષ્ટ સાહિત્ય અને સુમધુર સંગીત લોકો સુધી પહોંચાડવાની નેમ ધરાવતા આ યુગલે એટલે જ ક્યારે ય ધંધાદારી કાર્યક્રમો કર્યા નહોતા.
‘આંખે કંકુના સૂરજ આથમ્યા’ કેસેટમાં બિનગુજરાતીઓએ ગુજરાતી ગીતો ગાયાં છે. અજિત ભાઈ સાથે થોડાંક વર્ષો પહેલાં થયેલી પ્રત્યક્ષ વાતચીતમાં એકવાર મેં પૂછયું હતું કે, "તમે ગુજરાતીઓ પાસે કેમ નથી ગવડાવ્યું? એ પ્રશ્નના ઉત્તરમાં અજિતભાઈએ જણાવ્યું હતું કે, "ગીતો ભલે બિનગુજરાતીઓએ ગાયાં છે પણ એનું પરિણામ તમે જોયું ને? કેટલું સુંદર ગાયું છે! ગુજરાતીઓને સંગીતના ઊંડાણમાં જવાની, મહેનત કરવાની આદત નથી. હરિહરન, કવિતા કૃષ્ણમૂર્તિ વગેરે સામેથી ફોન કરીને મારી પાસે પ્રેક્ટિસ માટે આવે. એમને કોઈ હેન્ગ અપ્સ નહીં. કોઈ નહીં ગીત બરાબર ન ગવાતું હોય તો નમ્રતાથી એ કહે કે અમને ગીતની બારીક મૂરકીઓ બતાવો. આવી નિષ્ઠા આપણા ગુજરાતી કલાકારોમાં ઓછી જોવા મળે છે.”
અજિતભાઈનાં દીકરી ફાલ્ગુની શેઠ આ ગીતના સંદર્ભમાં કહે છે કે, "મને બરાબર યાદ છે કે પપ્પા આ બિનગુજરાતી કલાકારોને સખત મહેનત કરાવતા હતા. હરિહરનજી પાસે પહેલાં તો શબ્દોના ઉચ્ચાર યોગ્ય – સ્પષ્ટ આવે એ માટે સો વખત તો કાવ્ય પઠન કરાવ્યું હશે. એ વખતે હું બહુ નાની હતી પણ સ્કૂલેથી આવું ત્યારે ઘરમાં હરિહરનજી, ભૂપીજીનાં મ્યુિઝક લેસન ચાલતાં હોય. શબ્દો સમજીને પછી જ ગાવાનું એવો પપ્પાનો આગ્રહ. એટલે ગીત ઉત્તમ બને જ ને! પદ પરંપરા સાથે અનુસંધાન ધરાવતી આ વિશિષ્ટ રચનામાં ગ્રામબાનીની મીઠાશ અને અભિવ્યક્તિનું નવું પરિમાણ છે. આખા ય ગીતમાં તળપદી ભાષાનો ટહુકો અને રવરવતો લય ગુર્જરગીત સૃષ્ટિમાં લહેરાય છે.
અજિત શેઠે સાહિત્યિક મૂલ્ય ધરાવતાં કેટલાંક સરસ આલબમ્સ સંગીતપ્રેમીઓને આપ્યાં. જેમાંથી ‘આંખે કંકુના સૂરજ આથમ્યા’ની લોકપ્રિયતા સર્વોચ્ચ સ્થાને રહી. આ આલબમનાં એકે એક ગીતો આ કોલમમાં સ્થાન પામી શકે એવાં છે. આજે ૧૯મી નવેમ્બરે આ લેખ લખાઈ રહ્યો છે એ મારા સાહિત્યકાર પિતા જયંત પંડ્યાનો જન્મદિવસ છે. એમને ખૂબ ગમતી આ રચના વિશે એટલે વાત કરવી છે કારણ કે યોગાનુયોગે ૧૫મી નવેમ્બરે આ ગીત તમે રે તિલક…ના રચયિતા રાવજી પટેલનો પણ જન્મદિન ગયો. હજુ ગયા અઠવાડિયે જ રાવજીની ૮૦મી જન્મજયંતી ઉજવાઈ તેથી એ રીતે પણ રાવજીને યાદ કરવા એટલા જ જરૂરી.
જે સંજોગો કવિતાને જન્મ આપે છે તે જાણીએ તો તે રચનાને વધુ સારી રીતે માણી શકીએ. એવી જ રીતે રચના કરનાર કવિની પાર્શ્ર્વભૂમિકા હોય તો તેને યથાર્થ રૂપે સમજવામાં મદદ મળે છે. માત્ર અઠ્ઠાવીસ વરસની યુવાન વયમાં સ્વર્ગસ્થ થનાર કવિ રાવજી પટેલ વિશે વાંચીએ તો એમના દર્દનો અહેસાસ થયા વિના રહે નહીં. બે પાત્રો વચ્ચેના વૈષમ્યની ધાર કાઢતી તળપદી ભાષામાં રચાયેલી અને ગ્રામીણ પરિવેશમાં ગૂંથાયેલી તમે રે તિલક રાજા રામના … રચના વારંવાર સાંભળવી ગમે એવી છે.
કવિ રાવજી પટેલ ખેડૂત પુત્ર હતા. અભાવોમાં જન્મ્યા. ઘર-ગામ સાવ ગરીબડું. ડાકોર પાસેનું વલ્લવપુરા ગામ એ ચરોતરનો છેવાડાનો ભાગ. રાવજીનો જન્મ અને ઉછેર અહીં જ થયો હતો. ત્યાર બાદ કોલેજ ભણવા માટે તેઓ અમદાવાદ ગયા. ત્યાં ભણે ને સાથે નોકરી કરે, પરંતુ ૨૮ વર્ષની સાવ નાની વયે ટી.બી.નો રોગ થયો જેમાંથી એ ઊભા ન થઈ શક્યા. ક્ષય રોગમાં સાવ યુવાન વયે અવસાન પામ્યા. રાવજીનાં કાવ્યોમાં કૃષિ જીવન અને નગર જીવન બન્ને ધબકે છે. ગામડું, ખેતર, સીમ, શેઢો, વગડો ઇત્યાદિનાં તાજગીભર્યાં કલ્પનો દ્વારા કવિતામાં એ ગ્રામ્ય જીવનનો અહેસાસ કરાવે છે. એમનાં કાવ્યોમાં ગામડું છૂટ્યાની વેદના અને નગરમાં ગોઠવાઈ ન શક્યાની પીડા વ્યક્ત થઈ છે. નગરની વેદના અને ગામડાંનો ઝુરાપો એમનાં ઘણાં કાવ્યોમાં વ્યક્ત થયો છે.
ગુજરાતી કવિતામાં તમે અને અમે ના સંદર્ભ ઘણાં છે. આ ગીતમાં નાયિકાની પોતાના પ્રિયપાત્ર પ્રત્યેની અગાધ પ્રીતિ અને આદર વ્યક્ત થયાં છે. પ્રિયજનને નાયિકા અહીં ઉચ્ચ સ્થાને બેસાડે છે. એ કહે છે કે તમે રે તિલક રાજા રામના, અમે વગડાનાં ચંદન કાષ્ઠ રે, તમારી મશે ના અમે સોહિયાં, કેવાં કેવાં દખ સાજણ તમે રે સહ્યાં …! પ્રિયપાત્ર પ્રત્યે ખૂબ માન ધરાવતી નાયિકા કહે છે કે તમે રાજા રામના ચંદનના તિલક સમાન છો. તમારું મહત્ત્વ કેટલું વધારે જ્યારે અમે તો ચંદનનું ફક્ત લાકડું જ છીએ. તમે ભાલના તિલક પર બિરાજીને સુગંધ પ્રસરાવી શકો છો જ્યારે અમે તો પાછલી રવેશ જેવાં. રવેશ એટલે પાછલી પરસાળ અથવા તો ભંડકિયું જેમાં આપણે તૂટેલી સાયકલ કે તૂટેલાં રમકડાં કે ભંગારનો સામાન જ મૂકતા હોઈએ એવું સ્થાન. છતાં સ્ત્રીને એનો રંજ નથી.
સ્ત્રી ગમે તેટલી ભણેલી-ગણેલી કે હોશિયાર હોય, એના પ્રિયજનને તો એ પોતાના કરતાં ઊંચા પદ પર જ જોવા ઇચ્છતી હોય છે. એટલે જ કવિની નાયિકા અહીં પ્રિયજનને સંબોધીને કહે છે કે તમે તો ઊંચેરા ઘરના ટોડલા સમાન એટલે તમારા પર તો દીવા મુકાય અને તોરણ બંધાય. જ્યારે અમારું તો જીવવું જ વ્યર્થ છે. તમારું જીવવું ધન્ય છે. લગ્નના તથા લોકગીતના ઢાળમાં આ ગીત ગવાયું છે. કાવ્યમાં પ્રાસ-અનુપ્રાસ ખૂબ સહજ છે. તળપદા શબ્દોને લીધે ગ્રામજીવનની મીઠી સોડમ ગીતમાં અનુભવી શકાય છે અને ગીત હૃદય સોંસરવું ઊતરી જાય છે. નાયિકા કહે છે કે તમારી મશે (તમારી જેમ) અમે ન શોભ્યા પણ તમે ય ઓછાં દુ:ખ નથી વેઠ્યા. સાજણને એ કહે છે કે આ ઉચ્ચ સ્થાને પહોંચવા તમે ય ચંદનના લાકડાની જેમ ઓરસિયા પર ઘસાયા હશો, ટિપાઈને ઘડાયા હશો. તમે પણ કેટલાં ય દુ:ખ ભોગવ્યાં હશે અને સંઘર્ષ કર્યો હશે ત્યારે આ શિખરે પહોંચ્યા છો. કવિ કદાચ અહીં એ જ કહેવા માંગે છે કે વેઠવું કે ઘસાવું એમાં જ જીવનની ધન્યતા છે. સંઘર્ષ પછી જ સફળતા મળે છે, પછી એ પ્રેમ હોય કે પદ. આગળ કવિની નાયિકા કહે છે કે તમે રે અક્ષર થઈને ઊકલ્યા, અમે પડતલ મૂંઝારા ઝીણી છીપના. તમે તો અક્ષર થઈને ઉકેલાય એવા સ્પષ્ટ છો પણ અમે તો છીપમાં બંધ પડી રહેલા મૂંઝારા સમાન છીએ. આ છીપ બહુ ઝીણી છે, બંધ છે, જેમાંથી મોતી નથી નીકળવાનું, એટલે એ બંધ છીપમાં પડી રહેલો મૂંઝારો કેટલો અકળાવનારો હોઈ શકે એ અકલ્પનીય છે. છતાં મારે માટે તો તમે સર્વોચ્ચ સ્થાને છો અને હું એમાં જ ધન્યતા અનુભવું છું.
વલ્લભ વિદ્યાનગરમાં ગુજરાતી ભાષાના અનુસ્નાતક વિભાગના અધ્યાપક, સાહિત્યકાર મણિલાલ હ. પટેલે ગયા વર્ષે મે મહિનામાં રાવજી પટેલનું જીવન ચરિત્ર ‘મોલ ભરેલું ખેતર’ લખ્યું જેને અમદાવાદના વિશ્વકોશ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું. મણિલાલ પટેલ આ વિશે કહે છે કે કુમારપાળ દેસાઈ અને ધીરુભાઈ ઠાકરે મારી પાસે આ કામ કરાવ્યું જેનો મને ખૂબ આનંદ છે. પુસ્તકની લગભગ બધી જ નકલો વેચાઈ ગઈ અને હમણાં ૧૫મી નવેમ્બરે રાવજીના જન્મદિવસે અમે આ પુસ્તક ગુજરાતની શાળાઓમાં વહેંચ્યું પણ ખરું.
હવે ઝડપથી બીજી આવૃત્તિ કરવી પડશે એવું લાગે છે. તેઓ કહે છે, "રાવજીનો પ્રત્યક્ષ પરિચય તો મને થયો નથી પણ એમનો વિલક્ષણ પરિચય હું એફ.વાય. બી.એ માં ભણતો હતો ત્યારે થયો હતો. ૧૯૬૮માં મારા કોલેજકાળ દરમિયાન ૧૦મી ઑગસ્ટે હું લાઈબ્રેરીમાંથી રાવજીનું પુસ્તક ‘અશ્રુઘર’ વાંચવા લઈ આવ્યો હતો. ૧૧મી ઑગસ્ટે લાઈબ્રેરીમાં એ પરત કરવા ગયો ત્યારે ત્યાં સ્ટેન્ડ પર મુકેલા એક છાપામાં રાવજીના અવસાનના સમાચાર સાંભળી હું સ્તબ્ધ થઇ ગયો હતો. એ પછી તો મેં એમનાં બધાં જ પુસ્તકો વાંચી લીધાં. એમના જન્મસ્થળ ડાકોરમાં અમે સાહિત્ય વર્તુળ અને રાવજી ટ્રસ્ટ શરૂ કર્યું. બે વર્ષ પહેલાં જ અમે ડાકોર-વલ્લવપુરાના ત્રિભેટે રાવજીની અર્ધ પ્રતિમા પણ મૂકી છે. ગુજરાતમાં રાવજી આજે પણ લોકપ્રિય છે.
શાળા-કોલેજ કક્ષાએ એમની કવિતાઓ ભણાવાય છે. આ ૧૫ નવેમ્બરે રાવજીની ૮૦મી જન્મજયંતી અમે ડાકોરમાં નવા કવિઓને નિમંત્રીને ઉજવી હતી જેમાં અનિલ ચાવડા તથા ચંદ્રેશ મકવાણાએ રાવજીનાં કાવ્ય વાંચી એમને ઉચિત તર્પણ આપ્યું હતું. વિદેશોમાં સાહિત્યકારોનાં સ્મારકો જોવા લોકો ઊમટતા હોય છે. જોવાલાયક સ્થળોમાં એની ગણના થાય છે. રાવજીની પ્રતિમાને પણ લોકપ્રિય બનાવી ત્યાં કવિ સંમેલનો યોજાય તો એ રાવજીને આપેલી સાચી અંજલિ ગણાશે.
રાવજી જેવા ઉત્તમ કવિ, અજિત શેઠ જેવા પ્રતિબદ્ધ સંગીતકાર અને હરિહરન જેવા ગાયકનો ઘૂંટાયેલો કંઠ હોય પછી ગીત પણ લોકપ્રિયતાની ચરમસીમાએ પહોંચે એમાં નવાઈ શી? નારી સંવેદનાને અભિવ્યક્ત કરતું આ ગીત સાંભળવાનું ચુકતા નહીં.
—————————–
તમે રે તિલક રાજા રામના,
અમે વગડાનાં ચંદન કાષ્ઠ રે;
તમારી મશે ના અમે સોહિયાં –
કેવાં કેવાં દ:ખ સાજણ તમે રે સહ્યાં !
‘કહો ને સાજણ દ:ખ કેવાં સહ્યાં!’
તમે રે ઊંચેરા ઘરના ટોડલા!
અમે લજવાતી પાછલી રવેશ રે,
તમારી મશે ના અમે સોહિયાં –
કેવાં કેવાં દ:ખ સાજણ તમે રે સહ્યાં?
‘કહો ને સાજણ દ:ખ કેવાં સહ્યાં?’
તમે રે અખશર થઈને ઊકલ્યા!
અમે પડતલ મૂંઝારા ઝીણી છીપનાં,
તમારી મશે ના અમે સોહિયાં –
કહો ને સાજણ દ:ખ કેવાં પડ્યાં?
• કવિ : રાવજી પટેલ • સંગીત : અજિત શેઠ • સ્વર : હરિહરન
https://www.youtube.com/watch?v=qRvVLQhuz5w
———————————
સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 22 નવેમ્બર 2018
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=443519