હૈયાને દરબાર
‘આંખનો અફીણી’ ગીતની ધૂન કેટલાંક ફિલ્મી ગીતોમાં વપરાઈ હતી, છતાં એકેય ગીત ના ચાલ્યું અને આંખનો અફીણીનો જાદુ છવાઈ ગયો. ચાલીસ વ્યક્તિઓએ આ ગીત પોતાને નામે ચડાવવાની કુચેષ્ટા કરી હતી. આ ગીતના સંગીતકાર અજિત મર્ચન્ટે પ્રોડ્યુસ કરેલી ફિલ્મ ‘દીવાદાંડી’ પીટાઈ ગઈ પણ ગીત અમર થઇ ગયું
દેશ-વિદેશમાં ફેલાયેલા ગુજરાતીઓનું મોસ્ટ ફેવરિટ ગીત એટલે આંખનો અફીણી …!
આજના લેખનું શીર્ષક વાંચીને તમારામાંના કેટલાં ય ગેલમાં આવી ગયાં હશે. આ ગીતની પ્રચંડ લોકપ્રિયતાએ એને લગભગ રાષ્ટ્રગાનની કક્ષાએ મૂકી દીધું છે. આ મનગમતા ગીતને આજે યાદ કરવાનું એક કારણ છે. આપણું બેસતું વર્ષ બારણે ટકોરા દઈ રહ્યું છે ત્યારે ઉત્સાહ અને ઉમંગની ઉજવણીના આ પર્વમાં ગુજરાતીઓને અતિ પ્રિય અને આનંદ આપે એવાં જ ગીત વિશે વાત કરવી પડે ને! તેથી જ દિવાળીના દિવસોમાં નવેમ્બરના પહેલાં બે અઠવાડિયા ગુજરાતી સુગમ સંગીતનાં બે અદ્દભુત ગીત વિશે બેક ટૂ બેક વાત કરી, નવા વર્ષની ઉજવણીનો આરંભ અત્યારથી જ કરી દઈએ.
ગુજરાતી ભાષાનાં શ્રેષ્ઠ પ્રણય ગીતોનું કાઉન્ટ ડાઉન કરવાનું હોય તો એ વિચારવું પડે કે 2 થી 10 નંબરમાં કયાં ગીત મૂકવાં ? પ્રથમ સ્થાન તો બેશક, તારી આંખનો અફીણી ગીતને જ આપવું પડે. વક્રતા એ છે કે ‘દીવાદાંડી’ ફિલ્મના આ રોમેન્ટિક ગીતનું પિકચરાઇઝેશન હીરોને બદલે વિલન પર થયું હતું. ગીત ફિલ્મમાં સમાવવું કે નહીં, તે છેલ્લે સુધી નક્કી નહોતું. આખું ગીત વેણીભાઇ પુરોહિતે એક જ કલાકમાં લખી દીધું હતું, અજિત મર્ચન્ટે તાબડતોબ કમ્પોઝ કર્યું હતું અને એક જ ટેકમાં દિલીપ ધોળકિયા ગાઈ ગયા હતા. ગીતના રેકોર્ડિંગ વખતે ફક્ત બે જ માઇકનો ઉપયોગ થયો હતો જેમાં એક દિલીપ ધોળકિયા પાસે હતું અને બીજું ઓર્કેસ્ટ્રા સામે. આ ગીત સાથે ઘણી રસપ્રચુર વાતો સંકળાયેલી છે. પહેલાં વાત કરીએ ગીત કવિની.
જામખંભાળિયામાં જન્મેલા વેણીભાઈ પુરોહિત માધ્યમિક શિક્ષણ સુધી જ ભણ્યા પણ કવિતાઓ એવી કરી કે ગુજરાતીઓના દિલ ડોલાવી મૂક્યા. વ્યવસાયે પત્રકાર. 1942ના હિંદ છોડો આંદોલનના કારણે કારાવાસ પણ વેઠ્યો. મજબૂત લય અને ભાવની નજાકત એમની કવિતાની લાક્ષણિક્તા. ઉમાશંકર જોશી એમને ‘બંદો બદામી’ કહેતા. વેણીભાઈનું ઉત્તમ ગીત પસંદ કરવું હોય તો ઊનાં રે પાણીનાં અદ્દભુત માછલાં સિવાય કશું યાદ ન આવે, પણ એમનું લોકપ્રિય ગીત પસંદ કરવું હોય તો? ગુજરાતી ગીતોના સર્વકાલીન ટોપ ટેનમાં અવ્વલ દરજ્જો અંકે કરે એવું ગીત ‘તારી આંખનો અફીણી’ સિવાય બીજું કયું હોઈ શકે! એનો જાદુ આજે ય બરકરાર છે.
કવિએ અહીં એવી તે શી કમાલ કરી છે કે આ ગીતનો આશિક ન હોય એવો ગુજરાતી મળવો દોહ્યલો. આ કમાલ લયની છે, નિરંતર વહેતા ભાવાવેગની છે કે પછી ઈશ્કનો કેફ કારણભૂત છે, ઈશ્વર જાણે! પણ ગીતનો ધ્વનિ, સરળ-સહજ સ્વરાંકન અને અર્થનું ઊંડાણ ભાવક-શ્રોતાને સ્પર્શી જાય છે. આ ગીતની લોકપ્રિયતાનું ખરું શ્રેય ‘એકલો’ શબ્દને જ આપવું પડે કેમ કે પ્રેમ ગમે એટલી સાર્વત્રિક ઘટના કેમ ન હોય, એની અનુભૂતિ કેવળ ‘એકલા’ની જ હોય છે. વેણીભાઈ શબ્દો પર ટાંકણા પાડનાર શિલ્પી હતા. આ ગીત એટલે પુરુષને પુરુષ તરફથી મળેલું સૌથી મોટું સર્ટિફિકેટ. કવિ કહે છે કે તારા રૂપની પૂનમનો પાગલ એકલો. પ્રિયતમા કે પત્નીને કોઈ પુરુષ ખાનગીમાં ય આવું નથી કહેતો. વેણીભાઈની સુંદર કવિતા સાથે સ્વરકાર અજિત મર્ચન્ટની આંખનો અફીણી એવી રચના છે જે દિલીપ ધોળકિયા અને અજિત મર્ચન્ટની ઓળખ બની ચૂકી છે.
ગીત વિશેની વાતો શરૂ કરીએ એ પહેલાં એક ઘટના યાદ આવે છે. સાલ 2004ની. ‘મુંબઈ સમાચાર’માં એ વખતે ‘ગૌરવ ગુર્જરી’ શ્રેણી અંતર્ગત ગુજરાતી સુગમ સંગીતના કલાકારોની મુલાકાત હું લેતી હતી. દરમિયાન, સંગીત વિશેની મારી કોઈક વાત કે કદાચ કોઈ હકીકતદોષ સામે અજિત મર્ચન્ટને વાંધો પડ્યો. એ હંમેશાં પત્રો લખીને લાગણી પ્રગટ કરે. ‘મુંબઈ સમાચાર’માં પત્ર લખી એમણે પોતાનો વિરોધ પ્રગટ કર્યો. મેં એમને ફોન કરીને મારી વાત સમજાવવાની કોશિશ કરી, એ ગેરસમજ હોઈ શકે એમ પણ જણાવ્યું, પણ માને એ બીજા! બધા જ કલાકારોના ઇન્ટરવ્યૂ થઈ ગયા, ફક્ત અજિતભાઈનો બાકી હતો. એમના વિના તો શ્રેણી પૂરી કેવી રીતે કરી શકાય? એમની સાથે એ વખતે અંગત પરિચય તો હતો જ નહિ. છેવટે સંગીત સમીક્ષક રાજુ દવેએ મધ્યસ્થી કરી, અજિતભાઈને મારી વ્યવસ્થિત ઓળખાણ આપી અને મુલાકાત માટે કન્વીન્સ કર્યા. બસ, એ મુલાકાત પછી એમને મારી સજ્જતા વિશે કોઈ શક રહ્યો નહીં. અવાર-નવાર મને ફોન કરીને સંગીત વિશે જાત-ભાતની વાતો કરતા. અજિતભાઈ અને એમનાં પત્ની નીલમબહેનનો એવો અઢળક પ્રેમ મળ્યો કે આજે બંનેની ગેરહયાતીમાં પણ એમને નત મસ્તક વંદન કરવાનું મન થાય છે. અજિત મર્ચન્ટ માત્ર સંગીતકાર જ નહીં, સંગીતજ્ઞ અને સંગીત મર્મજ્ઞ પણ ખરા. હિન્દુસ્તાની અને પાશ્ચાત્ય સંગીતની વાતોનો એમની પાસે ખૂબ મોટો ખજાનો. સ્વભાવ મૂડી અને આકરો. વિફરે તો વાઘ અને વરસે તો વાદળ! સંગીતના જ્ઞાન વિશે એમની સામે કોઈ આંગળી ચીંધી ન શકે, પરંતુ ‘દીવાદાંડી’ ફિલ્મે એમને ખુવાર કરી દીધા હતા. અજિતભાઈના ઇન્ટરવ્યૂ વખતે વાતમાં રસપૂર્વક ભાગ લઈ રહેલાં એમનાં પ્રેમાળ પત્ની નીલમબહેને એ વખતે કહ્યું હતું એ આજે યાદ આવે છે.
"અજિતભાઈ તો રજવાડી ઠાઠમાં ઉછરેલા એટલે અમારે માટે આ બહુ આઘાતજનક સમયગાળો હતો. કેટલા ય દિવસો અમે ખીચડી ખાઈને કાઢ્યા છે. અમારાં બાળકોને સરખું જમવાનું મળે એટલી જ કાળજી રાખતા, એ કપરા દિવસો નીકળી ગયા, પરંતુ અજિતભાઈએ ક્યારે ય ખાનદાની ખુમારી ત્યજી નહોતી કે સમાધાન કર્યાં નહોતાં. ગાયક કલાકારો મુકેશ, મોહમ્મદ રફી, લતાજી-આશાજી આ બધાં સાથે અજિતભાઈને ઘરોબો. મુકેશ તો અજિતભાઈના ઘરની નીચે જ રહેતા હતા અને રફીસા’બ એમના ઘર પાસેથી પસાર થાય તો તરત નીલમબહેનનેે ફોન કરે. "ભાભીજી ચાય ઔર પકૌડે ખાને કે લિયે આ રહા હું. રફી સાહેબની તબિયત સચવાય એટલે એમને ઘરમાં તળેલું ખાવાની પાબંદી હતી તેથી ભજિયાં ખાવાનું મન થાય કે તેઓ અજિત મર્ચન્ટને ત્યાં પહોંચી જાય. અજિતભાઈ પણ ચટાકેદાર ખાવાના ખૂબ શોખીન. મૌજે મદિરા અને મિત્રોનો સત્સંગ હોય તો વધારે ખીલે. જગજિત સિંહને પહેલીવાર ફિલ્મમાં બ્રેક આપ્યો હોવાથી એમને પણ અજિતભાઈ માટે અપાર માન હતું. એમના આ પુણ્યાઇ કાર્યની જગજિત સિંહ હંમેશાં કદર કરતા અને જાહેરમાં નોંધ લેતા. આંખનો અફીણી ગીત કંપોઝ કરવાનું હતું તે દિવસે દિલીપ ધોળકિયા અને અજિત મર્ચન્ટ બન્ને સ્ટ્રેન્ડ સિનેમામાં ફિલ્મ જોવા ગયેલા. શો પછી અજિતભાઈ કહે: દિલીપ, એક એક પેગ લગાવીએ અને પછી બેસી જઈએ કંપોઝ કરવા. દિલીપ ધોળકિયા કહે: ના, ઘરે તો જવું પડશે! તેઓ સાંતાક્રુઝ સ્થિત પોતાના ઘરે ગયા, ફ્રેશ થઈને પાછાં અજિત મર્ચન્ટને મળ્યા અને પછી બન્નેએ આ ગીત પર કામ કર્યું ને એક અમર કૃતિ સર્જાઈ.
એચ.એમ.વી. મ્યુિઝક કંપનીએ ગીતોનું આલબમ બહાર પાડતાં જ ગીતે તરખાટ મચાવ્યો. ઘણાએ એમ માની લીધું કે આ ગીત મુકેશે ગાયું છે! તે દિવસોમાં મુકેશે ગાયેલાં ફિલ્મી તથા અન્ય ગુજરાતી ગીતો ઓલરેડી લોકપ્રિય થઈ ચૂક્યાં હતાં. ફિલ્મ ‘બરસાત’ અને ‘દીવાદાંડી’ પણ એક જ સમયે રજૂ થઇ હતી. બીજું, એ જમાનામાં અભિનેતાનું નામ રેકોર્ડ પર છપાતું. રેકોર્ડ પર દિલીપ નામ છપાયેલું એટલે લોકોએ માની લીધું કે અભિનેતા દિલીપ છે અને ગાયક મુકેશ. મુકેશજીનાં પત્ની સરલાબહેન ગુજરાતી એટલે મર્ચન્ટ પરિવાર સાથે સારો એવો ઘરોબો. આ બધાંને લીધે ‘આંખનો અફીણી’ ગીત સંદર્ભે ઘણા વિવાદો થયા હતા.
કોઈએ એવું પણ કહ્યું કે ‘તારી આંખનો અફીણી’ની ટ્યુન તો સ્પેિનશ છે. મુદ્દો એ છે કે સુગમ સંગીતની રચનાઓ ધાર્યા કરતાં ઘણી ગૂઢ છે અને કઈ રચના કેવી રીતે લોકપ્રિય થઈ જશે એ ધારી શકાય નહીં. આ જ ગીતની ધૂન અજિત મર્ચન્ટે પછી હિન્દી ફિલ્મનાં ગીતમાં વાપરી, પણ તે ન ચાલી. સંગીતકાર ચિત્રગુપ્તે ‘ચંદા લોરીયાં સુનાયેં’ ગીતને આ જ ધૂન આપી હતી. લતા મંગેશકરે ગાયું હતું છતાં એ ગીત ન ચાલ્યું અને ‘આંખનો અફીણી’ અમર થઈ ગયું. આ ગીત વિશે અજિત મર્ચન્ટે બહુ રસપ્રદ વાત કરી હતી.
"ફિલ્મ ‘દીવાદાંડી’ મેં પ્રોડ્યુસ કરી હતી. વાર્તા ચં.ચી. મહેતાની અને સ્ક્રીન પ્લે બરકત વિરાણી ‘બેફામ’ અને ચં.ચી.નો. દિગ્દર્શક બળવંત ભટ્ટ. મારા ગામ બેટ શંખોદ્વારમાં આ ફિલ્મ શૂટ કરવાની હતી કારણ કે એ વહાણવટા પર આધારિત હતી. 1949માં બધાને લઈ હું મારા ગામ બેટ ગયો ને પંદર દિવસ સૌને રાખ્યા. કચ્છ-માંડવીથી ચાળીસ વહાણ શૂટિંગ માટે લઇ આવેલો. એ દરમિયાન ડિરેક્ટરે મને બહુ પરેશાન કર્યો હતો. ફિલ્મની કથા પ્રમાણે એમાં એક માલમ (કાર્ગો શિપનો માલિક) જે મુસ્લિમ છે. કાના નામના એક હિન્દુ યુવકને એ પોતાના દીકરાની જેમ રાખે છે. કાનો ખૂબસૂરત ખારવણના પ્રેમમાં પડે છે. માલમનો દીકરો કબલી અફીણનો બંધાણી હોય છે એટલે માલમ પોતાના પુત્રને બદલે કાનાને ધંધાનો કારોબાર સોંપી દે છે, પરંતુ કબલી કાનાને પણ અફીણની લત લગાડે છે અને એનો ધંધો ખુવાર થઈ જાય છે. કાનાની પત્ની એને ખૂબ સમજાવે છે કે તું કેવો હતો અને કેવો થઈ ગયો! પતિને સીધો કરવા, એને ઈર્ષા આવે એટલે પત્ની પરપુરુષ સાથે ફ્લર્ટ પણ કરે છે. તો ય કાનો સુધરતો નથી ત્યારે પત્ની છેલ્લા શસ્ત્ર તરીકે એની પાસે અફીણ ક્યારે ય ન લેવાનું વચન માંગે છે.
ફિલ્મમાં અહીં ‘બેફામ’ સાહેબે એક સંવાદ મૂક્યો હતો, "આજથી કસમ ખાઉં છું કે હું ફક્ત તારી આંખનો અફીણી ને તારા બોલનો બંધાણી …! અને પતિ કાનો અફીણ છોડી દે છે. ‘બેફામ’ના આ વાક્યને આધારે વેણીભાઈ પુરોહિતે ‘આંખનો અફીણી’ નામની અદ્દભુત કવિતાનું સર્જન કર્યું. જો કે, ફિલ્મમાં આ ગીત સંવાદો પછી લેવાનું જ નહોતું, પણ દિગ્દર્શકની આડોડાઈને કારણે મેં વિચાર્યું કે અત્યારે આ ગીતને ગમેતેમ ફિલ્મમાં ફિટ કરી દઈએ પછી કાઢી નાખીશું. દરમિયાન ‘રોક અરાઉન્ડ ધ ક્લોક’ નામની અંગ્રેજી ફિલ્મ આવી હતી. એની જાઝની મેલડી મારા મનમાં રમ્યા કરે. અન્ય ભારતીય ધૂનો તથા કથકનો એક પીસ પણ મનમાં ચાલે. આમ, જાતજાતનું કોમ્બિનેશન કરીને ગીત બનાવી દીધું જે માત્ર મસ્તી માટે જ કર્યું હતું. દિગ્દર્શક એટલો આડો કે એણે મને હેરાન કરવા આ ગીત હીરો પર પિક્ચરાઇઝ કરવાને બદલે વિલન પર, એટલે કે કાનાને બદલે કબલી પર શૂટ કરી નાખ્યું. પિક્ચર પિટાઈ ગયું પણ જે ગીત ફિલ્મમાં રાખવું જ નહોતું એ ગીત એચ.એમ.વી.એ કેસેટ બહાર પાડતાં જ હિટ થઈ ગયું. તમે માનશો? જુદી જુદી 40 વ્યક્તિઓએ આ ગીત અધિકૃત રીતે પોતાનાં નામે ચડાવ્યું છે. અવિનાશ વ્યાસના ગીત સંગીતની કેસેટ ‘અવિનાશી અમરત’માં પણ આ ગીત લેવાયું છે. જે ગીતનું સંગીત મેં આપ્યું હોય એ ‘અવિનાશી અમરત’માં કેવી રીતે આવે એ મને હજુ સુધી સમજાયું નથી. ટૂંકમાં, જે ગીત માટે હું જરા પણ ગંભીર નહોતો એણે રેકોર્ડ બ્રેક કર્યો.
અત્યાર સુધીમાં આ ગીત દેશ-વિદેશમાં થઈને લગભગ વીસ હજાર વખત ગવાઈ ચૂક્યું છે ને આજે પણ એટલી જ ડિમાન્ડમાં છે. ખેદજનક હકીકત એ છે કે લોકો મને આંખનો અફીણીના સંગીતકાર તરીકે જ ઓળખે છે પણ, આ ગીત સિવાય બીજાં કેટલાં ય સરસ સ્વરાંકનો મેં કર્યા છે જેની લોકોને ખબર જ નથી. આંખનો અફીણી મને ખાસ ગમતું નથી, પણ લોકોએ વધાવી લીધું! એમની વાત સાચી તો છે જ. આંખના અફીણીની વિરાટ છબિ હેઠળ અજિતભાઇએ સ્વરબદ્ધ કરેલાં અન્ય સુંદર ગીતો, ઘનશ્યામ ગગનમાં, રામ ભજનની લગની લાગી, લાવ નદીના પટ પર તારું નામ લખી દઉં જેવી કેટલી ય રચનાઓ ઢંકાઈ ગઈ. આમ છતાં, અજિતભાઈની વિરાટ પ્રતિભાને જરા ય અવગણી શકાય નહીં. તેમણે ગુજરાતી, હિન્દી, મરાઠી સહિત લગભગ અઢીસો નાટકોમાં સંગીત આપ્યું હતું. અનેક ફિલ્મોમાં પાર્શ્ર્વ સંગીત આપ્યું તેમ જ સંગીત રૂપકોમાં પણ ખૂબ પ્રયોગો કર્યા હતા. કવિ રાજેન્દ્ર શાહની કવિતા બોલીએ ના કંઈ, આપણું હૃદય ખોલીએ ના… માં મેલડીમાંથી હટ્યા વિના વેસ્ટર્ન ટ્રીટમેન્ટ આપી, ચાર અવાજમાં એ ગીત રેકોર્ડ કર્યું હતું જેમાં, વિખ્યાત શાસ્ત્રીય ગાયિકા ડૉ. પ્રભા અત્રેના અવાજનો ઉપયોગ પણ એમણે કર્યો હતો.
અજિત મર્ચન્ટ અને સઆદત હસન મન્ટો વચ્ચે મિત્રતા હતી. મન્ટો ઘણી વાર અજિતભાઈના ઘરે પહોંચી જતા. એક વાર સાયગલને મળવા અજિત મર્ચન્ટ એમના વિસ્તારમાં ગયા તો સાયગલ બહાર ખુલ્લામાં ટેક્સીના બોનેટ પર બેઠા બેઠા ગઝલો ગાતા હતા. કલાકારનો નિજાનંદ અને બેફિકરી આ જ કહેવાતી હશે ને! આવા જ ઓલિયા અને અલગારી કલાકાર અજિત મર્ચન્ટ હતા. ‘તારી આંખનો અફીણી’ની જબરદસ્ત રોમેન્ટિક અપીલનાં આપણે સૌ સાક્ષી છીએ.
નૂતન વર્ષને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પુરુષ વાચકોને વિનંતી કે દિવસમાં એકવાર તો પત્નીને આ ગીત સંભળાવી જ દેવું. દિવસ અને વરસ બધું સુધરી જશે! દિલીપભાઈ ઉપરાંત સુગમ સંગીતના બધા જ કલાકારોએ આ ગીત ગાયું છે. ઈન્ટરનેટ પર ફરી એકવાર સાંભળી લેજો. વેણીભાઈની આખી કવિતા વાંચવા જેવી છે. નવા અંતરા સાથે નવી રીતે આ ગીત ગાઈને પ્રિયતમા-પત્નીને રીઝવી શકો છો.
આ ગીત સંદર્ભે એક વાત ખાસ કહેવી છે. મુંબઈના શ્રોતાઓ જેવા કદરદાન કોઈ નથી, પરંતુ નવા સ્વરાંકનો સાંભળવાની તૈયારી કે ઉત્સુકતા તેઓ ભાગ્યે જ બતાવે છે. આંખનો અફીણી ભલે સાંભળો પણ એ સિવાય ખૂબ સુંદર ગુજરાતી ગીતો બન્યાં છે ને બની રહ્યાં છે. નવી રચનાઓ, નવાં સ્વરાંકનોનો જબરજસ્ત ફાલ છે આપણી પાસે, બસ, તમારા જેવા કદરદાનોની પ્રતીક્ષામાં એ ડબ્બામાં બંધ છે. નવા વર્ષે સંકલ્પ કરજો કે નવાં ગીતો, નવાં સ્વરાંકનો સાંભળી માતૃભાષાને સમૃદ્ધ કરી, ગુજરાતી ગીતોને ઘર ઘરમાં ગુંજતા કરશો, રાઈટ?
તારી આંખનો અફીણી
તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો
હે આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો
તારી મસ્તીનો મતવાલો આશક એકલો
હે તારા રૂપની પૂનમનો પાગલ એકલો
તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો
પાંખોની પરખે પરબડી, આંખો જુએ પીયાવો
અદલ બદલ તનમનની મોસમ, ચાતકનો ચકરાવો
તારા રંગ નગરનો રસિયો નાગર એકલો
હે તારા રૂપની પૂનમનો પાગલ એકલો
તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો
ધીમી ધીમી પગલી તારી ધીમી કૈંક અદાઓ
કમર કરે છે લચક અનોખી રૂપ તણાં લટકાઓ
તારી અલબેલી એ ચાલનો ચાહક એકલો
હે તારા રૂપની પૂનમનો પાગલ એકલો
તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો
તું કામણગારી રાધા ને હું કાનો બંસીવાળો
તું ચંપાવરણી કૃષ્ણકળી, હું કામણગારો કાનો
તારા ગાલની લાલીનો ગ્રાહક એકલો
હે તારા રૂપની પૂનમનો પાગલ એકલો
તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો
રૂપ જાય આગળથી પાછળ, જાય જુવાની વીતી
પ્રીતવાવડી સદા છલકતી, જાય જિંદગી પીતી
તારા હસમુખડાં ઝીલું છું ઘાયલ એકલો
હે તારા રૂપની પૂનમનો પાગલ એકલો
તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો
ઠરી ગયાં કામણના દીપક, નવાં નૂરનો નાતો
ઝલક ગઈ મન પામરતાની, નવી આરતી ગાતો
તારી પાનીને પગરસ્તે ચાલું એકલો
હે તારા રૂપની પૂનમનો પાગલ એકલો
તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો
• સ્વર: દિલીપ ધોળકિયા • ગીત: વેણીભાઈ પુરોહિત • સંગીત: અજિત મરચન્ટ અને દિલીપ ધોળકિયા • ચિત્રપટ: ‘દીવાદાંડી’ (૧૯૫૦)
https://www.youtube.com/watch?v=yxKZDiK_yJ0
સૌજન્ય : ‘લાડલી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 01 નવેમ્બર 2018
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=442030