કોણ કહે છે? ગોલવલકર ગુરુજી. આજે માન્યામાં આવે?
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની તાકાત તો ઘણી વધી છે, પરંતુ પ્રતિષ્ઠા નથી એવું સંઘના નેતાઓને લાગે છે. ભીડમાં કોઈ પ્રતિષ્ઠિત માણસ ન હોય તો એ ભીડ શી કામની એવું તેમને લાગે છે. એટલે તો બાવા-બાપુઓ તેમના આશ્રમોમાં ઇવેન્ટ યોજીને કોઈને કોઈ પ્રતિષ્ઠિત માણસોને બોલવતા રહે છે, તેમને સન્માને છે, સાંભળે છે વગેરે. ઉદ્દેશ તો ભીડને એ બતાવવાનો હોય છે કે તમે ગુરુની પસંદગી કરવામાં કોઈ ભૂલ નથી કરી. જુઓ! કેવા કેવા મોટા માણસો તમારા ગુરુની પાસે આવે છે. સામે પક્ષે મોટા માણસો પણ કાંઈક પામીને ભક્તોને કહે છે કે તમારા ગુરુ મહાન છે, એટલે નિશ્ચિંત રહીને ગુરુને ખોળે પડ્યા રહો. મેં એવા મોટા માણસોને પણ જોયા છે જે ભીડની સામે ભીડના દેખતા ગુરુને દંડવત્ પ્રણામ કરતા હોય.
ભેડ-બકરી બહુ મોટી તાકાત છે; પરંતુ તેનાથી માત્ર તાકાત વધે છે, પ્રતિષ્ઠા નહીં એ મોટી સમસ્યા છે. ભારતમાં મિશનરીઓ આવ્યા એ પછી તેમણે વટાળ પ્રવૃત્તિ શરૂ કરી હતી. ભારતમાં ધર્માંતરણ કરાવવું બહુ સહેલું હતું. જંગલોમાં એટલે કે એક રીતે દેશને છેવાડે અને ગામને છેવાડે રહેતી ઉપેક્ષિત પ્રજાને તો જાણે તાજો શ્વાસ લેવાની બારી મળી. કોઈ તેમના ઘરે આવે, હૂંફ આપે, હાથ ઝાલે એ આંગળી પકડી લેવા માટે પૂરતું હતું. ધર્માંતરણ તો થવા લાગ્યું, પરંતુ મિશનરીઓને સંતોષ નહોતો. સમાજમાં વગ અને પ્રતિષ્ઠા ધરાવનારા ઉચ્ચ વર્ણીય લોકો જ્યાં સુધી ખ્રિસ્તી ધર્મ ન અપનાવે ત્યાં સુધી સંખ્યા તો વધશે; પણ ખ્રિસ્તી ધર્મની પ્રતિષ્ઠા નહીં વધે.
જો ઉજળિયાતોનું ધર્માંતરણ કરાવવામાં આવે તો એક કાંકરે ઘણાં પક્ષીઓ મરે એમ છે. એક તો ખ્રિસ્તી ધર્મની પ્રતિષ્ઠા વધે. વટલાયેલાઓને પણ લાગે કે તેમણે વટલાઈને કોઈ ભૂલ નથી કરી. ભીડનું પ્રમાણ જળવાઈ રહે એટલું જ નહીં ઉજળિયાતોને જોઇને એમાં વધારો થાય. આ વિશેની રણનીતિ ઘડવા મિશનરીઓની ખાસ બેઠક મળી હતી અને એ પછી હિન્દુ બ્રાહ્મણો અને પારસીઓનું ધર્માંતરણ કરાવડાવવામાં આવ્યું હતું.
ભીડનું એક સમાજશાસ્ત્ર હોય છે અને જેઓ સંખ્યાનો વેપાર કરે છે તેઓ તે જાણે છે. સંખ્યાનો વેપાર એટલે કે સંખ્યામાં જેનો સ્વાર્થ છે એવા લોકો. ધર્મ અને રાજકારણને સંખ્યા સાથે સીધો સંબન્ધ છે. જેટલી મોટી મેદની એટલો નેતા મોટો અને જેટલી મોટી મેદની એટલો ગુરુ મોટો. તાકત તો ભીડ જ છે, પરંતુ ભીડની અંદર પણ ક્યારેક ક્યારેક વ્યક્તિ જાગી જાય છે. કોઈને ય ચોવીસ કલાક સુવડાવી રાખી શકાતો નથી. જ્યારે ક્ષણ-બે ક્ષણ માટે ટોળાંનો સભ્ય જાગી જાય ત્યારે તેને પ્રતીતિ થવી જોઈએ કે ટોળાંમાં પ્રવેશીને તેણે કોઈ ખોટો નિર્ણય લીધો નથી. જુઓ કેવા મોટા મોટા માણસો આપણા નેતાજીના કે ગુરુના વખાણ કરે છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાસે પણ ભીડ તો ઘણી મોટી છે, પરંતુ પ્રતિષ્ઠા નથી. ગઈ સદીના અને અત્યારના આદરણીય કહી શકાય એવા માણસોની એક યાદી બનાવો અને પછી તપાસી જુઓ કે એમાંના કેટલા જણ સંઘમાં હતા અથવા સંઘની પ્રવૃત્તિને વખાણીને સક્રિય સહયોગ આપતા હતા અથવા આજે આપે છે. જો નિરાંતે બેસીને યાદી બનાવશો તો દેશભરમાં ઓછામાં ઓછા એક હજાર આદરણીય માણસો મળી આવશે અને એમાંથી કેટલાએ સંઘ સાથે સંબન્ધ રાખ્યો હતો એની તપાસ કરશો તો દસ (આય રીપીટ દસ) જણ પણ એવા નહીં મળે જેમણે સંઘ સાથે સીધો કે આડકતરો સંબન્ધ રાખ્યો હોય. શું તેઓ બેવકૂફ હતા? ભક્તો કહેશે કે તેઓ બેવકૂફ હતા.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે હિન્દુ કોમવાદી રાજકારણ પણ કરવું છે અને પચરંગી ભારતમાં સત્તાનું સંસદીય રાજકારણ પણ કરવું છે. આ તંગ દોરડા પરનું નર્તન છે. જે મુસ્લિમ દેશોમાં મૂળભૂતવાદી મુસલમાનો કોમી રાજકારણ કરે છે તેઓ મોટા ભાગે સત્તાનું રાજકારણ નથી કરતા, અને જો કરે છે તો તેઓ લોકતાંત્રિક માર્ગનો ઉપયોગ નથી કરતા. આને કારણે તેમને દરેક પ્રજાના મતની જરૂર નથી પડતી. કોઈને રાજી રાખવાની અને સારા દેખાવાની જરૂર નથી પડતી. તેઓ યુવાનને પકડે છે, તેના ચિત્તમાં ઝેરનું આરોપણ કરે છે, પર્યાપ્ત પ્રમાણમાં તેની અંદર ઝનૂની સવાર થઈ જાય એ પછી તેને ભીડમાં છોડી મૂકે છે. સારા માનવતાવાદી દેખાડવાની જરૂરિયાત ન રહે એ બહુ મોટી મોકળાશ છે અને એવી મોકળાશ મુસ્લિમ મૂળભૂતવાદીઓ કે કોમવાદીઓ ધરાવે છે.
ભીડને સહારે કોમવાદી રાજકારણ તો કરી શકાય, પરંતુ પંચરંગી ભારતમાં અને એ પણ સંસદીય લોકતંત્રમાં સતાનું રાજકારણ સહેલાઈથી ન થઈ શકે. આને માટે પ્રતિષ્ટિત લોકોનો ખપ છે. તેમને આપણી વચ્ચે લઈ આવવા જોઈએ અથવા તેમના સુધી આપણે પહોંચવું જોઈએ. એને માટે ડાહી ડાહી વાતો કરવી જરૂરી છે. એવું પણ બોલો જેનાથી ભીડનો ટેમ્પો જળવાઈ રહે અને એવું પણ બોલો જેને કારણે વિચારનારા લોકો વિચારતા થાય કે ના, આ લોકો એટલા બધા ખરાબ પણ નથી. ઉપરથી પ્રતિષ્ઠિત માણસો જો કેરેક્ટર સર્ટિફિકેટ આપશે તો ભીડ રાજી રાજી થઈ જશે એટલું જ નહીં એમાં વધારો થશે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે એક પખવાડિયામાં બે આંચકા આપ્યા. પહેલો આંચકો દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં ત્રણ દિવસ માટે પ્રતિષ્ઠિત સજ્જનોને માનવતાવાદ પર ભાષણ આપીને આપ્યો અને બીજો આંચકો નાગપુરમાં દશેરાની વાર્ષિક પરેડમાં સ્વયંસેવકોને સંબોધીને આપ્યો. બન્ને ભાષા અલગ હતી. દિલ્હીના સંબોધન વખતે મેં લખ્યું હતું કે આમાં બહુ રાજી થવા જેવું નથી. અત્યાર સુધીમાં સંઘ આવા હજાર પ્રયોગ કરી ચૂક્યો છે. જી હાં, હજાર અને કદાચ તેનાથી પણ વધુ. ગામે-ગામે, સમાજે-સમાજે અને સમયે-સમયે ભાષા બદલવી એ સંઘની ફાવટ છે. એટલે મેં ત્યારે કહ્યું હતું કે ઠરાવ કરો. આગળ મેં ખ્રિસ્તી મિશનરીઓની વટાળ પ્રવૃત્તિની રણનીતિ વિષે કહ્યું છે. ક્યાંથી મળી આ જાણકારી? એ જાણકારી તેમના જ દસ્તાવેજોમાંથી મળે છે. તેમણે જે કાંઈ કહ્યું કે કર્યું એના દસ્તાવેજી પુરાવાઓ છે. જે ચર્ચા થાય એની મિનિટ્સ લખાય અને જે નિર્ણય લેવાય એનો ઠરાવ થાય. હજાર મોઢે બોલવાનું અને કોઈ લેખિત સગડ નહીં મૂકી જવાનું તેઓ નથી કરતા.
તો સમયે સમયે, જરૂરિયાત પ્રમાણે સૂર બદલવાની સંઘની દાયકાઓ જૂની પરંપરા છે. કેટલી હદે, કેટલા અંતિમે તેમણે સૂર બદલ્યો હશે તેની કલ્પના કરો જોઉં? આગળ વાંચતા પહેલાં બસ ગમ્મત ખાતર કલ્પના કરી જુઓ. કેટલે દૂર સુધી તમે જઈ શકો છો, વિચારી જુઓ.
આ રહ્યો એનો નમૂનો:
ગાંધીજીની હત્યા પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. એ પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવે એ માટે સંઘના નેતાઓએ આકાશ-પાતાળ એક કર્યા હતા. સરદાર પટેલે સંઘના નેતાઓને ત્રણ સલાહ આપી હતી. એક તો એ કે ભારતના બંધારણને સંઘ માન્ય રાખે. (ત્યારે સંઘે ભારતના બંધારણનો અને રાષ્ટ્રધ્વજનો અસ્વીકાર કર્યો હતો.) બીજી શરત એ કે સંઘ પોતાનું બંધારણ ઘડે અને સંઘનું સંચાલન પારદર્શક લોકતાંત્રિક ઢબે થાય. સંઘમાં જે ગોપનીયતાના છે તેનો અંત લાવવામાં આવે. ત્રીજી સલાહ એવી હતી કે સંઘના સ્વયંસેવકોએ કૉન્ગ્રેસમાં જોડાઈ જવું જોઈએ. સંઘના નેતાઓ કહે છે એમ સંઘ જો કોમવાદી સંગઠન ન હોય અને સાંસ્કૃિતક સંગઠન હોય તો કૉન્ગ્રેસની અંદર રહીને સ્વયંસેવકો કામ કરી શકે છે.
સંઘ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો એ પછીથી સંઘના નેતાઓ વિચારતા જ હતા કે સત્તાના રાજકારણમાં સંઘની કોઈ હાજરી હોવી જોઈએ, જે ભવિષ્યમાં પ્રતિબંધ જેવા સંકટના સમયે સંઘને મદદ કરે. એમાં સરદાર પટેલનું સૂચન આવ્યું કે સંઘના સ્વયંસેવકો કૉન્ગ્રેસમાં જોડાઈને રાષ્ટ્રનિર્માણના કામમાં લાગી જાય. કૉન્ગ્રેસની અંદર સરદાર પટેલ જેવા મોટી સંખ્યામાં હળવા હિન્દુવાદી નેતાઓ હતા જે એમ ઈચ્છતા હતા કે સંઘના સ્વયંસેવકો કોન્ગ્રેસમાં જોડાય તો સેક્યુલર ડાબેરીઓનો પ્રભાવ ખાળી શકાય. અડચણ હતી જવાહરલાલ નેહરુ, એટલે સંઘના નેતાઓને સલાહ આપવામાં આવી કે નેહરુને રાજી કરવામાં આવે.
એ પછી જવાહરલાલ નેહરુને રાજી કરવાની કસરત શરુ થાય છે. સંઘના સરસંઘચાલક ગોલવલકર ગુરુજી બે વખત જવાહરલાલ નેહરુને મળ્યા હતા. એ મુલાકાતને સંઘે તેના મુખપત્ર ‘ઑર્ગેનાઈઝર’માં મીટિંગ બિટવીન ધ સેજ એન્ડ ધ સ્ટેટ્સમેન (ઋષિ અને રાજપુરુષ વચ્ચેની મુલાકાત) તરીકે ઓળખાવી હતી. શું વખાણ કરવામાં આવ્યા છે નેહરુના. ભારતના પનોતા પુત્ર, ગાંધીજીના વારસ, ગરીબોની આંખનું નૂર, દ્રષ્ટા વગેરે. (જુઓ છઠ્ઠી સપ્ટેમ્બર ૧૯૪૯નો અંક) નેહરુના આટલાં વખાણ તો નેહરુના પ્રસંશકે પણ નહીં કર્યા હોય. એ પછીના અંકમાં કહેવામાં આવ્યું હતું કે સંઘ અને કોન્ગ્રેસની ભારત વિશેની કલ્પનામાં લગભગ સમાનતા છે. ‘ઑર્ગેનાઇઝર’ના પ્રત્યેક અંકમાં નેહરુના ભરપેટ વખાણ કરવામાં આવતા હતા.
૧૬મી નવેમ્બર ૧૯૪૯ના અંકમાં વિદેશયાત્રાએ જઈ આવેલા નેહરુ વિષે શું લખવામાં આવ્યું હતું એ જુઓ: નેહરુ ભારતનું નેતૃત્વ કરે છે અને ભારત નેહરુને પ્રેમ કરે છે. એ પછી આગળનું અવતરણ અંગ્રેજીમાં ટાંકું છું … But Bharat is not its economics and politics alone. Bharat is an integral entity with a rich control of Bharatiyata. … Today Nehru is big because he is trying to stabilise the state and strengthen the economy. But Nehru can be great only by harking back to the voice of Swami Vivekananda and of Gandhiji.’ (બે વાત નોંધી? ભારતીયતા. સંઘ ક્યારે ય ભારતીયતા શબ્દ વાપરતો નથી, હિન્દુત્વ શબ્દ જ વાપરે છે. હિન્દુત્વ એ જ ભારતીયત્વ એવું તેનું સૂત્ર છે. બીજું, નેહરુએ વિવેકાનંદની સાથે ગાંધીજીને અનુસરવા જોઈએ એવી સલાહ આપવામાં આવી હતી. નવેમ્બર ૧૯૪૯માં ૬૦ વરસના થયેલા નેહરુના ફરી એકવાર ભરપેટ વખાણ કરવામાં આવ્યા હતા.
નેહરુ વિદેશથી પાછા ફર્યા ત્યારે તેમના ધ્યાનમાં આવ્યું કે કેટલાક કોંગ્રેસીઓ સંઘના સ્વયંસેવકોને કૉન્ગ્રેસમાં પ્રવેશ આપવાની પેરવી કરી રહ્યા છે. નેહરુએ કહ્યું કે જે સંગઠને પુખ્ત મતદાનના અધિકારનો વિરોધ કર્યો હોય, સ્ત્રી અને દલિતોના સમાન દરજ્જાનો વિરોધ કરતો હોય, લઘુમતી કોમને સમાન અધિકાર આપવામાં આવે તેનો વિરોધ કરતો હોય ડૉ. આંબેડકરને કાયદા પ્રધાન બનાવાયા તેનો વિરોધ કર્યો હોય. બંધારણ અને રાષ્ટ્રધ્વજ જેને સ્વીકાર્ય ન હોય, જેને મુક્ત લોકતંત્ર અને બહુવિધતા સામે વાંધો હોય એ કૉન્ગ્રેસમાં કેવી રીતે જોડાઈ શકે?
નેહરુ ખુશામતના પ્રભાવમાં આવ્યા નહીં અને એ રીતે કૉન્ગ્રેસમાં ઘુસીને કૉન્ગ્રેસ કેપ્ચર કરવાનો દાવ નિષ્ફળ નીવડ્યો. એ પછીના અંકમાં નેહરુ મુસ્લિમ તરફી બની ગયા અને અત્યારે તો તેઓ મુસલમાનની ઔલાદ છે. અનેક પ્રકારની ગંદી ઇશારતો કરવામાં આવે છે. સંઘનો સૌથી મોટો કોઈ દુશ્મન હોય તો એ નેહરુ છે. નેહરુના કારણે દેશભરમાં પથરાયેલી લોકલાડીલી કૉન્ગ્રેસ હાથમાં આવી નહીં અને ભારતીય જન સંઘ સ્થાપીને એકડે એકથી સત્તા સુધી પહોંચવાની જહેમત કરવી પડી. જો નેહરુ વચ્ચે ન આવ્યા હોત તો ૧૯૫૦ કે ‘૬૦ના દાયકામાં જ હિન્દુરાષ્ટ્ર માટેની અનુકૂળતા બની ગઈ હોત.
અહીં આવો આ માત્ર એક જ પ્રસંગ નોંધ્યો છે. ગાંધીજી, સરદાર, જયપ્રકાશ નારાયણ, ડૉ. લોહિયા, પી.વી. નરસિંહ રાવ, વી.પી. સિંહ અને ખુદ સાવરકરબંધુઓને સુદ્ધા આવા બે અંતિમોના અનુભવ થયા છે.
સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘સન્ડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 28 અૉક્ટોબર 2018